Khiskolinu Bacchu - Children Stories | RekhtaGujarati

ખિસકોલીનું બચ્ચું

Khiskolinu Bacchu

કિરીટ ગોસ્વામી કિરીટ ગોસ્વામી
ખિસકોલીનું બચ્ચું
કિરીટ ગોસ્વામી

                   એક હતું ખિસકોલીનું બચ્ચું.

 

                   નાનકડું ને રૂપાળું. પોતાના ઘરમાં આખો દિવસ ચિક્ ચિક્ અવાજ કરે.

 

                   બચ્ચું થોડું મોટું થયું એટલે તેનાં મમ્મીએ એક દિવસ કહ્યું- 'ચાલો,આપણે બહાર નીકળીએ અને ઝાડની ડાળીઓ પર ફરીએ!'

 

                   'ના! ના! ના!' બચ્ચું તો તરત જ, નનૈયો ભણતાં, કહેવા લાગ્યું-

 

                   'ઘરથી બહાર તો જવાય નહીં!

 

                   ઊંચી  ડાળીએ  ચડાય નહીં!'

 

                   મમ્મીએ તેને સમજાવવાની કોશિશ કરી-' પણ શા માટે ન જવાય? એક દિવસ તો તારે ઘરની બહાર નીકળવું જ પડશે ! ને પછી તારે ઊંચી ડાળીએ ચડવું જ પડશે !'

 

                   મમ્મીની વાતનો જવાબ આપતાં બચ્ચું તો કહેવા લાગ્યું-

'બહાર નીકળું તો બીક લાગે!
ઊંચે  ચડું  તો બીક લાગે!'

 

                   'પણ એમ કયાં સુધી બીક રાખીશ?' મમ્મી તેને ફરી સમજાવે- 'બીક રાખવાથી તો કોઈ કામ ન થાય! ને બીકમાં ને બીકમાં તો કાયમ ઠોઠ જ રહી જવાય! થોડી હિંમત કર! ચાલ, આપણે બહાર નીકળીએ!'

 

                   'ના! ના! ના!' બચ્ચું તો કોઈ વાતે માને જ નહીં ને!

 

                   આખરે એક સવારે મમ્મીએ એક યુક્તિ કરી; ને બચ્ચાને કહ્યું- 'જો, જો, ઝાડ હેઠે તો મોટો બિલાડો આવ્યો છે! હમણાં એ ઉપર આવશે અને આપણને પકડી લેશે! જો આપણે જલદીથી બહાર નીકળી ને ભાગીશું નહીં તો બિલાડાનો શિકાર બની જઈશું! એ  તો આપણને ખાઈ જશે!'

 

                  'હેં!' બચ્ચું તો ગભરાયું.

 

                   મમ્મીએ કહ્યું- 'ચાલ, જલદી! હવે ઝાઝો વિચાર કરીશ તો બિલાડો આવી જશે ને પછી...'

 

                   'ના, ના, ચાલો! ચાલો!' બચ્ચું તો ફટાક દઈને ઘરની બહાર નીકળી, મમ્મીની પાછળ ઊંચી ડાળ પર સડસડાટ કરતું ચડી ગયું!

 

                   છેક ઊંચી ડાળીએ પહોંચીને તેને ખૂબ મજા આવી!

 

                   મમ્મીએ મંદ-મંદ હસતાં કહ્યું- 'જોયું? જરૂર પડી તો તારી બધી બીક જતી રહી ને! હવે સમજાયું? કે, બહાર નીકળવું અને ઊંચે ચડવું કેટલું સહેલું છે!'

 

                   'હા, મમ્મી! આ તો સાવ સહેલું જ છે! મારી બીક તો સાવ ખોટી જ  હતી!' બચ્ચું બોલ્યું.

 

                   'હા, ખોટી બીક રાખીએ તો આપણે કોઈ નવું કામ કરી શકીએ નહીં!' મમ્મીએ કહ્યું.

 

                   'હા, મમ્મી!' એટલું કહીને પછી તો ખિસકોલીનું બચ્ચું ખૂબ રાજી થતું; એક ડાળથી બીજી અને બીજીથી ત્રીજી: એમ ડાળે-ડાળે કૂદાકૂદ કરવા લાગ્યું!

સ્રોત

  • પુસ્તક : ખિસકોલીનું બચ્ચું (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : કિરીટ ગોસ્વામી
  • પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ
  • વર્ષ : 2024