રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક ડોશી હતી. એક વાર પાદર જાજરૂ જવા ગઈ. પાદર ચીભડાંના વેલા બહુ થાય હતા. તેમાં તેણે એક ચીભડું દીઠું. ચીભડું ખાવાનું મન થયું એટલે ડોશીએ તે તોડીને ઘેર આણ્યું. ડોશી તો હાથપગ ધોઈને જ્યાં ચીભડું ખાવા જાય છે ત્યાં ચીભડું બોલ્યું : “મા મા! મને ખાશો મા. હું તો તમારો દીકરો છું.”
ડોશીએ તો અચંબો પામીને ચીભડાને એક કોરે મૂક્યું. થોડી વાર થઈ ત્યાં તેમાંથી એક છોકરો નીકળ્યો.
ડોશીએ તેનું નામ સાંગો પાડ્યું.
એક દિવસ ફરી ડોશી પાદર ગઈ અને ચીભડું તોડી લાવી. ડોશી જ્યાં ચીભડું ખાવા જાય છે ત્યાં ચીભડું બોલ્યું : “મા, મા! મને ખાશો મા. હું તો તમારો દીકરો છું.”
ડોશીએ તો નવાઈ પામી ચીભડાને છેટું મૂક્યું. થોડીક વારમાં તેમાંથી બીજું બાળક નીકળ્યું. તેનું નામ ડોશીએ શરવણ પાડ્યું.
વળી થોડાક દિવસો ગયા એટલે ડોશી પાદરે ગઈ અને એક સારું મજાનું ચીભડું તોડી લાવી. જ્યાં નિરાંત કરી ચીભડું ખાવા જાય છે ત્યાં ચીભડાને વાચા ઊપજી ને તે બોલ્યું, “મા મા! મને ન ખાશો; હું તો તમારો દીકરો છું.”
ડોશી તો બહુ વિચારમાં પડી ગયાં અને ચીભડાને બાજુએ મૂક્યું. થોડીક વારે ચીભડામાંથી એક ત્રીજો છોકરો નીકળ્યો. ડોશીએ તેનું નામ લાખો પાડ્યું.
ડોશીને વળી એક દિવસ ચીભડાં ખાવાનું મન થયું અને પાદર ગયાં. શોધીને મજાનું મીઠું ચીભડું લાવ્યાં. ઘેર આવી ડોશી જ્યાં ચીભડું ખાવા જાય ત્યાં તો ચીભડું બોલ્યું : “માડી! મને ન ખાતાં; હું તો તમારો દીકરો છું.”
ડોશીએ તો આ વખતે પણ ચીભડાંને કોરે મૂક્યું. થોડી વાર થઈ ત્યાં તેમાંથી એક છોકરો નીકળ્યો. એ છોકરાનું નામ ડોશીએ લખમણ પાડ્યું.
હવે ચીભડાટાણી ઊકલી જવા આવી હતી. ડોશીએ વિચાર કર્યો કે હવે એક વાર જાઉં અને જેવું મળે એવું ચીભડું લાવીને ખાઉં. ડોશી તો એક પાકું ને નાનું સરખું ચીભડું લઈ આવ્યાં, ડોશી જ્યાં હાથપગ ધોઈ ચીભડું ખાવા જાય છે ત્યાં તે વળી ચીભડું બોલ્યું, “હં હં, મા! મને મન ખાશો. હું તો તમારું બાળક છું.”
ડોશીએ તો ચીભડું ન ખાધું અને કોરે મૂક્યું. તરત જ તેમાંથી એક ટૂકું ઠીંગણું બાળક નીકળ્યું. ડોશીએ તેનું નામ ટશુકભાઈ પાડ્યું.
ડોશીના પાંચે દીકરા ખાઈપીને મોટા થયા.
એક દિવસ ડોશી જંગલમાં લાકડાં લેવા ગયાં. રસ્તામાં સિંહ મળ્યો. સિંહ કહે :
“ડોશી ડોશી! તને ખાઉં.”
ડોશી કહે : “અરે ભાઈ! મને તે ખવાય? તું તો મારો ભાઈ થાય. તું મને ખાય તો તારા ભાણેજો રખડે ને?”
સિંહે મનમાં વિચાર કર્યો કે ડોસીને એકલીને ખાવી તેના કરતાં ડોશી અને ભાણેજો બંધાંયને ખાવાં તે ઠીક. તે બોલ્યો : “ડોશી! તો હું ભાણેજોને જોવા આવીશ. ભાણેજોને વાત કરજે. કાલે સાંજે આવીશ.”
ડોશી કહે : “ઠીક.”
ઘેર જઈને ડોશીએ છોકરાઓને બધી વાત કરી અને ચેતવી રાખ્યા.
બીજે દિવસ સાંજે સિંહ આવ્યો.
મામો ને સૌ ભાણેજો બેઠા. ભાણેજોએ મામાની સારી રીતે ચાકરી કરી. પછી ભાણેજોએ મામાને કહ્યું : “મામા! એક વાર્તા કહો.” એટલે સિંહ કહેવા લાગ્યા –
“પહેલા તે ખાશું સાંગો શરવણ;
પછી તે ખાશું લાખો લખમણ;
પછી તે ખાશું ટશુભાઈને
પછી તે ખાશું ડોહલીબાઈને.”
સિંહે પોતે વાત પૂરી કરી. પછી ભાણેજોને કહે : “ભાંણાભાઈ! હવે વાર્તા કહેવાનો વારો તમારો.” છોકરાઓ કહે : “સાંભળો, મામા!
“હાથડા તે થોભશે સાંગો શરવણ;
પગડા તે ઝાલશે લાખો લખમણ;
માથડું તે કાપશે ટશુકભાઈ રે
દીવડો તે થોભશે ડોહલીબાઈ રે”
આ વાત સાંભળી સિંહના મનમાં ફાળ પડી એટલે તે પૂંછડું માથે લેતોક જંગલમાં નાસી ગયો.
સ્રોત
- પુસ્તક : ગિજુભાઈ બધેકાની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 144)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022