Yummy..Yummy..Yummy..! - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

યમ્મી..યમ્મી..યમ્મી..!

Yummy..Yummy..Yummy..!

કિરીટ ગોસ્વામી કિરીટ ગોસ્વામી
યમ્મી..યમ્મી..યમ્મી..!
કિરીટ ગોસ્વામી
પિહુએ મમ્મીને કહ્યું-' મમ્મી, બહુ ભૂખ લાગી છે! કંઈક યમ્મી નાસ્તો બનાવી આપને!'
          મમ્મીએ કહ્યું-' બે મિનિટ! હમણાં નાસ્તો તૈયાર!'
          પિહુ આમથી તેમ આંટા મારતી જાય ને બોલતી જાય-
         
           મમ્મી! મમ્મી! મમ્મી!
            નાસ્તો આપ, યમ્મી!
 
           થોડીવારમાં મમ્મીએ નાસ્તો બનાવીને પિહુને બોલાવી. પિહુએ નાસ્તો જોતાં જ હોઠ કાઢતાં કહ્યું- 'ઉહ! આવો તે કંઈ નાસ્તો હોય! '
           મમ્મીએ કહ્યું- 'અરે, બેટા! આ તો તાજાં દૂધની મજાની ખીર છે! ખૂબ જ પૌષ્ટિક અને ગુણકારી!'
            પિહુ બોલી- 'હશે! પણ મને આવી ખીર ન ભાવે! મારે તો કંઈક યમ્મી ખાવું છે!'
            મમ્મીએ કહ્યું- 'આ ખીર બહુ જ મીઠી ને સ્વાદિષ્ટ છે,બેટા!'
            'ના, ના, ના, મારે નથી ખાવી!' એમ કહી તોબડો ચડાવતી, પિહુ તો ત્યાંથી ચાલતી થઈ ગઈ.
            બગીચામાં આવીને તે બેઠી.સામે એક ખિસકોલી બદામ ખાઈ રહી હતી.પિહુએ તેની પાસેથી બદામ માગીને ચાખી. તરત જ ' થૂ..' કરતાંક બોલી- 'આવો તે નાસ્તો હોય? મારે તો કંઈક યમ્મી ખાવું છે! આમાં તો છોતરાં આવે છે!'
            બગીચાના બીજા ખૂણે જઇને તે બેઠી.ત્યાં એક સસલો, ગાજર ખાઈ રહ્યો હતો.પિહુએ તેની પાસેથી ગાજર લઈને ચાખ્યું.
            તે તરત બોલી- 'થૂ..! આવો તે કંઈ નાસ્તો હોય? આ તો મોઢામાં કચડ-કચડ વાગે છે! મારે તો કંઈક યમ્મી નાસ્તો જોઈએ!'
            બગીચાની બહાર નીકળીને તે રસ્તે જતી હતી, ત્યાં એક વાંદરો કેરી ખાઈ રહ્યો હતો. પિહુએ તેની પાસેથી કેરી લઈને ચાખી. પછી તરત બોલી- 'થૂ..! આવો તે કંઈ નાસ્તો હોય? આમાં તો આવડી મોટી ગોટલી આડી આવે છે! નાસ્તો તો યમ્મી હોવો જોઈએ!'
               ત્યાંથી આગળ ચાલતાં તેણે જોયું તો એક બિલ્લી દૂધ પી રહી હતી.એ જોઈને જ તેણે બિલ્લીને કહ્યું- 'છી..દૂધ તે કંઈ પીવાય? સાવ મોળું લાગે! નાસ્તો તો ખૂબ યમ્મી હોય તો જ, મજા પડે!’
               એમ કરતાં બપોર થયા. પિહુ પાછી ઘેર આવી.તેને થાક પણ લાગ્યો હતો અને કકડીને ભૂખ પણ લાગી હતી.આથી ઘરમાં પગ મૂકતાં વેંત જ,તેણે મમ્મીને કહ્યું- 'મમ્મી! બહુ જ ભૂખ લાગી છે! કંઇક નાસ્તો આપને!'
               મમ્મીએ સવારે બનાવેલી ખીર ગરમ કરીને પીરસી.
             પેટમાં ઉંદર દોડાદોડી કરતા હતા આથી જરાય વિલંબ કર્યા વિના,પિહુએ આંખો મીંચીને ખીર ઝાપટી લીધી.પછી મમ્મીને કહ્યું- 'મમ્મી! નાસ્તો તો આવો યમ્મી હોવો જોઈએ!'              મમ્મીએ મંદ-મંદ હસતાં કહ્યું- 'આ નાસ્તાથી યમ્મી, બીજું કંઈ નથી!' ને પછી ખીરની ખાલી કટોરી લેતાં બબડી-' બસ,પેટમાં ભૂખ હોવી જોઈએ!'

સ્રોત

  • પુસ્તક : 'ઝગમગ' પૂર્તિ (13 જુલાઈ, 2024) (પૃષ્ઠ ક્રમાંક 1)
  • પ્રકાશક : ગુજરાત સમાચાર
  • વર્ષ : 2024