
ઉનાળાનો દિવસ.
અકબર બાદશાહ બેઠા હતા. પંખાવાળો પંખો ખેંચતો હતો.
પંખો એવી જાતનો હતો કે બારણા આગળ બેઠો બેઠો પંખાવાન દોરી ખેંચે એટલે બાદશાહની ઉપરનો પંખો હાલે. એક બાજુથી બીજી બાજુ જાય. બાદશાહને હવા આવે. એ પંખાને ઝૂલણ પંખો કહેવાય.
એક પંખાવાનની ફરજ પૂરી થથી. તરત બીજો પંખાવાન દોરી ખેંચવા લાગ્યો.
અકબર બાદશાહને એકદમ ખ્યાલ આવ્યો.
તેઓ કહે : ‘બિરબલ!’
બિરબલ કહે : ‘ફરમાવો જહાંપનાહ!’
બાદશાહ કહે : ‘પંખાનો ખર્ચ ઘણો આવે છે. આપણે આટલી હવા ખાઈએ છીએ એ માટે ત્રણ પંખાવાન રાખવા પડે છે. માત્ર હવા ખાવા માટે આટલો ખર્ચ ન પોષાય. કંઈક કરકસર કરવી જોઈએ.’
બિરબલ કહે : ‘તો ત્રણ પંખાવાનને બદલે બે રાખો. એ બંને હાથમાં પંખા લઈ આપના સિંહાસન આગળ ઊભા રહેશે. પંખો નાખ્યા જ કરશે. જૂના જમાનામાં અમારા રાજાઓને સેવકો એવી જ રીતે ચામર ઢોળતા.’
હસીને બાદશાહ કહે : ‘એ રીતે તો ઊલટો ખર્ચ વધ્યો.’
બિરબલ કહે : ‘કેવી રીતે?’
બાદશાહ કહે : ‘બે જ પંખાવાન કંઈ ચોવીસ કલાક ચાલે? પંખાવાનની ત્રણ પાળી હોય છે, એટલે એ રીતે તો ત્રણ દુ છ પંખાવાન થયા!’
બિરબલ કહે : ‘હા, એ ખરું.’
પછી એક કીમતી પંખો લાવી આપીને બિરબલ કહે : ‘બાદશાહ! જરા આપના હાથને તકલીફ પડશે, પણ આ પંખો હાથમાં રાખી આપ નામદાર જાતે જ હવા ખાશો તો પંખાવાનોનો પગાર બચી જશે.’
બાદશાહે હાથમાં કીમતી પંખો લીધો. પોતે હલાવવા લાગ્યો. કહે : ‘મને મારો હાથ હલાવવાનો તો કોઈ જ વાંધો નથી. ખાણું ખાવા હાથ હલાવું છું તો હવા ખાવા હાથ નહિ હલાવું શું? પણ...’.
બિરબલ કહે : ‘નામદાર, હવે પણ શું?’
બાદશાહ કહે : ‘પણ હવા જ ખાવી છે તે માટેય આટલા કીમતી પંખાની શી જરૂર? કોઈ સાદોસીધો પંખો હશે તોય ચાલશે.’
બાદશાહને એકદમ કરકસરિયા બનતા જોઈ બિરબલ બજારમાં ગયો માત્ર એક આનાવાળો એકદમ સીધો-સાદો પંખો લઈ આવ્યો. એ પંખો બાદશાહ સમક્ષ રજૂ કરીને કહે : ‘લો, નામદાર! ગરીબમાં ગરીબ પંખો, બસ!’
તરત બાદશાહ ઊઠ્યા. કોઈ એક જગાએથી એક એવો જ ભાંગ્યોતૂટ્યો પંખો લઈ આવ્યા. બિરબલને બતાવીને કહે : ‘ગયે વર્ષે આ પંખો પણ નવો જ હતો ને! આજે એની કેવી દશા છે? જો, તારો પંખો એક આનાવાળો છે ખરો, પણ એય ઘસાઈ તો જવાનો જ ને! એમ દર વખતે એક આનાનો ખર્ચ કેવી રીતે પોષાય? એનાથી વધુ કોઈ કરકસરવાળો પંખો નથી શું?’
એકદમ જ બિરબલ કહે : ‘છે.’
બાદશાહ કહે : ‘ક્યાં છે? બતાવ!’
બિરબલ કહે : ‘આ પંખો જ વધુ કરકસરવાળો બની શકે છે. અરે, એવો કરકસરવાળો કે માત્ર એક જ વાર એના પૈસા ખર્ચો એટલે બસ. તે અનંતકાળ સુધી ચાલ્યા જ કરે.’
બાદશાહ આશ્ચર્ય પામ્યા : ‘એમ! તે કેવી રીતે....?’
બિરબલે એકદમ બાદશાહના હાથમાં પંખો પકડાવ્યો. બાદશાહ પંખો હલાવવા ગયા તો બિરબલ કહે : ‘નહિ, નહિ. પંખો હલાવશો નહિ. એક આના જેવી કીમતી રકમ આપી છે.’
બાદશાહ કહે : ‘પંખો હલાવું નહિ તો પછી હવા આવશે કેવી રીતે?’
બિરબલે સામે પંખો સ્થિર રાખ્યો. પછી કહ્યું : ‘નામદાર! પંખો કીમતી છે માટે પંખો હલાવશો નહિ. એને બદલે તમારું માથું જ હલાવજો. એટલે હવાની હવા આવશે અને પંખાની કરકસર થશે.’
અકબર બાદશાહે એ પ્રમાણે કરી જોયું અને તેમનાથી ખડખડાટ હસી દેવાયું.
બિરબલ કહે : ‘કેમ જહાંપનાહ! હવે પંખાને સહેજ પણ ઘસારો પડે એમ લાગે છે?’
બાદશાહ કહે : ‘પણ આ રીતે મારા માથાને ઘસારો પહોંચે તેનું શું?’
બિરબલ : ‘જહાંપનાહ! પહેલાં એ કહી દો કે આપ નામદારને કરકસર શાની કરવી છે, પંખાની કે માથાની? એક વાતની કરકસર કરતા હોઈએ ત્યારે બીજી વાત વિચારાય જ નહિ. હા, હલાવો માથું. વાહ, શું કરકસર થઈ રહી છે? વાહ નામદાર, વાહ વાહ! વાહ વાહ....’



સ્રોત
- પુસ્તક : હરીશ નાયકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 85)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014