રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમાખણલાલને કોઈએ કદી ગુસ્સે થતા જોયા નહોતા. એક વાર એમના એક દોસ્તારે કહ્યું : ‘માખળલાલ, તમે સાવ મોળા તે મોળા. તમારામાં તીખાશ જરાય ન મળે.’
માખણલાલ કહે : ‘તીખા મરચા જેવા થવું તેના કરતાં માખણ જેવા મોળા થવું સારું. અને માખણ મોળું ભલે હોય પણ મજબૂત કરવાનો એનામાં ગુણ છે. જે કામ માખણથી થાય તે મરચાંથી ન થાય.’
પેલા મિત્ર કહે : ‘તમે જિંદગીમાં ક્યારેય ગુસ્સે થયા નથી?’
માખણલાલ હસી પડ્યા. ‘ના, હું કોઈના પર ગુસ્સે થયો નથી. મારી પત્ની પર પણ નહિ. નોકર પર તો નહિ જ. ગુસ્સે થવાનું મને કારણ જ મળતું નથી.’
પેલો મિત્ર કહે : ‘માખણલાલ, મારે તમને ગુસ્સે કરવા. ચાલો લાગી શરત?’
માખણલાલ કહે : ‘શરત કબૂલ.’
પેલા મિત્રનું નામ મફતલાલ હતું. એ કહે : ‘દસદસ રૂપિયાની શરત. એક અઠવાડિયામાં જ તમને ગુસ્સે થતા જોઉં તો તમારે દસ રૂપિયા મને આપવા. તમે ગુસ્સે ન થાવ તો મારે તમને દસ રૂપિયા દેવા.’
માખણલાલ અને મફતલાલ વચ્ચે સોદો પાકો થઈ ગયો. બીજે જ દિવસે મફતલાલે એક યુક્તિ કરી. માખણલાલ રાબેતા મુજબ નિશાળે નોકરી કરવા જતા હતા ત્યાં એક માણસ સામેથી આવ્યો ને જોરથી માખણલાલ સાથે ભટકાયો. મફતલાલ ખૂણામાં સંતાઈને બધો તમાશો જોતા ઊભા હતા. તેમણે જ એ માણસને માખણલાલ સાથે ભટકાવા માટે મોકલ્યો હતો.
પેલો અજાણ્યો માણસ ભટકાયો ને પાછો માખણલાલને તતડાવવા મંડ્યો : ‘મિસ્ટર, જોતા નથી? ચાલતાં આવડે છે કે નહિ?’
માખણલાલે સ્મિત કર્યું : ‘અરે ભાઈ, મારે આંખનો નંબર પાંચ પૂર્ણાંક એક ચતુર્થાંશ છે. અને હું માત્ર પાંત્રીસ વરસથી ચાલું છું... પણ તમે તો ચશ્મા પહેરતા નથી. તમારે આંખોનો નંબર પણ નથી. ને તમે ચાલો છો પણ ખૂબ ઝડપથી.’
પેલો માણસ ખચકાઈ ગયો. એને મફતલાલે ભણાવીને મોકલ્યો હતો કે સામા માણસને ગુસ્સે કરવો ને ઝઘડો ઊભો કરવો. પણ માખણલાલ તો આઇસ ફૅક્ટરી જેવા ઠંડાગાર હતા. પેલા બચારાને કંઈ જવાબ જડ્યો નહિ.
માખણલાલ કહે : ‘ભાઈ, આ દુનિયામાં બધા જ ભટકાય છે – એકબીજા સાથે. અને તમારે જરૂર ખૂબ ઉતાવળ હશે. પણ ભલે. તમે મારી સાથે ભટકાયા તે મને તો ખૂબ ગમ્યું. મારો નિયમ છે કે સંસારમાં જે કોઈ મારી સાથે ભટકાય તેને સ્નેહી મિત્ર માનવો. હવે તમે મારા મિત્ર – ચાલો મિલાવો હાથ!’
પેલો માણસ રોફ કરવા આવ્યો હતો, ઝઘડાની પાકી તૈયારી સાથે આવ્યો હતો, પણ માખણલાલની મુલાયમ રસઝરતી વાણીથી એ પાણીપાણી થયો ગયો અને ઝઘડો કરવાને બદલે માખણલાલ સાથે હાથ મિલાવી બેઠો.
માખણલાલને એણે બહુ નરમાશથી કહ્યું : ‘મારી જ ભૂલ હતી હોં!’
માખણલાલ કંઈ કમ હતા એ કહે : ‘ના, ભાઈ, ભૂલ મારી હતી. મારે તમને મિત્ર બનાવવા હતા એટલે હું જ તમારી સાથે ભટકાયો. તમારા મુખ પરથી જ સજ્જનતા હું પામી ગયો હતો. આજ સજ્જન મિત્રો જડે છે ક્યાં?’
પેલો પૂરેપૂરો લપસ્યો. માખણલાલનો હાથ ઉમળકાથી તેણે દાબ્યો ને કહે : ‘તમે ખૂબ ખાનદાન છો – તમારો હું –’
પણ માખણલાલ તેનો ખભો થાબડી હસતાં-હસતાં આગળ ચાલવા જ માંડ્યા.
મફતલાલ ખૂણામાંથી તાલ જોતા હતા. તે બબડ્યા : ‘આ માખણલાલ સાવ મોળિયો નીકળ્યો. પણ એને ગુસ્સે કરીને દસ રૂપિયા એની પાસેથી ન પડાવું તો મારું નામ મફતલાલ નહિ!’
મફતલાલે હવે માખણલાલને ગુસ્સે કરવા માટે બીજી યુક્તિ કરી. માખણલાલના રોજના જવાના રસ્તે થોડાં ઘર હતાં. મફતલાલ એક ઘરમાં સંતાઈ રહ્યા. માખણલાલ જેવા એ ઘર પાસેથી નીકળ્યા કે તરત મફતલાલની શિખવણી મુજબ ઘરની એક બાઈએ ઉપર બારીમાંથી માખણલાલ પર પાણી રેડ્યું. માખણલાલે એકદમ ઉપર જોયું. એક સ્ત્રીને શરમ અને ગભરાટથી ઘરમાં ભાગી જતી જોઈ. માખણલાલ તરત એ ઘરનો દાદરો ચડી ગયા. પેલી બાઈને તો ખ્યાલ જ નહિ કે આ માણસ ઉપર ચડી આવશે. એ તો માખણલાલને જોઈને મૂંઝાઈ ગઈ. માખણલાલે તરત કહ્યું : ‘કેમ છો બહેન જેશ્રીકૃષ્ણ!’
પેલી સ્ત્રીને તો ખરી ફસામણ થઈ. એણે પૂછ્યું : ‘તમારે કોનું કામ છે?’
માખણલાલ મલક્યા ને કહે : ‘તમારું.’
એટલામાં તો એ બાઈનો પતિ નહાવા ગયેલો તે બહાર આવ્યો. માખણલાલે તેને પણ કહ્યું : ‘જેશ્રીકૃષ્ણ, શ્રીમાન!’
પેલો ભાઈ વિચારમાં પડ્યો.
તેણે ય સામા ‘જેશ્રીકૃષ્ણ’ તો કર્યા.
માખણલાલ કહે : ‘આ બહેન છે ને, તેમનો આભાર માનવા આવ્યો છું.’
પેલા ભાઈ ચમક્યા, પેલી સ્ત્રી તો ગભરાઈ ગઈ. માખણલાલ મુલાયમ અવાજે કહેવા લાગ્યા : ‘બહેન, તમે બહુ સારું કર્યું. આજે ઉતાવળમાં હું નાહ્યાધોયા વિના જ ઘેરથી નીકળેલો. મનમાં એ જ વિચાર ચાલતો હતો કે, આજે નાહવાનો વખત રહ્યો નહિ! અને નાહ્યા વિના તો મારા મનને જપ વળે જ નહિ. પણ ભગવાને મારી અરજી સાંભળી. તમે મારા પર ઠંડું પાણી રેડીને મને નવડાવ્યો તે બહુ સારું થયું.’
પેલા પુરુષે એકદમ એ સ્ત્રીને કડકાઈથી પૂછ્યું : ‘તેં બારીમાંથી પાણી રેડ્યું? આ ભાઈ ઉપર?’
બાઈ શિયાવિયા થઈ ગઈ. માખણલાલે મૃદુ હાસ્ય કર્યું : ‘અરે, શ્રીમાન, એમણે પાણી રેડ્યું ત્યારે તો હું તેમનો ઉપકાર માનવા આવ્યો. મારો નહાવાનો સવાલ ઊકલી ગયો.’
પેલો પુરુષ ચિડાઈને કહે : ‘પણ એમ બારીમાંથી પાણી રેડાતું હશે?’
માખણલાલ કહે : ‘એ બહેન તો સારાં કે મારા ઉપર એંઠવાડ ન ઢોળ્યો! આપણા લોકો તો બારીમાંથી કચરો પણ નાખે...આ બહેને તો માત્ર પાણી જ રેડ્યું...’
પેલી બાઈ શરમિંદી બની ગઈ ને કહેવા લાગી : ‘અજાણતાં...સરતચૂકથી તમારા ઉપર પાણી પડી ગયું.’
માખણલાલ કહે : ‘ભૂલ તો અજાણતાં જ થાય ને? કોઈ વળી જાણીજોઈને તે પાણી રેડતું હશે? ને તમારા જેવાં સંસ્કારી, સુશિક્ષિત બહેન વળી આમ બારીમાંથી પાણી રેડે પણ ખરાં કે? તમે તો ભૂલ કરીનેય મારા પર પાડ કર્યો...ઠીક, હવે જાઉં...’
પેલા પુરુષે કહ્યું : ‘નહિ, હવે ચા પીને જ જાવ.’
માખણલાલ મલકી ઊઠ્યા! ‘એક તો મને નવડાવ્યો ને પાછા ચા પણ પિવડાવશો? તમે લોકો તો ભાઈ ખરાં સજ્જન માણસો છો હાં!’
પેલાં બહેન ઉમળકાથી ચા કરીને લાવ્યાં. માખણલાલ હસીને કહે : ‘બહેન, આમ રોજ બારીમાંથી મારા પર પાણી રેડો તો રોજ મને ચા પીવા મળે.’
પેલી બાઈએ ત્યાર પછી બારીમાંથી કોઈ દિવસ કશું નહિ ફેંકવાનો સંકલ્પ કર્યો. પણ મફતલાલ બબડ્યા : ‘માખણિયો ગુસ્સે ન જ થયો. હવે ફરી એની વાત છે.’
મફતલાલે માખણલાલને ગુસ્સે કરવાનું કાવતરું રચ્યું તો ખરું પણ બંને વાર તે નિષ્ફળ નીવડ્યા. હવે શરતનો સમય પણ પૂરો થવા આવ્યો હતો. મફતલાલ માટે હવે એક જ તક બાકી રહી હતી. મફતલાલે નક્કી કર્યું કે માખણલાલને આ વખતે તો ગમે તેમ કરીને ગુસ્સે કરવા જ કરવા. અને શરતના દસ રૂપિયા તેમની પાસેથી પડાવવા.
મફતલાલે બહુ વિચાર કરીને એક યુક્તિ ખોળી કાઢી. માખણલાલ નિશાળેથી નોકરીનો સમય પૂરો થયા પછી પાછા ફરતા હતા એ વખતે મફતલાલની શિખવણી મુજબ એક છોકરાએ માખણલાલની પાછળ બૂમ પાડી : ‘માખણિયા, એ માખણિયા!’ માખણલાલ એકદમ ચમક્યા. ત્યાં છોકરાએ ફરી બૂમ પાડી :
‘માખણિયો મસ્કો, માખણિયો મસ્કો!’
માખણલાલે એકબે પળ વિચાર કર્યો અને પછી તરત છોકરા પાછળ દોટ મૂકી. માખણલાલને પાછળ દોડતા જોઈને છોકરો ગભરાઈ ગયો. માખણલાલે તેને ઝડપી લીધો. એને ઓળખી કાઢ્યો : ‘અરે, કનુ, તું જ છે કે? ચાલ ચાલ મારી સાથે?’
માખણલાલે કનુને પોતાની સાથે લીધો. મફતલાલ સંતાઈને બધો તમાશો જોયા કરતા હતા.
માખણલાલ કનુને લઈને એના બાપુ પાસે ગયા. કનુ ખૂબ ગભરાઈ ગયો. માખણલાલને જોઈને કનુના બાપુ ખૂબ નવાઈ પામ્યા. એ માખણલાલને ઓળખતા હતા. કનુને ગભરાટ થયો કે હવે આવી બન્યું. પણ માખણલાલ તો હસતા ને હસતા.
કનુના બાપુએ પૂછ્યું : ‘તમે માખણલાલ, ક્યાંથી ભૂલા પડ્યા?’
માખણલાલ કનુ સામે જોઈને હસ્યા. કનુ તો ધ્રૂજતો હતો. માખણલાલ કહે : ‘આ તમારો દીકરો કનુ છે ને તે...’
કનુના મોતિયા મરી ગયા. એની આંખો માખણલાલ સામે દયાભાવથી કાલાવાલા કરી રહી હતી.
માખણલાલ કહે : ‘તમારો કનુ મને ખૂબ વહાલો છે...હું રસ્તામાં જતો હોઉં તોયે મને બૂમ પાડીને બોલાવ્યા વિના રહે જ નહિ.’
કનુને થયું : હવે માર્યા ઠાર. માખણલાલ ખૂબ હસ્યા. ‘તમારો કનુ આજે તો મારા પર એટલો બધો ખુશ થઈ ગયો હશે કે મને ‘માખણિયા, માખણિયા’ કહીને બૂમો પાડી. મારી માએ પણ આવા વહાલથી મને બૂમ મારી નહોતી.’
કનુના બાપુની આંખ રાતી થઈ ગઈ. ‘હેં? શું કહો છો?’
માખણલાલ હસ્યા : ‘હા. તમારે કનુને આજે તો કંઈ ઇનામ આપવું પડશે. મને માખણિયો કહીને વહાલથી બોલાવ્યો તેનું ઇનામ તેને મળવું જ જોઈએ...’
કનુ રોઈ પડ્યો. એ રોતો રોતો કહે : ‘મને મફતકાકાએ શિખવાડ્યું હતું.’
માખણલાલ કહે : ‘ભલે ભલે. પણ હવે કનુભાઈ, તમારે મને રોજ ‘માખણિયો’ કહી બૂમ પાડવાની, હોં! બોલો, બૂમ પાડશો ને!’
કનુભાઈ ખૂબ રડવા માંડ્યા. માખણલાલે કનુભાઈને થાબડ્યા. કનુના બાપુને કહે : ‘છોકરો એવો માયાળુ ને ભલો છે! એને વાર્તાની એક ચોપડી ઇનામમાં આપજો.’
ત્યાં મફતલાલ ઘરમાં દાખલ થયા. માખણલાલને કહે : ‘તમે તો માખણલાલ, મહાત્મા છો. મેં ત્રણ-ત્રણ વાર તમને ગુસ્સે કરવાના પ્રયત્ન કર્યા પણ તમે તો માખણ જેવા જ રહ્યા.’
માખણલાલ ખૂબ હસ્યા ને કહે : ‘દસ રૂપિયા મફતના (કે મફતલાલના) કાઢવા પડ્યા ને! લાવો દસ રૂપિયા! એમ કહી માખણલાલ ફરી વાર ખડખડ હસી પડ્યા.
સ્રોત
- પુસ્તક : મધુસૂદન પારેખની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 70)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022