રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોટીલડી ઝરણાની જેમ ખેલતી-કૂદતી શાળામાંથી ઘેર આવી. દફ્તર ટેબલ પર મૂકીને મમ્મી પાસે આવી ગઈ : “મમ્મી, મમ્મી! એક વાત કહું?”
“કહે.”
“અમારી શાળામાં એક વિદ્યાર્થી ભણે છે. એનું નામ તિલક.”
“હા, તે એવા તો ઘણા વિદ્યાર્થી ભણતા હશે.”
“એવું નહિ મમ્મી! તિલક બધાંથી જુદો છે.”
“જુદો કેવી રીતે?”
“અમારા આચાર્યસાહેબે એને ખુરશીમાં બેસાડ્યો, પ્રાર્થનામાં.”
“કેમ?”
“અને ગામના સરપંચે એને તિલક કરીને ઇનામ આપ્યું.”
“ઇનામ?”
“હા મમ્મી, તિલક અપંગ છે! પગે ઘસડાઈને ચાલે છે! એ પહેલાં નંબરે પાસ થાય છે!”
“વાહ! આ તો નવાઈની અને આનંદની વાત કહેવાય!”
“મમ્મી! અમારા આચાર્યસાહેબે કહ્યું હતું – તિલક ત્રણ વર્ષની ઉંમર સુધી તો સારો હતો. ચાલતો-દોડતો હતો. એવામાં એને સખત તાવ આવ્યો ને એને પોલિયો થઈ ગયો. મમ્મી! પોલિયો એટલે શું થાય?”
“જો ટીલડી! પોલિયો એક રોગ છે. બચપણમાં એ થાય છે. કોઈ રોગના કારણથી મગજની નસ પર અસર થાય છે, એથી પોલિયો થઈ જાય છે. પરંતુ હવે પોલિયેનાં ટીપાં પિવડાવવાથી એ રોગ થતો નથી.”
“મમ્મી! અમારા સાહેબે બીજું શું કહ્યું હતું, તે કહું?”
“હા-હા કહે!”
“સાહેબે કહ્યું કે તિલકને પહેલાં બીજી શાળામાં ભણવા માટે મૂક્યો હતો. ત્યાં બાળકો એને ખિજાવતાં હતાં. શિક્ષકો પણ બાળકોને વાળતા નહોતા. એટલે બાળકો વધુ ને વધુ ખિજાવતાં હતાં. તિલકને જોઈને કહે :
ચાર પગાળું પ્રાણી આવે,
મગર જેવું પ્રાણી આવે,
ઊંધું ઘાલીને એ ચાલે,
જાણે ભૂંડભાઈ મ્હાલે.
પછી તિલકે ભણવા જવાનું બંધ કર્યું. એની માતાએ તેને ખૂબ સમજાવ્યો. માંડમાંડ તે અમારી શાળામાં આવવા રાજી થયો.”
“ટીલડી! તેં અષ્ટાવક્રનું નામ સાંભળેલું છે તેનાં આઠેય અંગ વાંકાં હતાં. પણ તે બહુ બુદ્ધિમાન હતો. સભાઓમાં મોટા-મોટા વિદ્વાનોને પણ તે હરાવતો હતો. તેણે લખેલ અષ્ટાવક્રગીતા પ્રસિદ્ધ છે.”
“મમ્મી! અમારી શાળામાં પેલી શાળા જેવું વાતાવરણ નથી. કોઈને શરીરની ખોડ હોય, તો તેના પર હસવાનું નહિ, મજાક કરવાની નહિ અને તેને ખિજાવવાનું પણ નહિ. તિલકને આવું વાતાવરણ ગમી ગયું, અને તે શાંતિથી ભણવા લાગ્યો. છેલ્લા ત્રણ વર્ષથી તે પ્રથમ નંબરે આવે છે. ઇતર પ્રવૃત્તિઓમાં પણ તેનો નંબર હોય છે.”
“હા, પછી તારા સાહેબે બીજું શું કહ્યું. તિલકના જીવન વિશે?”
“સાહેબે કહ્યું કે તિલક આપણી શાળાનું ગૌરવ છે. તે આપણી શાળાનું નામ ઉજ્જ્વળ કરશે, એનો મને ભરોસો છે. આપણે પણ તેને મદદરૂપ થવાનું છે....!”
“કેવી રીતે?” સરપંચે વચમાં પૂછ્યું હતું.
“આપણે તિલકને કૃત્રિમ પગ (પોલિયો કેલિપર) લાવી આપીશું તેનાથછી એ ચાલી શકશે. હવે પોલિયોના દરદીઓ માટે કેલિપર મળે છે. એ થોડા મોંઘા છે, પર સહકારથી એ કામ પણ થઈ જશે....”
“ટીલડી!” વચ્ચેથી એને અટકાવીને મમ્મીએ કહ્યું ટીલડી તું એક કામ કર. તારા સરને કહેજે કે કેલિપરનું ખર્ચ હું આપીશ. તિલકને પોલિયો કેલિપર લાવી આપો. મારી મમ્મીએ હા પાડી છે.”
ટીલડી ખુશખુશાલ થઈને ઊછળવા લાગી :
“મારી મમ્મી મહાન રે લોલ!
જનનીની જોડ ન મળે રે લોલ!”
સ્રોત
- પુસ્તક : સાંકળચંદ પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 84)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014