dhinglino jaadu - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઢીંગલીનો જાદુ

dhinglino jaadu

હર્ષદ ત્રિવેદી હર્ષદ ત્રિવેદી
ઢીંગલીનો જાદુ
હર્ષદ ત્રિવેદી

     મૌલિકને જાદુ કરવાનો ભારે શોખ. ખિસ્સામાંથી ખાવા મમરા કાઢે તોય કહે, ‘કેવો જાદુ કર્યો?’ બારણા પર બેઠેલી ચકલીને તાળી પાડીને ઉડાડી મૂકી ને કહે, ‘કેવો જાદુ કર્યો?’ ગમે તે વાતમાં જાદુ કર્યા વિના મૌલિકને ચેન ન પડે! તનવીને થાય કે આ મૌલિકડાને એકવાર બરાબર જાદુ શીખવી દેવો છે. એવો પાઠ શીખવું કે ફરી વાર જાદુનું નામ જ ન લે! એણે મનમાં ને મનમાં યોજના કરી. તનવી તો તરત પહોંચી ગઈ પપ્પા પાસે. પપ્પા કંઈ ગીત ગાવાના મૂડમાં હતા. તનવીએ પોતાના નાક ઉપર આંગળી મૂકીને પપ્પાને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. પછી બોલી, ‘જો જો કોઈનેય કહેવાનું નહીં. આજે હું મૌલિકને બરાબરનો જાદુ શીખવવાની છું. એને જાદુ આવડતો નથી ને આખો દિવસ ખાલી ખાલી ડંફાસ માર્યા કરે છે!’ પછી પોતે કેવી રીતે જાદુ કરવાની છે એની વાત પપ્પાને કરીને ચુપચાપ ચાલી ગઈ.

     મમ્મીએ રસોડાનું કામ પૂરું કરી લીધું હતું. એ બજારમાં જવાની તૈયારી કરતી હતી. તનવીએ કહ્યું, ‘મમ્મી મને તારી સાથે લઈ જા ને! મારે એક ખાસ કામ છે.’ બંને બજારમાં ગયાં. મમ્મીએ એની ખરીદી બહુ ઝડપથી કરી લીધી. પાપડનું પડીકું, સુગંધી સાબુ, રીંગણાં, બટેકાં, પરવળ અને પાલખની ભાજી. બધું જ થેલીમાં ભરીને તનવીની આંગળી પકડી. બંને ચાલ્યાં ઘર તરફ. પણ, પછી તરત મમ્મીને કશુંક યાદ આવી ગયું. ફરી પાછાં બંને ચાલ્યાં કરિયાણાની દુકાને. થોડી ચૉકલેટ અને બિસ્કિટ લીધાં. તનવી વિચાર કરતી હતી કે પોતાની વાત મમ્મીને કહેવી કેવી રીતે? એણે એક યુક્તિ કરી. મમ્મીને કહે કે, ‘આપણે આ રસ્તેથી નહીં, પેલા રસ્તેથી જઈએ.’ બંને પેલા રસ્તે ચાલવા લાગ્યાં.

     રસ્તામાં રમકડાંની એક મોટી દુકાન આવી. તનવી બોલી ઊઠી, ‘મમ્મી! ચાલને, જરા આ રમકડાં જોઈએ. કેવાં સુંદર છે નહીં?’ મમ્મી સમજી ગઈ કે તનવીને કાંઈ રમકડું લેવાની ઇચ્છા થઈ ગઈ છે. બંને દુકાનમાં ગયાં. એક કૂતરો હતો ચાવીવાળો! ચાવી ભરીને મૂકો એટલે મોં પહોળું કરીને ભસવા માંડે ને પૂંછડી પટપટાવે! રેલગાડીને પાટા ઉપર મૂકો એટલે ખટ... ખટ... ખટ... ખટ… દોડવા લાગે! આવાં તો જાતભાતના અનેક રમકડાં હતાં. પણ તનવીને તો ચાવીવાળી ઢીંગલીની જ જરૂર હતી. ઢીંગલીને ચાવી ભરો એટલે બંને હાથ હલાવવા લાગે, આગળ જાય પાછળ જાય... ડોકું હલાવે ને આંખોય પટપટાવે! મમ્મીએ ઢીંગલી અપાવી દીધી એટલે તનવી ખુશ ખુશ!!

     મૌલિકને તો કશી ખબર જ નહોતી. એ તો ક્યાંક બહાર રમવા ચાલ્યો ગયેલો. તનવીએ પપ્પાને ઢીંગલી બતાવી. પપ્પા પણ સમજી ગયા. થોડી વારે મૌલિક આવ્યો, પરસેવે રેબઝેબ! ધૂળમાં રમ્યો હશે એટલે સાવ ધૂળિયો લાગતો હતો. મમ્મીએ એને હાથ-પગ ધોવા કહ્યું. ત્યાં સુધીમાં તનવીએ બધી તૈયારી કરી લીધી હતી. એણે તે ઠાવકા થઈને મૌલિકને કહ્યું, ‘તું આમ આવ! આપણે સરસ મજાનો જાદુ કરીએ!’ મૌલિકને તો જાદુનું નામ પડે એટલે ખલાસ! બધું જ છોડીને આવી ગયો.

     તનવી અને મૌલિક એક ઓરડામાં બધાં જ બારી-બારણા બંધ કરીને બેઠાં. ઓરડામાં સાવ અંધારું અંધારું થઈ ગયું. મૌલિકને તો બીક લાગવા માંડી. હાથ-પગ ધ્રૂજવા લાગ્યા. એણે ધીમેથી કહ્યું, ‘તનવી! બારણું ખોલ ને! મને તો અંધારામાં બહુ જ બીક લાગે છે.’ તનવી કહે, ‘બેસ છાનોમાનો! જાદુ જોવો હોય તો અંધારામાંય બેસવું પડે!’ મૌલિક તો ચુપચાપ બેસી રહ્યો.

     થોડી વારે તનવીએ હુકમ કર્યો : ‘હું જાદુ શરૂ કરું ત્યાર પહેલાં તારે નાચવું પડશે. જો આંખો બંધ કરીને નહીં નાચે તો મારા જાદુથી તું હમણાં જ ઢીંગલી બની જઈશ. ચાલ નાચવાનું શરૂ કર! એક...બે...ત્રણ...’ ડાન્સ શરૂ અને મૌલિક તો ઢીંગલી બની નાચવા લાગ્યો. એની આંખી બંધ એટલે કંઈ દેખાય નહીં. એના હાથ ઘડીમાં આમ થાય તો ઘડીમાં તેમ થાય. ઘડીમાં ઉપર તો ઘડીમાં નીચે! ધીરેથી તનવી ઓરડાની બહાર નીકળી ગઈ. મમ્મી-પપ્પાને બોલાવી લાવી. બધાં સાથે મળીને મૌલિકભાઈનો ડાન્સ જોવા લાગ્યાં. મૌલિક તો તનવીના બીજા હુકમની રાહ જોયા કરે. નાચવાનું બંધ કરે ને ઢીંગલી બની જાય તો? બધાંને બહુ મજા આવી ગઈ. સહુ હસે પણ અવાજ ન થાય એ રીતે! મૌલિક હજી પણ નાચતો જ હતો. ઘણી વાર આવી રીતે નાચ્યા પછી થાકને લીધે ત્યાંનો ત્યાં જ ઊંઘી ગયો, ઘસઘસાટ. મૌલિકને એક સપનું આવ્યું. સ્વપ્નમાં મૌલિક ચાવીવાળી ઢીંગલી બની ગયો હતો. ચાવી આપીને મૂકો અટલે બંને હાથ હલાવવા માંડે. આગળ આવે પાછળ જાય. આંખો પટપટાવે! મૌલિક તો સાચે જ ઢીંગલી બની ગયો હતો ને? થોડી વારે ચાવી ખલાસ થઈ ગઈ અને ઢીંગલીનો જાદુ બંધ થયો. તરત જ મૌલિકની આંખો ખૂલી ગઈ.

     ઓરડામાં અંધારું નહોતું. ખૂબ અજવાળું હતું. મૌલિકના હાથમાં એક સુંદર મજાની ઢીંગલી હતી. તમને ખબર છે ને? એના હાથમાં ઢીંગલી કોણે મૂકી હતી? તનવી જ હોય ને! મૌલિક તો ઘડીમાં ઢીંગલીને જુએ ને ઘડીમાં પોતાને! વિચારે કે હું તો ઢીંગલી બની ગયો હતો! તો પછી આ મારા હાથમાં કેવી રીતે આવી ગઈ? મૌલિકભાઈએ ધ્યાનથી જોયું તો એને ચાવી પણ હતી! એણે તો તરત જ ચાવી ભરી અને ઢીંગલી નાચવા લાગી. મૌલિકભાઈ તો તાળી પાડવા લાગ્યા.

કેવી મજાની ઢીંગલી,
ચાવીવાળી ઢીંગલી.
મૌલિકભાઈની ઢીંગલી,
તનવીબહેનની ઢીંગલી.
કેવી રૂપાળી ઢીંગલી
નાચે-નચાવે ઢીંગલી!

     તનવીબહેનનો જાદુ જોઈને સહુને મજા પડી. બીજે દિવસે ખિસ્સામાંથી મમરા કાઢીને મૌલિક બોલ્યો : ‘એક જાદુ કરું?’ તો તનવી બોલી : ‘ઢીંગલી બનાવી દઉં?’

સ્રોત

  • પુસ્તક : સપનાંનો પહાડ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સર્જક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2023