રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજાપાન દેશની આ વાત છે.
દરિયાકિનારે એક નાનો ડુંગર હતો. ડુંગર પર ખેડૂતોનું એક ગામ હતું. દરિયાની બીજી બાજુ તળેટીમાં એમનાં ખેતર હતાં. સવારે વહેલા ઊઠી લોકો ડુંગર ઊતરી ખેતરનાં કામે મંડી જતા. ને સાંજ પડ્યે પાછા ઘેર આવતા. નાનાંમોટાં સૌ કામ પર જાય. માંદું હોય તે જ ઘેર રહે.
એક દિવસ બધાં કામે ગયાં હતાં. એક ડોસાને બેત્રણ દિવસથી તાવ આવતો હતો. એક દહાડો તો એ તાવવાળો પણ ગયો. પણ બીજે દિવસે તાવ બહુ જોરમાં આવ્યો. બધાં એને સમજાવવા મંડ્યાં કે તાવમાં કામ કરવું સારું નહીં. પણ ડોસાને તો કામ વિના ચેન પડે નહીં. એ કદી માંદો પડતો નહીં. માંદા પડવાની એને શરમ આવતી હતી. નછૂટકે એને ઘેર રહેવું પડ્યું.
ડોસો ખાટલામાં પડ્યો હતો. ત્યાં એની નજર એકાએક દરિયો ઉપર પડી. જુએ છે તો એક મોટું મોજું કિનારા તરફ ધસી આવે છે. આ જાતનાં મોજાંનો ડોસાને અનુભવ હતો. દરિયો ગાંડો બનવાની આ રીતે શરૂઆત થતી. અડધાપોણા કલાકમાં તો આવાં અનેક મોજાં કિનારા પર ધસી આવે. ગાઉના ગાઉ સુધી કિનારા પરનાં ખેતરો, પશુઓ તેમ જ માણસોને ડુબાડી દે.
એટલે લોકો ડુંગર પર ગામ બાંધીને રહેતા. પણ ખેતી તો નીચે તળેટીમાં જ કરવી પડે ને! દરિયામાં આવાં તોફાન આવે ત્યારે ડુંગરની બીજી બાજુના ખેતરોમાં કામ કરતા લોકો ઘણી વખત ડૂબી જતા.
આથી આવું મોજું જોતાં ડોસો ધ્રૂજી ઊઠ્યો. એનામાં જોર ન હતું. નીચે દોડી જઈ લોકોને ખબર આપવા જેટલો વખત ન હતો. બૂમ પાડે તો સંભળાય તેમ ન હતું. હવે શું થાય? અડધા કલાકમાં તો મોજાં ડુંગરને ઘેરી વળશે! ગામનાં બધા તણાઈ જશે! એ સૌને કેમ બચાવવાં?
વિચાર કરવા જેટલો પણ વખત ન હતો. ડોસાએ ઘરમાંથી ઘાસતેલનો ડબો ખેંચી કાઢ્યો. પોતાના ઘર પર ઘાસતેલ છાંટી એણે દીવાસળી ચાંપી. જોતજોતામાં ઘર સળગી ઊઠ્યું. પવન જોરથી વાતો હતો, એટલે આગના ભડકા ચારે બાજુ ફેલાવા માંડ્યા.
તળેટીમાં બૂમાબૂમ થઈ ગઈ. “આગ! આગ!” એવા પડઘા ડુંગરની ખીણમાં ગાજી ઊઠ્યા. સૌ પોતપોતાનાં કામ પડતાં મૂકી, મૂઠી વાળી આગ બુઝાવવા દોડ્યાં. બધા લોકો ડુંગર પર પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો ઘુઘવાટા કરતું એક જબરદસ્ત મોજું ડુંગર નીચે અફળાયું. તળેટીનાં બધાં ખેતર ડૂબી ગયાં.
ગામનું એક પણ માણસ એ તોફાનમાં તણાઈ ન ગયું. સૌ કોઈ બચી ગયાં. ડોસાનું ઘર તો બળીને ખાખ થઈ ગયું, પણ ગામ આખું બચી ગયું. ડોસાના આનંદનો પાર ન રહ્યો!
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 139)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020