Matalirani - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

માટલીરાણી

Matalirani

રમણલાલ સોની રમણલાલ સોની
માટલીરાણી
રમણલાલ સોની

    એક વાર બપોરના કામકાજથી પરવારી સોનબાઈ ઘરમાં જરી ઊંઘ કાઢતી હતી.

    ત્યાં એના રસોડામાં ધમાલ મચી ગઈ.

    રસોડામાં વાસણો હતાં, ખાવાપીવાની ચીજો હતી, લાકડાં-છાણાં પણ હતાં, માખી-વંદા પણ હતાં અને એક તરફ સોયદોરો પણ પડ્યાં હતાં.

    સૌથી પહેલું બોલી માટલી : ‘હું આ જિંદગીથી કંટાળી ગઈ છું. સોનબાઈની સામે હું બળવો જાહેર કરું છું.’

    ત્યાં છાણાંએ કહ્યું : ‘મારો એ વાતને ટેકો છે.’

    માખીએ કહ્યું : ‘મારો પણ ટેકો છે.’

    નાનકડી વાટકીએ કહ્યું : ‘જરૂર, પણ પછી આપણે આ ઘરનું રાજ્ય ચલાવવાની જવાબદારી લેવી પડશે.’

    માટલીએ કહ્યું : ‘એ લેવા આપણે તૈયાર છીએ. સોનબાઈના કરતાં આપણે ફક્કડ રીતે રાજ્ય ચલાવીશું. જુઓ, રાજ્યની સામાન્ય દેખરેખ અને વ્યવસ્થાનું કામ હું માથે લઉં છું. મેં જેમ મારી જવાબદારી લીધી, તેમ તમે સૌ પણ પોતપોતાની જવાબદારી નક્કી કરીને લઈ લો, એટલે પત્યું!’

    માખીએ કહ્યું : ‘વાત બિલકુલ બરાબર! હું – હું ક્યું કામ લઉં? તમે જ કહો ને, માટલીબહેન!’

    પછી તો બધાંએ કહ્યું : ‘રાજ્યમાં ક્યાં ક્યાં કામ કરવાનાં છે તેની જ અમને ખબર પડતી નથી, માટલીબહેન!’

    પાણિયારામાં બેઠેલી માટલીએ ગર્વથી ગાલ ફુલાવી કહ્યું : ‘તે હું બધું જાણું છું. હું માટલીરાણી બનીને ઊંચા આસને બેઠી છું તે કંઈ અમથી નથી બેઠી!’

    આમ કહી તેણે એક વાર હાજર રહેલાં બધાંની સામે જોઈ લીધું. પછી તે બોલી : ‘આપણી પાસે આટલાં કામ છે : પહેલું તો રાજ્યની દેખરેખ અને વ્યવસ્થાનું કામ, તે હું મારા માથે લઈ લઉં છું. પછી બીજાં કામ આ પ્રમાણે છે. પાણી ભરવાનું કામ, કચરો કાઢવાનું કામ, ગાય ચરાવવાનું કામ, ગાય દોહવાનું કામ, અનાજ દળવાનું કામ, રાંધવાનું કામ, ચા કરવાનું કામ. આવાં કંઈ કંઈ કામો છે; હવે તેમાંથી તમને જે અનુકૂળ આવે તે કામ તમે લઈ શકો છો. તો, હું પૂછું – કહો, પાણી ભરવાનું કામ કોણ કરશે?’

    કામ અઘરું હતું એટલે બધાં એકબીજાંની સામે જોઈ રહ્યાં. થોડી વાર પછી છાણું બોલ્યું : ‘એ કામ હું કરીશ!’

    'સરસ! સરસ!’ માટલીએ તેને ધન્યવાદ આપ્યા. પછી કહ્યું : ‘હવે કહો, ગાય ચરાવવા કોણ જશે?’

    તરત માખી બોલી : ‘હું! એ કામ બરાબર મને ગમતું છે.’

    માટલીએ કહ્યું : ‘ધન્યવાદ! હવે કહો, ગાય દોહવાનું કામ કોણ કરશે?’

    શાકની છાબડીમાં એક ગાજર પડ્યું હતું તે બોલી ઊઠ્યું : ‘હું કરીશ!’

    ‘વાહ, ધન્યવાદ!’ માટલીએ કહ્યું. ‘હવે અનાજ દળવાનું કામ કોણ કરશે એ કહો!’

    વળી બધાં વિચારમાં પડી ગયાં. માટલીએ કહ્યું : ‘અનુભવી વિના બીજાથી આ કામ થાય એનું નથી! વળી, આ કામ ઘણું મહત્ત્વનું છે!’

    આ સાંભળી એક મકાઈનો દાણો ઊબો થયો ને બોલ્યો : ‘એ કામ મારે માથે! ચક્કીના કામથી હું પૂરેપૂરો માહિતગાર છું!’

    માટલી આ સાંભળી બોલી ઊઠી : ‘ધન્યવાદ! લાખ ધન્યવાદ! તમારા સૌના સહકારથી આપણું પ્રજાસત્તાક રાજ્ય હું બહુ સારી રીતે ચલાવી શકીશ એવી મને ખાતરી છે! હવે કહો, ચા કોણ કરશે?’

    એક સાકરનો ગાંગડો કંઈક બોલવા ઊંચોનીચો થતો હતો.

    માટલીએ તેને ઉત્સાહ આપી કહ્યું : ‘હં, બોલ, બોલ!’

    સાકરના ગાંગડામાં હવે હિંમત આવી; તેણે કહ્યું : ‘હું ચા કરીશ!’

    માટલીએ તેને પણ બિરદાવ્યો. પછી તેણે કહ્યું : ‘તો હવે રાંધશે કોણ એ કહો.’

    ત્યાં ટપ દઈ દીવાસળી ઊભી થઈ ગઈ. તે બોલી : ‘એ કામ હું કરીશ.’

    માટલીએ તેની પીઠ થાબડી. બધાંએ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધી.

    *

    બસ, હવે રસોડા રાજ્યનો કારભાર શરૂ થઈ ગયો.

    પાણિયારામાં બેઠાં બેઠાં માટલીએ એક લાંબુ ભાષણ કરી કાઢ્યું. તેમાં તેણે કહ્યું : ‘હું રાણી અને તમારું સાત જણાનું મારું પ્રધાનમંડળ. પ્રધાનમંડળની હું પ્રમુખ! સ્ત્રી પ્રમુખપદે હોય એવું પ્રધાનમંડળ આખી દુનિયામાં આ પહેલું છે. વળી, સાતમાં ચાર સ્ત્રીપ્રધાનો છે. આ કંઈ જેવી તેવી વાત નથી. આટલી જ વાત પરથી આપણું રાજ્ય જગતમાં યશસ્વી બની ચૂક્યું છે, અને આપણી પ્રજા સુખી થઈ ચૂકી છે. છતાં આપણે દરેકે પોતપોતાના ખાતાનું કામ સંભાળવાનું રહે છે, તો હવે સૌ પોતપોતાનું ખાતું સંભાળી લો!’

    માટલીએ પાણિયારામાં પોતાનું આસન જમાવ્યું અને પ્રધાનોને પોતપોતાનું ખાતું સંભાળવા હુક્મ આપ્યો.

    છાણાએ પાણી ખાતું સંભાળ્યું હતું. તે પાણી ભરવા ગયું, પણ પાણી ભરતાં એ પોતે જ પાણીમાં પલળવા માંડ્યું અને ધીરે ધીરે ઓગળવા માંડ્યું.

    એ કહે : ‘અરે, મારો આ રેશમી ઝભ્ભો ક્યાં ઊતરી ગયો?’

    ઝભ્ભાની ચિંતા હજી પૂરી થઈ નથી, એટલામાં એના ટાંટિયા ગળવા લાગ્યા. એ બલ્યું : ‘અરે, અરે, મારા રૂપાળા પગ!’

    પણ એના રૂપાળા પગ ક્યાંક વહી ગયા હતા અને  ફસ દઈને ત્યાં પાણીમાં જ ફસકી પડ્યું. તેમે બૂમ પાડી : ‘ઓ રે, મને  શું થઈ ગયું! મારા પગ ક્યાં ગયા? મારા હાથ? મારું પેટ? મારું માથું? અરે, મને કંઈ સંભળાયું નથી! મને કંઈ દેખાતું નથી! મારાથી બોલાતું નથી! મારા શ્વાસ રૂંધાય છે! હું મરું છું!’

    અને આમ છાણું પાણીમાં અદૃશ્ય થઈ ગયું.

    *

    છાણું પાણી ભરવા ગયું ત્યારે ગાજર ગાય દોહવા ગયું હતું : ‘વાહ, કેવી રૂપાળી ગાય છે!’ કહી તેણે ગાયનાં વખાણ કર્યાં.

    ગાયે પણ સામો વિવેકભર્યો જવાબ દીધો : ‘વાહ, તમે પણ કેવા રૂપાળા છો, ગાજરભાઈ!’ કહી એણે જીભથી પોતાનું મોં ચાટવા માંડ્યું.

    પછી ગાજર દોહવા બેઠું. દોહતાં દોહતાં કહે : ‘વાહ, દૂધ કેવું મીઠું છે!’

    ગાયે એ સાંભળી ગાજરની સામે જોઈ કહ્યું : ‘તુંયે કેવું મીઠું છે!’

    ‘ધોળું, બાસ્તા જેવું!’ – ગાજરે કહ્યું.

    ‘લાલચટક!’ ગાયે કહ્યું.

    ગાજર આમ દૂધનાં વખાણ કરતું જતું હતું અને ગાયને દોહતું હતું. વખાણ સાંભળી ગાયને એના પર બહુ વહાલ થઈ આવ્યું, એટલે ડોક ફેરવી એણે ગાજરને ચાટવા જીભ લાંબી કરી અને ઘડીકમાં તો આખુંયે ગાજર એના મોંમાં આવી ગયું. ગાજરે બૂમ પાડી : ‘ગાય, ગાય, મને તારી આ રમત બિલકુલ પસંદ નથી! આમાં તારી નરી બેઅદબી છે!’ પણ એના શબ્દો એના મોંમાં રહ્યા, અને એ ઘડીકમાં ગાયન પેટમાં ઊતરી પડ્યું ને અદૃશ્ય થઈ ગયું!

    *

    ગાયને ચરવા જવાનો વખત થયો. માખી ગાયને ચરવા લઈ આવી. પાછળ રહીને એ ગાયને હાંકતી હતી. ગાય ધીરે ધીરે ચાલતી હતી.

    માખી રુઆબથી કહે : ‘ચાલ, જલદી ચાલ! આમ મરતી મરતી શું ચાલે છે! પગમાં કંઈ જીવ બળ્યો છે કે નહિ!’

    પણ ગાય તો ચાલતી હતી તેમ ચાલતી હતી.

    માખીને એ કેમ પાલવે?  એ બોલી : ‘તમે પાંખો વગરનાં પ્રાણીઓ સાવ બુદ્ધુ! – હું દશ ગણતામાં દશ ગાઉ ચાલી જાઉં, અને તું –’

    ત્યાં તો ગાયે પોદળો કર્યો, બરાબર માખીની ઉપર! અને માખી એ પોદળામાં સપડાઈ ગઈ.

    એણે બૂમ પાડી : ‘અરે, મારા માથા પર ઊનું ઊનું આભલું પડ્યું! મારા પર બળતો પહાડ તૂટી પડ્યો!’

    પણ એની ચીસ એના મોમાં જ રહી ગઈ! પોદળો એને લઈને જમીન પર પડ્યો અને પોદળાની અંદર એ દબાઈ ગઈ!

    *

    આ તરફ મકાઈનો દાણો પડ્યો પડ્યો તડકો ખાતો હતો. માટલીને લાગ્યું કે આ બરાબર નથી! પ્રધાને પ્રધાનની પેઠે કામ કરવું જ જોઈએ.

    તેણે પોતાની ગાદી પર રહ્યાં રહ્યાં બૂમ પાડી : ‘એ...ઈ મકાઈકુંવર, તમે આમ બેસી રહો એ ન ચાલે! ઊઠો, ચક્કી સંભાળો!’

    મકાઈ દાણામાં આળસ ભરાઈ ગઈ હતી. તોયે તે ઊઠ્યો ને ઘંટી પર બેસી ગયો.

    ઘંટી ઘરડ ઘરડ કરતી હતી, ને લોટ થાળામાં પડતો હતો. કામ બરાબર ચાલતું હતું, પણ માનનીય મકાઈકુંવરને થયું કે ઘંટી બરાબર કામ કરતી નથી એટલે એમણે એને તતડાવવા માંડી : ‘એઈ આળસુ, જરી જોરમાં ફર. આમ મરી મરી શું ચાલે છે!’

    ઘંટીએ ધીરેથી કહ્યું : ‘બાપજી, ભૂખી છું.’

    મકાઈકુંવરે કહ્યું : ‘ભૂખી છે? આટલું ખાય છે તોયે તું ભૂખી છે? જોઉં, ફાડ તારું મોં!’

    ઘંટીએ મોં ફાડ્યું. મકાઈકુંવરે આંખો ખેંચી ખેંચીને ઘંટીના મોંમાં જોયું પણ કંઈ દેખાયું નહિ, ત્યારે કહે : ‘કંઈ દેખાતું નથી!’

    ઘંટી કહે : ‘તો ભાઈ સાહેબ, અંદર ઊતરીને જુઓને, હું ક્યાં ના કહું છું!’

    તરત મકાઈનો દાણો કૂદીને ઘંટીના મોંમાં પડ્યો. પડતાં જ કોઈએ જાણે એને બે બાજુથી પકડમાં લીધો ને દબાવ્યો.

    એણે બૂમ પાડી : ‘ઓ ઓ હું પ્રધાન છું. મારી સાથે વિવેકથી વર્તો!’ પણ એના શબ્દોનો પડઘોયે શમ્યો નહિ, એટલામાં તો એ ઘંટીના પડમાં પિસાઈ ગયો ને અદૃશ્ય થઈ ગયો.

    *

    દીવાસળી પોતાની ફરજ બરાબર સમજતી હતી. એને કહેવું નહિ પડ્યું કે તારું કામ કર! એ પોતાના કામ પર બેસી જ ગઈ હતી.

    એ કહે : ‘આજે એવું સરસ ખાવાનું બનાવું કે દુનિયામાં મારું નામ રહી જાય! જે ખાય તે મને યાદ કરે!’

    પણ ચૂલો આજે રિસાઈ બેઠો હતો. એ કેમે કરી જોઈએ તેવો સળગે જ નહિ!

    દીવાસળીએ આંખો કાઢી એને ધધડાવી નખ્યો : ‘ચાલ, સળગે છે કે નહિ! નહિ તો આજે તારી ખેર નથી!’

    ચૂલો કહે : ‘નથી સળગતો, જા! તારાથી થાય તે કરી નાખ!’

    દીવાસળ બોલી : ‘હું તને સખત સજા કરીશ!’

    ચૂલો કહે : ‘કરી નાખ!’

    ‘હું તને ફટકારીશ! યાદ રાખ, મારી એક લાત પડશે તો તારો ભાત નીકળી જશે!’ દીવાસળીએ રુઆબથી કહ્યું.

    ‘બાપ રે!’ ચૂલાએ બીવાનો ખોટો દેખાવ કર્યો.

    આથી તો દીવાસળીનો ગુસ્સો ઓર વધી ગયો. તેણે લાલ આંખ કરી કહ્યું : ‘ઊભો રહે, હમણાં તને સીધો કરું છું.’

    આમ કહી એ ચૂલાની અંદર ધસી ગઈ. તરત ભફ કરતો ભડકો થયો ને ચૂલો ખડખડાટ હસી પડ્યો. હસતાં હસતાં તેણે કહ્યું : ‘સળીબાઈ, સળીબાઈ, તમે ક્યાં છો?’

    ‘હું – હું –’ એટલો જ માત્ર અવાજ સળીબાઈના ગળામાંથી નીકળતો સંભળાયો. બીજી પળે બધું શાંત – માત્ર ચૂલો પુરબહારમાં ભકભક સળગતો હતો!’

    *

    ચૂલા ઉપર ચા થતી હતી, સાકરનો ગાંગડો પોતાની ફરજ પર બરાબર હતો.

    ચા થઈ એટલે પ્યાલો ભરાયો.

    એની સુગંધથી સાકરના ગાંગડાનું નાક તર થઈ ગયું. એ કહે : ‘વાહ, શી ફક્કડ સુગંધ છે!’

    ત્યાં તો પ્યાલામાંથી ચા બોલી : ‘હજી તેં તો માત્ર મારી વરાળનો સ્વાદ લીધો છે, પણ મારો સ્વાદ તો કંઈ ઓર છે.’

    સાકરના ગાંગડાએ કહ્યું : ‘તારો સ્વાદ?’

    ચાએ કહ્યું : ‘હા, વળી!’

    આમ કહી એણે ગાવા માંડ્યું :

    ‘માંહિ પડ્યા તે મહાસુખ માણે,

    દેખણહારા દાઝે જોને!’

    સાકરના ગાંગડાએ કહ્યું : ‘એટલે?’

    ચાએ કહ્યું : ‘એટલે ખરું સુખ તો મારી અંદર છે, બહાર તો માત્ર દેખવાનું ને દાઝવાનું છે!’

    સાકરના ગાંગડાએ કહ્યું : ‘તો મને એવું દેખવું ને દાઝવું પસંદ નથી!’

    ચાએ કરડાકીમાં કહ્યું : ‘પસંદ નથી તો બીજું તું કરવાનો છે શું?’

    સાકરે કહ્યું : ‘હું માહીં પડીશ ને મહાસુખ માણીશ.’

    ચાએ કહ્યું : ‘બોલવું સહેલું છે!’

    સાકરે કહ્યું : ‘હું કરી દેખાડીશ, દેખ!’ – બોલતાં બોલતાં તો માનનીય સાકરનો ગાંગડો કૂદીને ચાના પ્યાલામાં જઈ પડ્યો.

    એકદમ તેણે બૂમ પાડી : ‘ઓ રે, હું દાઝું છું!’

    ત્યાં એક ચમચીએ કહ્યું : ‘હમણાં બધી પીડા મટી જશે. રહે, હું હાલરડું ગાઉં છું.’

    આમ કહી ચમચીએ જોરથી ચાના પ્યાલામાં ફરવા માંડ્યું.

    ઘડીમાં સાકરનો ગાગડો અદૃશ્ય થઈ ગયો, મહાસુખ પામી ગયો.

    *

    માનવંતાં માટલીરાણી પાણિયારાના આસન પર બિરાજીને રાજ્યનો વહીવટ સંભાળતાં હતાં.

    પ્રધાનમંડળની સભાનો વખત થયો છતાં કોઈ પ્રધાન પધાર્યા નહિ ત્યારે તેમને ચિંતા થઈ : ‘આ શું? પ્રધાનો બધા ગયા ક્યાં? એમને ફરજનું કંઈ ભાનબાન બળ્યું છે કે નહિ? મારે એમને ઠપકો આપવો પડશે!’

    ત્યાં તો ખૂણામાં બેઠેલી એક કુલડી બોલી : ‘અહીં કોઈ આવશે તો ને?’

    ‘નહિ કેમ આવે?’ – માટલીરાણીએ કહ્યું.

    ‘શું કરવા આવે? તમારો ઠપકો ખાવા?’ – કુલડીએ કહ્યું.

    આ સાંભળી માટલીનો મિજાજ ગયો. તેણે કહ્યું : ‘ઓ...હ, એમ વાત છે! તો હું હમણાં જ એ બધાંની કાનબુટ્ટી પકડીને એમને અહીં ખેંચી લાવું છું. હું પ્રમુખ છું!’

    આમ કહી જુસ્સામાં એણે પાણિયારા પરથી કૂદકો માર્યો. ત્યાં તો એના મોંમાંથી ચીસ નીકળી ગઈ : ‘બાપ રે! મારાં સોયે વરસ પૂરાં થઈ ગયાં! મારાં હાડકાંની કચ્ચર થઈ ગઈ!’

    બોલતાં બોલતાં એનો પ્રાણ નીકળી ગયો! અને બસ, પછી તો માટલીરાણીનું રાજ પૂરું થઈ ગયું.

સ્રોત

  • પુસ્તક : રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023