Motini Kheti - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મોતીની ખેતી

Motini Kheti

જયભિખ્ખુ જયભિખ્ખુ
મોતીની ખેતી
જયભિખ્ખુ

    હોલા ગાય છે. મોર નાચે છે. બળદ ચાલે છે.

    કોસ કૂવામાંથી જળ ભરી ભરીને થાળામાં ઠકલવે છે! નીકોમાં પાણી ચાલ્યાં જાય છે. મખમલી ઘાસ-પાન ઊગ્યાં છે.

    કોસ હાંકનારો જુવાનિયો છે. એ દુહા લલકારે છે. વગડો ગાજી ઊઠે છે!

    એ જુવાનના દુહા જૂના નથી! એ જુવાનના દુહા નવા છે. એ દુહા કોઈના બનાવેલા નથી. કહે છે કે, એના પોતાના બનાવેલા છે.

    પણ ખેતી કરનારને, બળદનાં પૂંછ આંબળનારને તે વળી આવા દુહા બનાવતાં આવડે? એ તો ભારે મોટા કવિનું કામ. આ તો પારકું ઘરેણું પહેરવા લાવવું ને પછી પોતાનું એમ કહી પચાવી પાડવું, એવું લાગે છે!

    સવાલ એ છે કે શું માણસ દુહા ન બનાવી શકે?

    જવાબ એ છે કે બનાવી શકે, જરૂર બનાવી શકે, પણ આ જુવાન તો નહિ. બીજા જુવાન. જેને કંઈ આંકડો પાડતાં આવડતો હોય, જેણે બે-ચાર ચોપડી શીખી હોય, જેણે કોઈને ગુરુ કર્યા હોય, પિંગળ કે છંદ શીખ્યા હોય, એ કવિતા કરી શકે.

    આ જુવાને તો કાળા અક્ષર કૂટી બાળ્યા છે. એ નથી કોઈ નિશાળે ગયો, નથી કોઈ આશ્રમમાં રહ્યો, કે નથી કોઈ ગુરુ કર્યો!

    ગુરુ બિના જ્ઞાન કૈસા?

    એ ભલો અને એની ખેડ ભલી! સાવ નિરક્ષર કણબીનો છૈયો. શિયાળો કે ઉનાળો સવાર-સાંજ ખેતરમાં જ કામ કરે! અને ચોમાસામાં તો વખત જ ક્યાંથી મળે? પછી નિશાળે શું જાય? પણ કવિતા ફક્કડ કરે! લોક સાંભળીને ડોલી ઊઠે!

    આ જુવાનિયો આંધ્રપ્રદેશનો. એ વખતે આંધ્રપ્રદેશની રાજધાની વારંગલ.

    આ જુવાનનું નામ પોતન્ના. બંમેર નામનું ગામડું એનું જન્મસ્થાન. જુવાનને પોતાના ગામ પર બહુ પ્રેમ. ગામના માણસ પર ખૂબ હેત. ગામનાં જાનવર અને ઝાડને પણ એ મિત્ર ગણે. પંખી પાછળ તો ઘેલો. પશુનો તો જાણે નાતેદાર!

    આખી દુનિયા એને વહાલી લાગે, કોઈ વાર મનમાં વહાલ ઊભરાય એટલે હોઠેથી કંઈક શબ્દો સરવા લાગે! એ શબ્દોને એ લગીર તાલમાં ને લાડમાં બોલે.

    સાંભળનારા ડોલી ઊઠે; અરે, પોતન્ના તો મોટો કવિ છે! કેવી સુંદર કવિતા કરે છે!

    પોતન્ના કહે, ‘રે! મારે અને કવિતાને શું લાગેવળગે? મેં કાળો અક્ષર કૂટી માર્યો છે એ તો વિદ્વાનનાં કામ, પંડિતનાં ગજાં, શાસ્ત્રી-પુરાણીની પહોંચનું કામ! મારે માટે તો લાલ-કાળા અક્ષર રાતી રાતી ઝીમેલો ને કાળા કાળા મંકોડા બરાબર છે.’

    પણ પોતન્ના ભલો જુવાનિયો. એ વાટે જતા સાધુ-સંતોને પોતાના ખેતરમાં નોતરે, બેસાડે, ભાવ-ભક્તિ કરે; પછી કહે,

    ‘મને કંઈક સંભળાવો.’

    સાધુ-સંતો જુવાનને ધર્મકથા કહે. જુવાન સાંભળે. પછી તરત પોતે એની કવિતા કરે. કવિતા કરી સહુને સંભળાવે. કવિતા તે કેવી? ભાવ અને રસથી ભરેલી. પદેપદે ચમત્કૃતિવાળી! સાધુ-સંતો તો ખુશખુશ થઈ જાય!

    બધા કહે, ‘પોતન્ના ખરેખર, કવિ છે.’

    પોતન્ના સહુને પગે લાગીને કહે : ‘ખેતીનાં કામ ગજબનાં છે. ઢોરની પાછળ ઢોર થઈએ તો જ એ કામ આપે. ફસલ વાવવાની, ફસલ લણવાની, બી સારાં લાવવાનાં, બી સારી જગ્યાએ વાવવાનાં. બી ફળે ત્યારે અન્ન લણવાનાં!’

    સાધુ-સંતો કહે, ‘ભલા માણસ! મૂક ખેતીની માથાકૂટ! આવી સરસ કવિતા કરતાં આવડે છે ને! ચાલ અમારી સાથે. મઠમાં રહેજે, અખાડામાં જમજે. કવિતા કરજે. ખાજે. પીજે ને લહેર કરજે!’

    પોતન્ના કહે, ‘સંત લોકો! તમે કેમ ઊંધા પાટા બંધાવો છો? ખેતી મારો નિજનો ધંધો છે. કવિતા તો શોખની વસ્તુ છે. મારો ધંધો નહિ છોડું!’

    સાધું-સંતો ખુશ થઈને કહેતા, ‘ભાઈ! ખરેખર તારી ખેતી મોતીની ખેતી છે. કણ પણ વવાય છે, ને કવિતા પણ નીપજે છે!’

    પોતન્નાના પિતા ગુજરી ગયા. ખેતીનો બધો ભાર એકલા એના માથે આવ્યો. ઢોરઢાંખરની સંભાળ એના માથે આવી. કુટુંબકબીલાનાં કામ પણ એના માથે આવ્યાં.

    બીજી તરફ કવિતાના રસિયાનાં ટોળેટોળાં જામવા લાગ્યાં; સાધુસંતોય આવવા લાગ્યા.

    પોતન્ના ખૂબ રાજી થાય, કહે, ‘વાહ! કેવું ગોકુળ વસ્યું છે! કોઈ વૈકુંઠ આપેતોય લેવાનું મન ન થાય એવી મજા છે! દિવસે ધરતી માતાનો સંગ, રાતે માતા શારદાનો સંગ!’

    પોતન્ના હળ હાંકતો જાય છે, ખેતીનું કામ કરતો જાય છે ને કવિતા રચતો જાય છે!

    કવિતા તે કેવી? લોક ડોલી જાય! બધા કહે કે પોતન્નાની જીભ પર તો મા શારદા હાજરાહજૂર છે.ગામમાં એક પુરાણી આવ્યા છે. સુંદર ભાગવત વાંચે છે. પુરાણીએ પોતન્નાને નોતરું દીધું. આવ અને ભાગવત સાંભળ!

    એ વખતે ખેતીના દહાડા. સવારથી સાંજ કામ રહે. સાંજે પોતન્ના થાકીને લોથ થઈ જાય, છતાં રોજ ભાગવત સાંભળવા જાય.

    ભાગવત સંસ્કૃત ભાષામાં. વાંચીને પુરાણી અર્થ કરે. પોતન્ના એ સાંભળીને મોડી રાતે ઘેર આવે. પોતે એનો પોતાની બોલીમાં અનુવાદ કરે ને પછી ગાય.

    પોતન્ના ઘરમાં એક સાધુ આવીને રહેલા. સાધુ પોતન્ના જે ગાય તે છાનામાના લખી લે.

    આવો ક્રમ ઘણા દિવસ ચાલ્યો. પુરાણીએ ભાગવત પૂરું કર્યું. બધાં કામે વળગ્યાં. ત્યાં દરબારમાં એક સાધુ આવ્યા. ભારે પુરાણી. રાજા પાસે ભાગવત કહેવા માંડ્યું.

    ભાગવત કહેનારા ઘણા પોથીપંડિતો આવતા, દાન-દક્ષિણા લઈ ચાલતા થતા; પણ આ સાધુ અજબ ભાગવત લઈને આવ્યા હતા. તેઓએ ભાગવત વાંચવા માંડ્યું અને તે પણ લોકભાષા–તેલુગુમાં!

    અરે! આપણી ભાષામાં ભાગવત! રાજા તો ડોલી ગયો. રોજ સાધુની પોથી પર સોનાનાણું મૂકવા લાગ્યો. આખું ગામ સાંભળવા ઊમટ્યું. કેવું સુંદર ભાગવત! આપણે પોતે સમજી શકીએ એવું! આપણી બોલીનું જ ભાગવત!

    આ દેશી ભાષામાં રચાયેલું ભાગવત પૂરું થયું. આંધ્ર દેશનો રાજા ખુશખુશ થઈ ગયો. એણે સાધુને કહ્યું :

    ‘માગો. માગો તે આપું!’

    સાધુ કહે, ‘આ મારી રચના નથી. મેં તો પોતન્નાની કવિતાની છાનીમાની ચોરી કરી છે.’

    રાજા કહે, ‘પેલો કિસાન પોતન્ના? એ આવો મોટો કવિ છે? ચાલો, એનું સ્વાગત કરીએ. માનથી તેડી લાવીએ. રંગ છે એ કિસાન કવિને! મારો એક મહેલ કાઢી આપું. જિવાઈમાં એક ગામ આપું. ખાય, પીવે ને કવિતા કરે!’

    રાજા હાથીએ ચડ્યો.

    સાધુ બે હાથમાં ગ્રંથ લઈને આગળ ચાલ્યા. પાછળ પ્રજા ચાલી. વાજાં-ગાજાં વાગવા લાગ્યાં.

    પોતન્ના તો પાતાના ખેતરમાં હળ હાંકે. એણે આ વરઘોડો જોયો, એટલે વાડે આવ્યો ને પૂછવા લાગ્યો :

    ‘આ કોનો વરઘોડો છે?’

    ‘રાજાજી મહાકવિ પોતન્નાનું સન્માન કરવા જાય છે.’

    આ સાંભળીને પોતન્ના ઠરી ગયો. અરે, હું મહાકવિ? મારી કૃતિ કઈ? એણે બળદ સામે જોયું, ગાય સામે જોયું, કાબર સામે જોયું, કોઈએ જવાબ ન આપ્યો!

    ત્યાં તો સાધુ આવ્યા. રાજા આવ્યો. પ્રજા આવી.

    રાજાએ પોતન્નાને શાબાશી આપી. સાધુએ પોતે કેવી ચોરીથી આખો ભાગવતનો અનુવાદ સાંભળીને લખી લીધો, તે કહ્યું.

    રાજા કહે, ‘કવિરાજ! ચાલો, મહેલ તૈયાર છે. જિવાઈ બાંધી આપું. ખાઓ, પીઓ ને કવિતા કરો. માતૃભાષાને વિકસાવો.’

    થોડી વાર કવિ બની ગયેલો પોતન્ના પાછો કિસાન બની ગયો. એણે કહ્યું :

    ‘હું પહેલો કિસાન છું. ખેતી મારું પહેલું કામ. કવિતા મારું બીજું કામ. હળ જોતીશ ને કવિતા ગોતીશ. બી વાવીશ ને કવિતા ગાઈશ. કુદરત મૈયા મારા કૂવામાં પાણીની સરવાણી આપે છે. મા શારદા મારા હૈયામાં કવિતાની સરવાણી ચાલુ રાખશે.’

    રાજા કહે : ‘પણ મહેલમાં ચાલો. દરબારમાં સિંહાસન કાઢી આપું. રાજસભામાં રાજકવિના સિંહાસને બેસો.’

    પોતન્ના કહે, ‘સુંદર પંખીને ભલે સોનાના પાંજરામાં પૂરો, પણ પછી એ સારું ને સાચું ગાઈ શકતું નથી. કવિને એનું કામ કરવા દો. પહેલો હું કિસાન છું, પછી કવિ છું.’

    રાજાએ ઘણું કહ્યું, પણ પોતન્ના ન માન્યો. આખરે કહ્યું,

    ‘મારી મોતીની ખેતી ન બગાડો. બળદનું પૂછડું આંબળતાં, હળ હાંકતાં જે કવિતા સ્ફુરે છે, એ રાજમહેલમાં મશરૂની તળાઈમાં આળોટતાં નહિ સ્ફુરે!’

    રાજા કહે, ‘વારુ, તો ભલે, તમારી મોતીની ખેતી ચાલુ રાખો. અમે એમાં આડે નહિ આવીએ! પણ રાજની કંઈ મદદ માગશો, તો રાજ તમારું આભારી થશે.’

    આ કવિનું નામ પોતન્ના! આજે આંધ્રપ્રદેશમાં પોતન્નાનું ભાગવત ખૂબ રસથી વંચાય છે. ભાગવત વાંચતાં એની મધુર ભાષા, ઊંચા ભાવ ને સુંદર સંગીત મન પર કામણ કરે છે! ધન્ય છે કિસાન કવિ પોતન્નાને!

સ્રોત

  • પુસ્તક : જયભિખ્ખુની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014