Khavdavi Marya - Children Stories | RekhtaGujarati

ખવડાવી માર્યા

Khavdavi Marya

નવનીત સેવક નવનીત સેવક
ખવડાવી માર્યા
નવનીત સેવક

                હબુજી રાજાને ત્યાં મહેમાન આવ્યા.

 

                મહેમાન કંઈ જેવાતેવા નહિ.

 

                રાજાજી સાથે ખૂબ નજીકનું સગપણ.

 

                હબુજીનાં રાણીના ભાઈના સાળાના સસરાના બીજા વેવાઈ મહેમાન બનીને આવ્યા.

 

                આવ્યા કે ફસાયા.

 

                એ ફસાયા કેવી રીતે એની આ વાત છે.

 

                મહેમાન આવ્યા એ દિવસે રાણીજીએ રાજાજી સામે મોઢું ચડાવી દીધું.

 

                બોલવું નહિ ને હસવું નહિ.

 

                સબસે બડી ચૂપ.

 

                રાજાજી કહે : રાણીજી, તમે આમ મૂંગાં રહો છો એ અમને ગમતું નથી. બોલવું ન હોય તો બકો, હસવું ન હોય તો રડો. પણ આવી રીતે મૂંગાં ન રહેશો.

 

                રાણી કહે : અમને બોલાવશો નહિ. અમે બરાબર રિસાઈ ગયાં છીએ. કેમ રિસાયાં છીએ એ પૂછશો નહિ.

 

                રાજાજી કહે : તો તો અમે જરૂર પૂછવાના. કોઈ અમને ના કહેનાર કોણ? અમે ધારીએ તે પૂછી નાખીએ.

 

                રાણી કહે : તો પૂછો, અમે કેમ રિસાયાં છીએ?

 

                રાજાજીએ પૂછ્યું.

 

                રાણીજી બોલ્યાં : આપણે ત્યાં મહેમાન આવ્યા છે ને?

 

                રાજાજી કહે : આવ્યા છે. તમે એ કારણથી જ રિસાયાં હો તો હમણાં મહેમાનને હાંકી કાઢીએ…અરે છે કોઈ હાજર? પેલા મહેમાનને અવળે ગધેડે બેસાડીને....

 

                રાણી વચમાં જ કહે, હં...હં....હં.....! પૂરી વાત તો સાંભળો.

 

                રાજાજી પૂરી વાત સાંભળવા લાગ્યા.

 

                રાણી બોલ્યાં : આપણે ત્યાં જે મહેમાન આવ્યા છે તે મારા ભાઈના સગા છે. એમને કોઈ વાતની ખામી ન આવવી જોઈએ. ખામી આવે તો મારા પિયેરમાં આપણું નાક કપાઈ જાય.

 

                રાજા કહે : એવું ન થવા દેવાય. આ આપણું નાક આપણે ઘેર જ કપાવું જોઈએ. તમારા પિયેરમાં કપાય એ તો ખોટું.

 

                રાણી બોલ્યાં : મહેમાનને ખાવા ઝાઝું જોઈએ છે. આપણે આગ્રહ નહિ કરીએ તોય એ તો ઘણું ખાશે, માટે એમને તમારે જમવાનો ઘણો આગ્રહ કરવો. ના ના કહે તોય પરાણે ખવડાવવું. એ બહાર જઈને કહે કે હબુજીએ એટલું ખવડાવ્યું કે ખાઈ-

ખાઈને મરી ગયો.

 

                રાજાજી બોલ્યા : હવે અમને નહિ કહેવું પડે.

 

                હબુજી રાજાએ મનમાં ગાંઠ વાળી દીધી.

 

                મહેમાનને આગ્રહ કરીને જમાડવાના છે.

 

                ખાઈ-ખાઈને મરી જાય તો ભલે, પણ આગ્રહમાં પાછા પડવાનું નથી.

 

                ન ખાય તો પરાણે ખવડાવવાનું છે.

 

                હબુજીએ ડોકું હલાવ્યું.

 

                રાણી રાજી થતાં ગયાં.

 

                મહેમાન જાડા પાડા હતા.

 

                વાંકડી મૂછો રાખતા, ને ભેટમાં વાંકડી તલવાર રાખતા. માથા કરતાં પેટ મોટું હતું.

 

                મહેમાન બોલતા ઓછું ને ખાતા વધારે.

 

                એવા મહેમાન હબુજી રાજાની સાથે જમવા બેઠા.

 

                રાણીના પિયેરનું સગું એટલે રસોઇની વાતમાં તે શું કહેવાનું હોય?

 

                બત્રીસ જાતનાં શાક ને તેત્રીસ જાતનાં પકવાન બનાવેલાં.

 

                ચટણી ને પાપડ, કચુંબર ને રાયતાં! કોઈ વાતની ખોટ નહિ ને કોઈ વાતની ખામી નહિ.

 

                મહેમાન રાજી રાજી!

 

                મહેમાન રાજાજીની સાથે જ જમવા બેઠા.

 

                થાળ જોયો ને થાળની રસોઈ જોઈ.

 

                મહેમાનના મોંમાં પાણી આવી ગયું.

 

                મહેમાન જમવા બેઠા.

 

                મોટું મોં ને મોટા કોળિયા.

 

                ઘડી વારમાં આખો થાળ સાફ.

 

                નોકરોએ દોડાદોડી કરી. થાળ ફરીથી ભરી દીધો.

 

                મહેમાને પાછા હાથ ચલાવ્યા ને મોં હલાવ્યું.

 

                આ વખતે ખાવાની ઝડપ ઓછી થઈ હતી. થાળ ખાલી થતાં વાર લાગી.

 

                ફરી પાછી થાળ ભરાયો.

 

                મહેમાને આ વખતે ખૂબ ધીમે-ધીમે ખાધું.

 

                થાળ ખાલી થયો કે હે....ક, હે....ક કરતાં ત્રણ ઓડકાર આવ્યા.

 

                હબુજીએ ફરીથી ભોજન મંગાવ્યાં.

 

                કહ્યું : મહેમાનની થાળીમાં પીરસો.

 

                મહેમાન : કહે ના હબુજી, હવે નહીં ખય.

 

                હબુજી કહે : ન તે કેમ ખવાય અમે આગ્રહ કરીએ છીએ. ન ખાવાનું હોય તો પરાણે ખાવ.

 

                મહેમાને રાજાજીનો આગ્રહ જોઈને પરાણે ખાધું.

 

                ખાઈને હાથ ધોવા જતા હતા ત્યાં રાજાજીએ હાથ પકડી લીધા.

 

                કહે : એવું ન થાય, હજી ખાવું પડશે.

 

                મહેમાન કહે કે, ભાઈસાબ, હવે તો પેટમાં જરાય જગા નથી રહી. હવે આગ્રહ ન કરશો.

 

                હબુજી હઠે ચઢ્યા.

 

                બોલ્યા : આગ્રહ કેમ ન કરીએ? તમે ના પાડી એટલે હવે તો ડબલ આગ્રહ કરીશું.

 

                હબુજીએ ખૂબ આગ્રહ કર્યો.

 

                મહેમાને માંડમાંડ બે કોળિયા ખાધા.

 

                બે કોળિયા ખાંતાંખાતાં ચાર તો ઓકારી આવી ગઈ. ત્રણ ગ્લાસ પાણી પી ગયા.

 

                હબુજી રાજા કહે : હવે પેંડા ને બરફી ખાઓ. થોડું શાક ને બે-ત્રણ પૂરી ખાવ. રાયતું, ચટણી ને અથાણું પણ ખાવું પડશે, મારા સમ છે.

 

                મહેમાન બોલ્યા : મારા આખા કુટુંબના સમ! હવે એક કોળિયોય નહીં ખવાય.

 

                હબુજી કહે : અમારી આખી અંધેરનગરીના સમ છે. ખાવું પડશે જ!

 

                મહેમાને કહ્યું : અમારા આખા રાજના સમ હબુજી! હવે તો જરાય નહીં ખવાય. ખાવાની વાત તો ઠીક, અહીંથી ઊભું પણ નહીં થવાય.

 

                હબુજીએ કહ્યું : ઊભા થવાની જરૂર નથી, અમે તમને તમારા ખંડમાં મૂકી આવીશું. લો આ બરફી.

 

                હબુજીએ બરફીનો ટુકડો મહેમાનના મોંમાં ખોસી દીધો. મહેમાન જાણે કડવી દવા ખાતા હોય એમ બરફી ખાઈ ગયા.

 

                હબુજીએ પેંડો મૂક્યો પણ મહેમાન કાઢી નાખ્યો.

 

                હબુજી ફરીથી પેંડો મૂકતા હતા ત્યાં તો મહેમાને એમના હાથ પકડી લીધા.

 

                હબુજી કહે : છે કોઈ હાજર?

 

                ત્રણ નોકરો દોડતા આવ્યા.

 

                હબુજી કહે : મહેમાનના મોંમાં ત્રણ-ચાર પેંડા ખોસી દો. ન ખાય તો પરાણે મોં ખોલીને ખવડાવો.

 

                આવી વાત સાંભળી કે મહેમાન ઊભા થઈને ભાગ્યા.

 

                મહેમાન દોડ્યા એટલે નોકરો પાછળ દોડ્યા.

 

                સહુથી પાછળ હાથમાં પેંડા લઈને હબુજીએ દોટ કાઢી.

 

                મહેમાન બિચારા દોડીને એમના ખંડમાં ભરાઈ ગયા.

 

                અંદરથી ખંડ બંધ કરીને પથારીમાં પડ્યા ને મોં પહોળું કરીને હાંફવા લાગ્યા.

 

                હબુજીએ બારણાં ખખડાવ્યાં.

 

                મહેમાને હાંફતાં પૂછ્યું, કોણ છે?

 

                હબુજી કહે : એ તો અમે, હબુજી! આપને પેંડા ખવડાવવા આવ્યા છીએ.

 

                મહેમાન કહે : ભાઈસાબ, હવે પેંડો તો શું, સોપારીનો કટકો ખવાય એવું ય નથી.

 

                હબુજી કહે : એવું ન ચાલે, પેંડા તો ખાવા જ પડશે. બારણું ઝટ ઉઘાડો.

 

                મહેમાન કહે : નહિ ઉઘાડીએ.

 

                હબુજીએ કહ્યું : ન તે કેમ ઉઘાડો, અમે બારણાં તોડીને અંદર આવીશું.

 

                એમ કહીને રાજાજીએ નોકરોને બોલાવ્યા.

 

                તેમણે કહ્યું : આ બારણું તોડી નાખો. પેંડાની થાળી લઈ આવો. મહેમાન ખાઈ-ખાઈને મરી જાય ત્યાં સુધી અમારે ખવડાવવાનું છે.

 

                નોકરો ધસી આવ્યા.

 

                ધડાધડ બારણાને ધક્કા મારવા લાગ્યા.

 

                મહેમાન ગભરાયા.

 

                મનમાં થયું કે માર્યા ઠાર. આ હબુજીનો બચ્ચો આપણને ખવડાવી-ખવડાવીને નક્કી મારી નાખશે. જો બારણાં તૂટ્યાં તો મર્યા જ છીએ.

 

                ખંડમાં એક ટેબલ હતું.

 

                મહેમાને બારણા આગળ ટેબલ મૂક્યું. તેની ઉપર ખુરશી મૂકીને ટેબલ ને ધક્કો મારતા પોતે ઊભા રહ્યા.

 

                બહારથી નોકરો ધક્કા મારે છે અને અંદરથી મહેમાન સામા ધક્કા મારે છે.

 

                આખા શરીરે પરસેવો થઈ ગયો.

 

                ફાંદ ફડાફડ ઊછળવા લાગી.

 

                હબુજીએ જોયું કે બારણું ઉઘડતું નથી એટલે તેણે કહ્યું, જોઈ શું રહ્યા છો એકીસામટો મારો ધક્કો.

 

                નોકરો હઈસો-હઈસો કરતા થોડા આઘા ગયા.

 

                મહેમાન દાંત ભીંસીને અંદરથી જોર કરતા ઊભા રહ્યા. હબુજી કહે : એક...દો....તી...ન!

 

                એકીસામટો નોકરોએ ધસારો કર્યો.

 

                ધડામ્ કરતો બારણાનો અંદરનો આગળિયો તૂટી ગયો. નોકરોના ધસારાથી મહેમાન ખુરશી-ટેબલ સાથે ખાટલામાં જઈ પડ્યા.

 

                નોકરોની પાછળ હબુજી ધસી આવ્યા.

 

                તે કહે : લો આ પેંડા. હવે ન ખાવ તો મારા જ સમ.

 

                મહેમાન કહે : તમને બે હાથ જોડું છું, ભાઈ સાબ. હવે પેંડાની વાત ન કરશો. નામ સાંભળીએ છીએ કે અમારાં રૂંવાડાં બેઠાં થઈ જાય છે.

 

                હબુજીને રાણીએ કહેલું કે મહેમાનને પરાણે ખવડાવવું એટલે જોરથી ગર્જીને કહે : ખાઓ છો કે નહિ?

 

                મહેમાન રડી પડ્યા.

 

                રડીને કહે : આજનો દિવસ જવા દો. ફરીથી અહીં કોઈ દિવસ નહીં આવું.

 

                હબુજીને લાગ્યું કે આગ્રહ ઓછો પડે છે. એટલે એ કહે : એવું ન ચાલે. પેંડા તો ખાવા જ પડશે. રાણીના પિયરમાં અમારું નાક કપાઈ જાય.

 

                મહેમાનને ડોકું ધુણાવ્યું.

 

                ગરીબડી આંખે ઘડીકમાં રાજાજી સામે જુએ ને ઘડીકમાં પેંડા સામે જુએ.

 

                રાજાજીએ નોકરોને કહ્યું : મહેમાન પેંડા ખાતા નથી. અમારું નાક કપાવવાનો એમનો ઇરાદો છે. તમે બધા મહેમાનને પકડો, અમે પેંડા ખવડાવીએ છીએ.

 

                નોકરોએ મહેમાનને પકડ્યા.

 

                બે જણાએ હાથ દબાવી રાખ્યા.

 

                બે જણાએ પગ પકડી રાખ્યા.

 

                એક જણાએ મહેમાનનું મોં બે હાથે પકડીને પહોળું કર્યું. મહેમાનના મોંમાંથી ઘરરર કરતો અવાજ નીકળ્યો.

 

                હબુજી કહે : હં, ઠેકાણે આવી ગયા. પેટમાંથી ઘરરર અવાજ બહાર નીકળ્યો. એટલે અંદર જગા થઈ.

 

                એમ કહીને એમણે મહેમાનના મોંમાં પેંડો મૂકી દીધો. બીજો પેંડો હાથમાં લીધો.

 

                મહેમાન જોર કરીને સડાક કરતા ઊભા થયા.

 

                નોકરોને ધક્કા મારીને પાડી નાખ્યા.

 

                ઊભા થઈને મહેમાન બારી તરફ દોડ્યા.

 

                બારી જરાક સાંકડી હતી. તોય મહેમાન જોર કરીને પેલી બાજુ પડ્યા.

 

                પાછળ બાગ હતો એમાં ઘૂસી ગયા. એક ઝાડની પાછળ સંતાઈ ગયા.

 

                થોડી વાર થઈ કે હબુજી હાથમાં પેંડાનો થાળ લઈને બાગમાં આવ્યા.

 

                આટલા બધા પેંડા જોઈને જ મહેમાનને ઓકારી આવવા લાગી.

 

                હબુજી બૂમ પાડીને કહે : મહેમાનજી, અમે પરોણાગતમાં પાછા નથી પડવાના ઝટ છુપાયા હો ત્યાંથી બહાર આવો ને આટલા વીસ-પચીસ પેંડા ખાઈ જાઓ.

 

                મહેમાન પેંડાનું નામ સાંભળ્યું કે ઓ...ક થઈ ગયું, પણ બે હાથે મોં પકડીને બેસી રહ્યા.

 

                હબુજીએ વળી પાછા નોકરોને બોલાવ્યા. કહ્યું કે, આપણા મહેમાન આ બાગમાં જ છુપાયા છે. એમને જે પેંડા ખવડાવે એને એક પેંડા દીઠ એક મહોરનું ઇનામ!

 

                નોકરો દોડ્યા.

 

                એક પેંડા ઉપર એક મહોર...!

 

                જેના હાથમાં જેટલા પેંડા આવ્યા એટલા એ લઈ આવ્યા.

 

                બધા મહેમાનને શોધવા લાગ્યા.

 

                મહેમાન એક ઝાડની પાછળ થરથર ધ્રૂજતા હતા.

 

                એક નોકરની નજર ત્યાં પડી. તે કહે પેલા ઝાડની પાછળ છોડ હાલે છે. નક્કી ત્યાં મહેમાન જ છે.

 

                બધા નોકરો એ તરફ દોડ્યા.

 

                પણ મહેમાન મરણિયા થઈ ગયા હતા.

 

                નોકરો દોડી આવે  પહેલાં જ એ દોડ્યા.

 

                બાગની દીવાલ નીચી હતી.

 

                મહેમાન જાડા હતા તોય પેંડાના ડરને પ્રતાપે એકદમ જોર આવી ગયું.

 

                દીવાલ ઠેકીને મહેમાન પેલી બાજુ પડ્યા.

 

                આજની ઘડી ને કાલનો દિ’!

 

                ગયા તે ગયા. ફરી પાછા દેખાયા જ નહીં.

 

                પણ રાણીજીના પિયરમાં વટ પડી ગયો કે હબુજી તો મહેમાનગતિ કરવામાં જબરા છે. ખવડાવી-ખવડાવીને મારી નાખે એવા છે!

 

                મહેમાન તો ત્યાર પછી હબુજીને ત્યાં ફરીથી ગયા જ નથી, એટલું જ નહીં, પેંડાનું નામ સાંભળે છે કે હજીય તેમને ઓકારી આવી જાય છે.

સ્રોત

  • પુસ્તક : નવનીત સેવકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013