Raman Rotli - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રમણ રોટલી

Raman Rotli

સાંકળચંદ પટેલ સાંકળચંદ પટેલ
રમણ રોટલી
સાંકળચંદ પટેલ

     પ્રેમનગર નામના એક ગામમાં એક તોફાની છોકરો રહેતો હતો. એનું નામ રમણ રોટલી. એ પંદર વર્ષનો હતો. એના પિતા એને પાંચ વરસનો મૂકીને મરી ગયા હતા. એની મા એને મોટો કરતી હતી. ખાસ કરીને એવું બને છે કે બાપ વગરનાં બાળકો અવળે માર્ગે ચઢી જાય છે. રમણ રોટલીનું પણ એવું જ થયું હતું. ખરાબ છોકરાઓની સોબતે એ ચઢી ગયો હતો.

     સાત વર્ષનો એ થયો ત્યારે એની માએ નિશાળમાં ભણવા મૂક્યો. એ ભણતો નહિ અને આખો દિવસ મનમાં કાંઈ ને કાંઈ તુક્કા શોધ્યા કરતો. દરરોજ એની ફરિયાદ આવ્યા કરતી હતી. રોજ તે એકાદ છોકરાને મારતો ત્યારે એને શાંતિ થતી. એક દિવસે શિક્ષકે એની માને બોલાવીને કહી દીધું : “તમારો છોકરો ભણીને કાંઈ દી વાળવાનો નથી. નકામો ખર્ચ કરશો નહિ. જલદીથી ક્યાંક નોકરીએ વળગાડી દો, તો બે પૈસા કમાતો થાય!”

     રમણ રોટલીની મા કરગરી પડી : “માસ્તર સાહેબ, એ કાંક બે ચોપડીઓ ભણે ને સુધરે તો એ ક્યાંક ઠેકાણે પડે! સાહેબ, અને ધમકાવીને તમે સુધારશો તો ભગવાન તમારું ભલું કરશે. મારું તો કહ્યું માનતો જ નથી!”

     માસ્તરને રમણ રોટલીની માની દયા આવી. તેમણે રમણ રોટલીની માને દિલાસો આપતાં કહ્યું : “જાઓ, અમારાથી બનશે એટલો બધો પ્રયત્ન અમે એને સુધારવા કરીશું. પછી તો ભગવાનની મરજી!”

     રમણ રોટલીની બા ઘેર આવી.

     એ પછી રમણ રોટલીને સુધારવા માસ્તરોએ અનેક પ્રયત્નો કર્યા, પરંતુ કાંઈ ફેર પડ્યો નહિ. દિવસે-દિવસે રમણ રોટલીનાં તોફાનો વધતાં જ ગયાં. એણે પોતાના જેવા ‘રખડું’ છોકરાઓની એક ટોળકી બનાવી દીધી હતી, એ બધા બીડીઓ પીતા, ચોરીઓ કરતા, નબળાઓને હેરાન કરતા અને બીજાઓનું નુકસાન કરતા હતા.

     એકાએક રમણ રોટલીએ અભ્યાસ છોડી દીધો. એની સાથે એના કેટલાક ભાઈબંધો પણ ઊઠી ગયા. હવે આખો દિવસ તે ગામમાં બેકાર રખડ્યા કરતો. એની માને તો ગણકારતો જ નહિ. બિચારી કેટલી મોટી આશાઓથી એને ઉછેરી રહી હતી! જ્યારે એને તો માની કાંઈ પડી જ નહોતી!

     એક વાર એ ક્યાંથી સો રૂપિયા ચોરી કરીને લાવ્યો અને માને આપતાં કહ્યું : “લે, બા હવે તું સારુંસારું ખાવાનું બનાવ! અને સારાંસારાં કપડાં મંગાવ હવે હું તને પૈસા લાવી આપીશ, તારે ચિંતા કરવાની રહેશે નહિ!”

     એની મા તો એ સો રૂપિયાની નોટો તરફ જોઈ જ રહી, જોઈ જ રહી! પછી ગુસ્સે થઈને બોલી : “તું આ પૈસા લાવ્યો ક્યાંથી બોલ, કામધંધા વગર તું પૈસા લાવ્યો ક્યાંથી! જલદી બોલ, નહિ તો તારાં હાડકાં ખોખરાં કરી નાખીશ!”

     રમણ રોટલી તો ડઘાઈ જ ગયો. એણે તો ધાર્યું હતું કે પૈસા જોઈને મા ખુશ થઈ જશે અને તેને શાબાશી આપશે, પરંતુ અહીં તો એથી ઊલટું જ બન્યું. હજુ એની મા ગુસ્સામાં જ બોલ્યે જતી હતી : “હરામી! તું આવા ધંધા ક્યાંથી શીખ્યો છે? કોના છે, આ પૈસા બોલ? જા જઈને આપી આવ, જેના હોય તેને; નહિ તો ઘરમાં પગ પણ મૂકવા નહિ દઉં!”

     રમણ રોટલીએ ચૂપચાપ પૈસા ઉપાડી લીધા અને ઘરની બહાર નીકળી ગયો. પૈસા પાછા આપવા એ ગયો નહિ, આખો દિવસ ઘેર પણ એ આવ્યો નહિ, અને બીજે દિવસે એ મુંબઈ જતો રહ્યો.

     મુંબઈમાં એક મોટા શેઠ રહેતા હતા. એમનું નામ ધરમચંદ. નામ પ્રમાણે એ ધર્મી અને ભલા શેઠ હતા. એમને ત્યાં ઘણા નોકરો કામ કરતા હતા. શેઠ નોકરો પ્રત્યે પુત્ર જેટલો જ પ્રેમ રાખતા હતા. કદી કોઈને તુચ્છાકારથી બોલાવતા નહિ, કદી કોઈને ધમકાવતા નહિ.

     રમણ રોટલીએ મુંબઈમાં આવી ઘણી જગ્યાએ નોકરી મેળવવા ફાંફાં માર્યાં. પરંતુ ઓળખાણ વગર કોઈએ નોકરી આપવાની ઇચ્છા બતાવી નહિ. છેવટે ફરતોફરતો તે ધરમચંદ શેઠની પેઢી પર આવ્યો. શેઠ ગાદી પર બેઠા હતા. રમણ રોટલીએ શેઠને નમસ્કાર કર્યા. શેઠે સામા નમસ્કાર કર્યા.

     “શેઠજી! હું ગામડેથી આવું છું. મારે નોકરીની જરૂર છે, આપને ત્યાં મળી શકશે?”

     શેઠ પળેક એની તરફ જોઈ રહ્યા, પછી બોલ્યા : “જો ભાઈ! નોકરી તો હું તને આપું પણ અમારે તો પ્રામાણિક અને વિશ્વાસુ માણસોની જરૂર છે. તું એ રીતે રહેવા ઇચ્છતો હોય તો આવી જા.”

     રમણ રોટલીએ શેઠની શરત પ્રમાણે રહેવાની હા પાડી, શેઠે તેને નોકરીએ રાખી લીધો.

     શેઠ દર વર્ષે એક વખત પોતાના નોકરોની પ્રામાણિકતા તપાસવા એક કીમિયો કરતા હતા.

     શેઠની પાસે એક વીંટી હતી. વીંટીમાં દશ હજાર રૂપિયાનું નંગ જડાવેલું હતું. વીંટી ખૂબ કીમતી હતી અને શેઠને એ વીંટી ખૂબ ગમતી હતી.

     શેઠે એવી જ એક બીજી વીંટી બનાવડાવી હતી, પણ એ બનાવટી હતી. મામૂલી કિંમતની. એનાં રૂપ, રંગ, આકાર બધું જ પેલી સાચી વીંટી જેવાં. શેઠની પેલી સાચી વીંટીને બધા નોકરો ઓળખતા હતા. એની કિંમતની પણ ખબર હતી. બનાવટી વીંટીની કોઈને ખબર નહોતી.

     આ વખતે શેઠે પેલી સાચી વીંટી ઘરમાં મૂકી દીધી અને પેલી બનાવટી વીંટી દુકાનમાં એક એવી જગ્યાએ મૂકી કે જ્યાં નોકરોનું ધ્યાન ખેંચાય.

     શેઠની પેઢીમાં  સો જેટલા નોકરો પોતપોતાના સમયે આવતા અને જતા. પેઢીમાં કોઈ વસ્તુ ચોરાઈ જાય તો એમાંથી કોણ લઈ ગયું છે એ શોધવું ઘણું અઘરું હતું.

     સવારમાં રમણ રોટલીએ પેઢીમાં સફાઈ કરવા માંડી. એક ખૂણામાંથી એને એક ચળકતી વસ્તુ મળી. એણે ધારીને જોયું. શેઠની પેલી કીમતી વીંટી હતી! દસ હજાર રૂપિયાની! વીંટી લઈને એણે ખિસ્સામાં મૂકી દીધી.

     શેઠ હજુ આવ્યા નહોતા. હવે રમણ રોટલી પહેલાંનો રમણ રોટલી રહ્યો નહોતો.

     ત્યાં શેઠ ગાદીએ આવીને બેઠા. દરરોજના જેટલી જ સ્વસ્થતાથી તેઓ પોતાનું કામ કરવા લાગ્યા. દરેક નોકરને તે જુદું-જુદું કામ સોંપી રહ્યા હતા. રમણ રોટલી પેઢીમાં જ કામ કરતો હતો. બધા નોકરો ગયા એટલે રમણ રોટલી શેઠની પાસે આવ્યો. આવીને તેણે શેઠને નમસ્કાર કર્યા.

     “કેમ રમણ રોટલી! હવે ફાવી ગયું છે ને?”

     “હા જી!” રમણ રોટલીએ કહ્યું અને ખિસ્સામાંથી વીંટી કાઢીને સામે ધરી બોલ્યો : “શેઠજી! પેઢીની સફાઈ કરતાં મને આ વીંટી જડી છે!”

     શેઠે રમણ રોટલીની સામે જોઈ ને, હસીને વીંટી લઈ લીધી. રમણ રોટલી પોતાને કામે વળગી ગયો.

     આજે નવા વર્ષનો પ્રથમ દિવસ હતો.

     દિવાળી પછી નવા વર્ષના દિવસે ધરમચંદ શેઠ પોતાના દરેક નોકરને મીઠાઈનું પડીકું અને બોનસ વહેંચતા હતા. બોનસ પગારના પ્રમાણમાં આપવામાં આવતું નહિ, પરંતુ આખા વર્ષની કામગીરી અને પ્રામાણિકતા ઉપર આપવામાં આવતું હતું. આખું વર્ષ જેણે નિષ્ઠાપૂર્વક અને વફાદારીપૂર્વક કામ કર્યું હોય તેને વધુ બોનસ અપાતું.

     આજે નવા વર્ષનો પ્રથમ દિવસ હતો તેથી બધા નોકરો બોનસ લેવા હાજર રહ્યા હતા. શેઠે દરેકના નામનું પડીકું તૈયાર કરાવી રાખ્યું હતું. જેનું નામ બોલાય તે પોતાનું પડીકું લઈ શેઠને નમસ્કાર કરી વિદાય થતો હતો. સૌથી છેલ્લો નંબર રમણ રોટલીનો હતો. પોતાનું પડીકું લઈ શેઠને નમન કરી તે ઘેર ગયો. ઘેર જઈ પડીકું ખોલીને તેણે જોયું તો દસ હજાર રૂપિયા હતા. રમણ રોટલી તો ખુશ ખુશ થઈ ગયો : “ઓહ ભગવાન! પ્રામાણિકતાનો કેવડો મોટો બદલો મળે છે!”

     દિવાળી પછી રમણ રોટલી પોતાને ગામ ગયો. ઘેર આવી તે માતાનાં ચરણોમાં નમી પડ્યો. માને દસ હજાર રૂપિયાની નોટો આપીને તેણે કહ્યું : “મા લે, આ મારી પ્રામાણિકતાનો બદલો છે!”

     મા તેની સામે ટગર-ટગર જોઈ રહી.

     “મા, તને વિશ્વાસ નથી આવતો?” રમણ રોટલીએ આજ સુધી બનેલી બધી હકીકત માને કહી સંભળાવી. પછી ઉમેર્યું : મા, હવે હું પ્રામાણિકતાથી જીવવા માંગું છું!”

     પુત્રમાં થયેલું પરિવર્તન જોઈ મા તો ખુશ-ખુશ થઈ ગઈ. તે વહાલથી પુત્રને માથે હાથ ફેરવવા લાગી.

સ્રોત

  • પુસ્તક : સાંકળચંદ પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014