Dhabuno Dhani - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઢબુનો ધણી

Dhabuno Dhani

સુભદ્રા ગાંધી સુભદ્રા ગાંધી
ઢબુનો ધણી
સુભદ્રા ગાંધી

    એક ડોસો ને એક ડોસી બેઉ આડોશપાડોશમાં રહેતાં. ડોસી પાસે એક મરઘી હતી ને ડોસા પાસે મરઘો. ડોસીની મરઘી તો રોજ દિવસમાં બે વાર ઈંડાં મૂકે. ડોસી એની ભાત ભાતની વાનગીઓ બનાવે, ખાય અને તાજીમાજી થાય.

    પાડોશી બિચારો તાકી રહે. એના મોંમાં પાણી છૂટે, પણ કોઈ દહાડો ડોસી એકેય વાનગી એને ચખાડે નહીં.

    આખરે એક દહાડો ડોસાથી રહેવાયું નહીં. ડોસી પાસે જઈને કહે, “અલી બાઈ! રોજ એકલી એકલી પકવાન ખાય છે, તો મને એક ઈંડું આપને.”

    ડોસીએ છાંછિયું કર્યું. કહે, “હોવે... તને વળી ઈંડું કેવું? ઇંડાં ખાવાનો બહુ સવાદ હોય તો તારા આ મરઘાને પકડીને ઝૂડને... તારે સાટુ ઈંડાં મૂકશે.”

    ડોસાને ડોસીનાં વેણ એવાં બાણ જેવાં લાગ્યાં કે, એણે તો મરઘાને ઝાલીને ઝૂડવા જ માંડ્યો. જાણે ડોસી પરની બધી રીસ એના પર ઉતારી.

    મરઘો પણ ચપળ એવો કે ડોસાના હાથમાંથી છટકીને જે ભાગ્યો તે સીધો રસ્તા ઉપર. પછી તો ડોસાનું ઘર મૂકીને એણે તો બસ આમથી તેમ રખડવા જ માંડ્યું. રસ્તે રખડતાં રખડતાં જ એક દિવસ એને એક બટવો જડ્યો. બટવો ઉઘાડીને જોયું તો મહીં એક ઢબુ હતો. ઢબુ એટલે ગોરા શહેનશાહના રાજઅમલ વખતના બૈ પેસા.

    મરઘાભાઈ તો બટવો ચાંચમાં ઘાલીને ઊપડ્યા ડોસાના ઘર ભણી.

    રસ્તામાં બે ઘોડા જોડેલી એક બગી સામી મળી. બગીમાં એક ઉમરાવ ને એની ઉમરાણી બેઠેલાં. બટવાવાળો મરઘો જોઈને બેઉને બહુ નવાઈ લાગી.

    ઉમરાવ એના કોચવાનને કહે, “અલ્યા, જરા જોઈ આવ તો, પેલા મરઘાએ ચાંચમાં શું લીધું છે?”

    બગી પરથી ઊતરીને કોચવાને સિફતથી મરઘાને ઝાલી લીધો, ને એની ચાંચમાંથી બટવો પડાવી લીધો. બટવો લાવીને એણે ઉમરાવના હાથમાં મૂક્યો. ઉમરાવે કશીય પડપૂછ વિના બટવો સીધો પોતાના ગજવામાં મૂક્યો ને બગી ત્યાંથી દોડાવી મૂકી.

    બટવો ઝૂંટવાઈ જતાં મરઘો તો રાતોપીળો થઈ ગયો. એના ગુસ્સાનો કાંઈ પાર નહોતો. એને થયું, આનો મોટો ઉમરાવ ને મારા જેવા એક મરઘાનો બટવો પડાવી લે? ખરેખરો પાઠ શિખવાડું એને.

    એણે તો ઉમરાવની બગીચી પછવાડે પછવાડે દોડવા માંડ્યું. દોડતો જાય ને બોલતો જાય :

કૂક્ રે ડૂડલ ડૂ...
ઓત્તારીની! આ તે કેવી લૂંટ!
આ તે કેવો?
ઉમરાવ કે બુમરાવ?
મારા ઢબુનો એ ચોર...!

    મરઘાના આવાં અપમાનજનક વેણ સાંભળી ઉમરાવનો મિજાજ ગયો. કહે, “આ કમજાત મરઘો મારી કેડે પડ્યો લાગે છે! મને બદનામ કરે છે! એને સીધો કરવો પડશે.”

    ઉમરાને તો પોતાની બગી ઊભી રખાવી. કોચવાનને કહ્યું, “એ બદમિજાજ મરઘાને પકડીને નાખી દે પેલા કૂવામાં.”

    કોચવાને તો મરઘાને ઊંચકીને પટક્યો બાજુના એક ઊંડા અંઘારિયા કૂવાંમાં.

    કૂવામાં પડ્યો તેવો જ મરઘો તો ડૂબકાં ખાવા લાગ્યો, ને કેટલુંય પાણી પી ગયો. પીતાં પીતાં એ તો કૂવાનું બધું પાણી પી ગયો! ને પાછો ઊડીને કૂવામાંથી બહાર!

    બહાર નીકળીને વળી પાછી એણે તો મૂકી બગી પાછળ દોડ. દોડતાં દોડતાં બગીને આંબી ગયો કે વળી પાછું એનું ગાણું ચાલુ :

કૂક્ રે ડૂડલ ડૂ...
ઓત્તારીની! આ તે કેવી લૂંટ!
આ તે કેવો?
ઉમરાવ કે બુમરાવ?
મારા ઢબુનો એ ચોર...!

    મરઘાનું ગાણું સાંભળીને વળી ઉમરાવનો પિત્તો ગયો, કહે, “બદમાશ! થોભ તને બરાબર પાંસરો કરું છું.” એણે તો મરઘાને પકડી મંગાવ્યો, ને ઘેર લઈ જઈને રસોયણને કહ્યું, “લે, આ કૂકડાને ભઠ્ઠીમાં આખો ને આખો શેકી નાખ.”

    રસોયણ કહે, “વારુ, માલિક, એમ કરીશ.”

    મરઘાને થયું, “બાપલા, ઉમરાવ સાથેનું વેર મને ભારે પડી જવાનું!” પણ તોય હિંમત હાર્યા વિના એણે તો મન સાથે ગાંઠ વાળી. કહે, “ભલે ગમે તે થાય, પણ ચોરી પર શિરજોરી કરનારા ઉમરાવને તો બરાબર પાઠ ભણાવું ત્યારે જ હું ખરો.”

    રસોયણે તો મરઘાને ભઠ્ઠીના અંગારામાં શેકવા મૂક્યો. ભઠ્ઠીમાં ધૂણી થતાં મરઘાને તો જે ઉધરસ ચઢી... જે ઉધરસ ચઢી... ઉધરસ આવતાં પેટમાં ભરાયેલું પેલું કૂવાનું પાણી છલકાતું ગયું ને ભઠ્ઠીમાંનો દેવતા ઓલવાતો ગયો. એમ કરતાં કરતાં એણે તો બધો દેવતા ઓલવી નખ્યો!

    રસોયણ આવીને જુએ તો ભઠ્ઠી એની ટાઢીટમ, ને મરઘાભાઈ તો એવા જ માથાની કલગી હલાવતા – કૂક્ રે ડૂડલ ડૂ!... સાજા ને તાજા! રસોયણના કબજામાંથી છટકીને મરઘાભાઈ તો પહોંચી ગયા ઉમરાવના ઓરડાની બારી પર, ને તાનમાં આવી વળી પોતાનું જૂનું ગાણું લલકારવા લાગ્યા :

કૂક્ રે ડૂડલ ડૂ...
ઓત્તારીની! આ તે કેવી લૂંટ!
આ તે કેવો?
ઉમરાવ કે બુમરાવ?
મારા ઢબુનો એ ચોર...!

    ઉમરાવ તો આંખો ફાડીને જોઈ જ રહ્યો. કહે, “ઓત્તારીની! હજી આ તો જીવતો છે!” એણે બૂમ મારી, પોતાના નોકરને બોલાવ્યો. કહે, “આ મરઘાને ઝાલીને ઢોરની ગમાણમાં પૂરી દો. ગાયો, ભેંસો ને બળદના પગ હેઠળ કચડાઈને મરી જશે.”

    મરઘાને ઢોરની ગમાણમાં નાખ્યો, પણ પછી શું થયું એની ખબર છે તમને? મરઘાએ તો ઉમરાવની ગમાણમાં ગાયો, બળદ ને ભેંસો બધાંને આખાં ને આખાં હડપ કરવા માંડ્યાં! સૂરજ ઊગે તે પહેલાં તો આખી ગમાણ ખાલી! એટલાં બધાં ઢોર ગળી ગયેલો કે મરઘો કૂકડો મટીને મોટો પહાડ થઈ ગયેલો...

    વળી ઊડતો ઊડતો ગયો એ તો ઉમરાવની બારી આગળ. મરઘાને પાંખ ઉઘાડી, ત્યાં તો સૂરજ ઢંકાઈ ગયો ને ઉમરાવના ઘરમાં અમાસની રાત જેવું અંધારું ઘોર! ને મરઘાભાઈએ તો પોતાનો એ જ જૂનો રાગ આલાપ્યો :

કૂક્ રે ડૂડલ ડૂ...
ઓત્તારીની! આ તે કેવી લૂંટ!
આ તે કેવો?
ઉમરાવ કે બુમરાવ?
મારા ઢબુનો એ ચોર...!

    મરઘાનો અવાજ કાને પડતાંવેંત ઉમરાવ તો ઊઠીને બેઠો થઈ ગયો. કહે, “આ બોતેર લખણાને હવે મારે પહોંચવું શી રીતે?”

    ઉમરાવ કહે, હવે તો આ કમબખ્તને મારી તિજોરીની લોખંડી કેદમાં જ પૂરી દઉં. હવા વિના ગૂંગળાઈને મરી જશે.”

    એણે તો પાતાના હાથે જ મરઘાને તિજોરીમાં પૂરી દીધો. ઉમરાવ પાસે પૈસો તો એટલો કે ઠાંસી ઠાંસીને તિજોરી ભરેલી. એમાં મરઘાને જેમ તેમ કરી અંદર ખોસી દીધો ને તિજોરીનું     બારણું ભડાક કરતું વાસી દીધું. મરઘાએ તો ઉધઈની જેમ તિજોરીનો માલ ઓહિયાં કરવા માંડ્યો! એક રાતમાં તો ઉમરાવની તિજોરી ખાલીખમ! તે પછી મરી ગયાનો ઢોંગ કરીને પોતે અંદર પડ્યો રહ્યો.

    સવાર થતાં ઉમરાવને થયું, “લાવ, મરેલા મરઘાને બહાર ફેંકી દઉ... પણ જેવું તિજોરીનું બારણું ઊઘડ્યું, કે ડફાક દેતોને મરઘો બહાર! ઉમરાવ તો એની પાંખોના ફફડાટથી એકદમ ગભરાઈ ગયો. આ શું થયું ને કેમ થયું તે વિચાર કરતો એ આંખો ચોળતો રહ્યો ને મરઘાએ તો પાછા બારીએ બેસી પોતાનું માનીતું ગાણું માંડ્યું :

કૂક્ રે ડૂડલ ડૂ...
ઓત્તારીની! આ તે કેવી લૂંટ!
આ તે કેવો?
ઉમરાવ કે બુમરાવ?
મારા ઢબુનો એ ચોર...!

    ઉમરાવને થયું, આ કૂકડો તો મારો જીવ લઈને જંપશે કે શું? મરવા દે મારા રામ! જે નહીં જનમાં, નહીં જનાવરમાં એવા જંતુડા જોડે મારા જેવા ઉમરાવે બે ઢબુના બટવા સારું વાદ શા કરવા? કહેતાં પેલો બટવો એણે તો મરઘા ભણી ફેંક્યો. મરઘાભાઈને તો આટલું જ જોઈતું હતું. એમણે ઉમરાવ જેવા ઉમરાવને હરાવીને પોતાનો બટવો પાછો લીધો એટલે હવે તો એમની છાતી ગજ ગજ ફુલાય એમાં નવાઈ છે કાંઈ? ફૂલણજી મરઘાભાઈ તો બટવો ચાંચમાં ઘાલીને ઊપડ્યા ઘર ભણી.

    ત્યાં તો ઉમરાવના વાડામાં ઉકરડો વીંખતાં ને કણ ચૂંગતાં મરઘાં, બતકાં, કબૂતરાં... બધાં વધામણે આવ્યા. કહે, “વાહ મરઘાભાઈ, ભડ તો તું જ.”

    મરઘાભાઈ માથાની કલગી હલાવતા જાય, સૌની સલામો ઝીલતા જાય ને ઘર ભણીનો રસ્તો માપતા જાય. ઉમરાવના વાડાનાં બધાં મરઘાં-બતકાં ને કબૂતરાંય સાજન મહાજન પેઠે વરઘોડો કાઢીને એની પૂંઠે પળ્યાં. ઉમરાવ તો મોં વકાસીને ફાટી આંખે મરઘાભાઈની આ શોભાયાત્રા જોઈ જ રહ્યો. એક નાચીજ મરઘાની ઢબુડીમાં જીવ ઘાલ્યો, એમાં ઉમરાવની દશા બેસી ગઈ! ઢોર ખોયાં, તિજોરી ખાલી, ને મરઘાં, બતકાં, કબૂતરાંય હિજરત કરી ગયાં!

    મરઘો તો જાણે ફુલેકે ચઢ્યો હોય એમ રુઆબભેર, મોં મલકાવતો ચાલ્યો જાય છે.

    આખે રસ્તે ગાણું લલકારતો જાય છે : કૂક્ રે ડૂડલ ડૂ... કૂક્ રે ડૂડલ ડૂ...

    ગાતો ગાતો આવીને ઊભો એ ડોસાના ઘર આગળ. બારણે મરઘાં, બતકાં, કૂકડાં, કબૂતરાંનો કલબલાટ સાંભળી ડોસો વહેલો વહેલો બહાર નીકળ્યો. જુએ છે તો આંખો કહ્યું નથી કરતી! “અલ્યા, આ તે મારાવાળો મરઘો કે પહાડ!”

    ને એની પાછળ સાજન-મહાજનની આખી સેના...! આ તો દીકરો વહાણ કમાઈ લાવ્યો કે શું?

    મરઘાભાઈ કહે, “બાપા! આંગણામાં ગાલીચો પથરાવો ઝટ. હું ભારે મરું છું.”

    આંખના પલકારામાં તો ડોસાએ “આ લે દીકરા ગાલીચો!” કહી, ઘરમાં હતી તે ફાટીતૂટી શેતરંજી પાથરી દીધી. મરઘાભાઈએ તો એક વાર પાંખો ખંખેરી, ત્યાં આંગણું આખું ગાયો, ભેંસો ને બળદથી ભરાઈ ગયું! વળી પાંખ ખંખેરી, ત્યાં સોનામહોરના ઢગલેઢગલા! આંગણું આખું ઝગમગ!

    ડોસાની તો આંખો અંજાઈ ગઈ. આટલાં બધાં ઢોરઢાંખર, આટલાં મરઘાં-બતકાં! આટલું બધું ધન! મરઘો તો કમાઉ દીકરો નીકળ્યો! ડોસાને તો કૂકડા પર એટલું હેત ઊભરાઈ આવ્યું કે, એને માથા પર બેસાડીને નાચ્યો.

    પાડોશણ ડોસી ઊભી ઊભી બધું જોઈ રહી હતી. ડોસો કહે, “ડોસી! તેં કહેલું કે મરઘાને ઝૂડ એટલે ઈંડું મૂકશે. લે જો, એણે તો સોનાનાં ઈંડાં મૂક્યાં!”

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 277)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020