રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક કાગડો એક દુકાન પાસે રોજ આવે.
દુકાનની બહાર મમરા વેરાયા હોય તે વીણી વીણીને ખાય. એ તો રોજ આવે ને મમરા ખાય. એક દિવસ આવતાં મોડું થયું.
રસ્તો વાળનારે રસ્તો બરાબર વાળી નાખ્યો હતો. કાગડાએ આમતેમ બધે શોધ કરી પણ એકે મમરો ન મળ્યો. એટલામાં દુકાન ખૂલી. કાગડાએ જોયું તો મમરાં ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ પડેલી છે. એ તો ઊડીને દુકાનમાં ગયો અને ચાંચથી એક થેલી ઊંચકી લીધી.
દુકાનવાળો “અરે અરે...” બોલે અને હાથ લાંબો કરે ત્યાં સુધીમાં તો કાગડો થેલી સાથે ઊંચે ઊડી ગયો. એ તો ઊડતો ઊડતો ગામની બહાર દૂર એક તળાવકાંઠા પાસે આવ્યો. ઝાડના છાંયામાં બેસીને કાગડાએ ચાંચ મારીને પ્લાસ્ટિકની થેલીમાં કાણું પાડ્યું. પછી એક મમરો ચાંચથી પકડીને કાઢ્યો. મજા આવી ગઈ. બીજો મમરો કાઢીને ખાધો... બહુ મજા આવી. ત્રીજો મમરો ખાધો. કાગડો તો રાજી થઈને ગાવા લાગ્યો.
ખા રે કાગડા, મમરા ખા
ખાતાં ખાતાં ગાતો જા
ભૂ માટે છે તળાવ આ.
કાગડાએ તળાવમાંથી ભૂ પીધું. ગાવા લાગ્યો :
ખા રે કાગડા મમરા ખા
ખાતાં ખાતાં ગાતો જા
ભૂ માટે છે તળાવ આ.
એક નાની માછલીએ પૂછ્યું : “અંકલ, શું ખાઓ છો?”
“મમરા. જો મારી પાસે થેલી ભરીને છે.” કાગડાએ તળાવના કાંઠા પર મૂકેલી મમરાની થેલી ઊંચકીને બતાવી.
“અંકલ, મને એક મમરો આપો ને.” માછલી બોલી. જવાબમાં કાગડો ગાવા લાગ્યો
જા રે જા.
ખા રે કાગડા, મમરા ખા
ખાતાં ખાતાં ગાતો જા
ભૂ માટે છે તળાવ આ.
કાગડો તો થેલી ચાંચથી ઊંચકીને ઠેકતો ઠેકતો ઝાડના છાંયામાં બેઠો. એક મમરો કાઢીને ખાધો. મઝા પડી એટલે ગાવા લાગ્યો. એક ખિસકોલીનું બચ્ચું આવ્યું.
“અંકલ, શું ખાઓ છો?”
“મમરા, જો મારી પાસે થેલી ભરીને છે.”
“અંકલ, મને એક મમરો આપો ને.”
જવાબમાં કાગડો ગાવા લાગ્યો :
જા રે જા.
ખા રે કાગડા, મમરા ખા
ખાતાં ખાતાં ગાતો જા
ભૂ માટે છે તળાવ આ.
કાગડા અંકલ પાસે ચકલીના બચ્ચાએ, પોપટના બચ્ચાએ, કાબરના બચ્ચાએ મમરા માગ્યા; પણ કાગડાએ તો કોઈને કે મમરો ના આપ્યો. બધ્ધાને ‘જા રે જા’ કહીને પોતે થેલીમાંથી મમરો કાઢીને ખાય. બધ્ધાં તળાવદાદા પાસે ગયાં.
“તળાવદાદા, અમને કાગડા અંકલ મમરા નથી આપતા.”
“એક મમરો બી નથી આપતા.” ચકલીનું બચ્ચું બોલ્યું.
“છે ને એકલા એકલા ખાય છે.” નાની માછલી બોલી.
“થેલી ભરીને છે.” ખિસકોલીના બચ્ચાએ બે આગલા પગ લંબાવીને કહ્યું, “આટલા બધા.”
“સારું વાત છે એની.” તળાવદાદા બોલ્યા. થોડી વારમાં કાગડો મમરા ખાઈને પાણી પીવા આવ્યો. થેલી કાંઠા પર મૂકીને ગાવા લાગ્યો :
ખા રે કાગડા, મમરા ખા
ખાતાં ખાતાં ગાતો જા
ભૂ માટે છે તળાવ આ.
કાગડો ચાંચ બોળવા ગયો ત્યાં મોજાની એક જોરદાર છાલક મારી તલાવદાદા બોલ્યા :
જા રે કાગડા, આઘો જા
એકલો એકલો મમરા ખા
ભૂ માટે ના તળાવ આ.
કાગડો ફરી ચાંચ બોળવા ગયો ત્યાં મોજાની એની જોરદાર થપાટ આવીને વાગી કે કાગડો કાંઠા પર ગબડી ગયો. એ ઢીલા અવાજે બોલ્યો:
“તળાવભાઈ, કેમ આમ કરો છો?”
“તું કેમ એકલો એકલો મમરા ખાય છે?”
કાગડો સમજી ગયો. એણે તો માછલીને મમરો આપ્યો. ખિસકોલીના બચ્ચાને મમરો આપ્યો. ચકલીના બચ્ચાને મમરો આપ્યો. પોપટના બચ્ચાને મમરો આપ્યો. બધ્ધાંને મમરા આપ્યા.
“લો બીજો મમરો ખાઓ.” કાગડાએ બધાંને બીજી વાર મમરો આપ્યો. બધ્ધાં ખુશ થઈને ગાવા લાગ્યાં :
સુંદર સુંદર રંગે કાળા
કાગડા અંકલ મમરાવાળા.
કાગડાએ બધ્ધાંને ત્રીજો મમરો આપ્યો અને ગાવા લાગ્યો:
ખાવ રે બચ્ચાં, મમરા ખાવ
ખાતાં ખાતાં ગાતા જાવ.
કાગડો તો ત્યાં રહે છે.
બધ્ધાં રોજ મમરા ખાય છે, ગાય છે, તરસ લાગે તો પાણી પીએ છે. એમ કરતાં મમરા ખલાસ થઈ ગયા. કાગડો ઉદાસ થઈને બેઠો છે.
બધ્ધાં એની પાસે ઉદાસ થઈને બેઠાં છે.
કોઈ ગાતું નથી, કૂદતું નથી. નાચતું નથી. ઝાડને થયું કે કેમ બધાં ચૂપ બેઠાં છે?
“એલા, કેમ કોઈ કૂદતાં નથી, ગાતાં નથી?”
“છે ને ઝાડદાદા, મમરા ખલાસ થઈ ગયા.” ચકલીના બચ્ચાએ કહ્યું, ઝાડદાદાએ પૂછ્યું કે મમરા ક્યાંથી લાવેલો. કાગડાએ જવાબ આપ્યો કે એક દુકાનમાંથી ઉઠાવીને લાવેલો. ઝાડાદાદા પર પાકી પાકી મીઠી મીઠી રાયણ બેઠેલી. એમણે તો ટપ ટપ રાયણ ખેરવી.
“ભરી લો થેલીમાં અને દુકાનવાળાને આપી આવો.” ફટ ફટ થેલી ભરી દીધી. કાગડાએ અને પોપટના બચ્ચાએ થેલી ઊંચકી અને ઊંડ્યાં. દુકાનમાં જઈને દુકાનવાળા પાસે થેલી મૂકી.
અમે તમારા મમરા ખાધા
તમે અમારી રાયણ ખાવ.
દુકાનવાળો તો ખુશ થઈ ગયો. એણે તો એક થેલી મમરાની આપી અને બોલ્યો:
કાગડાભાઈ ને પોપટભાઈ,
બીજી થેલી લેતા જાવ.
કાગડો અને પોપટનું બચ્ચું મમરાની થેલી ઊંચકીને ઊડતાં ઊડતાં તળાવ પાસે આવ્યાં. બધ્ધાં ખુશ થઈ ગયાં. વાત સાંભળીને રાજી રાજી થઈ ગયાં. પોપટે વાંકી ચાંચથી થેલીમાં કાણું પાડ્યું. બધ્ધાં ગાવા લાગ્યાં:
સુંદર સુંદર રંગે કાળા
કાગડા અંકલ મમરાવાળા.
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 381)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020