રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવપુજી વાંદરો અને હીપુજી હાથી. બન્નેને ભાઈબંધી. બન્ને જંગલમાં રહે. હીપુજી રહે ઝાડ નીચે અને વપુજી રહે ઝાડ ઉપર. હીપુજી ગીત શરૂ કરે, તો વપુજી એને પૂરું કરે અને વપુજ ગીત શરૂ કરે તો હીપુજી એને પૂરું કરે. તો કોઈ વાર બન્ને સાથે-સાથે ગાય. વપુજી ઠેકડા મારી નાચે ત્યારે હીપુજી ઢોલ વગાડે. ઢોલ શેનો-ખબર છે? પોતાના પેટનો. ગીત કયું – ખબર છે? દોસ્તીનું, વહાલું.
હીપુજી ગાતો :
‘મને વહાલું-વહાલું લાગે રે
વપુજીનું નામ.’
વપુજી ગાતો :
‘મને વહાલું-વહાલું લાગે રે
હીપુજીનું નામ.’
વપુજી કેટલાંય ફળ લાવીલાવીને હીપુજીને ખવડાવે. અને હીપુજી ખુશ થઈ-થઈને ગાવા માંડે:
‘મને વહાલું-વહાલું લાગે રે વપુજીનું નામ.’
હીપુજી સૂંઢમાં પાણી ભરી લાવે અને કહે, ‘હાલો, વાલાભાઈ, તમને નવડાવું. આખો દિવસ ખંજવાળ-ખંજવાળ કરો છો તે નાહી લો. ચામડી ચોખ્ખી થઈ જાય.’ અને વાંદરાભાઈ પલાંઠી વાળીને બેસી જાય. હાથીબાઈ વાંદરાભાઈ ઉપર સૂંઢથી ફર્રર્રર્ર્ પાણ નાંખે અને વાંદરાભાઈ ગાવા માંડે શું? – ખબર છે?
‘મને વહાલું-વહાલું લાગે રે હીપુજીનું નામ.
એક હાથી નામે પહાડ
અને સૂંઢ નદીનુ નામ
‘મને વહાલં-વહાલું લાગે રે હીપુજીનું નામ.’
એક વાર હીપુજી કહે, ‘હાલો વપુજીભાઈ, તમને મારી પીઠ પર બેસાડી મેળામાં ફરવા લઈ જાઉં.’
અને વપુજીભાઈ તો હીપજીભાઈની પીઠ ઉપર બેસીને ગાવા લાગ્યા. શું ગાવા માંડ્યા હશે? – કહો જોઈએ.
‘મને વહાલું-વહાલું લાગે રે હીપુજીનું નામ.’
ગામને પાદર સાતમ-આઠમનો મેળો ભરાયેલો. બન્ને ત્યાં પહોંચ્યા. વપુજીભાઈએ મોટા-મોટા હીંચકા ખાધા. ખાતાં-ખાતાં ગાતા જાય :
‘મને વહાલું-વહાલું લાગે રે હીપુજીનું નામ.’
અને મેળામાં બધાં આ ગીત ઝીલવા લાગ્યાં :
‘મને વહાલું-વહાલું લાગે રે હીપુજીનુ નામ.’
વપુજીએ તો ચગડોળ ઉપર ચક્કર-ચક્કર ફરી લીધું. ત્યાંથી ઊઠીને લપસિયાં પર લપસીને લપસિયાં ખાઈ લીધાં. પછી તે ડનલો પિલોના ગાદલાં ઘરમાં ઠેકડા પણ મારી આવ્યો. તોપણ હજુ ચગડોળ ઉપર બેઠેલા લોકો ગાતા હતા કે
‘મને વહાલું-વહાલું લાગે રે હીપુજીનું નામ.’
અને હવે ગાદલાંઘર પણ ગાજવા લાગ્યું કે
‘મને વહાલું-વહાલું લાગે રે હીપુજીનું નામ.’
હીપુજી પોતાના નામનું ગીત સાંભળી સાંભળીને બહુ ફુલાણો. વપુજીભાઈ તો હાથીઘોડાવાળા ચગડોળમાં પણ બેઠા અને રીંછભાઈ ડ્રાઇવરની ટ્રેઇનમાંય બેઠા. પણ હીપુજીભાઈ બિચારા ક્યાં અને કેવી રીતે બેસે?
વપુજીભાઈના ખેલ જોઈ-જોઈને અને તેમનું ગીત સાંભળી સાંભળીને સહુએ તેમને કાંઈ ને કાંઈ ખાવા આપ્યું. વપુજીભાઈએ તેમાંથી અરધું હીપુજીભાઈને આપ્યું અને અરધું પોતે ખાધું. એમાં વળી કોઈકે વપુજીભાઈ વાંદરાને ફુગ્ગો આપ્યો.
વપુજી વાંદરો તો હીપુજી હાથી ઉપર બેઠો-બેઠો દોર હાથમાં પકડીને ફુગ્ગો ઉડાડતો જાય અને ઠેકડા મારતો જાય. હીપુજીભાઈને વપુજી વાંદરાએ ફુગ્ગો લીધો છે તેની ખબર ન હતી. વપુજી ગાતો જાય :
‘મને વહાલું-વહાલું લાગે રે હીપુજીનું નામ.’
હીપુજી સૂર પુરાવતો જાય :
‘મને વહાલું-વહાલું લાગે રે વપુજીનું નામ.’
આમ, યુગલગીત ચાલતું હતું, ત્યાં અચાનક ફુગ્ગો ફટાક કરતો ફૂટ્યો. હાથીભાઈ ભડક્યા. એમને થયું કે ક્યારના વાંદરાભાઈ પોતાની પીઠ ઉપર બેઠા-બેઠા ઠેકડા મારે છે, તેથી પોતાનું પેટ ફૂટ્યું લાગે છે. ગભરાયા. ઘાંઘાં થઈ ગયા. માંડ્યા આડા ને અવળા ભાગવા.
મેળામાં તો નાસભાગ થઈ ગઈ, હાથીને ગાંડો થઈને દોડતો જોઈ બધાં ચીસો પાડવા લાગ્યાં કે ‘હાથી ગાંડો થયો, હાથી ગાંડો થયો.’
હીપુજી હાથી કહે :
‘અરે મારો ઢોલ ફૂટ્યો ઢરરરરરરર
ઓય, ઓય, ઓય મા! અરરરરરરર.’
‘અરે, મારો ઢોલ ફૂટ્યો ઢરરરરરરર
ઓય, ઓય, ઓય મા! અરરરરરરર.’
વાંદરાભાઈને તો લાગ્યું કે હાથીભાઈ ઝડપી કૂચ કરતાં-કરતાં કોઈ કૂચગીત ગાઈ રહ્યા છે, તેથી તેઓ કૂચગીત સાથે ઠેકડા મારી-મારીને તાલ મેળવવા લાગ્યા –
‘અરે, મારો ઢોલ ફૂટ્યો ઢરરરરરરર
ઓય, ઓય, ઓય મા અરરરરરરર.’
હાથીભાઈને ઊંટવૈદ યાદ આવ્યા એટલે તેઓ જંગલ તરફ નાઠા, વાંદરાભાઈને તો આ દોડ, સવારીમાં ઓર મઝા આવી. હાથીભાઈ તો બોલતાં હતા :
‘અરે, મારો ઢોલ ફૂટ્યો ઢરરરરરરર
ઓય, ઓય, ઓય મા અરરરરરરર.’
વચમાં મળ્યો ગોગડો ગેંડો. પૂછ્યું : ‘શું થયું હીપુજીબાઈ કેમ ભાગો છો ક્યાં ભાગો છો?’
હીપુજી કહે :
‘શું કહું તમને હેં-હેં-હેં
ઢોલ ફૂટ્યો છે ફેં-ફેં-ફેં.
સાવ ગયો છું બી-બી-બી
તોય વાંદરો ઠી-ઠી-ઠી.’
પછી પાનુજી પાડો મળ્યો. પૂછ્યું, ‘શું થયું હીપુજીભાઈ? કેમ ભાગો છો? ક્યાં ભાગો છો?
હીપુજી કહે :
‘શું કહું તમને હેં-હેં-હેં?
ઢોલ ફૂટ્યો છે ફેં-ફેં-ફેં.
સાવ ગયો છું બી-બી-બી
તોય વાંદરો ઠી-ઠી-ઠી.’
આમ, રસ્તે જે જે મળ્યું તેને-તેને હીપુજીએ કહ્યું કે :
‘શું કહું તમને હેં-હેં-હેં?
ઢોલ ફૂટ્યો છે ફેં-ફેં-ફેં.
સાવ ગયો છું બી-બી-બી
તોય વાંદરો ઠી-ઠી-ઠી.’
વપુજી તો દોડતી સવારી માણવામાં એવો મશગૂલ હતો કે હીપુજી શું બોલે છે તે સાંભળી જ શક્યો નહીં. એ તો ઠી-ઠી-ઠી હસતો જાય. આમ, હેં-હેં-હેં અને ફેં-ફેં-ફેં કરતાં-કરતાં, બીતાં-બીતાં હીપુજીભાઈ કાંઈ દોડ્યા છે!... કાંઈ દોડ્યા છે!
માંડ ઊંટવૈદનું દવાખાનું આવ્યું. મોટા ઘટાદાર લીમડા નીચે ઊંટભાઈ ખુરશી નાખીને બેઠા હતા. ઝાડના થડ ઉપર પાટિયું ઝૂલતું હતું કે ડૉ. અડબમ ઊંટનું દવાખાનું. અને ડૉક્ટરસાહેબ મિસ્ટર અડબમના ગળામાં શું ઝૂલતું હતું ખબર છે? સ્ટેથસ્કોપ. હૃદયના ધબકારા માપવાનું અને છાતીમાં કેટલો કફ છે તે તપાસવાનું ભૂંગળી-યંત્ર. ઊંટભાઈ તો હાથીભાઈના પગની નાડ પકડીને ઊભા. અને પછી સ્ટેથસ્કોપથી પેટ તપાસવા લાગ્યા. તપાસતાં તપાસતાં પૂછ્યું, ‘શું થયું છે હીપુજીભાઈ!’
હીપુજી કહે :
‘મારી સૂંઢ બરાબર,
હાથ બરાબર, પગય બરાબર
ફૂટી ગ્યો છે ઢોલ પેટનો,
વપુજીભાઈનો વાંક સરાસર.’
અડબમ ઊંટ ગભરાયો. કહે, ‘હીપુજી, મને ફૂટેલો ઢોલ સાંધતાં નથી આવડતું.’
‘ઝાડા થાય તો ટીકડી આપું.
તાવે સોયનો ચટકો.
શરદી થાય તો મિક્ષ્ચર આપું,
પણ પેટ ફૂટે એનો ટાંકો
मैं ना जानूँ वासो
मैं ना जानूँ वासो
હાથીભાઈ ગભરાયા. નીકળી ગયા અડબમ ઊંટના દવાખાનાની બહાર. ક્યાં જાવું – એ સમજાયું નહીં, તેથી આડાઅવળા માંડ્યા ભાગવા અને રડવા :
‘ઢોલ ફૂટ્યો છે ઞરરરરરરર
ઓય, ઓય, ઓય મા! અરરરરરરર.
ઢોલ ફૂટ્યો છે ઢરરરરરરર
ઓય, ઓય, ઓય મા! અરરરરરરર.’
સામા મળ્યા રાણા સિંહ. સિંહે પૂછ્યું, ‘ક્યાં ફૂટ્યું છે પેટ? દેખાડો.’
હાથી કહે, ‘આ વાંદરો ઠેકડા મારે છે, તેથી મારું પેટ ફૂટી ગયું છે.’
સિંહે હાથીની ચારે બાજુ ગોળગોળ ફરીને જોયું અને કહ્યું, ‘હીપુજીભાઈ, તમારું પેટ તો સલામત છે, પણ તમારું ભેજું સલામત નથી.’
પણ હીપુજી શાનો માને? એ કહે, ‘અરે, મેં ફટાકડો સાંભળ્યો હતો ને? ફટાક કરતી મારી ફાંદ ફૂટી ગઈ હતી. અરરર.... હવે શું થશે?’
હવે વાંદરાભાઈને સમજ પડી કે ગરબડ શાને થઈ હતી. તડાક કરતાં બોલી ઊઠ્યા, ‘અરે હીપુજીભાઈ! એ તો ફટાક કરતો મારો ફુગ્ગો ફૂટેલો. અરે! ગાંડાભાઈ! મને મેળામાં એક માણસે ફુગ્ગો આપેલો, એ ફૂટી ગયો હતો. એનો અવાજ તમને સંભળાયો હશે. પેટ તો તમારું સલામત છે. ચિંતા છોડો. શાંત થઈ જાઓ’
હાથીભાઈ તો આ સાંભળીને એવા ભોંઠા પડ્યા, એવા ભોંઠા પડ્યા કે તેમણે માથું જમીનમાં નાખી દીધું. બસ, ત્યારથી હાથીભાઈ માથું નીચું કરીને, ઊંધું ઘાલીને જ ચાલે છે, લો!
સ્રોત
- પુસ્તક : રક્ષાબહેન દવેની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 95)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023