
સુંદરવનમાં ઉત્તરાયણનો માહોલ જામવા માંડ્યો હતો, પણ અવ્વલ પતંગબાજ ટપુ હાથીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. આ વર્ષની ઉત્તરાયણમાં ટપુ હાથી શું નવું કરશે તે જાણવાની બધાં પ્રાણીઓને ઇંતેજારી હતી. એવામાં બિટ્ટુ બાજ સમાચાર લઈને લવલી લાયનની પાર્ટીમાં આવ્યો. આવતાંવેંત તેણે તો મોટો ભેંકડો તાણ્યો.
બિટ્ટુ બાજને રડતો જોઈ પાર્ટીનું વાતાવરણ ગમગીન બની ગયું. સેન્ડી શિયાળે નાચવાનું બંધ કરી બધાંને શાંત પાડયાં. તે બિટ્ટુ અને સુંદરવનના પ્રમુખ લવલી લાયનને લઈને મસલત કરવા માટે ગયો.
બિટ્ટુએ લવલી લાયનને બાતમી આપી કે ટપુ હાથી હવાઈનગરમાંથી કાચની લૂગદીની બનેલી ધારદાર દોરી લઈને આવી રહ્યો છે. આ કાતિલ દોરીના પરીક્ષણ વખતે હવાઈનગરમાં ચાર કાગડાઓ ઘાયલ થયાની માહિતી પણ તેણે આપી. બિટ્ટુની ચિંતા વાજબી હતી. પંખીરક્ષક સમિતિના અધ્યક્ષ તરીકે સુંદરવનનાં તમામ પંખીઓનું રક્ષણ કરવાની જવાબદારી તેની હતી. હવે જો ટપુ હાથીની દોરી ચાલે તો ઉત્તરાયણ પંખીઓ માટે જોખમી બનવાની હતી. ત્રણે જણાએ હવે શું થઈ શકે તે અંગેની ઘણી મસલત કરી અને છેવટે પાર્ટીમાં પાછાં ફર્યાં.
પ્રેસિડેન્ટ લવલી લાયને બધાં પ્રાણીઓને ભેગાં કરી યુક્તિ સમજાવી. લવલી લાયન અને સેન્ડી શિયાળની યુક્તિ સાંભળીને બધાં પ્રાણીઓ ગેલમાં આવી ગયાં અને ફરી નાચવા લાગ્યાં. બિટ્ટુ બાજ તો એટલો બધો ખુશ થયો કે છેક સ્ટેજની ઉપર જઈને નાચવા લાગ્યો. બીજે દિવસથી સુંદરવનનું વાતાવરણ રાબેતા મુજબ થઈ ગયું. બધાનાં પતંગ કાપવા માટે હરખઘેલો થયેલો ટપુ રોજરોજ ઘરે ઘરે જઈને કોની કેવી તૈયારી છે એ તપાસતો હતો. કાચવાળી દોરીની વાત તેણે બધાથી છુપાવી રાખી હતી. સામે બધાં પ્રાણીઓ પણ જાણે કંઈ ખબર જ ન હોય એમ ટપુ હાથી સાથે રાબેતા મુજબનો વ્યવહાર કરતાં હતાં.
ટપુ ઉત્તરાયણની આગલી રાત્રે જ સુંદરવનના સૌથી ઊંચા ટેકરા પર પહોંચી ગયો. વહેલી સવારે ફટાક દઈને જાગ્યો અને તરત જ તેણે પોતાની ધારદાર દોરથી પતંગ ચગાવ્યો. સુંદરવનમાં આકાશમાં એના સિવાય એક પણ પતંગ દેખાતો નહોતો.
ઉફફ.. ઊંઘણશી છે બધાં, તહેવારના દિવસે પણ ઊંધ્યા જ કરે છે” એવું ટપુ મનોમન બબડયો. જેવો બીજો પતંગ ચગે કે તરત જ તેનો પેચ કાપવા માટે તે તત્પર હતો. ઘણી વાર થઈ ગઈ પણ સુંદરવનના આકાશમાં ટપુ સિવાય કોઈનો પતંગ ન દેખાયો.
સૂરજ માથે ચડવા આવ્યો પણ તોય બીજો એકેય પતંગ ન ચગ્યો. ટપુ હવે એકલા એકલા પતંગ ચગાવીને ખરેખર થાક્યો હતો અને અકળાયો પણ હતો. તેને બપોરની ભૂખ પણ લાગી હતી.
“હમણાં કોઈનો પતંગ ચગશે” એવી ઇંતેજારી બહુ લાંબી થઈ ગઈ એટલે ટપુ હાથીને ખ્યાલ આવ્યો કે નક્કી જંગલમાં કંઈ ખાસ બન્યું છે. પતંગ ઉતારી લઈ તે ઘરે જવા નીકળ્યો. રસ્તામાં એક પણ પ્રાણી કે પંખી દેખાયું જ નહીં. થાકીને પોતાના ઘરે આવ્યો તો ત્યાં પણ કોઈ નહોતું. ભૂખ, થાક અને અકળામણનો માર્યો ટપુ સાવ રડમસ થઈ ગયો.
બધે રખડીને તે છેવટે લવલી લાયનના ઘરે પહોંચ્યો. આખા જંગલનાં બધાં પ્રાણી-પંખીઓ ત્યાં જ હતાં. બધાંએ જોરજોરથી તાળીઓ પાડી ટપુનું સ્વાગત કર્યું. ટપુ તો સાવ અવાચક બનીને ઊભો જ રહી ગયો. એટલામાં પ્રેસિડેન્ટ લવલી લાયને પૂછ્યું, “કેમ છે ટપુ, હવાઈનગરની ધારદાર દોરીવાળી ઉત્તરાયણ કેવી રહી?”
હવે ટપુને આખી વાતનો ખ્યાલ આવ્યો. તે નીચે બેસી ગયો અને બોલ્યો, “એકલા એકલા તો કંઈ ઉત્તરાયણ થતી હશે !” બિટ્ટુ બાજ ગુસ્સો કાબૂમાં રાખીને બોલ્યો, “એ ટપુડા, આ તારી કાચવાળી દોરીને લીધે આખા જંગલમાં પ્રાણીઓએ ઉત્તરાયણ ઊજવવાનું રદ કરી નાખ્યું છે. કોઈ પંખીની પાંખો ન કપાય તેને માટે જ અમે બધાં અહીં જ રહીશું તું તારે એકલો પતંગ ચગાવ.'
ટપુએ તરત જ પોતાની કાતિલ દોરીની ફીરકી લવલી લાયનને જમા કરાવી અને બધાની માફી માગી. બધાં પ્રાણીઓએ જોરદાર તાળીઓથી એનું ફરી સ્વાગત કર્યું. લવલી લાયને ટપુને નવી ફીરકી અને પતંગ ભેટ આપ્યાં. પછી તો જોશભેર શરૂ થઈ ગઈ સુંદરવનની રંગબેરંગી ઉત્તરાયણ!



સ્રોત
- પુસ્તક : સુંદરવનની વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 4)
- સર્જક : મેહુલ મંગુબહેન
- પ્રકાશક : રીડજેટ પબ્લિકેશન
- વર્ષ : 2015