Sacho Yagya - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાચો યજ્ઞ

Sacho Yagya

નાનાભાઈ ભટ્ટ નાનાભાઈ ભટ્ટ
સાચો યજ્ઞ
નાનાભાઈ ભટ્ટ

    “મહારાજ! આપ તો યુગયુગાંતરની વાતો જાણો છો. આજે આપણે ત્યાં જેવો યજ્ઞ થઈ રહ્યો છે તેવો યજ્ઞ પહેલાં કોઈએ કરેલો ખરો?” ભીમસેને શ્રીકૃષ્ણને પૂછ્યું.

    રાજમહેલના ઓટા પર સૌ જમીને હાથ ધોતા હતા. ભગવાન વેદવ્યાસ, ભગવાન શ્રીકૃષ્ણ, ભીષ્મ, દ્રોણ, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ – બધા હતા.

    “અને સખા! એક વાત પૂછું. યજ્ઞ તો કેટલાયે થયા હશે; પણ દેશપરદેશના રાજામહારાજાઓ યુધિષ્ઠિરને ચરણે પોતાના મુગટો ધરે, દેશપરદેશના ભંડારો યજ્ઞ માટે ખાલી થઈ જાય, દેશપરદેશના રાજકુંવરો સાધારણ નોકરો થવામાં પણ માન સમજે, ચોવીસે કલાક વેદધ્વનિ તો ચાલુ જ હોય, દરરોજ એક લાખ પાતળ વપરાય, આખી જિંદગીમાં એકઠી ન કરી હોય તેટલી દક્ષિણા બ્રાહ્મણોને મળે – અને અગ્નિદેવને આટલાં વર્ષોમાં ન મળ્યું હોય તેટલું ઘી આ એક યજ્ઞમાં મળે : આવો યજ્ઞ તો મને લાગે છે કે દુનિયા થઈ ત્યાર પછી આ પહેલો જ હશે. આપને કેમ લાગે છે?” અર્જુને છાતી કાઢતાં કાઢતાં પૂછ્યું.

    યુધિષ્ઠિર એક બાજુ માથું નીચું રાખી હાથ સાફ કરતા હતા; તેમના કાન આ બાજુ ઢળેલા હતા.

    શ્રીકૃષ્ણે ભગવાન વેદવ્યાસની સામે જોયું; બન્નેએ એક ક્ષણ મૂછોમાં હસી લીધું; બન્ને જગનૂના યોગીઓ સમજી ગયા.

    એટલામાં નકુલ બોલી ઊઠ્યો : “રે, ભલા જુઓ તો ખરા! આ વળી ક્યું વિચિત્ર પ્રાણી?”

    “એમાં શું જોવું છે? એ તો નોળિયો છે, દેખાતો નથી?” ભીમે કહ્યું.

    “પણ આવો નોળિયો? અડધો પીળો ને ડધો ભૂખરો?” નકુળ બોલ્યો.

    “લાગે છે તો નોળિયો જ; કેમ ખરુ, વ્યાસજી?” શ્રીકૃષ્ણ બોલ્યા.

    “હા આકૃતિ તો નોળિયાની છે, પણ છે વિચિત્ર. અડધી કાયા સોના જેવી ચળકાટ મારે છે.” શાતિથી વ્યાસે જવાબ વાળ્યો.

    “નોળિયો હોય તો પોતાનું શરીર અહીં શા માટે કચરામાં ઘસતો હશે?” યુધિષ્ઠિરને જિજ્ઞાસા થઈ.

    “એ તો જનાવર માત્રને ચળ આવે ત્યારે શું કરે?” ભીમ બોલ્યો.

    “પણ આ તો ઘસ્યે જ રાખે છે. માથું-પગ-પડખું બધું વારાફરતી કચરામાં ઘસે છે. નોળિયા તો ઘણા જોયા છે પણ આવો તો જિંદગીમાં નથી જોયો.” સહદેવ બોલ્યો.”

    તો લાવો ને, આપણે તપાસ કરીએ.” વ્યાસ ભગવાન બોલ્યા. અને કમંડળમાંથી પાણીની અંજલિ ભરી મંતરીને નોળિયા પર છાંટી કે તરત જ તેને વાચા ફૂટી : “ખોટો છે, ખોટો છે; યુધિષ્ઠિરનો આ યજ્ઞ ખોટો છે!”

    બધાના કાન ચમકી ઊઠ્યા. યુધિષ્ઠિર મહારાજ ભોંઠા પડી ગયા; ભીમ અને અર્જુન પણ મનમાં ઘા ખાઈ ગયા, છતાં બહારથી હિંમત બતાવી.

    “નહિ દીઠો હોય નોળિયો! આવા યજ્ઞની કિંમત કેટલી છે તેની આવાં ક્ષુદ્ર પ્રાણીઓને શી ખબર પડે?” અર્જુન બોલ્યો.

    “નોળિયા, તારે કુટુંબપરિવાર હશે એટલે દરભેગો થઈ જા. હું કોણ છું તે ખબર છે?” ભીમસેને પડકાર કર્યો.

    “ખોટો, ખોટો આ યજ્ઞ ખોટો છે.”

    શ્રીકૃષ્ણ આગળ આવ્યા : “હે નોળિયા, આવા મહાયજ્ઞને ખોટો કહેનારની જીભ અર્જુન કાપી લે તે તું જાણતો નથી. સત્યવાદી યુધિષ્ઠિરના યજ્ઞને તું ખોટો કહે અને ભીમસેન તારા ચૂરેચૂરા કરી ન નાખે એ અસંભવિત છે. માટે વિચારીને બોલ. આવી ઉદ્ધતાઈ તને આકરી પડશે.”

    “ખોટો, ખોટો, આ મહાયજ્ઞ ખોટો છે. આપ તો બધા દેવતાઈ લોક છો. આપ અને ભગવાન વ્યાસજી તો જગત આખાના અંતરને વાંચી શકો છો. હું મારી બધી વાત આપની પાસે મૂકું અને પછી મારું કહેવું યથાર્થ છે કે નહિ તેનો વિચાર કરજો. પહેલાં મારી વાત સાંભળો.” નોળિયે જવાબ વાળ્યો.

    “ઠીક છે. બધા સાવધાન; સાંભળો. બોલ હવે.” વ્યાસ બોલ્યા.

    નોળિયે શરૂ કર્યું :

    “નૈમિષારણ્યમાં એક બ્રાહ્મણકુટુંબ રહે છે : બ્રાહ્મણ, બ્રાહ્મણી, પુત્ર અને પુત્રવધૂ જીવન આખું તપ અને ઉપાસનામાં ગાળે છે; ચારે જણાં ઉંછવૃત્તિથી પોતાનો નિર્વાહ ચલાવે છે. દર સોમવારે બ્રાહ્મણ અને તેનો પુત્ર ખેતરમાં જાય અને ખેડુ લોકો ખળામાંથી અનાજ ઘેર લઈ ગયા પછી જે કાંઈ દાણા વેરાયેલા પડ્યા હોય તે વીણીને ઘેર લાવે. આ દાણાને સાફસૂફ કરી બ્રાહ્મણી તથા પુત્રવધૂ વીણીને તેનો સાથવો બનાવે ને ચારે જણાં ભાગ પાડીને ખાય. અઠવાડિયામાં એક સોમવારે આ પ્રમાણે શરીરને ભાંડુ આપવું; બાકી તો ભલું એમનું તપ અને ભલા એમના મહેશ્વર!

    એક વાર એક સોમવારના રોજ બ્રાહ્મણ અને તેનો પુત્ર ખેતરમાંથી પવાલું-બે પવાલાં અનાજ વીણી લાવ્યા. ઘરમાં સાસુવહુએ તેનો સાથવો તૈયાર કર્યો અને ખાખરાનાં પાનના દડિયા તૈયાર કર્યા. બરાબર મધ્યાહ્ન થયા. બ્રાહ્મણ ઉપાસનામાંથી પરવાર્યો એટલે સૌ ભાણા ઉપર હાજર થયાં. બ્રાહ્મણીએ ચાર દડિયામાં સાથવો પીરસ્યો ત્યાં બહારથી અવાજ આવ્યો : “भवति भिक्षां देहि।”

    બ્રાહ્મણ એકદમ ભાણા પરથી ઊભો થયો : “મહારાજ! પધારો; સ્વાગતમ્.”

    બારણે એંશી વર્ષનો એક ડોસો; શરીર કદાવર પણ ખખળી ગયેલું; હાથમાં લાકડી, પરંતુ ધ્રૂજે; પેટમાં મોટો ખાડો.

    “મહારાજ! પધારો.” ડોસાને હાથનો ટેકો આપી બ્રાહ્મણે અંદર લીધા અને દર્ભના આસન પર બેસાડ્યા.

    “મહારાજ! શી આજ્ઞા છે?” બ્રાહ્મણે બે હાથ જોડીને પૂછ્યું.

    “મને ભૂખ લાગી છે.”

    “મહારાજ! ભોજન તૈયાર છે; પધારો.”

    “મારાથી એક ડગલુંયે ચલાય તેમ નથી. જે હોય તે અહીં લાવો.” ડોસાએ લાકડી એક બાજુ મૂકી અને માથે વીંટેલું ફાળિયું ખૂણામાં મૂક્યું.

    “અહીં ઉંદરબુંદર તો નથી ને? આ ફાળિયામાં થોડાક કોદરા બાંધ્યા છે.” ડોસાએ પૂછ્યું.

    “ના મહારાજ! ઝૂંપડીમાં એક પણ ઉંદર નથી.”

    “તો બહુ સારું. બાકી ઘરમાં ઉંદર ન હોય તે નવાઈ જેવું તો ખરું. હવે હું તૈયાર છું, ખાવાનું લાવો.”

    બ્રાહ્મણપુત્ર પિતાનો પડિયો લઈ આવ્યો અને ડોસા પાસે મૂક્યો. ડોસાનો હાથ દડિયા પર પડ્યો પછી તો પૂછવું જ શા માટે? ક્ષણ એકમાં ચટ!

    “મહારાજ! વધારે લાવે?” બ્રાહ્મણે નમ્રતાથી પૂછ્યું.

    “હજી ક્ષુધા તો છે; હોય તો લાવો.”

    તરત જ બ્રાહ્મણીનો દડિયો બહાર આવ્યો અને આવ્યા ભેગો ચટ થઈ ગયો.

    “મહારાજ! ઇચ્છા...”

    બ્રાહ્મણપુત્રનો દડિયો નીકળ્યો, ને નીકળ્યો નીકળ્યો ત્યાં તો ઊડી ગયો!

    “મહારાજ! હજી કાંઈ...”

    “સમાસ તો છે; પણ તારી પુત્રવધૂ સગર્ભા છે એટલે તેનો ભાગ નહિ ખાઉં. એમ કહી ડોસાજી ઊભા થયા.

    ડોસાએ હાથ ધોયા, મોઢું સાફ કર્યું. ફાળિયું ખૂણામાં મૂક્યું હતું તે સંભારીને લીધું અને લાકડી લેતા બોલ્યા : “હું આવ્યો ત્યારે તો એમ ને એમ ચાલ્યો આવ્યો; પણ હવે મને રસ્તો સૂઝશે નહિ, માટે થોડે સુધી મૂકી જાઓ.”

    બ્રાહ્મણનો દીકરો ડોસાને એકાદ ગાઉ સુધી મૂકીને પાછો આવ્યો.

    અહીં તો ચારે જણાં પરવારીને પાછાં પોતાની ઉપાસનામાં લાગી ગયાં. શરીરયાત્રા માટે જેટલો વખત નક્કી કર્યો હતો તેટલો વીતી ગયો એટલે ચારે શરીરો પાછાં કામે ચડી ગયાં.

    બીજા સાત મધ્યાહ્ન વીતી ગયા; સાત રાતો વીતી; સાત દિવસના જપ પૂરા થવા આવ્યા ને પાછો સોમવાર ઊગ્યો. સવારના પહોરમાં બ્રાહ્મણપુત્ર ખેતરમાંથી દાણા વીણી લાવ્યો અને માને રાંધવા માટે આપ્યા.

    “આજે તો તારા પિતા વહેલા પરવારે તો સારું. એમનું ચામડું પડવા આવ્યું હશે!” બોલતાંબોલતાં માની આંખ ભીની થઈ.

    “બા! એ મારાથી તો નહિ કહેવાય... તારે કહેવું હોય તો કહેજે.”

    બરાબર બપોર થયા; સૂર્ય માથે આવ્યો; ઝાડના પડછાયા પડતા બંધ થયા; આખું નૈમિષારણ્ય ઘડીભર થંભી ગયું એટલે બ્રાહ્મણ પોતાના કર્મથી પરવારી ભાણા પર આવ્યો. ચારે જણાં જમવા બેઠાં. બ્રાહ્મણના હાથ મોં તરફ વળે છે, ત્યાં તો વળી પાછું “भवति भिक्षां देहि।“ થયું.

    હાથમાંનો કોળિયો પાછો દડિયામાં ગયો અને “પધારો, પધારો મહારાજ!” કહેતાં બ્રાહ્મણ બારણા તરફ ઊપડ્યો. બ્રાહ્મણીએ બહાર ડોકાઈને જોયું તો એ જ ડોસો, એ જ સિક્કલ, એ જ લાકડી અને એ જ પેટનો ખાડો!

    “પધારો, પધારો મહારાજ!”

    “ભાઈ મારાથી ઉંબરો ચડાતો નથી. તું મને ઉપાડીને અંદર લે તો જ અવાય તેમ છે.”

    બ્રાહ્મણના દૂબળા હાથ ડોસાની ફરતા વીંટળાઈ વળ્યા અને ડોસાજી દાખલ થયા.

    “મહારાજ, શી આજ્ઞા છે?”

    “બપોર થયા છે. હું ભૂખ્યો તો છું પણ તમારે ત્યાં શી સગવડ છે તે તમે જાણો.”

    “મહારાજ, ભોજન તૈયાર છે; પધારો.”

     “પણ હજી તો સ્નાન પણ બાકી છે. અવસ્થા થઈ ને કરનાર ત્યારે કોઈ નહિ.”

     “તો આપ નદીમાં સ્નાન કરીને પધારો.”

     “મારાથી નદીએ ઓછું જ જવાય છે? હું તો આ પથરા પર બેસીને સ્નાન કરીશ. મને પાણી આપો.”

    તરત જ પુત્રવધૂ માટલાં લઈને નદીએ ગઈ અને ત્યાંથી પાણી ભરી લાવી ડોસાને ખૂબ નવરાવ્યા. નાહીકારવીને ડોસા ભાણા પર બેઠા.

    એક દડિયો આવ્યો અને ખલાસ.

    બીજો દડિયો આવ્યો ને ખલાસ.

    ત્રીજો દડિયો આવ્યો અને ખલાસ.

    “હજી ભૂખ તો રહી છે. પણ સગર્ભા સ્ત્રીનું અન્ન ખાવું તો મને પચે નહિ.” કહી વૃદ્ધ અતિથિએ હાથ ધોયા, મોઢું સાફ કર્યું અને લાકડી લેતાં રસ્તે પડ્યા.

    બીજા સોમવારનો મધ્યાહ્ન પૂરો થયો, સૂર્યનારાયણ પશ્ચિમના પંથે પડ્યા, અને આ બ્રાહ્મણકુટુંબ વળી પોતાના દેહને ભૂલીને મહેશ્વરની સેવામાં જોડાઈ ગયું.

    સાત પ્રખર મધ્યાહ્નો વહી ગયા. લાંબીલાંબી સાત રાતો વહી ગઈ. લાંબાલાંબા સાત દિવસની ઉપાસનાઓ પૂરી થવા લાગી. અટલે વળી એનો એ સોમવારનો સૂર્ય પૂર્વ આકાશમાં ઝળક્યો.

    આજે તો બ્રાહ્મણકુટુંબના ક્ષીણ દેહમાં નવું ચેતન ઊછળતું હતું. બ્રાહ્મણપુત્ર સવારના પહોરમાં ખેતરોમાં જઈને અનાજ વીણી આવ્યો. સાસુવહુએ ભોજનની તૈયારી કરી. બ્રાહ્મણ તો આજે ઇષ્ટદેવને અંતરમાં દેખી રહ્યો હોય તેમ આનંદમાં જ ઝૂકી ગયો હતો.

    બપોરના બાર વાગ્યા. સૂર્યનારાયણનો રથ આકાશમાં ઘડીભર થંભ્યો. સૃષ્ટિ આખી એક ક્ષણ શાંતિમાં ડૂબી થઈ અને આ તરફ બ્રાહ્મણી પતિની રાહ જોતી બેઠા.

    પણ બ્રાહ્મણ ઊઠે તો ને! આજ બાવીસબાવીસ દિવસના ઉપવાસ છે છતાંયે કેમ ઊઠતો નથી? બ્રાહ્મણ તો ઉપાસનામાં લીન હતો, તેના ધ્યાનમાં ઇષ્ટનું સામીપ્ય તેને અનુભવાતું હતું. તેનો દેહ, ઇન્દ્રિયો, મન વગેરે બધાં આજે આ ધ્યાનદર્શનમાં જ રમી રહ્યાં હતાં અતે દુનિયાનાં પૌષ્ટિક ભક્ષ્યો કે સારામાં સારા વિલાસો જે ન આપી શકે તેવું કંઈક મેળવી રહ્યા હતા. આ દશામાંથી ઘણી વારે બ્રાહ્મણ જાગ્રત થયો. આજે સોમવારે છે એ તેના સ્મરણમાં આવ્યું ને બધાં પોતાને માટે રાહ જોતાં બેઠાં છે તે જાણી સહેજે દુઃખ થયું. બ્રાહ્મણ તુરત ભાણા પર આવીને બેઠો પણ તેનું અંતર તો હજી ઊંડુંઊંડું એ મહેશ્વરને જ વળગી રહ્યું હતું.

    બ્રાહ્મણે પડિયામાં હાથ નાખ્યો ત્યાં બહારથી વળી પાછો એનો એ અવાજ સંભળાયો : “भवति भिक्षां देहि।“

    બ્રાહ્મણ ઝડપ દેતો ઊભો થયો. ડોસાને પકડીને અંદર આણ્યા ને જમવા બેસાડ્યા.

    પહેલો દડિયો ચટ, બીજો દડિયો ચટ, ત્રીજો દડિયો પણ ચટ!

    “મહારાજ! વધારે જોઈશે?”

    “હા.”

    સગર્ભા વધૂનો ચોથો દડિયો પણ ચટ થયો!

    ડોસા રોજ તો જમીને ધીમેધીમે હાથ મોં ધુએ. લાકડીબાકડી લે અને ઠીંગાતાઠીંગાતા ચાલવા લાગે. આજે તો ઝપાટાબંધ ખાઈને હાથ ધોવા ઊપડ્યા અને હાથ ધોયા ન ધોયા ત્યાં તો અદૃશ્ય થઈ ગયા. બ્રાહ્મણ બહાર આવીને શોધે ત્યાં ડોસા ન મળે! ડોસાની તો શોધાશોધ થઈ રહી. દેવસ્થાનમાંથી અશરીરિણી વાણી થઈ : “બ્રાહ્મણ! જે દેવને તું શોધી રહ્યો છે તે હું આજે તારા પર પ્રસન્ન થયો છું. માગ, માગ! તારી નિષ્ઠા પર હું વારી ગયો છું.”

    બ્રાહ્મણ મંદિર તરફ દોડ્યો. જે પ્રભુનાં દર્શન પાછળ જીવનની જહેમત ઉઠાવી હતી તેનાં અંતરમાં દર્શન થયાં એટલે આંખમાંથી હર્ષના આંસુ ખર્યાં અને બોલ્યો : “હે પ્રભો! માગવાનું શું હોય? આપ તો આખા વિશ્વનું સામ્રાજ્ય આપવા શક્તિમાન છો પણ મારે તેને શું કરવું? હું તો એ જ માગું : આપ મારા હૃદયમાંથી કદી ન ખસો. ગમે તે દિશામાં પણ હું આપને ન ભૂલું. પ્રભો! મારા પર મોટી દયા કરી!”

    નોળિયાએ બ્રાહ્મણની વાર્તા આગળ ચલાવી : “દરમિયાન હું નૈમિષારણ્યમાં દોડતો દોડતો આ પર્ણકુટિ પાસે આવી લાગ્યો અને ડોસાએ હાથ ધોયા તેનો જે કચરો થયો હતો ત્યાં થઈને નીકળ્યો એટલે કચરો મારા શરીરે ચોંટ્યો. જે ભાગમાં કચરો ચોંટ્યો તે ભાગ સોનાનો થઈ ગયો એટલે હું તો કચરામાં ખૂબ આળોટવા લાગ્યો. પણ કચરો તો જરાક જેટલો જ હતો એટલે મારું અડધું જ શરીર સોનેરી થયું.

    “મને તો મૂંઝવણ થઈ. બાકીનું અડધું અંગ સોનેરી કરવા માટે મેં કેટલાયે ઋષિઓની સલાહ લીધી છે; અને જ્યાં જ્યાં યજ્ઞ થાય છે ત્યાં ત્યાં બ્રાહ્મણોના હાથ ધોવાથી થતા કચરામાં આળોટું છું; પણ આજ સુધીમાં બીજું એકે રૂંવાડું સોનેરી થયું નથી.

    “મને ખબર મળ્યા કે મહારાજ યુધિષ્ઠિર મોટો યજ્ઞ કરે છે, અને ભગવાન વેદવ્યાસ જેવા આચાર્ય તથા ભગવાન શ્રીકૃષ્ણ જેવા સગા ત્યાં હાજર છે. મને મનમાં થયું કે બાકીનું અડધું અંગ સોનેરી કરવું હોય તો મારે આ તક ન ગુમાવવી. એટેલે હું નૈમિષારણ્યમાંથી અહીં આવ્યો છું અને આપ જુઓ છો તેમ ક્યારનો આપના જેવા દેવતાઈ લોકોના હાથ ધોવાયાનો જે પુષ્કળ કચરો પડ્યો છે તેમાં આળોટું છું. મારે મારા શરીરને સોનેરી કરવાની ચળ છે તેથી આળોટું છું; છતાંયે એક રૂંવાડું સોનેરી નથી થયું, મહારાજ!

    “માટે કહું છું કે મહારાજ યુધિષ્ઠિરનો આ યજ્ઞ ખોટો છે, ખોટો છે! સાચો યજ્ઞ તો નૈમિષારણ્યના એ બ્રાહ્મણનો છે.

    “આ મારી હકીકત. હવે બાણાવળી અર્જુન તથા ગદાધારી ભીમ મને જે કરવું હોય તે સુખેથી કરે.”

    ભીમે અર્જુનની સામે જોયું; યુધિષ્ઠિર નીચે જોઈ ભોંય ખોતરવા લાગ્યા; ભગવાન વેદવ્યાસે નોળિયાને જવાની રજા આપી અને શ્રીકૃષ્ણ બોલ્યા : “મહારાજ યુધિષ્ઠિર! વખત થયો છે એટલે આપણે ચાલો બપોરના કાર્યમાં જોડાઈએ. ઋત્વિજો આપણી રાહ જોતા બેઠા હશે.”

    મંડળી આખી વીખરાઈ ગઈ.

    છતાં હવામાં તો અવાજ આવ્યા જ કરતો હતો : “સાચો યજ્ઞ તો નૈમિષારણ્યના બ્રાહ્મણનો!”

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020