રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(૧)
એક હતું ગામ. એ ગામનું નામ વેજલપુર.
વેજલપુરમાં એક મૌલવી રહે. એ મૌલવીને વિચાર થયો : આપણા ગામમાં બાળકોને ભણવા માટે કાંઈ સગવડ નથી. જો બાળકને ભણવાની સગવડ કરી આપીએ તો સારું.
તો પછી હવે એને માટે શું કરવું?
વિચાર કરતાં કરતાં મૌલવીને થયું કે મારા ઘરમાં જ પાઠશાળા શરૂ કરું. જેને ભણવા આવવું હોય તે ભણવા આવે.
મૌલવીએ તો આ વાતની જાહેરાત કરી દીધી.
થોડા સમયમાં જ પાંચસાત વિદ્યાર્થીઓ એમને ઘેર ભણવા આવવા લાગ્યા. એમાંના કેટલાક વિદ્યાર્થી હોશિયાર હતા તો કેટલાક મંદ પણ હતા. સૌ કાંઈ એકસરખા હોય છે?
એક દિવસકની વાત છે. મૌલવી મંદ બુદ્ધિના વિદ્યાર્થીઓ ઉપર નાખુશ થયા. એમણે મંદ બુદ્ધિના વિદ્યાર્થીઓ ઉપર ગુસ્સે કરતાં કહ્યું –
“તમે દજાણો છો હું કોણ છું?”
“હા જી! જી આપ તો મૌલવી છો.” વિદ્યાર્થીઓએ કહ્યું.
“અરે, હું તો એક કસબી છું. મેં ગધેડામાંથી માણસ બનાવ્યા છે. ગધેડામાંથી માણસ કેવી રીતે બનાવવા તેની રીત હું જાણું છું.”
એ વખતે ધોબી મૌલવીના ઘર પાસેથી પસાર થતો હતો.
એ ધોબીએ મૌલવીના ઘરની બારીમાંથી અંદર ડોકિયું કર્યું ત્યારે મૌલવી આ વાત કરી રહ્યા હતા.
ધોબીએ આ વાત સાંભળી.
ધોબી પાસે ઘણા ગધેડા હતા પણ એને એકેય દીકરો હતો નહીં.
ધોબી આ વાત સાંભળીને દોડતો ઘેર આવ્યો અને ધોબણને કહ્યું : “તું જાણે છે?”
ધોબણે જવાબ આપ્યો : “તમે કાંઈ વાત તો કરતા નથી પછી હું કેવી રીતે જણાવું કે હું જાણું છું કે નહીં?”
ધોબી કહે, “મૌલવી ગધેડામાંથી માણસ બનાવી શકે છે એ તું જાણે છે?”
ધોબણ કહે, “ના.”
ધોબી કહે, “મેં કાનોકાન આજે આ વાત મૌલવીના મોઢેથી સાંભળી.”
ધોબણ કહે, “તો તો કેટલે સારું? આપણે એકેય બાળક નથી. આપણે આપણા ગધેડામાંથી એક ગધેડું એમને આપી બાળક બનાવીએ તો?”
ધોબી કહે, “એટલા માટે જ એ વાત સાંભળીને દોડતો દોડતો સીધો ઘેર આવ્યો છું; આ સમાચાર તને આપવાને માટે, આપણો સૌથી સારો ગધેડો છે મોતી. એ મૌલવીને સોંપીને તેનો માણસ બનાવવાની તેમને વિનંતી કરીએ.”
ધોબણ કહે, “હા, એ વાત સાચી.”
ધોબણે પણ ધોબીની વાત માન્ય રાખી.
*
બીજો દિવસ થયો. સવાર પડ્યું. ધોબી વહેલો ઊઠ્યો અને નાહીધોઈ તૈયાર થયો.
એ સીધો ઊપડ્યો મૌલવીને ઘેર અને સલામ ભરી ઊભો રહ્યો મૌલવીની સામે.
મૌલવી કહે, “કેમ ભાઈ, કેમ આવ્યો છે?”
ધોબી કહે, “મૌલવીસાહેબ! મારે એકેય દીકરો નથી, પણ મારી પાસે ઘણા ગધેડા છે. મારા સૌથી સારામાં સારા ગધેડાને માણસ બનાવી આપશો? જો મને મદદ કરશો તો મારી પર અને મારી પત્ની પર મોટો ઉપકાર કર્યો ગણાશે.”
આ વાત સાંભળીને મૌલવીને નવાઈ લાગી.
મૌલવી કહે, “તું શું કહે છે? ગધેડાનો તે કાંઈ માણસ બનાવી શકાતો હશે?”
ધોબી કહે, “એવું ન કહેશો મૌલવીસાહેબ! હું જાણું છું કે તમે મને બનાવો છો. હું બરાબર જાણું છું કે તમે આમ કરી શકો છો, મહેરબાની કરીને મને આટલી મદદ કરો–”
મૌલવીએ ધોબીને મનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને છેવટે કહ્યું કે આ બાબત તદ્દન અશક્ય છે, પરંતુ ધોબીએ પોતાનો અભિપ્રાય બદલ્યો નહીં. મૌલોવીને લાગ્યું કે ધોબી મૂર્ખ માણસ છે તેથી તેને પાઠ ભણાવવો જોઈએ.
આથી મૌલવીએ આવો પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો.
મૌલવી કહે : “સાંભળ, ભાઈ! હું હમણાં તારી આ વિનંતી ધ્યાનમાં નહીં લઉં, પણ તારી આ બાબત જુદી જાતની છે. હું તારો મોતી નામનો ગધેડો જરૂર લઈશ અને તેનો માણસ બનાવી આપીશ.”
ધોબી કહે : “તો તો મૌલવીસાહેબ તમારો આભાર કદી નહીં ભૂલું.”
મૌલવી કહે : “પણ ભાઈ! એમ કરતાં તો ઘણો સમય લાગશે અને પૈસાનું ખર્ચ પણ થશે.”
ધોબી કહે : “એને માટે કેટવું ખર્ચ થશે, મૌલવીસાહેબ?”
મૌલવી કહે : “લગભગ બસો રૂપિયાનું ખર્ચ થશે અને છએક મહિનાનો સમય જશે.”
ધોબી કહે : “આભાર મૌલવીસાહેબ! હું આવતી કાલે પૈસા અને ગધેડો લઈને આવીશ.”
અને ધોબી ચાલ્યો ગયો.
(૨)
ધોબી મૌલવીસાહેબને ઘેરથી ઉતાવળો ઉતાવળો ઘેર આવ્યો. ઘેર આવીને એણે આ બધી વાતો તેની પત્નીને કહી. આ વાત સાંભળીને ધોબણ પણ રાજી રાજી થઈ ગઈ. હવે દીકરો મળશે એ જાણી તેને વધુ આનંદ થયો. એને એમ થયું કે આ જાદુઈ વાત બીજું કોઈ જાણી ન જાય તો સારું.
બીજો દિવસ થયો.
ધોબીએ તો ગધેડો અને રૂપિયા બસોની કોથળી લીધી અને ઊપડ્યો મૌલવીસાહેબ પાસે.
ધોબી મૌલવી પાસે આવીને બે હાથ જોડી ઊભે રહ્યો.
ધોબી કહે, : “મૌલવીસાહેબ! લ્યો આ બસો રૂપિયા અને આ મારો ગધેડો મોતી. મહેરબાની કરી મારા મોતીને માણસ બનાવી આપો.”
મૌલવીએ પૈસા લઈ લીધા અને તેણે ધોબીને કહ્યું : “તારા ગધેડાને પેલા ઝાડ નીચે આવેલા મારા તબેલામાં બાંધી દે.”
ધોબીએ એના ગધેડાને બાંધી દીધો.
પછી મૌલવી કહ્યું : “ભાઈ! તારો ગધેડો ઘણો સુંદર છે અને મને વિશ્વાસ છે કે આ ગધેડામાંથી જે માણસ બનશે તે ખરેખર ભવ્ય અને મહાન માણસ બનશે. હવે તું જઈ શકે છે. છ મહિના પછી આવજે.”
“સારું, સાહેબ.” કહી ધોબી ચાલ્યો ગયો.
પછી મૌલવીએ તેના એક વિદ્યાર્થીને બોલાવ્યો અને પેલા ગધેડાને જંગલમાં હાંકી કાઢી મૂકવાની સૂચના આપી.
આથી વિદ્યાર્થીએ ગધેડાને હાંકી કાઢ્યો.
(૩)
દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા. એ વાતને છ મહિના પસાર થઈ ગયા. આપેલી મુદત પૂરી થઈ ગઈ.
આથી પેલો ધોબી મૌલવી પાસે આવ્યો અને આશાભર્યા ચહેરે સલામ ભરી તેની સામે બેઠો.
મૌલવી કહે, “ભાઈ! આટલા બધા દિવસ તું ક્યા હતો? તારો ગધેડો તો મહાન વિદ્વાન માણસ બની ગયો છે અને એ તો બનારસમાં કાજી તરીકે કામ કરે છે. તું ત્યાં જા અને તેને મળ.”
ધોબી કહે, “હું ત્યાં જઈશ તો એ મને ઓળખશે?”
મૌલવી કહે, : “શા માટે નહીં? પણ તું જાય ત્યારે એને ખવડાવવાનો તોબરો લઈ જજો. તને કદાચ એ ભૂલી જશે પણ એના તોબરાને નહીં ભૂલે.”
ધોબી આ વાત સાંભળી ખુશ થઈ ગયો અને દોડતો દોડતો તેને ઘેર આવ્યો. ઘેર આવીને તેણે તેની પત્નીને આ વાત કહી.
મોતી ગધેડો મહાન વિદ્વાન બની ગયો છે અને બનારસનો કાજી બની ગયો છે તે જાણી વધુ આનંદ થયો. આથી એમને મેળવવાની ખૂબ તાલાવેલી લાગી. એમણે નક્કી કર્યુ કે જેમ બને તેમ જલદી બનારસ જવું અને મોતીને થોડા દિવસ ઘેર લઈ આવવો.
બીજે દિવસે સવારે ધોબી તો બનારસ જવા માટે રવાના થયો. ધોબી તો બનારસ પહોંચી ગયો. ત્યારે કાજી ન્યાયાલયમાં બેઠા હતા અને ન્યાય કરી રહ્યા હતા.
થોડે દૂરથી ધોબીએ કાજીને જોયા અને તેમને જોતાં જ તેના મન ઉપર ઘણી સારી છાપ પડી. આથી ધોબીએ મનમાં વિચાર્યું.
“મૌલવી કેટલા હોશિયાર માણસ છે! એણે મોતી નામના ગધેડાને કેવો કાજી બનાવી દીધો છે! આટલો બધો ચાલાક, ભણેલો-ગણેલો અને રૂપાળો માણસ બનાવી નાખ્યો છે એણે ગધેડામાંથી.”
ધોબી તો બારણામાં ઊભો રહ્યો અને કાજી પોતાની સામે જુએ એની તક જોવા લાગ્યો. એ જુદી જુદી જગ્યાએ ફર્યો, કાજી સામે જોઈને મલકાયો અને પેલો તોબરો પણ કાજી સામે હલાવ્યો.
પરંતુ કાજી તો કામમાં મશગૂલ હતા. એણે ધોબી સામે જોયું નહીં.
આથી એને મૌલવીએ કહેલી વાત યાદ આવી. એ તો પેલો તોબરો લઈને કાજી પાસે જઈ ઊભો રહ્યો.
કાજીએ લખતાં લખતાં ઊંચું જોયું અને ધોબીએ પેલો તોબરો તેની સામે ધર્યો. પછી કાજી સામે જોઈ મલકાયો.
કાજીએ ધોબીનું આવું વર્તન જોયું. એમને ધોબીનું વર્તન જોઈ નવાઈ લાગી. એણે ધોબીને બોલાવવા માટે માણસ મોકલ્યો.
આ જાણી ધોબીને આનંદ થયો અને પોતાની જાતને કહેવા લાગ્યો : “છેવટે મૂર્ખાએ મને ઓળખી કાઢ્યો ખરો.”
કાજીએ એને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું : “તમે અહીં કેમ આવ્યા છો? તમારે શું કામ છે?”
આ સાંભળી ધોબીને ગુસ્સો ચડ્યો. આથી તે બરાડી ઊઠ્યો : “કાજી! તું મને ઓળખતો નથી? હું એક વખત તારો શેઠ હતો. તું ખરેખર નિમકહરામ છે.”
આમ કહી એણે પેલો તોબરો ફરી તેની સામે ધર્યો અને ફરી કાજીને કહ્યું : “આની સામે જો. આ તોબરામાં મોં નાખીને તું ખાતો હતો એ ભૂલી ગયો? મૌલવીએ ગધેડામાંથી તને માણસ બનાવ્યો એ ભૂતકાળ પણ તું ભૂલી ગયો. ચાલ, મોતી, આપણે ઘેર જઈએ. મારી પત્ની તારી રાહ જોઈ રહી છે. દીકરાને જોવાની આશાએ એ રાહ જોઈ રહી છે.”
કાજીએ શાંતિથી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે વાત ખોટી છે.
ધોબીએ તો તેની વાત સાચી માની નહીં. ઊલટાનો એ તો વધુ અધીરો બન્યો અને વધુ ગુસ્સે થયો.
આથી કાજીએ એના પટાવાળાને હુક્મ કર્યો કે આ ધોબીને બહાર હાંકી કાઢો.
પટાવાળો તરત જ પેલા ધોબી પાસે ગયો અને એને હાંકી કાઢ્યો.
ધોબી બરાડા પાડતો પાડતો બહાર આવ્યો.
“કેટલો નિમકહરામ છે એ ગધેડો! એ ખરેખર ગધેડો જ છે અને મેં એને ગધેડામાંથી માણસ બનાવ્યો. આ શું દુનિયાનો ન્યાય કહેવાય? હું એને બતાવી આપીશ કે હું કોણ છું.”
ધોબી ઘેર આવ્યો અને સીધો મૌલવી પાસે ગયો.
એણે મૌલવીને બધી વાત કરી. અંતે એણે મૌલવીને કહ્યું : “જુઓ મૌલવીસાહેબ! મેં એને માટે કેટલી મહેનત કરી છે? પણ એને કાંઈ જ કદર નથી. ફરી પાછો એને ગધેડો બનાવી દો. જે ખર્ચ થાય તે આપીશ.”
મૌલવી હસ્યા અને બીજા બસો રૂપિયા માગ્યા.
ધોબીએ બીજા બસો રૂપિયા આપ્યા અને એક અઠવાડિયામાં ગધેડો પાછો આપવાનું એને વચન આપ્યું.
અઠવાડિયા પછી ધોબી પાછો આવ્યો.
મૌલવીએ એનો મોતી નામનો ગધેડો જંગલમાંથી શોધી કાઢી અગાઉથી બાંધી રાખ્યો હતો.
ધોબીએ મોતી ગધેડાની ઓળખી કાઢ્યો અને હાંકતો હાંકતો એને લઈ ગયો. જતાં જતાં એ બબડતો હતો :
“હવે મને ઓળખ્યો હું કોણ છું? હું બનારસ આવ્યો ત્યારે તો તેં મને ઓળખ્યો નહીં. હવે તને ખબર પડશે કે હું કોણ છું?”
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 324)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020