રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવાડની ઓથે એક બખોલ. એમાં રહે સસલાભાઈ ને સસલીબાઈ. એમને બચ્ચાં બે. નાનાં ને રૂપાળાં. ધોળાં તો જાણે રૂના પોલ.
દી ઊગે ને સસલો-સસલી નીકળી પડે ચારો ચરવા. બચ્ચાંને રાખે બખોલમાં. નીકળતી વખતે બચ્ચાંને કહે, “આઘાંપાછાં થસો નહી, બખોલ બહાર નીકળશો નહીં.” પણ બચ્ચાં તે બચ્ચાં. એકલાં પડ્યાં નથી કે બહાર નીકળ્યાં નથી. નાચે, કૂદે ને ગેલ કરે.
એક વાર બચ્ચાં રસ્તા વચ્ચે રમે. ત્યાંથી નીકળ્યા હાથીભાઈ. હાથીભાઈ શાણા. થોડી વાર બાજુ પર ઊભા રહી ગયા, તોય બચ્ચાં ખસે નહીં. હાથી કહે, “અલ્યા છોકરાં, તમારી મા ક્યાં છે?”
બચ્ચાં કહે, “કેમ, શું કામ છે”
હાથી કહે, “હોય તો બે બોલ કહેતો જાઉં.”
બચ્ચાં કાંઈ બોલ્યાં નહીં. હાથીભાઈ તો ચાલતા થયા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ... બચ્ચાં તો રોજ રસ્તા વચ્ચે રમે. હાથીભાઈએ ફરી પૂછ્યું, “છોકરાં, તમારી મા ક્યાં? હોય તો બે બોલ કહેતો જાઉં.”
બચ્ચાં બોલ્યાં નહીં, હાથીભાઈ ચાલતા થયા. આવું ઘણા દી ચાલ્યું. એક દહાડો બચ્ચાંએ હાથીવાળી વાત માને કરી. સસલીબાઈ તો ખિજાયાં, “એ મગતરા જેવડો હાથીડો સમજે છે શું? કહેવા દો તમારા બાપાને. જુઓ પછી એની શી વલે કરે છે!”
એટલામાં આવ્યા સસલાભાઈ. સસલીબાઈ કહે, “છેલછોગાળા રાણાજી!” સસલાભાઈ કહે, “શું કહો છો, છેલછબીલાં રાણીજી!”
સસલીબાઈ એ માંડીને કરી વાત. સસલાભાઈનો ગયો મિજાજ. “સમજે શું એ હાથીડો? આવવા દે મગતરાને. એની વાત છે.”
સસલાભાઈ તો રાત આખી ઊંઘ્યા નહીં. પથારીમાં પડખાં ઘસ્યા કરે. સવાર થયું. સસલાભાઈ ઊઠ્યા. હાથીભાઈને વશ કરવાની વાત મનમાં બરાબર બેસી ગઈ. વાડમાંથી એક લાંબો જાડો વેલો ગોતી કાઢ્યો. એનો બનાવ્યો ગાળિયો. ગાળિયાનો એક છેડો વાડના થોર સાથે બાંધ્યો. ગાળિયો નાંખ્યો રસ્તા વચ્ચે, ને બેઠા એ તો હાથીની આવવાની રાહ જોતા. ‘હમણાં આવશે, હમણાં આવશે, ને આ ગાળિયામાં એનો પગ ફસાશે. પછી એને એવો ઠમઠોરું કે ખો ભૂલી જાય.’ પણ વળી સસલાભાઈ સફાળા ઊઠ્યા. થોરે બાંધેલો ગાળિયાનો છેડો છોડ્યો ને બાંધ્યો એને બાવળના થડે. રખે, ને થોરિયો ઊખડી પડે! વળી એને થયું કે હાથી આગળ બાવળિયાની શી વિસાત! આથી પાછો થડેથી ગાળિયો છોડવા લાગ્યા.
સસલીબાઈ ક્યારનાં બખોલની બહાર આવીને સસલાભાઈ શું કરે છે તે જોતાં હતાં. “કેમ, વળી પાછું શું થયું?”
“અરે, આ બાવળિયાનો ભરોસો શો” સસલાભાઈએ મૂછ પર તાવ દેતાં કહ્યું, “આ છેડો હું મારા પગ સાથે જ બાંધી દઈશ.” સસલાભાઈએ ખોંખારો ખાધો. પોતાનો ડાબો પગ પાંચ વાર ભોંય પર પછાડ્યો. ‘થોર-બાવળનો ભરોસો નહીં. ખરે ટાણે દગો દે. પારકું એ પારકું.’ એમણે તો ગાળિયાનો છેડો ડાબા પગે મજબૂત બાંધ્યો. ખોંખારો ખાધો ને મૂછ પર તાવ દીધો. સસલીબાઈ કહે, ‘વાહ! મારા છોગાળા રાણાજી!’
સસલાભાઈ તો છાતી કાઢીને બેઠા. એવામાં દૂરથી હાથી દેખાયો, ધમ ધમ ચાલે છે. ધરતી કંપાવે છે. સસલાભાઈએ હિંમત ભેગી કરવા માંડી. ‘આવી જા, મગતરા, જોઈ લે આ છેલછોગાળા રાણાજીનો વટ!’
હાથીભાઈ તો મસ્તીમાં ને મસ્તીમાં ચાલતા હતા. એમના પાછલા પગમાં ગાળિયો ભરાયો. હાથીભાઈને તો એની ખબરેય ન પડી. એ તો ચાલે છે ધમ ધમ. હવે તો સસલાભાઈ તણાયા. એ તો જાય તણાયા. જાય તણાયા. એમના હોશકોશ ઊડી ગયા.
સસલીબાઈ તો બચ્ચાંને લઈને દોડતાં ત્યાં પહોંચી ગયાં. સસલાભાઈ હાથીને છોડતા નથી એ જોઈને એમને હાથીભાઈની દયા આવી. બિચારો હાથી! સસલીબાઈ નરવે-ગરવે સાદે બોલ્યાં, “છોગાળા, હવે તો છોડો!”
હતું એટલું જોર ભેગું કર્યું ને સસલાભાઈ બોલ્યા, “છોગાળા તો છોડે, પણ સૂંઢાળા ક્યાં છોડે છે?”
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 441)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020