'Miss Village' Chu Chu - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

‘મિસ વિલેજ’ ચૂં ચૂં

'Miss Village' Chu Chu

સાંકળચંદ પટેલ સાંકળચંદ પટેલ
‘મિસ વિલેજ’ ચૂં ચૂં
સાંકળચંદ પટેલ

     એક હતી ચૂં ચૂં. તે એના ગામમાં ‘મિસ વિલેજ’ બની હતી. ચોપાસ એની નામના ફેલાઈ ગઈ હતી.

     બાજુના ગામમાં એક વરણાગિયો ઉંદર રહેતો હતો. તેણે મિસ વિલેજની કીર્તિ સાંભળી હતી. તે તો ગયો મિસ વિલેજના ગામમાં, ને ઘર શોધતો-શોધતો મિસ વિલેજની પાસે પહોંચી ગયો. તેણે પોતાની ઓળખાણ આપતાં કહ્યું : “મારે રાજાના મહેલ જેવું ઘર છે, પ્રધાનજીના જેવી નોકરી છે, ને સેનાપતિના જેવો ગામમાં હું ‘મિસ્ટર ચૅમ્પિયન’ છું. તમારા હાથની માગણી કરવા માટે આવ્યો છું.”

     મિસ વિલેજને પહેલી નજરે જ વરણાગિયો ઉંદર ગમી ગયો હતો. તેણે વિચાર્યું : ખાધેપીધે સુખી છે, હેન્ડસમ છે, આપણે બીજું શું જોઈએ? તરત જ તેણે કહી દીધું : “મારે મંજૂર છે!”

     વરણાગિયા ઉંદરભાઈએ તો કૉર્ટ-મૅરેજ કરી લીધાં ને મિસ વિલેજને લઈને ઘેર આવ્યા. ઝૂંપડી જેવા ઘરમાં પ્રવેશીને માતા-પિતાને પ્રમાણ કર્યા ને પછી મિસ વિલેજ તરફ જોઈને કહ્યું : “બેસ, આ સાદડીમાં!”

     મિસ વિલેજ તો ઘરના રંગઢંગ જોઈને સમસમી રહી હતી. લાગ મળતાં તેણે ઉંદરનો કાન પકડીને પૂછ્યું : “મારા પીટ્યા! તું તો કે’તો’તો, કે મારે મહેલ જેવું ઘર છે. પ્રધાનજી જેવી નોકરી છે, ને સેનાપતિ જેવો દબદબો છે ક્યાં ગયું એ બધું?”

     “આ બધું શું છે? જો, માતા-પિતાના ઘરમાં રહું છું, એમની કમાણીમાં ખાઉં છું, ગામમાં લટાર મારું છું, ને સૌની સલામ ઝીલું છું. તુંયે કરને સલામ!”

     “સલામ કરે છે, મારી બલારાત! હું તો મારે પિયર જતી રહીશ. તમે નવું ઘર બનાવશો ત્યારે આવીશ!”

     કહીને મિસ વિલેજ પિયર જતી રહી.

     ઉંદરભાઈએ તો રાત-દિવસ મહેનત કરીને નવું ઘર બનાવી દીધું. પછી પિતાજીને મોકલ્યા મિસ વિલેજને તેડવા. જઈને તે કહે : “વહુરાણી, ચાલો, હું તમને તેડવા માટે આવ્યો છું. તમારા મિસ્ટર ચૅમ્પિયને ઘર બનાવી દીધું છે.”

     “તે કમાવા જાય છે? કોઈ નોકરી-ધંધો કરે છે?” મિસ વિલેજે પૂછ્યું.

     “ના, એ કોઈ નોકરી-ધંધો તો નથી કરતો. કમાતો પણ નથી.”

     “તો કહેજો કે એ કમાય ત્યારે હું આવીશ.”

     બિચારા ઉંદર-પિતા ઠાલામાલા ઘેર પાછા આવ્યા. એમને એકલા આવેલા જોઈને ઉંદરે પૂછ્યું : “શું થયું, પિતાજી?”

     “તું કમાય પછી જ ઉંદરડીવહુ આવશે, એવું એણે કહ્યું છે.” પિતાએ વહુનો સંદેશો પુત્રને કહી સંભળાવ્યો.

     ઉંદરભાઈ તો બીજે દિવસે એક થેલામાં જડૂબુટ્ટીઓ ભરીને નીકળી પડ્યા : “વાળની દવા... ખરતા વાળની દવાઆ..... ધોળા વાળની દવાઆ... લાંબા વાળ બનાવવાની દવાઆ… રેશમ જેવા વાળ કરવાની દવાઆ... ડેન્ડ્રફની દવા-આ-આ-આ...! સૌંદર્યની દવા… કરચલીઓની દવાઆ... ગોરા થવાની દવાઆ... જવાન દેખાવાની દવા... મોહિનીની દવા-આ-આ-આ...! ગેરંટીવાળી દવાઆ... વૈદની અદ્ભુત દવાઆ... અસર ન થાય તો પૈસા પાછાઆ...! દવા લો-ઓ-ઓ... દવા લો..!”

     ઉંદરભાઈની દવા ધૂમ ચાલવા લાગી.

     એક તો ઉંદરભાઈનો વરણાગિયો દેખાવ, બોલવાની અનોખી છટા, અદ્ભુત અદાકારી અને ધોધમાર પ્રચારકાર્યથી, એમની દવાનું વેચાણ પુરજોશમાં ચાલી રહ્યું હતું. ઘરમાં ટંકશાળ આવી ગઈ હતી.

     આ બધું સાંભળીને મિસ વિલેજ પિયરમાં ઊંચી-નીચી થઈ રહ્યાં હતાં, અને ઝાડની ટોચે ચડીને જોતાં હતાં : “કેમ કોઈ તેડવા આવતું નથી?”

     એક દિવસ ઉંદરની માતાએ જ કહ્યું : “બેટા, હવા બહુ લાંબું ખેંચવું સારું નહિ, તું કહેતો હોય તો હું તારી વહુને તેડી આવું!”

     અંદરથી વરણાગિયા ઉંદરભાઈની ઇચ્છા તો હતી, કે જલદીથી મિસ વિલેજ આવે તો સારું. પરંતુ માતાના આજ્ઞાધારી પુત્રની જેમ તેણે કહ્યું : “બા, જેવી તમારી મરજી!”

     વાજતે-ગાજતે મિસ વિલેજનું સ્વાગત થયું. બધાં હવે નવા ઘરમાં આનંદથી રહે છે, મોજ કરે છે, ને ધમધોકાર ધંધો ચલાવે છે.

     હા, સાંભળો! એક વાત તો કહેવાની રહી ગઈ.

     વરણાગિયા ઉંદરભાઈએ, પોતાના ધંધાની જાહેરાતમાં, લાંબા, કાળા, રેશમિયા, કાંસકો સરકી જાય એવા કેશવાળી અને કુંકુમઢ્યા ગાલવાળી ‘મિસ વિલેજ’ને લીધી છે, ત્યારથી એમનો ધંધો બમણો, ત્રમણો નહિ.... શતગણો વધી ગયો.

સ્રોત

  • પુસ્તક : સાંકળચંદ પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014