Jatbhai Mate Prem - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જાતભાઈ માટે પ્રેમ

Jatbhai Mate Prem

રમણલાલ ના. શાહ રમણલાલ ના. શાહ
જાતભાઈ માટે પ્રેમ
રમણલાલ ના. શાહ

           કુમારી નેપિયર નામની એક યુરોપિયન બાઈ પાસે એક મોટો પાળેલો કૂતરો હતો.

           એ કૂતરાને શેઠાણીએ એક કામ સોંપ્યું હતું. દરરોજ ભઠિયારખાનામાં જઈ ભઠિયારાને ત્યાંથી એક ઝોળી રોટી (બ્રેડ) લાવવાનું કામ એ કૂતરો કરતો. આપણા દેશમાં આપણું ખાવાનું દરરોજ આપણે ઘેર જ રાંધીને જમીએ છીએ. વિલાયતમાં મોટે ભાગે પાંઉ-બિસ્કિટ વગેરે ભઠિયારાઓને ત્યાં વેચાતાં મળે, ત્યાંથી લાવીને લોકો ખાય છે. આપણામાં તો હિંદુઓમાં ઉચ્ચ વર્ગના લોકો કૂતરાની અડકેલી ચીજ ખાય પણ નહિ. વિલાયતમાં તો કૂતરાને અડવાનો બાધ નહિ એટલે ત્યાં કૂતરો ભઠિયારખાનામાં જઈ રોટી લઈ આવે; એમાં જરા પણ નવાઈ લાગે એમ નથી.

           કૂતરાની શેઠાણીએ ભઠિયારા સાથે એવી ગોઠવણ કરેલી કે એણે રોજ બાર રોટી ઝોળીમાં નાખી કૂતરાને આપવી.

           કૂતરો દરરોજ નિયમિત રીતે રોટી લેવા જતો, ને બરાબર બાર રોટી લાવી એની શેઠાણીને આપતો.

           પણ થોડાક દિવસ પછી એક વાર એવું બન્યું કે કૂતરો ઝોળીમાં બારને બદલવે અગિયાર રોટી લઈને આવ્યો. એની શેઠાણી આમ કેમ બન્યું એના ગૂંચવાડામાં પડી. વખતે ભઠિયારો ગણતાં ભૂલ્યો હશે એમ ધારી એણે મન વાળ્યું.

           બીજા દિવસે પણ ઝોળીમાં જુએ તો અગિયાર જ રોટી. ત્રીજા દિવસે પણ એમ જ બન્યું. બાઈની હવે ખાતરી થઈ કે નક્કી રોજ એક એક રોટી ગુમ જ થાય છે રોજ ભઠિયારો ભૂલ ન કરે.

           એ રોટીનું શું થતું હશે? કૂતરો રસ્તામાં ખાઈ જતો હશે? એમ તો કદી બને જ નહિ! એ એવો નિમકહલાલ અને કેળવાયેલો હતો કે એવું એ કદી ન કરે ત્યારે શું કોઈ એની પાસેથી ડારીને એક રોટી પડાવી લેતું હશે? એમ પણ બને એમ ન હતું કૂતરો એવો જબરો હતો, અને એનો દેખાવ જ એવો વિકરાળ હતો કે કોઈ ભૂલેચૂકે પણ એને ડરાવીને રોટી ઝૂંટવી લેવાની હિંમત કરી શકે એમ ન હતું. અને કદાચ કોઈ કરે તો કૂતરો એને સજોસમો જવા દે એમ પણ ન હતું.

           બાઈએ વળતે દિવસે ઝોળી આપીને કૂતરાને મોકલ્યો. પાછળ પોતે પણ છૂપી રીતે ગઈ. તપાસ કરતાં જણાયું કે કૂતરો ભઠિયારાને ત્યાંથી રોટી તો બરાબર બાર જ લાવતો હતો, પણ રસ્તામાં પાછાં વળતાં એક ઠેકાણે ઊભો રહેતો હતો. એ જગાએ શેરીને એક છેડે એક ગરીબ બિચારી કૂતરી બીમાર બની દુ:ખદરદથી ખાંસતી પડી હતી. એના પેટમાં ભૂખથી મોટા મોટા ખાડા પડ્યા હતા.

           કૂતરાએ ઝોળીમાંથી એક રોટી કૂતરી પાસે મૂકી. કૂતરીના નાનાં નાનાં બચ્ચાં હતાં, ને એ બીમાર હતી, એટલે પૂરતું ધાવણ આવતું ન હોવાથી બચ્ચાં પણ સુકાતાં જતાં હતાં. એટલે એ અજાણી બીમાર કૂતરી ઉપર દયા લાવી પેલો કૂતરો એક રોટી કૂતરી પાસે મૂકી ત્યાંથી વિદાય થતો. ગરીબ બિચારી કૂતરી આભારભરી આંખે એ કૂતરા તરફ જોઈ રહેતી.

           બાઈને પોતાના કૂતરા ઉપર વધારે વહાલ ઊપજ્યું. બીજા દિવસથી એણે બારને બદલ તેર રોટી મોકલવા ભઠિયારાને કહ્યું. કૂતરો એક રોટી કૂતરી પાસે મૂકીને આવતો, ને ઘેર બરાબર બાર લાવતો.

           થોડાક દિવસ બાદ રોજ નિયમિત તેર રોટી ઘેર આવવા લાગી તપાસ કરી તો જણાયું કે હવે બીમાર કૂતરી સાજી થઈ હરી-ફરી શકે એવી સ્થિતિમાં આવી ગઈ હતી, આ કારણથી એને હવે રોટી પટોંચાડવાની જરૂર રહી ન હતી.

           કૂતરાને પણ કાંઈક અંશે મનુષ્યના જેવી વિચારશક્તિ છે, એ આ વાત ઉપરથી આપણે સમજી શકીએ છીએ.

સ્રોત

  • પુસ્તક : રમણલાલ ન. શાહની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2015