રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોશિવમના ઘર આગળ લીમડો. સવાર પડે ને ભરાય પંખીઓનો મેળો. બધાં પંખીઓ મસ્તીથી ગીતો ગાય, જ્યારે કાગડાભાઈને ઉપડે લ્હાય. કોને હેરાન કરું? કોને ચાંચ મારું? કોનો ખોરાક ઝૂંટવું? એને તો ગમે કા...કા...કા... કરવાનું ને સહુને હેરાન કરવાનું. શિવમને તો આવું જરાય ગમે ના.
શિવમ બાર વાગે શાળામાંથી ઘેર આવે. ગૌરી ગાય ત્યારે એના આંગણે ઊભી હોય. એને રોટલી ખવરાવતાં શિવમ ગાવા લાગે,
ગાય રે ગાય, રોટલી ખાય.
ચાલ હવે આપણી, સેલ્ફી હો જાય.
રોટલી ખાઈને ગાય શાંતિથી ઊભી રહે. શિવમ ગાય સાથે સેલ્ફી લે. પણ પેલા કાગડાને એ બહુ કઠે. શિવમ ઘરમાં જાય એટલે કાગડો ઊડીને બેસે ગાયની પીઠ ઉપર. કા...કા...કા કરતાં એ ગાવા લાગે,
ગાય રે ગાય, એકલી કેમ ખાય?
ચાલ હવે આપણી જામી જાય.
‘પણ... કાગડાભાઈ, મેં તમારું શું બગાડ્યું છે તે.’
‘બગાડ્યું જ છે ને. રોજ બપોરે શિવમના ઘર આગળ તું કેમ આવે છે? તું ન આવે તો એ આખી રોટલી મારા ભાગે આવે કે નહીં? બોલ હવે.’ ચાંચ મારતાં કાગડો બોલ્યો.
‘ચાંચ ના મારો કાગડાભાઈ. મારી પીઠે દુ:ખે છે.’
‘ભલે દુ:ખતું, બોલ હવે અહીં રોટલી ખાવા આવીશ?’
‘અરે કાગડાભાઈ, હું તો વર્ષોથી અહીં આવું છું. નાનકડા શિવમને તેડીને તેના દાદા હીંચકે બેસે અને મને બોલાવે. ત્યાર પછી શિવમના દાદી અને મમ્મી મને રોટલી ખવરાવે. અને હવે તો શિવમ પણ રોટલી ખવરાવે છે બોલ. હું ન આવું તો શિવમ મને શોધવા આવે છે. કેટલો સ્વીટ સ્વીટ છે શિવમ.’
‘પણ... તું અહીંથી દૂર-દૂર જતી રહે. ના જોઈ હોય તો મોટી સ્વીટ સ્વીટ શિવમ વાળી.’
‘શિવમ મને બહુ જ ગમે છે. તેને છોડીને હું ક્યાં જાઉં? એ તું જ કહે.’ ગાય શાંતિથી બોલી.
‘ક્યાં તે જંગલમાં...’
‘ના...ના, ત્યાં તો વાઘ ને વરુ, સિંહ ને ચિત્તા, દિપડા ને રીંછ. મને બધાંની બહુ બીક લાગે. એ મને મારી નાખે તો...’
‘તો... તો... મને શાંતિ થાય.’ કહેતાં કાગડો ફરી ગાયની પીઠ ઉપર ચાંચ મારવા લાગ્યો.
કજિયાળો કાગડો આદુ ખાઈને ગાયની પાછળ પડ્યો હતો. તેની પીઠેથી હવે લોહી નીકળવા માંડ્યું. આંખમાં આંસુ સાથે ગાયે કહ્યું પણ ખરું કે, ‘હવે મારાથી સહન થતું નથી. આજ પછી મારી રોટલીમાંથી તને અડધો ભાગ આપીશ. વળી શિવમ જાતે જ મારા મોંમાં રોટલી મૂકે છે. હું શું કરું એમાં?’ પણ કાગડો કોઈ વાતે માને જ નહીં. ભલી ગાય છતાં પણ કાગડાની વાત સાંભળતી રહે ને સમજાવતી રહે. પણ કજિયાળો કાગડો એવું સમજવા રાજી ક્યાં? એ તો ગાયની પીઠે બેસી ચાંચ મારતો જાય ને ગાતો જાય,
ગાય રે ગાય, એકલી કેમ ખાય?
આપણો કજિયો આમ, મોટો થાય.
‘ના ભાઈ ના, કજિયો કરવાથી કોનું ભલું થયું છે તે આપણું થાય. શિવમ ડાહ્યો છે, મારી વાત માનશે. હવે પછી હું શિવમને કહીશ કે આખી રોટલી તું કાગડાને આપી દેજે બસ. હવે તો તને શાંતિને?’
કાગડો પીઠ ઉપરથી ઊડીને ગાયના માથા ઉપર બેઠો. ગાયના શિંગડા સાથે ચાંચ ઘસતાં એ બોલ્યો, ‘શાંતિની વાત સાવ ભૂલી જજે. અત્યાર સુધી ખાધેલી રોટલીઓ મને પાછી દઈ દે.’
ગાય હસી, પછી શાંતિથી બોલી, ‘પેટમાં ગયું તે પાતાળમાં ગયું કાગડાભાઈ! એ કાંઈ પાછું ન આવે. તમે બહુ સમજુ છો. આમ ખોટા વાંક કાઢીને કોઈને હેરાન ન કરાય.’
‘મને શિખામણ દેનારી તું કોણ? કહેતાં એ પાછો ગાયની પીઠ ઉપર આવીને બેઠો. ગાયને ચાંચ મારતો જાય ને ગાતો જાય,
ગાય રે ગાય, મારી રોટલીઓ લાય,
ચાંચ મારું છું છતાં, કેમ ન સમજાય?
ગાય હવે કંટાળી હતી. રોજ-રોજ સમજાવવા છતાં પણ આ સમજતો નથી. ‘કાગડાભાઈ, ચેતી જાવ હવે. મારી ધીરજની બહુ કસોટી ન કરો. મારી ભલમનસાઈને મારી નબળાઈ ન સમજો. આખી પીઠ કોતરી નાખી છતાં ચૂપ રહું છું. એટલે એવું ન સમજતા કે હું તાકાત વિનાની છું, સમજ્યા?’
‘સમજ્યા... સમજ્યા હવે...’ કહેતાં કાગડાએ ધારદાર ચાંચ મારી. ચાંચ વાગતાં જ કંટાળેલી ગાયે પૂછડું ઉલાળ્યું ને પોતાની પીઠે પછાડ્યું. પીઠ ઉપર બેઠેલા કાગડાભાઈને વાગ્યું ને તે તમ્મર ખાઈને નીચે પડ્યા. એક નાનકડી કાંકરી પણ આંખમાં ઘુસી ગઈ, ને કાગડાભાઈ થયા કાણા. ભાન આવતાં કાગડાભાઈ તો રડી પડ્યા. પાંખો ઢીલી પડી ગઈ ને આંખમાં પાણી આવી ગયાં.
ગાય બોલી, ‘કાગડાભાઈ, ના છુટકે આમ કરવું પડ્યું.’
કાગડો કહે, ‘શેરના માથે પણ કોઈ સવાશેર હોય છે એવી સમજ તો મને આજે જ પડી. હવે હું કોઈને હેરાન નહીં કરું. કોઈની ભલમનસાઈને તેની નબળાઈ નહીં ગણું.’
દયાળુ ગાય બોલી ‘ચાલ હવે મારી પીઠ ઉપર બેસી જા, નહીંતર વધારે હેરાન થઈશ. તને આમ પડેલો જોઈને આવે કૂતરો અને બિલાડી પણ. હળવે-હળવે ચાલી, હિંમત એકઠી કરી, કાગડો ગાયની પીઠ ઉપર જઈને બેઠો. હવે એનો શ્વાસ હેઠો બેઠો અને શાંતિ થઈ. પૂછડું હલાવી હલાવીને ગાય કાગડાને પવન નાખતી રહી. તો વળી માંખો અને મચ્છરોને ઊડાડતી હતી. થોડી વારમાં ત્યાં શિવમ આવ્યો. શિવમને જોતાં કાગડો ગાવા લાગ્યો,
ગાય એ તો ગાય, એને લાગું પાય.
આપણા ત્રણેની હવે સેલ્ફી હો જાય.
સ્રોત
- પુસ્તક : ઢોલકીવાળા અનબનજી (પૃષ્ઠ ક્રમાંક 16)
- સર્જક : ગિરા પિનાકીન ભટ્ટ
- પ્રકાશક : દર્શિતા પ્રકાશન
- વર્ષ : 2024
- આવૃત્તિ : 1