રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરાજા રણવીરસિંહ દરબાર ભરીને બેઠા છે. ઉનાળાની ઋતુ છે. ગરમી પડે છે. વાતાવરણમાં સુસ્તી છે. ચર્ચાનો કોઈ ખાસ વિષય નથી એટલે વાતોમાં કંઈ રસ પડતો નથી. મજા આવતી નથી. એક કવિએ કવિતા રજૂ કરી. બીજાએ બે-ત્રણ મુદ્દા અધ્યાત્મ જ્ઞાન વિશે રજૂ કર્યા. પણ જાણે કશું જામતું નથી. આજે શારદત્તજી હજુ આવ્યા નથી. રાજાને કંટાળો આવવા લાગ્યો. ત્યાં જ એમને કંઈ સૂઝ્યું. સૂઝતાંની સાથે મોઢા પર ચમક આવી ગઈ. તેમણે દરબારમાં પ્રશ્ન કર્યો : “આ કંટાળો ક્યાંથી આવે છે?”
રાજાના પ્રશ્ને દરબારમાં થોડી ચહલપહલ થવા માંડી. અંદરોઅંદર ગુસપુસ થવા લાગી. સહુને વાતોનો વિષય મળી ગયો. વાતાવરણમાંની સુસ્તી ઓગળવા લાગી. એકે કહ્યું : “મહારાજ! કંટાળો વધુ પડતો શ્રમ કરવાથી આવે છે. શક્તિ બહારનો શ્રમ માણસને થકવી નાખે છે. એથી એને કંટાળો આવે છે.”
“કામની વાત થતી હોય ત્યારે વ્યક્તિ કંટાળતી નથી. એટલે મારું તો માનવું છે કે નકામી વાતોમાંથી જ કંટાળો આવે છે.” બીજાએ કહ્યું.
ત્રીજાએ કહ્યું : “માણસને જ્યારે ઉત્સાહ ન રહે, કામ કરે પણ ફળની આશા ન હોય ત્યારે કંટાળો આવે છે.”
ચોથાએ કહ્યું : “મહારાજ! મારી નમ્ર માન્યતા પ્રમાણે જે વસ્તુમાં રસ ન પડે તેનો કંટાળો આવે. રસ પડે તો કંટાળો રહે જ નહીં.”
આમ સહુએ કંટાળો ક્યાંથી આવે છે તે અંગે જુદાંજુદાં મંતવ્યો દર્શાવવા માંડ્યાં પણ રાજાને કોઈની દલીલ ગળે તરી નહિ. ત્યાં જ શારદત્તનું આગમન થયું. “આવો આવો પંડિતજી! તમારી જ રાહ જોવાય છે.”
“શી વાત છે રાજન્?”
“એક પ્રશ્ન ઊઠ્યો છે. તેનો યોગ્ય જવાબ જોઈએ છે.” કહી રાજાએ શારદત્ત સામે જોયું અને પૂછ્યું : “કંટાળો ક્યાંથી આવે છે? અને તેને દૂર કેમ કરવો?”
શારદત્તે કહ્યું : “મહારાજ! દરબારમાં બેઠેલા ઘણા માણસોને ઘણી વાર કંટાળો આવ્યો હશે, તેમના સ્વાનુભવનો જવાબ સાચો જ હશે, પછી હું શું વિશેષ કહેવાનો હતો?”
“એમના જવાબ તો અમે સાંભળ્યા. હવે તમારો અભિપ્રાય જોઈએ છે.” રાજાએ માર્મિક હસીને કહ્યું : “મહારાજ! કંટાળો આવવાનાં કારણો તો અનેક છે. સ્થળ, સમય, પ્રસંગ પર તેનો આધાર છે પણ મોટો આધાર વ્યક્તિ પર છે. વ્યક્તિના સ્વભાવ પર છે. કંટાળાનું મુખ્ય કારણ કામને ટાળવાની વૃત્તિ છે એટલે કંટાળાને આપણા જીવનથી દૂર રાખવો હોય તો કંટાળો.”
“એ શું બોલ્યા પંડિત?”
“પંડિત આજે કંટાળ્યા લાગે છે.” લાગ જોઈ કૃષ્ણચંદ્રે મમરો મૂક્યો.
“મહારાજ! મેં મારો જવાબ આપી દીધો.” મર્માળુ હસીને શારદત્ત કહ્યું.
“એ જ કે કંટાળાનો ઉપાય કંટાળો.” કૃષ્ણચંદ્રે દાઢમાંથી કહ્યું.
“હા રાજન્! કંટાળાનો ઉપાય કંટાળો. મેં કહ્યું ને કે કામને ટાળવાની વૃત્તિમાંથી કંટાળો જન્મે છે. જો તમે કામને દૂર ઠેલવાનું નહીં રાખો તો કંટાળો નહીં આવે. જેમ કામ કરશો તેમ કામ વધુ સરળ અને રસપ્રદ બનશે, એટલે મારો જવાબ છે કે કંટાળાનો ઉપાય કામને કમ કંટાળો.”
“વાહ વાહ પંડિત! તમે તો કમાલ કરી.” સભા ખુશ ખુશ થઈ ગઈ.
રાજાએ કહ્યું : “પંડિતજી! તમારે મને એ સાબિત કરી આપવું પડશે.”
“જી મહારાજ! એક માસમાં આપને ખાતરી કરાવી આપીશ.” અને તે દિવસે સભા બરખાસ્ત થઈ.
ઉપરની ઘટનાને થોડા દિવસ થયા ત્યાં રાજા તો વાત ભૂલી પણ ગયા; પણ પંડિત ભૂલ્યા ન હતા. એક દિવસ સાંજને સમયે રાજા અને પંડિત વેશપલટો કરીને નગરમાં ફરવા નીકળ્યા હતા. સામેથી એક કઠિયારો માથે લાકડાંની ભારી લઈને આવતો હતો. પંડિતજીએ કઠિયારાને ઊભો રાખી પૂછ્યું : “તું આખો દિવસ શું કામ કરે છે ભાઈ?”
“ભાઈસા’બ! આ જંગલમાંથી લાકડાં કાપીને ચાલ્યો આવું છું. પછી ગામમાં જઈને, વેચીને દાળરોટલાની સગવડ કરીશ.”
“તે તને તારા કામનો કંટાળો નથી આવતો?” પંડિતે પૂછ્યું.
કઠિયારો વિસ્મયથી પંડિતજી સામે જોઈ રહ્યો. પછી બોલ્યો : “એમાં કંટાળો શાનો? રોજ ખાવા તો જોઈએ જ ને? તો પેટ માટે કામ તો કરવું જ પડે ને?” કહી ચાલતો થયો. પંડિતજીએ મલકાઈએ કહ્યું : “જોયું રાજન્! કામ કરવાથી કઠિયારો કંટાળતો નથી.”
થોડું આગળ ચાલ્યા ત્યાં બે સ્ત્રીઓ માથે બેડાં મૂકી જતી હતી. એકે કહ્યું : “અલી રૂપા! તારી સાસુ તો આખો દિવસ બોલબોલ કર્યા કરે, તું કંટાળતી નથી?” જેનું નામ રૂપા હતું તે સ્ત્રી આ વાત સાંભળી હસી પડી અને બોલી : “રેવા! સાચું કહું? ડોસી બોલબોલ કરે છે ને એને લીધે તો ઘરમાં વસ્તી લાગે છે. નહીં તો એમના વિના ચાર મહિના મારા જાય પણ શી રીતે?”
વાત સાંભળતાં રાજા અને પંડિત આગળ ચાલ્યા. થોડું ચાલ્યા ત્યાં એક સ્ત્રી ઓટલા પર ઊભા ઊભા બીજી સ્ત્રી સાથે વાત કરતી હતી. બંને શી વાત થાય છે તે સાંભળવા ઝાડની ઓથે લપાઈને ઊભા.
“આ મારો નાનકો ન હોત તો મારું જીવતર ઝેર થઈ ગયું હોત. એમના ગયા પછી હું જીવનથી કંટાળી ગઈ હોત; પણ આ નાનકાને મોટો કરવામાં જીવન તો પાણીના રેલાની જેમ પસાર થઈ જાય છે. કાલે સવારે મોટો થઈ જશે એટલે નિરાંત.”
પંડિતજીએ ઉપર્યુક્ત વાતચીતના અનુસંધાનમાં રાજા સામે જોયું. રાજાએ વાત સમજ્યો છું એમ ડોકું ધુણાવ્યું અને બંને આગળ ચાલ્યા.
બીજે દિવસે પંડિતજી નમતી બપોરે મહેલમાં ગયા. રાજા સ્નાનગૃહમાં હતા. રાણીવાસમાં રાણી વીણાવતી અને કુંવર વીરસિંહ બેઠાં હતાં. નાનકડો કુંવર માતાની પાસે વાર્તા સાંભળવાની જીદ કરતો હતો; ત્યાં જ પંડિત શારદત્ત પહોંચ્યા, એટલે વીણાવતીએ તેમને આદરસહિત બેસાડ્યા. ખબરઅંતર પૂછ્યા. ત્યાં જ કુંવરે પાછી વાર્તા સાંભળવાની જીદ શરૂ કરી. વીણાવતીએ કહ્યું : “બેટા! આ પંડિતજીને કહે, તેમની પાસે જ્ઞાનનો ને વાર્તાનો ભંડાર છે.” બસ થઈ રહ્યું. કુંવર તો માને છોડી, પંડિતને વળગ્યો. “પંડિતકાકા! મને વાર્તા કહો.” પંડિતજી બાળકને આંગળીએ વળગાડી બગીચામાં લઈ ગયા અને એક વાર્તા કહી. કુંવર ખુશ થઈ ગયા એટલે પંડિતે કહ્યું : “કુંવરજી! તમને ખબર છે તમારા પિતાજીને પણ વાર્તા કહેતાં બહુ સરસ આવડે છે હોં.”
“એમ! તો તો હું એમને આજે જ કહીશ.” કુંવરે કહ્યું. થોડી વારમાં રાજા સ્નાન કરી બગીચામાં આવ્યા એટલે કુંવરે તો રાજાને પકડ્યા : “પિતાજી! મને વાર્તા કહો. વાર્તા.” કુંવરની માંગણીથી રાજા વિચારમાં પડ્યા. એટલે કુંવરે પંડિતકાકા સામે જોયું. પંડિતજીએ રાજાને કહ્યું : “બાળક છે, નિરાશ ન કરો. સિંહ અને ઉંદરની જાણીતી વાર્તા કહો. તેનો ગમશે.”
રાજાએ તો પંડિતની સૂચના મુજબ વાર્તા કહી કુંવરને તો ખૂબ મજા પડી. ઉંદરે સિંહને છોડાવ્યો એ જાણ્યું કે તાળીઓ પાડી ખુશ થતો તે મહેલમાં દોડી ગયો. કુંવરને રાજીરાજી થતો જોઈ રાજા પણ ખુશ થયા.
બીજે દિવસે ફરી સંધ્યાટાણે પંડિતજીએ કુંવરને વાર્તા કહી અને થોડી જ વારમાં રાજા આવ્યા. એટલે કુંવરે રાજા પાસથી વાર્તા સાંભળવાની હઠ પકડી. આજે પણ પંડિતજીની સૂચના પ્રમાણે રાજાએ વાર્તા કરી. કાગડાએ કાંકરા નાખી કૂંજાનું પાણી ઊંચું આણ્યું તેની વાર્તા કરી. કુંવરને ખૂબ મજા પડી. રાજાને પણ મજા પડી.
આમ ને આમ બે-ચાર દિવસ સુધી ક્રમ ચાલુ રહ્યો. એક દિવસ રાજા સાંજના લટાર મારતા હતા. કોઈ વિચારમાં હતા ને કુંવર રોજની જેમ વાર્તા સાંભળવા આવી રહ્યો. રાજાએ કહ્યું : “આજે નહીં બેટા, કાલે કહીશ.” પંડિતજીએ કુંવરને સમજાવ્યા. કુંવર માની ગયા. બીજે દિવસે પણ એમ જ બન્યું. રાજા રાજકાજમાં રોકાયેલા હતા. કુંવરને વાર્તા સાંભળવા ન મળી. શારદત્ત જાણી જોઈને હમણાં મહેલમાં આવતા ન હતા. એટલે કોઈ પાસેથી વાર્તા સાંભળવા ન મળતાં કુંવર નિરાશ થઈ ગયા. રાજાએ કહ્યું : “બેટા! કાલે જરૂર કહીશ.” આમ ત્રણ-ચાર દિવસ સુધી કોઈ ને કોઈ કારણસર રાજા કુંવરને વાર્તા ન કહી શક્યા અને વાર્તા કહેવાનું કામ પાછું ઠેલાતું જ ગયું એટલે કુંવર અકળાયા. બીજે દિવસે સાંજે એમણે જીદ જ પકડી : “પિતાજી વાર્તા કહે તો જ. નહીં તો મારે જમવું નથી.” રાજાને કાને કુંવરની જીદની વાત આવી એટલે રાજા ગુસ્સે થયા : “એવી શી રીસ! એને વાર્તા કહેનાર કંઈ ઓછા છે કે મારું માથું ખાય છે. મારે વાર્તા કહેવી એવું એના બાળમાનસમાં કોણે ઠસાવ્યું છે?” ત્યાં જ કોઈ બોલ્યું : “પંડિતજીએ, તેમણે જ કુંવરને સમજાવ્યા હતા કે તારા પિતાજીને વાર્તા કહેતાં સરસ આવડે છે.”
રાજાએ કહ્યું : “બોલાવો પંડિતને.”
એક સેવક જઈને પંડિતને બોલાવી લાવ્યો. રસ્તામાં પંડિતે સેવક પાસેથી રાજાના બોલાવવાનું કારણ પ્રશ્નો પૂછીને સમજી લીધું હતું. શારદત્ત પંડિત રાજા પાસે પહોંચ્યા કે રાજાએ ફરિયાદના સૂરમાં કહી નાખ્યું : “પંડિત! તમે કુંવરને ચઢાવી માર્યા છે. રોજ વાર્તા સાંભળવાની જીદ કરે છે અને મને કંટાળો આવે છે.”
ત્યાં જ શારદત્ત પંડિત બોલ્યા : “હજુ પાંચ દિવસ પહેલાં તો આપે જ કહ્યું હતું કે વાર્તા કહેવામાં ખૂબ મઝા પડી.”
પંડિત શારદત્તનો જવાબ સાંભળી રાજા વિમાસણમાં પડ્યા અને ચૂપ થઈ ગયા. એટલે પંડિતે આગળ ચલાવ્યું : “રાજન્! આપ કંટાળ્યા, કારણ કે આપે છેલ્લા ચાર દિવસથી વાર્તા કહેવાનું કામ પાછું ઠેલ્યા કર્યું. કામને ટાળો એટલે કંટાળો આવે જ ને! સમજ્યા રાજન્!”
તે પછી રાજા કામને ટાળવાનું ભૂલી ગયા. તેમણે મહેલની દીવાલ પર સોનેરી અક્ષરે લખાવી દીધું.
કંટાળાનો ઉપાય કામને કમ ટાળો.
સ્રોત
- પુસ્તક : અરુણિકા દરૂની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 125)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2013