Pinkibahennu Sapnu - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પિન્કીબહેનનું સપનું

Pinkibahennu Sapnu

શ્રદ્ધા ત્રિવેદી શ્રદ્ધા ત્રિવેદી
પિન્કીબહેનનું સપનું
શ્રદ્ધા ત્રિવેદી

    નાનાં પિન્કીબહેનને એક કુટેવ. તે કાયમ સવારે રડતાં રડતાં જ ઊઠે. વળી તેમના ઘરની સામે એક જૂનું તૂટેલું ઘર. રોજ સવારે પિન્કીબહેન ઊઠીને ઓટલે આવે એટલે પેલું પડેલું ઘર જ દેખાય. રોજ આ જ જોવું પડે તે તેમને ના ગમે. મમ્મીને કહે : ‘મમ્મી, ચાલને આપણે બીજે ઠેકાણે રહેવા જઈએ. જ્યાંથી બારીમાંથી સરસ નદી દેખાય, પહાડ દેખાય, ઝાડ દેખાય, આકાશ દેખાય, દરિયો દેખાય, ને... ને...’ મમ્મી કહે : ‘અલી, બધું એકસાથે કેવી રીતે દેખાય?’ પિન્કી કહે : ‘હા સાલું! એય ખરું!... તો?’ ને પિન્કીબહેન રોજ વિચાર્યા કરે કે શું કરું?

    એક દિવસ એમના પપ્પા એમના માટે સાઇકલ લાવ્યા. આ જોઈ પિન્કીબહેન એકદમ બોલી ઊઠ્યાં : ‘મમ્મી... મમ્મી... આપણે છે ને તે મો...ટાં મો...ટાં ગોળ ગોળ પૈડાં લાવીશું. પછી આપણું ઘર ઊંચું કરીને ચાર ખૂણે તે મૂકી દઈશું એટલે ઘર પણ ફરશે. કેવી મજા આવશે, નહીં! ને આપણા ગામનું પેલું ઊંચામાં ઊંચું મકાન નથી, સંગીતાબહેનનું, જે બહુ સરસ ગાય છે. એક વાર એમના ઘર સામે આપણે આપણું ઘર લઈ જઈશું. કેવી મજા!’ આ સાંભળી પપ્પા કહે : ‘તો તો ખૂબ મજા આવશે. પણ પિન્કી, બાજુનું જે ઘર છે તેને તો પૈડાં નહીં હોય, તો તેનું શું? પિન્કીબહેન પાછા વિચારમાં પડી ગયાં તો? તો શું કરીશું? બે-ચાર દિવસ તેમણે વિચાર કર્યો કે શું કરીએ તો બધાં ઘર ફરી શકે? પછી એક દિવસ કહે : ‘પપ્પા, આપણે બધાં ઘરની નીચે પૈડાં નાખી દઈશું. પછી છે ને, તે રોજ દરેક ઘરે થોડું થોડું ખસવાનું! બસ, બધાંયને રોજ નવી નવી જગ્યાએ રહેવાનું મળે. કેવી મજા આવે, નહીં! મને એમ થાય કે મારે આજે પે...લો પોળનો ચોક છે, ને ત્યાં રહેવા જવું છે. એટલે હું ઘરને ત્યાં ખેંચી જઉં.’ પપ્પા મનમાં ને મનમાં હસે, કહે, ‘હા બેટા, સરસ.’ ને તે રાત્રે પિન્કીબહેન શાંતિથી ઊંઘ્યાં.

    ઊંઘમાં ને ઊંઘમાં તેમણે તો આખા ગામનાં બઘાં ઘરને પૈડાં લગાવી દીધાં! બધાં ઘર લાઈનબંધ રોજ રોજ આગળ જાય. લોકો તો ખૂબ ખુશ થઈ ગયા. ‘વાહ પિન્કી, વાહ! તેં તો અદ્ભુત કામ કર્યું! રોજ રોજ નવા નવા માણસો સામે રહેવા આવે. રોજ રોજ નવા ચહેરા જોવાના. નવું નવું જાણવાનું! ને બસ, પિન્કીબહેનનો તો વટ ખૂબ વધી ગયો.

    એક દિવસ પિન્કીબહેનનું ઘર પેલા ઊંચા ઘર સામે આવ્યું, સંગીતાબહેનના ઘર સામે જ તો! પિન્કીબહેન સવારે ઊઠ્યાં. હજી ગોદડામાંથી બારીએ આવે  પહેલાં તો એમને સંભળાયું. ‘સા...રે...ગ...મ... પ...ઘ...ની...સા...’ ને  પિન્કીબહેન તો એકદમ ઊઠીને દોડ્યાં બારીએ. ને એકધ્યાને એ સુરીલું સંગીત સાંભળવા માંડ્યાં. એ મીઠો અવાજ એમને તો ખૂબ ગમી ગયો. તે તો એકદમ સ્થિર થઈ ગયાં. તેમનાં મમ્મી અંદરથી બૂમો પાડ્યા કરે, પણ તે તો ઊભાં રહ્યાં. તેમના પાછળ આવીને તેમનાં મમ્મી-પપ્પાય ઊભાં રહ્યાં. પિન્કીને સંગીતમાં ડૂબેલી જોઈને તેઓ ત્યાં જ ઊભાં રહ્યાં. પિન્કી તો ભૂલી ગઈ કે પોતે ક્યાં છે. ત્યાં તો સંગીત બંધ થયું. પણ પિન્કી એવી ને એવી. મમ્મી કહે : ‘બેટા, બહુ સરસ સાંભળવા મળ્યું નહીં! ચાલ, હવે હાથ-મોં દોઈને દૂધ પી લે.’ પિન્કી કહે, ‘મમ્મી, હું સામે ઘેર જઈ આવું.’ ને તે તો દોડ્યાં.

    સીધાં પહોંચી ગયાં સામે ઘેર! ગયાં તો ખરા, પણ શું પૂછવું-કહેવું તેની કંઈ સમજ ન પડી. પણ એટલામાં અંદરથી અવાજ આવ્યો. ‘આવ બેટા, તારી જમણી બાજુના દરવાજામાંથી અંદર આવ.’ ને પિન્કી અંદર ગઈ. એક સ્વચ્છ ઓરડો હતો. એકદમ સાદો. આખો ઓરડો ચંદનની સુવાસથી ભરેલો હતો. સામે જ એક ગાદી હતી. એકદમ સફેદ. એના પર બગલાની પાંખ જેવાં શ્વેત વસ્ત્રો પહેરી સંગીતાબહેન બેઠાં હતાં, જાણે સરસ્વતી! પિન્કી તો ખેંચાતી ખેંચારી ગઈ એમની પાસે. તેમણે બે હાથ પહોળા કરી પિન્કીને લઈ લીધી ને પોતાના ખોળામાં બેસાડી, ‘આવ બેટા’, ધીમે ધીમે તેને માથે હાથ ફેરાવ્યો. પિન્કી ઘડીમાં તેમની સામે ને ઘડીમાં બાજુમાં પડેલી એક મોટી વસ્તુ સામે જુએ. સંગીતાબહેને કહ્યું, ‘બેટા, એ તાનપૂરો છે.’ પછી પિન્કીને બાજુમાં બેસાડી, તાનપૂરો હાથમાં લીધો ને વગાડવા માંડ્યાં. પિન્કીબહેન તો પાછાં સ્થિર થઈને સાંભળવા બેસી ગયાં બહુ વાર થઈ તોય તે તો ઘેર ના ગયાં. એમણે નિશાળે જવાનો સમય થઈ ગયો એટલે મમ્મી તો ખિજાવા માંડી. ‘આ શું? કશું ભાન નથી રાખતી?’ એ તો આવ્યાં સીધાં સામે ઘેર. સંગીતાબહેન તાનપૂરો વગાડતાં હતાં ને ગીત ગાતાં હતાં. પિન્કીબહેન સાંભળતાં હતાં. મમ્મી આવી હતી તો ખિજાઈને, પણ આ શું? એય સાંભળવા બેસી ગયાં! ખા...સ્સી વાર થઈ તોય તે ઘેર પાછાં ગયાં નહીં, એટલે પપ્પા ખિજાયા. ‘આ શું? મારે નોકરીએ જવાનું છે ને આ તો ખરી ત્યાં બેસી પડી!’ એય આવ્યા ખિજાતા ખિજાતા, પણ પોતેય સંગીતમાં ડૂબી ગયા. સંગીતાબહેન તો ગાતાં જ રહ્યાં ને બધાં સાંભળતાં જ રહ્યાં. એમ ઘણોય સમય પસાર થઈ ગયો. ઘણી વારે સંગીતાબહેને ગાવાનું બંઘ કર્યું. પિન્કી એમને વળગી પડી, ‘મને આવું ગીત ગાતાં શીખવશો?’ સંગીતાબહેન કહે : ‘હા, હા, જરૂર. આજે તું અહીં જ રહે. સાંજે આપણે અગાશીમાં બેસીને ગાઈશું. આજે પૂનમ છે ને! ચાંદામામાનું ગીત ગાઈશું. ને પછી રોજ તું અભ્યાસ કરવા આવજે. તને જરૂર શીખવીશ.’ પિન્કી તો આ સાંભળી ખુશખુશાલ થઈ ગઈ. મમ્મી-પપ્પાને એણે કહી દીધું કે પોતે આજે અહીં રહેશે. કાલે ઘેર આવશે.’ મમ્મીને થયું : ‘ઠીક, આટલું સરસ એને શીખવાનું મળતું હોય તો ભલે પિન્કી આજે અહીં રહે.’ ને પિન્કીને સોંપી તેનાં મમ્મી-પપ્પા ઘેર ગયાં.

    સાંજ પડી. અંધારું થવા માંડ્યું. પિન્કી અને સંગીતાબહેન અગાશીમાં ગયાં. ઊંચે જોયું તો થોડેક જ દૂર ચાંદામામા! તેણે કૂદીને પકડવાનો પ્રયત્ન કર્યો. પણ ચાંદામામા પકડાયા નહીં. ઉપરથી તે તો હસવા માંડ્યા. પિન્કી સંગીતાબહેન પાસે આવી અને કહે : ‘મને ઊંચકો ને! મારે ચાંદામામા પકડવા છે!’ સંગીતાબહેન કહે : ‘એમ કંઈ ચાંદામામા પકડાતા હશે? ચાલ, આપણે ચાંદામામાનું ગીત ગાઈ. તેમને રીઝવીએ.’

    પછી સંગીતાબહેન એક બાજુએ બેઠાં. હાથમાં લીધો તાનપૂરો ને શરૂ કર્યું ચાંદામામાનું ગીત. જેમ જેમ ગીત ગવાતું ગયું તેમ તેમ વાતાવરણ પવિત્ર થતું જતું હતું. સામે પિન્કી બેઠી હતી. પણ એની નજર ચાંદામામા સામે જ હતી. તે જાણે ચાંદામામાને બોલાવતી હતી. સંગીતાબહેન ગાતાં હતાં. થોડી વારે પિન્કીને લાગ્યું : ‘કોઈ એને બોલાવે છે. તેણે આસપાસ જોયું. તો થોડેક જ દૂર ચાંદામામા તેના જેવા જ નાનકડા થઈ આવી ઊભા હતા અને તેને બોલાવતા હતા. પિન્કી દોડી ને ચાંદામામાનો હાથ પકડી લીધો ને ગાવા લાગી, ‘ચાંદામામા... ચાંદામામા.’

    ‘ચાલો, ગાઈએ ગાણાં.’ પછી પિન્કી ને ચાંદામામા અગાશીમાં રમવા લાગ્યાં. પિન્કીબહેનને તો ખૂબ મજા આવી. થોડી વાર પછી ચાંદામામા કહે : ‘હવે જા, પિન્કી.’ પિન્કી બોલી : ‘હું તો જઈશ, પણ તમને લઈને જઈશ. ચાલો તમેય મારે ઘેર.’ ચાંદામામા કહે : ‘પણ હું જો તારે ઘેર આવું તો આ રીતે અજવાળું કોણ કરશે? જો ને, આ થોડીક વાર તારી સાથે રમવા આવ્યો છું, તેય કેવી રીતે ખબર છે? મારા ખાસ મિત્ર વાદળને બોલાવ્યો. લોકો માને કે હું વાદળ પાછળ છું. ને તેથી આકાશમાં અંધારું થઈ ગયું. પણ એમ કેટલો સમય ચાલે? મનેય તારી સાથે રમવું તો ખૂબ ગમે છે. પણ મારે જે કામ કરવાનાં હોય તે તો કરવાં જ પડે ને! જો હું ગાયબ રહું તો તો બધું જ થોભી જાય. દુનિયામાં જે બધું નિયમસર ચાલે છે તેમાં ભંગાણ પડે. બેટા પિન્કી, તારે માટેય ભગવાને કેટલાંક કામ નક્કી કર્યાં જ હશે. તે તારે કરવાનાં હોં. જા, હવે તું ઘેર જા.’ પણ પિન્કીબહેન તો કહે : ‘જે થવાનું હોય તે થાય, પણ તમે મારે ઘેર ચાલો ને ચાલો.’ ચાંદામામા કહે : ‘ના બેટા, મારાથી મારી જગ્યા છોડીને અવાય જ નહીં. પણ જો તને એક વાત કહું, તું રડીશ તો મને નહીં ગમે. નાનાં બાળકો રડે તો મને ખૂબ દુઃખ થાય છે. તેઓ તો હસતાં-રમતાં રહે તો જ ગમે. તુંય કાયમ હસતી જ રહેજે હોં ને! કોઈ કોઈ વાર હં જરૂર આ રીતે તારી સાથે રમવા આવીશ.’ એમ કહી ચાંદામામા તો ચાલવા માંડ્યા.

    પિન્કીબહેને તો તાણ્યો ભેંડકો. ‘ના જતા, તમે ના જતા. તમે ચાલો મારે ઘેર.’ એટલે મમ્મીએ કહ્યું : ‘પિન્કી, કેમ રડે છે? કોને બોલાવે છે?’

    પિન્કીબહેને આંખો ખોલીને જોયું તો સામે મમ્મી હતી અને પિન્કીના માથે હાથ ફેરવીને પૂછી રહી હતી. પોતે હતાં તે જ ઘરમાં ને પથારીમાં હતાં! પછી તો બધું યાદ કરીને તે તો હસવા માંડ્યાં. ‘ચાંદામામાએ મને હસવાનું જ કહ્યું છે હોં, મમ્મી! હું હવે ક્યારેય નહીં રડું!’ ને પિન્કીબહેન હસતાં હસતાં ઊઠી ગયાં.

સ્રોત

  • પુસ્તક : શ્રદ્ધા ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2022