Machhalionu Gaam - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

માછલીઓનું ગામ

Machhalionu Gaam

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
માછલીઓનું ગામ
ઉદયન ઠક્કર

    દરિયાને તળિયે એક માછલીઓનું ગામ હતું. એ ગામમાં જે રહે એને બે મોટા ફાયદા થાય : એક તો પૈસા ભરને કોઈ સ્વિમિંગ પુલમાં મેમ્બર થવાની જરૂર નહિ... ચારે બાજુ પાણી જ પાણી. મને ફાવે ત્યાં તરવાનું, તદ્દન મફત. બીજો ફાયદો એ કે તરસ લાગે ત્યારે ગ્લાસ પણ નહિ શોધવાનો ને માટલું પણ નહિ શોધવાનું. ફક્ત મોઢું ખોલવાનું. પાણી પોતાની મેળે પેટમાં પહોંચી જાય. પણ, માછલીઓના ગામમાં બે મોટાં દુઃખ એક તો પતંગ ચગાવવા મળે નહિ. પતંગનો તો પાણીમાં લોંદો જ વળી જાય ને! વળી પવન ન વાય એટલે ચગે પણ કેમ? બીજું દુઃખ એ, કે મોઢેથી વ્હીસલ ન વગાડાય. ગાલમાંથી ગમે તેટલી ફૂંક મારો પણ સિસોટીનો અવાજ નીકળે જ નહિ.

    આવા ગામમાં ઠંડક નામની એક હસતી-ગાતી માછલી રહેતી હતી. શિયાળાના દિવસો પાસે આવ્યા ત્યારે દરિયાનું પાણી ઠંડું થવા લાગ્યું. માછલીઓ ખંજરીની જેમ ધ્રૂજવા લાગી. ઠંડીમાં તેમના દાંત મંજીરાંની જેમ ખટખટવા લાગ્યા. એક માછલી કહેવા લાગી, “ક... ક.... ક.... કોઈની પાસે સ્વે... સ્વેટર છે કે? ટ... ટ.... ટાઢ વાય છે....” બીજી માછલીએ કહ્યું, “આપણે એક હીટર બનાવવું જોઈએ, એટલે દરિયાનું પાણી ગરમાગરમ રહે.” માથું ખંજવાળતાં ત્રીજીએ સૂચન કર્યું. “હીટર તો કોણ જાણે ક્યારે બને... એના કરતાં લાકડાં સળગાવીને તાપણું કરો તાપણું, અને એની પાસે બેસીને ગરમી લ્યો.” આ સાંભળીને બધી માછલીઓ હસી-હસીને આળોટી પડી. ભઈ, દરિયાને તળિયે તે કંઈ તાપણું સળગાવાય?

    ઠંડકના દાદાનું નામ આગેકૂચ. એમણે કહ્યું, “દોસ્તારો, ગભરાઓ નહીં. અહીંથી સો માઈલ દૂર એક ગામ છે. કડકડતી ઠંડીના દિવસોમાં પણ ત્યાંનું પાણી  હૂંફાળું ને ગરમ રહે છે. એ ગામનો મુખી ભલાભાઈ મારો બચપણનો દોસ્ત છે. આપણે બધાં બે મહિના માટે એ ગામે રહેવા જઈએ.”

    માછલીઓમાં બૂમાબૂમ થઈ ગઈ.

    “વંડરફુલ, વંડરફુલ!”

    “નવું ગામ જોવા મળશે, પિકનિક થઈ જશે, યાર...” જોકે, સો માઈલ તરવાની વાત સાંભળીને અમુક ઘરડી માછલીઓ બેબાકળી થઈ ગઈ અને પોકારવા લાગી,

“પાણીએ પાણીએ શોર હૈ,
આગેકૂચ ચોર હૈ!”

    પણ આખરે, આગેકૂચની સરદારી નીચે, બધાં માછલાં નવે ગામ પહોંચ્યાં. નવા ગામનો મુખી ભલાભાઈ તો ઠંડકના દાદાને ભેટી જ પડ્યો. “એલા આગેકૂચ, તું તો હાવ ડોહો થઈ ગયો, ડોહો! આ જો, હું તો પહેલાં જેવો જ હટ્ટોકટ્ટો છું. આટલાં વરસ તું ક્યાં ગુલ થઈ ગયેલો, હેં?”

    રાત્રે એક મિજબાની ગોઠવાઈ, ને એમાં થાકેલા મહેમાનોને સુંવાળી શેવાળ અને સ્વાદિષ્ટ સાપોલિયાનું ભાવતું ભોજન પીરસાયું.

    બીજે દિવસે સાઇટ-સીંઈંગનો કાર્યક્રમ રખાયો. નવા ગામનાં જોવાલાયક સ્થળોએ બધાંએ ફરવાનું હતું. એને માટે બે કાચબાઓને ભાડે રાખ્યા હતા. બધી માછલીઓ કાચબાની ઢાલ ઉપર ગોઠવાઈ ગઈ એટલે કાચબાઓ સ્ટાર્ટ થયા.

    ઘણી જગ્યાઓ જોઈ. પરવાળાના રાતા ખડક જોયા. ગરમ અને ઠંડા પ્રવાહો મળે છે એ સંગમસ્થાનનાં દર્શન કર્યાં. દૂરથી ડરી ડરીને દરિયાઈ સાપોનું ગામ જોયું; પણ, કાચબાઓ જ્યારે એક તૂટી પડેલા જહાજના ભંગાર પાસે લઈ આવ્યા, ત્યારે ઠંડક અને દોસ્તારોને સૌથી વધારે મજા પડી ગઈ. કાટમાળની વચ્ચે સોનામહોરોના ઢગલા હતા. ચાંદીની પેટીઓ હતી. કટાયેલી તલવારો હતી. ચળકતા હીરા-મોતીના હાર હતા.

    ફરવાનો કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધીમાં તો કાચબા અને નાનકડી ઠંડક વચ્ચે દોસ્તી જામી ગયેલી. કાચબાએ ઠંડકને ધીમેથી કહ્યું, “કોઈએ પણ નહિ જોઈ હોય, એની ચીજ જોવી છે? તો રાત્રે તૈયાર રહેજે.”

    શું જોવાનું હશે? ઠંડક તો રાત્રે ઊંઘી જ નહિ શકી. આગેકૂચ અને બીજાં બધાં ઊંઘી ગયાં ત્યારે કાચબો આવ્યો. ઠંડકને સાથે લઈને એ ઉપરની તરફ તરવા લાગ્યો. “દરિયાની બહાર શું હોય છે તે તને ખબર છે?” કાચબાએ પૂછ્યું.

    ઠંડક બોલી, “દરિયો એટલે શું?”

    “આપણે જે પાણીમાં રહીએ છીએ, તે દરિયો. પણ એની બહાર શું હોય છે તે આજે તને બતાવું.” એમ કહીને કાચબો એકદમ સપાટી પર આવી ગયો.

    ઠંડકે પાણીની બહાર ડોકિયું કર્યું. ન કર્યું, ને તે સ્તબ્ધ બની ગઈ. ખૂબ ખૂબ ઊંચે આકાશ હતું. એક-બે વાદળ દેખાતાં હતાં. થાળી આકારનો ચાંદો સોનેરી-સોનેરી લાગતો હતો. ભૂરા-પીળા તારાઓ ઠેર ઠેર ચમકતા હતા. ડૂબેલી આગબોટનો જે ખજાનો સવારે જોયો હતો, તેવા હજારો ખજાના વેરાઈને પડ્યા હોય એવું દેખાતું હતું. ઠંડકને શરીરે આનંદની ધ્રુજારી પસાર થઈ ગઈ.

    થોડી વારમાં કાચબાએ ઠંડકને પાછી પાણી નીચે ખેંચી લીધી. “કાચબાદાદા, કાચબાદાદા, આ બધું શું હતું? મને તો કંઈ સમજ પડતી નથી...” ઠંડક કહેવા લાગી. “દીકરી, એ ચાંદો અને તારા હતા.”

    “કેટલા સુંદર હતા એ, કાચબાદાદા. આખી જિંદગીમાં મેં તો આવી અદ્ભુત વસ્તુઓ કદી જોઈ નથી. પાછા પાણીની બહાર ચાલો, દાદા. આપણે ચાંદા-તારાની પાસે જ રહી જઈએ.”

    કાચબો હસીને બોલ્યો, “બેટા ઠંડક, તું પાણીની બહાર ચાંદા-તારાની પાસે રહેવા જાય ને, શ્વાસ જ નહિ લઈ શકે. આપણે તો દરિયાની અંદર જ રહેવાનું. હા, મહિને-બે મહિને વળી એકાદ વાર ઉપર આવવાનું, ને સપના જેવા સુંદર મજાના ચાંદા-તારાને જોઈ જવાના.”

    આટલું કહીને ભલો કાચબો ઠંડકને ગામમાં પાછો લઈ ગયો. બીજી માછલીઓની સાથે એને વહાલથી સુવડાવી. અબરખનો તકિયો ને રેતીની પોચીપોચી પથારી.

    ગુડ નાઇટ.

સ્રોત

  • પુસ્તક : ઉદયન ઠક્કરની મનપસંદ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : સાંકળચંદ પટેલ
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012