Hans Ane Kagdo - Children Stories | RekhtaGujarati

હંસ અને કાગડો

Hans Ane Kagdo

નાનાભાઈ ભટ્ટ નાનાભાઈ ભટ્ટ
હંસ અને કાગડો
નાનાભાઈ ભટ્ટ

                ગંગાનદીને કાંઠે એક મોટો વડલો અને વડલાની ઉપર પંખીઓની એક મોટી વસાહત.

 

                પૂર્વ દિશામાં પ્રભાત ફૂટ્યું. આખી રાતનો મૂંગો વડલો કેમ જાણે આળસ મરડી ઊભો થયો ને તેને વાચા ફૂટી! ભાગીરથીનાં ધીરગંભીર નીર ખળખળ ખળખળ વહેતાં હતાં. એવામાં ત્રણ હંસો વડલા હેઠળ આવ્યા. શુદ્ધ શ્વેત રંગના માનસરોવરના રાજહંસો! ધોળીધોળી એમની પાંખો અને મોતીનો ચારો વીણતી સુંદર રાતી એવી ચાંચ! આજે એમને પચાસેક ગાઉનો પંથ થયો છે; એમનાં મોં પર ને એમની પાંખોમાં જરાક થાકની છાયા છે.

 

                પાંખો સંકેલી હંસો વડલા હેઠળ બેઠા.

 

                વડલા ઉપર એક કાગડો રહે. કાળીમેશ એની આંખો અને એથીયે વધુ કાળી એની ચાંચ. બે આંખોમાંથી એક આંખ ખોટી ને બે પગમાં એક પગ બાંગો. જીભ ઉપર સરસ્વતી વસે!

 

                હંસોને જોયા એટલે કાગડાભાઈ કા કા કરતા ઠેકવા માંડ્યા; ઘડીમાં ડોક વાંકી કરે, તો ઘડીમાં કાણી આંખ ફેરવે; ઘડીમાં ડાળ ઉપર ઠેકવા લાગે, તો વળી ઘડીમાં ચાંચને સાફ કરવા લાગી જાય.

 

                “આ તે કોણ બેઠું છે?” અત્યંત તિરસ્કારથી કાગડો બોલ્યો અને એક પગ ઊંચો કરી હંસો પર ચરક્યો. હંસો તો નિરાંતે બેઠા-બેઠા થાક ખાય છે. એમાં એક હંસ ફફડ્યો; એને જુવાની ફૂટતી હતી. કાગડાની ચરક પડી એટલે આ જુવાન હંસે ઊંચે જોયું.

 

                “અલ્યા, તમે કોણ છો? અહીં કેમ આવ્યા છો? શું આ વડલો તમારા બાપનો છે?” કાગડાએ પૂછ્યું.

 

                હંસોએ જવાબ ન વાળ્યો, એટલે કાગડાને જોર આવ્યું. એ ચાર ડાળ હેઠો ઊતર્યો અને વધારે જોરથી કા-કા કરવા લાગ્યો : “કેમ બોલતા નથી? મોઢામાં જીભ-બીભ છે કે નહીં?”

 

                પછી બીજી બેચાર ડાળ નીચે ઊતરીને છેક જ પાસે આવ્યો; એનું કા-કા તો ચાલુ જ હતું.

 

                કાગડાના કઠોર સ્વરથી થાકીને એક હંસે જવાબ વાળ્યો : “અમે રાજહંસો છીએ. આજે લાંબો પંથ કરીને થાકી ગયા છીએ, એટલે ઘડીક વિસામો લેવા અહીં બેઠા છીએ. હમણાં ચાલ્યા જઈશું.”

 

                “તે કાંઈ ઊડતાં-કરતાં આવડે છે કે અમથી જ આવડી મોટી પાંખો રાખી બેઠા છો?” કાગડાભાઈ તો ફુલાતા-ફુલાતા પાછા વડલા પર ચડ્યા ને ઊડવા લાગ્યા.

 

                જુવાન હંસ કાગડા સામે મીટ માંડી રહ્યો, પણ કાગડાથી રહેવાય? “એમાં જોઈ શું રહ્યા છો? ઊડતાં આવડતું હોય તો આવી જાઓ. મને એકાવન જાતની ઊડ આવડે છે. જો, આ એક; આ બીજી; આ ત્રીજી; આ ચોથો પ્રકાર. જોજો, વળી આ સાવ નવી!”

 

                કાગડાની એકાવન પ્રકારની ઊડ! ડાબી આંખ મીંચે ત્યારે એક પ્રકાર થાય અને જમણી આંખ મીંચે ત્યારે બીજો પ્રકાર થાય; ચાંચને ઊંચી રાખે ત્યારે ત્રીજો પ્રકાર અને નીચી રાખે ત્યારે ચોથો પ્રકાર. કાગડાએ પોતાના એકાવને પ્રકાર આ રીતે ઊભા કરેલા અને રમત તો સઘળી વડલા ફરતી!

 

                બે-ચાર પ્રકારનું પ્રદર્શન કરી વળી કાગડો નીચે આવે અને છાતી કાઢતો, ધમધમ ચાલતો, હંસો સંમુખ આવીને બોલે : “આમાંથી કશું આવડે છે?”

 

                આ પ્રમાણ એકાવન પ્રકારની ઊડનું પ્રદર્શન ઊકલ્યું, પણ હંસો તો જવાબ જ આપે તો ને! હંસકોની શાંતિથી કાગડાબાઈ પણ ખૂબ તાનમાં આવી ગયા : “છે તાકાત મારી સાથે ઊડવાની? એકાવન પ્રકારમાંથી કોઈ બેચાર તો ઊડી બતાવો! લાગો છો તો રૂડારૂપાળા! શરમ નથી આવતી?”

 

                વૃદ્ધ હંસો તો મૂંગા જ રહ્યા, પણ પેલા જુવાન હંસનું લોહી ઊકળ્યું : “બાપુ! મને જવા દ્યો ને!”

 

                “એ કાગડાએ બાપગોતર હંસોને જોયા નથી. આપણે તો માનસરોવરના રાજહંસો કહેવાઈએ. આપણે તે કાગડા સાથે હોડમાં ઊતરવાનું હોય? આપણે એની સાથે હોડમાં ઊતરીએ એમાંયે એને ખોટી પ્રતિષ્ઠ મળી જાય. છો ને એ બક્યા કરતો! આપણે તો હમણાં ચાલતા થઈશું.” એક ઠરેલ હંસે જવાબ વાળ્યો.

 

                પણ પેલા જુવાન હંસના મનનું સમાધાન ન થયું. એની પાંખમાં ચરચરાટી થવા લાગી એનો જીવ દુખાવા લાગ્યો : “બાપુ, સહેજ દેખાડવા દ્યો!”

 

                “ના, ના.”

 

                પણ જુવાની આખરે ઊછળી : “ભાઈ! તને એકાવન ઊડ આવડે છે એટલી તો મને નથી આવડતી, પણ એક ઊડ આવડે છે.”

 

                “કેટલી? એક? છિટ્ છિટ્! એકમાં શું?”

 

                જુવાન હંસે ચાલુ રાખ્યું : “એ એક ઊડની હોડમાં જો તમારે ઊતરવું હોય તો ચાલો.”

 

                કાગડાભાઈ છાતી ફુલાવતા આગળ આવ્યા : “એક જ? બસ, આ એક જ? ઠીક, ચાલો ત્યારે. એક તો એક! પણ મારી એકાવન ઊડ તો જોઈ લીધી ના? એક અને એકાવનનો ફેર તો જાણો છો ના?”

 

                બંનેની એક ઊડ શરૂ થઈ. વાંકા ટરડાતા કાગડાબાઈ આગળ અને ધીર ગતિવાળો જુવાન હંસ પાછળ. કાગડાભાઈની બાજી રોજ તો વડલા ફરતી જ રમાતી, પણ આજે બંને નદી તરફ વળ્યા. બંનેએ ગંગાનાં ગોઠણબૂડ પાણી મૂક્યાં અને આગળ નીકળ્યા. કાગડાનો હરખ તો માય નહીં. કાગડાભાઈ બળ કરીને આગળ ને આગળ રહે; હંસ તો દરકાર વિના ઊડ્યે જતો હતો. જરાક જેટલે છેટે જઈને કાગડો પાછો ફર્યો ને બોલ્યો : “કેમ બહુ પાછળ રહી જાઓ છો? થાક્યા હો તો કહી દેજો. કહેવામાં કંઈ શરમબરમ ન રાખીએ. આ તો પાણીનાં કામ છે અમે તો રાતદિવસના ટેવાલેયા રહ્યા, એટલે તમારે અમારો વાદ નહીં.”

 

                હંસે કહ્યું : “કાંઈ ફિકર નહીં. ઊડ્યે જાઓ.”

 

                આગળ કાગડો ને પાછળ હંસ.

 

                વળી થોડુંક ઊડીને કાગડાભાઈ બોલ્યા : “લ્યો ત્યારે, હવે તમે થાકી ગયા હશો, માટે પાછા ફરીએ.”

 

                હંસે શાંતિથી જવાબ દીધો : “ના, ના; મને જરાય થાક લાગ્યો નથી. ઊડ્યે જાઓ; મારી ચિંતા ન કરો.”

 

                આગળ કાગડાભાઈ ને પાછળ હંસ. પણ કાગડાભાઈ તો થાક્યા. કંઈ કંઈ બહાનાં કાઢીને કાગડો પાછા ફરવાનું કરે, પણ હંસ તો એક જ વેણ બોલે : “ઊડ્યે રાખો.”

 

                છેવટે કાગડાભાઈ થાક્યા. એમને શ્વાસ ચડવા લાગ્યો અને પાંખો પાણીને અડવા લાગી.

 

                જુવાન હંસ પાછળ ઊડ્યે આવતો હતો. બે બોલ્યો : “કાં, કેમ કાગડાભાઈ? આ ક્યા પ્રકારની ઊડ, વારુ? આ પ્રકાર નવો લાગે છે!”

 

                જરા વાર પછી તો કાગડાભાઈની પાંખો ભીની થઈ ગઈ અને માથું પાણીમાં જા-આવ કરવા લાગ્યું.

 

                “કેમ, કાગડાભાઈ! આ તમારો એકાવનમો પ્રકાર તો નહીં? આ ઊડ શાથી આકરી લાગે છે?”

 

                વગર તરસે પાણી પીતા વડલાના રાજા કાગડાભાઈ બોલ્યા : “ભાઈ! આ એકાવનમો પ્રકાર નથી, આ તો મારા જીવનનો છેલ્લો પ્રકાર છે.”

 

                રાજહંસને દયા છૂટી. એ એકદમ કાગડાની પાસે આવ્યો ને એણે એને પોતાની પીઠ પર ઊંચકી લીધો.

 

                હંસે કહ્યું : “ભાઈ, મને એક જ ઊડ આવડે છે. હવે જોઈ લેજે મારી આ એક ઊડ. બરાબર બેસજે, હો!”

 

                હંસ તો ઊડ્યો તે ઊડ્યો. હિમાલયનાં શિખરો વીંધીને માનસરોવર સુધીનો પંથ કરનાર રાજહંસ ગંગાનો પટ વીંધીને સામે કાંઠે ગયો અને ત્યાંથી મોટું ચક્કર લગાવી. કાગડાભાઈને વિશાળ આકાશ-દર્શન કરાવી, પાછો વડલા હેઠળ લાવ્યો; નીચે ઉતાર્યો ત્યારે કાગડના પેટમાં જીવ આવ્યો.

 

                પણ એ તો કાગડાભાઈ!

 

                હંસે જમીન ઉપર પગ મૂક્યા ના મૂક્યા ત્યાં તો કાગડો ‘કા-કા’ કરતો પીઠ પરથી ઊડીને વડલે પહોંચ્યો અને વડલાની એ જ ડાળી પરથી ફરી એક વાર હંસો પર ચરક્યો! કાગડો બીજું શું કરે?

 

                રાજહંસો ઘડી પછી ઊડી ગયા.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020