Pahelu Inam - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પહેલું ઇનામ

Pahelu Inam

શ્રદ્ધા ત્રિવેદી શ્રદ્ધા ત્રિવેદી
પહેલું ઇનામ
શ્રદ્ધા ત્રિવેદી

    શાળાનું વિશાળ મેદાન આજે રંગબેરંગી ફુગ્ગાઓ અને કાગળનાં તોરણોથી શોભી રહ્યું હતું. ઝીણી ઝીણી લાઈટોનાં તોરણો પણ બાંધેલાં હતાં. હારબંધ ખુરશીઓ મૂકવામાં આવી હતી. મુખ્ય દરવાજાથી રંગમંચ સુધીનો રસ્તો લાલ જાજમથી ઢાંકવામાં આવ્યો હતો. આજે શાળાનો વાર્ષિકોત્સવ હતો. સાંજ પડી. દીવાઓનો ઝગમગાટ શોભા વધારી રહ્યો. બાળકો તેમનાં માતાપિતા સાથે આવતાં હતાં. બધાં ખુશખુશાલ હતાં.

    સમય જતાં પડદો ઊઘડ્યો. નાનકડી સરલાએ પ્રાર્થના-નૃત્ય કર્યું. ત્યાર બાદ એક પછી એક કાર્યક્રમ રજૂ થતા ગયા. છેવટે શરૂ થયો વેશભૂષાનો કાર્યક્રમ. એમાં સૌપ્રથમ આવી પરી.

    ‘હું બાળકની આંખોમાં રમતી સોનપરી...’ કહેતી કહેતી એક ખૂબ નાની છોકરી રંગમંચ પર આવી ને નાચતી-કૂદતી સરી ગઈ. એ પછી બીજી બાજુએથી આવ્યો જોકર. પહેરવેશ અને હાથ-મોંના ચેનચાળા કરતો લોકોને હસાવતો ને ચાલ્યો ગયો ત્યાં તો ‘એય શાક લેજો ભાઈ શાક, તાજી ભાજી ને તાજા શાક, સાવ સસ્તામાં આપું આજે.’ કહેતી એક શાકવાળી છાબડીમાં જાતજાતનાં શાક લઈ રંગભૂમિ પર ફરીને જતી રહી. પછી આવ્યો ભિખારી. ફાટેલાં-તૂટેલાં કપડાં, હાથમાં મોટો વાટકો ને બોલતો જાય. ‘આ ભૂખ્યાને કોઈ ખાવાનું આપો બા. બે દિવસનો ભૂખ્યો છું. ભગવાન તમારું ભલું કરશે.’ એ ગયો ને આવ્યા સાન્તાક્લોઝ. નાનકડા નેલ્સને સાન્તાક્લોઝનો વેશ લીધો હતો. પ્રેક્ષકો તો જેવા સાન્તાક્લોઝ રંગમંચ પર આવ્યા કે ખુશખુશાલ થઈ ગયા ને તાળીઓ પાડવા લાગ્યા. સાન્તાક્લોઝ અડધે સુધી આવ્યા કે બીજા દરવાજેથી એક છોકરો દોડતોકને સીધો પહોંચી ગયો સાન્તાક્લોઝ પાસે. સાન્તાક્લોઝે પ્રેમથી એને પૂછ્યું : ‘બેટા મનુ, તારે શું જોઈએ?’ મનુ કહે : ‘મને મણકાવાળી સ્લેટ જોઈએ છે.’

    સાન્તાક્લોઝ કહે : ‘ચાલો, આંખો બંધ કરી દો.’ મનુએ આંખો બંધ કરી કે સાન્તાક્લોઝે પીઠ પાછળ હાથ લઈ જઈ, જાણે જાદુ કરતા હોય તેમ સ્લેટ કાઢીને મનુના હાથમાં મૂકી. મનુ તો હાથમાં સ્લેટ આવતાં જ કૂદતો કૂદતો જતો રહ્યો. સાન્તાક્લોઝ થોડા આગળ ચાલ્યા.

    ત્યાં તો સલમા પડદા પાછળથી આવીને બોલી : ‘દાદા, મને સુખડનો સાબુ આપો ને!’

    સાન્તાક્લોઝ કહે : ‘લે. તારો મનગમતો આ સુખડનો સાબુ.’ સાન્તાક્લોઝે સલમાના હાથમાં જ્યાં સાબુ મૂક્યો કે એ તો સાબુ સૂંઘતી સૂંઘતી સ્ટેજ પરથી ઊતરવા લાગી. સ્ટેજ પરથી હજુ એ ઊતરી યે નહોતી ત્યાં બીજે છેડેથી બારીને દોડતાં દોડતાં આવી કહ્યું : ‘દાદા, મારે બોલ-બેટ જોઈએ. આપશો ને મને?’ ને મીઠું મીઠું હસતાં સાન્તાક્લોઝે બોલ-બેટ તેના હાથમાં મૂક્યાં. બારીને તો સ્ટેજ પરથી બોલ હાથમાં લેતાં જ બેટ વડે એવો ફટકો માર્યો કે બોલ સીધો પડ્યો પ્રેક્ષકોમાં બેઠેલી સરોજના ખોળામાં. બારીન દોડતો દોડતો બોલ લેવા નીચે ઊતર્યો, તાળીઓના ગડગડાટ વચ્ચે સાન્તાક્લોઝ બીજી બાજુથી પાછા જવા જતા હતા ત્યાં જ સરોજ દોડતી દોડતી પહોંચી સ્ટેજ પર.

    ‘દાદા ઊભા રહો. દાદા ઊભા રહો.’ – ને સાન્તાક્લોઝ બનેલો નેલ્સન સ્ટેજ પર પાછો આવ્યો. જોનરાઓએ એમ જ માન્યું કે આ પણ તેની વેશભૂષાનો એક ભાગ હશે. સરોજ સાન્તાક્લોઝનો હાથ પકડી બોલી : ‘સાન્તાક્લોઝ, તમે ખરેખર બાળકોને જે જોઈતું હોય તે આપો છો ને? તો તો મને મારા પપ્પા આપો ને! હું બહુ નાની હતી ત્યારે ભગવાન મારા પપ્પાને લઈ ગયા હતા. મને મારા પપ્પા વગર ગમતું નથી. મારી મમ્મી પણ ઘણી વાર રડી પડે છે. તો મને મારા પપ્પા લાવી આપો ને!’

    જોનારાંઓ આ જોઈ-સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. વાતાવરણમાં એકદમ ખામોશી પથરાઈ ગઈ. સાન્તાક્લોઝ બનેલો નેલ્સન પણ મૂંઝાઈ ગયો. કહે : ‘સરોજ, હું કાંઈ ઓછો સાચો સાન્તાક્લોઝ છું? મનુ ને બારીન એ બધાં સાથે તો પહેલેથી ગોઠવેલું હતું ને એટલે તેમને તો તેમને કહ્યું તેમ આપ્યું. તારા પપ્પાને હું કેવી રીતે લાવી દેવાનો?’

    સરોજ આ સાંભળી રડી પડી. કહે : ‘તમે તો સાન્તાક્લોઝ થયા તે શું કામના? તમે મને જો ગમતું ના આપો તો કિટ્ટા તમારી.’

    ત્યાં જ પ્રેક્ષકોમાં બેઠેલી સરોજની મમ્મી આવી કહે : ‘બેટા, આમ થાય? આ તો રમત છે. ને એમ તે કંઈ તારા પપ્પા...!’ તે પૂરું બોલી પણ ના શક્યાં. સરોજને લઈ તે રંગમંચ પરથી ઊતરવા લાગ્યાં. દરમિયાન સરોજ હજી સાન્તાક્લોઝને કહી રહી હતી, ‘દાદા, મને મારા પપ્પા લાવી આપો તો જ ખરા. નહીં તો તમારી કિટ્ટા!’

    સાન્તાક્લોઝ બનેલો નેલ્સન પણ હવે તો રડવા જેવા થઈ ગયો. સાન્તાક્લોઝનું મહોરું મોઢા પરથી કાઢી, તેને સંબોધીને તે ય કહેવા લાગ્યો : ‘જા, તારીયે કિટ્ટા. સાન્તાક્લોઝ, તું સરોજને તેના પપ્પા લાવી આપે તો જ હું વેશ લઈશ.’

    પ્રેક્ષકોમાં બેઠેલા નેલ્સનના પિતા સ્ટેજ પર આવ્યા. તેમણે સરોજને બૂમ પાડી કહ્યું : ‘સરોજ, આમ આવ.’ સરોજ તેની મમ્મીનો હાથ છોડી, દોડતી દોડતી સ્ટેજ પર આવી. નેલ્સનના પપ્પાએ સાન્તાક્લોઝનું મહોરું નેલ્સનને પહેરાવી દીધું ને સરોજને હાથથી પોતાના પડખે લઈને કહ્યું : ‘બેટા સરોજ, સાન્તાક્લોઝ તારા પપ્પાને તો પાછા નહિ લાવી શકે, પણ પપ્પા જેમ રાખતા તેમ તને રાખનારને લાવી શકે. આજથી તુંય અમારી દીકરી હોં. જેવો નેલ્સન તેવી જ તું.’

    ને સરોજ અને નેલ્સનને લઈને તો સ્ટેજ પરથી ઊતર્યાં. ઘણી વારથી શાંત રહેલું પ્રેક્ષાગાર તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યું. નેલ્સનના પપ્પા સરોજ અને નેલ્સનને લઈને મમ્મી જ્યાં બેઠી હતી ત્યાં આવ્યા. પ્રેક્ષક સમુદાયે આ સૌને ઉમળકાથી વધાવી લીધાં.

    હવે એ કહેવાની જરૂર ખરી કે આ વેશભૂષાની હરીફાઈમાં પ્રથમ ઇનામ સાન્તાક્લોઝને જ મળેલું?

સ્રોત

  • પુસ્તક : શ્રદ્ધા ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2022