Fuggae To Kari Kamal! - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફુગ્ગાએ તો કરી કમાલ!

Fuggae To Kari Kamal!

પ્રભુલાલ દોશી પ્રભુલાલ દોશી
ફુગ્ગાએ તો કરી કમાલ!
પ્રભુલાલ દોશી

    ફાગણ ફુગ્ગાવાળો સવારમાં ફતેહપુરથી ફોફળપુર ફુગ્ગા વેચવા માટે નીકળ્યો. તેણે કેટલાક ફુગ્ગાઓ ફુલાવીને એક લાકડી ઉપર દોરા વડે ટીંગાડ્યા હતા.

ફુગ્ગા લ્યો ભાઈ ફુગ્ગા લ્યો,
રંગબેરંગી ફુગ્ગા લ્યો,
નાના-મોટા ફુગ્ગા લ્યો,
સુંદર સસ્તા ફુગ્ગા લ્યો,
ફૂલડાં જેવા ફુગ્ગા લ્યો,
ફુગ્ગા લ્યો ભાઈ ફુગ્ગા લ્યો,
આકાશમાં ઉડાડી એને,
આનંદ તમે ખૂબ-ખૂબ લ્યો.

    એમ બોલતો, ગાતો અને રસ્તામાં જે કોઈ ફુગ્ગા માગે તેને ફુગ્ગા વેચતો તે રસ્તા પરથી ચાલ્યો જતો હતો.

    ફતેહપુર ગામ વટાવી તે પાદરમાં આવ્યો. સામા છેડે ફોફળપુર ગામ હતું, પરંતુ વચમાં એક નાનું જંગલ આવતું હતું. જંગલમાં ગીચ ઝાડી હતી. ફાગણ ચાલતો-ચાલતો જંગલના વિસ્તારમાં દાખલ થયો અને એક કેડી પર ચાલવા લાગ્યો.

    ગીત ગણગણતા ફાગણની નજર એકાએક ચમકી. થોડેક જ દૂર એક વાઘ ઊભો હતો. વાઘને પણ ફાગણની ગંધ આવી ગઈ હતી અને તે તેના ઉપર તરાપ મારવાની તૈયારીમાં જ હતો.

    ફુગ્ગાવાળો એક ક્ષણ તો મૂંઝાઈ ગયો, કારણ કે દોડીને બાજુના ઝાડ ઉપર ચડી જવાય તેટલો સમય પણ ન હતો.

    પરંતુ મૂંઝવાથી ચાલે તેમ ન હતું અને વધુ વિચાર કરવાનો પણ સમય ન હતો. તેણે તરત જ નિર્ણય કરી લીધો અને યુક્તિ વિચારી કાઢી અને ઝડપથી અમલમાં પણ મૂકી.

    લાકડી ઉપર લટકાવેલા બે મોટા ફુગ્ગા ઉપર તેણે જોરથી મુક્કા લગાવ્યા. ફુગ્ગા મોટા હતા અને મુક્કાના પ્રહારથી ફુગ્ગા મોટા અવાજ કરતા ફૂટ્યા. અચાનક અજાણ્યો અને મોટો અવાજ સાંભળીને વાઘ ચમકી ગયો ને હતો ત્યાં સ્થિર ઊભો રહી ગયો.

    ફાગણે જરા પણ ઢીલ કર્યા વગર બીજો ઉપાય પણ અજમાવ્યો. લાકડી ઉપર બાંધેલા ફુગ્ગાને દોરીમાંથી તોડીને દસબાર જેટલા ફુગ્ગા હવામાં ઉડાડ્યા.

    લાલ, પીળા, વાદળી, લીલા, કેસરી એમ વિવિધ રંગવાળા ફુગ્ગા વાઘની તરફ હવામાં ઊડ્યા.

    ફુગ્ગાને પોતાની તરફ આવતા જોઈને તથા તેમના રંગ જોઈને વાઘ વધુ ચમક્યો અને ડરીને ફરી પાછો હતો, ત્યાં જ સ્થિર થઈ ગયો. તેણે કદી આવા ફુગ્ગા જોયા ન હતા. વળી, હવામાં ઊડતા ફુગ્ગા પોતાને વાગશે એવો તેને ડર પણ લાગ્યો. તે ફુગ્ગા સામે જોઈ ન રહ્યો, તાકી જ રહ્યો.

    વળી પાછા ફાગણે બે ફુગ્ગા ફોડ્યા. તેનો અવાજ પણ મોટો થયો. આથી વાઘ ભડકીને થોડો દૂર ભાગ્યો, ખસ્યો અને એક ઝાડની પાછળ સંતાઈને ધ્રૂજતો-ધ્રૂજતો ઊભો રહી ગયો.

    આ તકનો લાભ ફાગણે લીધો. તે વખત ગુમાવ્યા વગર દોડ્યો અને વાઘ ઊભો હતો, તેનાથી જુદી જ દિશામાં આવેલા એક વડના ઝાડ ઉપર દોડીને ચડી ગયો.

    કેટલીક વાર પછી, થોડેક દૂરથી એકીસાથે વધારે માણસો ઢોલ વગાડતા, ગીતો ગાતા આવતા હોય તેવો અવાજ સંભળાયો. આ માણસો પણ ફોફળપુર ગામ તરફ જતા હતા. તેઓ સંઘ કાઢીને જાત્રાએ જવા નીકળ્યા હતા. ફોફળપુર ગામ તેમના રસ્તામાં આવતું હતું.

    ઘણા માણસોના બોલવાનો તથા ઢોલ વાગવાનો અવાજ સાંભળીને ઝાડીમાં સંતાયેલા વાઘની હિંમત ભાંગી ગઈ. તે ગુપચુપ ઝાડીમાં ઊંડે-ઊંડે દૂર દૂર ચાલ્યો ગયો.

    પેલા માણસો નજીક આવ્યા એટલે ફાગણે વડ ઉપરથી બૂમો પાડીને તેમને ઊભા રાખ્યા. પછી પોતે વડ ઉપરથી નીતે ઊતર્યો અને નજીકમાં વાઘ સંતાયાની વાત તે સહુને કરી. પોતે જીવ બચાવવા માટે ફુગ્ગા ફોડતો-ફોડતો કેવી રીતે ઝાડ ઉપર ચડી ગયો તેની પણ વાત કરી.

    તેની વાત સાંભળીને પેલા માણસો વધુ સાવચેત થઈ ગયા અને જોરશોરથી ઢોલ વગાડતા, લાકડીઓ ઠપકારતા અને મોટેથી બૂમબરાડા પાડતા ચાલ્યા, જેથી વાઘ તેમની નજીક આવવાની હિંમત કરે નહીં.

    ફાગણ પણ તેમની સાથેસાથે ગીત ગાતો-ગાતો ચાલી નીકળ્યો.

આ ફાગણભાઈના ફુગ્ગા,
છે રંગ-રંગના ફુગ્ગા.
રે મોટા-મોટા ફુગ્ગા,
એ હવામાં કેવા ઊડ્યા,
ને પેલા વાઘભાઈની સામે,
વાઘભાઈ તો ભડક્યા,
નજીક ના એ ફરક્યા,
ને આ બંદા તો છટક્યા,
વડ ઉપર જઈ લટક્યા,
ફુગ્ગા મોટા અવાજે ફૂટ્યા,
ને મોત કેરા મુખથી
ફાગણભાઈ તો છૂટ્યા.
ફુગ્ગા લ્યો, ભાઈ ફુગ્ગા લ્યો,
ફાગણભાઈના ફુગ્ગા લ્યો.

સ્રોત

  • પુસ્તક : પ્રભુલાલ દોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013