
એક હતા ઉંદરભાઈ. એક વખત એમને પૈસો જડ્યો. ઉંદરભાઈએ વિચાર્યું, આ પૈસાનું કરશું શું? જો ખાવાનું લઈશું તો પૈસો જતો રહેશે ને ખાવાનું ખવાઈ જશે. એના કરતાં પૈસાનું કાંઈક એવું લેવું કે જે સદાય આપણી પાસે ને પાસે જ રહે.
ઉંદરભાઈ વિચાર કરતા ઊભા હતા એવામાં એમની પાસે થઈને રાજાની સવારી નીકળી. સોનાના રથમાં રાજા સાહેબ બેઠા છે. માથે મુગટ છે, કેડે તલવાર લટકે છે. આગળ છડીદારો છડી પુકારે છે. ઉંદરભાઈને થયું, આ પૈસામાં રાજા થવાય? જો રાજા થવાય તો તો આપણું કામ થઈ જાય.
પણ રાજા કેવી રીતે થવાય? ઉંદરભાઈ વિચારવા લાગ્યા. વિચારતાં વિચારતાં ઉંદરભાઈએ નક્કી કર્યું કે પૈસાની ત્રણ પાઈઓ કરાવી એક પાઈનો કરાવવો રાજા જેવો મુગટ, બીજી પાઈની ઘડાવવી રાજા જેવી તલવાર, અને ત્રીજી પાઈનો લેવો રાજા જેવો રથ; પછી એ રથમાં બેસી, રાજા પાસે જઈ કરવી લડાઈ અને લેવું રાજ.
એમ નક્કી કરી ઉંદરભાઈ તો ગયા વાણિયા પાસે,અને પૈસાને બદલે ત્રણ પાઈ લીધી અને પૈસાની ત્રણ પાઈ લઈ ઊપડ્યા સોનીને ઘેર, જઈ કહે, “સોની, સોની લે આ પાઈ અને બનાવી દે મુગટ.”
સોની કહે, “ઉંદરભાઈ, ઉંદરભાઈ, મુગટને શું કરશો?”
ઉંદર બોલ્યો, “શું કરશો શું?
“એક પાઈનો હું મુગટ લૈશ
બીજીની તલવાર લૈશ
ત્રીજી પાઈનો રથ લૈશ”
સોની કહે, “પછી?”
“એ રથમાં હું બેસી જૈશ
રાજા સામે લડવા જૈશ
રાજાજીનું રાજ લૈશ.”
સોની કહે, “એમ! તો તો ચાલો તમને જલદી જલદી મુગટ ઘડી દઉં.” એમ કહી સોનીએ તુરતા-તુરત મુગટ બનાવ્યો અને ઉંદરભાઈને આપ્યો. ઉંદરભાઈ તો મુગટ પહેરી ઊપડ્યા લુહારના ઘર તરફ. લુહારને ઘેર જઈ કહે, “લુહાર લુહાર, લે આ પાઈ અને ઘડી દે તલવાર.” લુહાર કહે, “અરે ઉંદરભાઈ, તલવાર ઘડાવીને શું કરશો?”
ઉંદર કહે, “શું કરશો શું, જોતો નથી?
“એક પાઈનો આ મુગટ પહેર્યૉ
બીજીની તલવાર લૈશ
ત્રીજી પાઈનો રથ લૈશ.”
લુહાર કહે, “પછી?”
“એ રથમાં હું બેસી જૈશ
રાજા સામે લડવા જૈશ
રાજાજીનું રાજ લૈશ.”
લુહાર કહે, “એમ! તો તો લો તમને જલદી જલદી તલવાર ઘડી દઉં.” એમ બોલી લુહારે તો તુરતાતુરત ઉંદરભાઈને તલવાર ઘડી દીધી ને ઉંદરભાઈ તો કેડે તલવાર લટકાવી ઊપડ્યા સુથારના ઘર તરફ. સુથારને ઘેર જઈ ઉંદરભાઈ તો કહે, “સુથાર, સુથાર, લે પાઈ અને બનાવી દે રથ.”
સુથાર કહે, “ઉંદરભાઈ, ઉંદરભાઈ, રથને શું કરશો?”
ઉંદર કહે, “શું કરશો શું, જોતો નથી?
“એક પાઈનો આ મુગટ પહેર્યો
બીજીની તલવાર લીધી
ત્રીજી પાઈનો રથ લૈશ.”
સુથાર કહે “પછી?”
“એ રથમાં હું બેસી જૈશ
રાજા સામે લડવા જૈશ
રાજાજીનું રાજ લૈશ.”
સુથાર કહે, “ઓહો, એમ છે! તો તો ઉંદરભાઈ રથ કરતાં મને વાર થશે, એના કરતાં મારો આ તૈયાર જ રથ લેતા જાવ.” એમ બોલી સુથારે પોતાનો તૈયાર રથ ઉંદરભાઈને આપ્યો અને ઉંદરભાઈ તો રથમાં બેસી ઊપડ્યા રાજાના મહેલ તરફ.
રૂમઝૂમ રૂમઝૂમ રથના ઘઘૂરા વાગે છે અને ઉંદરભાઈ તો જાય છે. એવામાં રાજાની કચેરીનો ચોક આવ્યો. ચોકમાં ઉંદરભાઈને એક કૂકડો મળ્યો. કૂકડે ઉંદરભાઈને પૂછ્યું : “ઉંદરભાઈ, ઉંદરભાઈ, ક્યાં ચાલ્યા?”
ઉંદર કહે, “જોતો નથી?
“એક પાઈનો આ મુગટ પહેર્યો
બીજીની તલવાર લીધી
ત્રીજી પાઈનો રથ લીધો
એ રથમાં હું બેસી જાઉં
રાજા સામે લડવા જાઉં
રાજાજીનું રાજ લઉં.”
કૂકડો કહે, “ઉંદરભાઈ, તો તો ચાલો, ભેગો હું ય આવું. તમારી સાથે રહીશ અને છડી પોકારીશ.”
ઉંદર કહે, “ભલે.”
કૂકડો તો રથમાં બેસી ગયો અને રાજાની કચેરી આવી એટલે રથમાંથી ઊતરી છડી પુકારી :
“ઉંદર રાણા આવે છે
રાજાજીને કહાવે છે
વગડાવજો વાજાં
તૈયાર થાવ રાજા.”
છડી સાંભળતાંની સાથે જ રાજાએ સિપાઈને હુક્મ કર્યો : “સિપઈ, જાવ, બહાર તપાસ કરો, શું છે?”
સિપાઈ બહાર આવી તપાસ કરે છે પહેલાં તો ઉંદર રથમાંથી કૂદકો લગાવતાંકને દરવાજાની વચ્ચોવચ્ચ આવ્યો અને બોલ્યો :
“આવ લડવા! આવ લડવા!
રાજા લડવા આવ!
મેદાનમાં હું બહાર પડ્યો છું
સેના તારી લાવ!
થોભીશ ના! થોભીશ ના!
થોભીશ ના પળવાર
આ જોઈ ના! તેં જોઈ ના!
કેવી મારી તલવાર!”
નાનો એવો રથ. નાની એવી તલવાર. નાનો એવો મુગટ. રાજાએ જોયું ઉંદરભાઈ આવ્યા છે તો બની ઠનીને, તો ભલે ઘડી વાર રાજગાદીએ બેસે ને લહાવો લે.
“ઉંદરરાણા, ઉંદરરાણા, બેસો રાજગાદીએ, હું તો આ ચાલ્યો.” એમ બોલી રાજાજી મહેલની અંદર ગયા અને ઇશારાથી સિપાઈને બોલાવી પાળેલી બિલાડી લઈ આવવા હુક્મ કર્યો.
ઉંદરભાઈ તો એક કૂદકો મારતાંકને રાજસિંહાસન પર ચડી ગયા અને કૂકડાને છડી પુકારવાનો હુક્મ કર્યો. કૂકડે છડી પુકારી :
“છોડો, છોડો, લોકો તમે છોડો કામકાજ;
કરો લીલાલહેર, હવે ઉંદરજીનું રાજ.”
કૂકડાની છડી સાંભળી ઉંદરભાઈ તો મૂછોમાં મલકાવા લાગ્યા. એવામાં સિપાઈએ આવી પાળેલી બિલાડી રાજાના હાથમાં મૂકી અને રાજાજીએ ધીરે રહીને એને સિંહાસન તરફ છોડી મૂકી. બિલાડી તો મિયાંઉં કરતી સિંહાસન તરફ આવી.
મિયાંઉંનો અવાજ સાંભળી ઉંદર બોલ્યો, “અરે કૂકડા, તપાસ કર મિયાંઉં કોણ કરે છે?”
કૂકડો તપાસ કરવા સિંહાસન પાછળ ગયો, પણ ત્યાં તો બીજી બાજુથી આગળ આવી મિયાંઉં કરી બિલાડી ઉંદરની સામે જ આવીને ઊભી રહી! ઉંદરે જોયું, ઓત્તારી! આ તો બિલાડી. નાસો મારા બાપ. ઉંદરે તો સિંહાસન પરથી મૂક્યું પડ્યું હેઠે અને નાઠા દોટાદોટ.
આગળ ઉંદર અને પાછળ બિલાડી. દોડ્યાં જ જાય છે. એવામાં એક દર આવ્યું. આડું અવળું જોયા વિના ઉંદર તો એમાં પેસી જ ગયો. બિલાડી બાઈ પાછાં ફર્યાં. થોડી વારે ઉંદર બહાર આવ્યો. બહાર આવી ઉંદરે જોયું તો જે જગાએથી એને પૈસો જડ્યો હતો એ જગાએ એ ઊભો હતો.
ઉંદર બોલ્યો : “ઓત્તારી!
આ તો ના મળ્યું ખાવા કે ના બીજું કંઈ;
મફતની દોડાદોડી વધારામાં થઈ.”



સ્રોત
- પુસ્તક : કલગી (પૃષ્ઠ ક્રમાંક 22)
- સર્જક : સોમાભાઈ ભાવસાર
- પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ
- વર્ષ : 1940