રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક સુંદર મજાનું તળાવ. ગોળગોળ નાનકડું તળાવ. તળાવનું પાણી પણ કેવું? કાચ જેવું ચોખ્ખું. ઠંડુંઠંડું બરફ જેવું. આ તળાવમાં ઘણા જીવ રહે. ચાર પગવાળા કાચબા રહે ને લાંબી પૂંછડીવાળા મગરેય રહે. સોનેરી-રૂપેરી માછલીઓય રહે. તેના કિનારે રોજ બંગલા ને બતકો આવે. સૌ મજા કરે.
તળાવકિનારે ભેખડના પોલાણમાં એક દેડકો ને દેડકી રહે. તેમને ત્રણ નાનાં બચ્ચાં. બચ્ચાં હતાં મજાનાં. હાથમાં પકડો તો લપસી જાય તેવાં સુંવાળાં-સુંવાળાં! આ બચ્ચાં તળાવમાં સર સર તરે. જમીન પર નાના કૂદકા લગાવે. ત્રણેય તરવાની ને કૂદવાની હરીફાઈ કરે. પણ આ બચ્ચાં બોલે નહિ. બધું કરે પણ મૂંગાંમૂંગાં. માબાપને ચિંતા થયા કરે, ‘અરેરે! બિચારાં બોલતાં કેમ નથી? શું થયું હશે એમને?’
દેડકી કહે : ‘કદાચ બચ્ચાંને કોઈની નજર તો નહીં લાગી ગઈ હોય? રૂપાળાં ખૂબ છે ને, એટલે એવું થાય પણ ખરું.’
આ સાંભળી દેડકો બોલ્યો : ‘હા, હા. મને પણ એવું જ લાગે છે. સામે કિનારે મગરભૂવો રહે છે. તે દોરા મંતરીને આપે છે. ચાલો તેને ત્યાં જઈએ.’
દેડકી કહે : ‘હા, હા. ચાલો.’
માબાપ ત્રણે બચ્ચાંને લઈને મગરને ઘરે જવા ઊપડ્યાં. મગરનું ઘર હતું દૂર. બચ્ચાં બિચારાં ખૂબ થાકી ગયાં.
મગરભૂવો તળાવકિનારે રેતીમાં સૂતો હતો. તે તડકો ખાતો હતો. દેડકાંને જોઈ તે બોલ્યો :
‘આવો દેડકાભાઈ, આવો દેડકીબહેન, બાળબચ્ચાં સાથે પધરામણી થઈ કેમ?’ એટલે દેડકી કહે :
નથી ખાવાનું દુઃખ,
નથી પીવાનું દુઃખ,
નથી રહેવાનું દુઃખ,
નથી ફરવાનું દુઃખ.
આ સાંભળી મગરે પૂછ્યું :
તો પછી કહો શાનું રે દુઃખ?
ઝટ મને કહો તમને કેવું રે દુઃખ?
એટલે હવે દેડકો બોલ્યો :
બાળક ત્રણ મજાનાં હસે, રમે ને ખાય,
તળાવ કેરા મીઠા જળમાં નિત્ય ઊઠીને નાહ્ય.
ધીંગામસ્તી ખૂબ કરે, કૂદકા મારે ક્યાંય.
પણ ના બોલે શબ્દ એક, લાખ કરો ઉપાય.
મગરભૂવાએ હાથમાં માળા લીધી. આંખો કરી બંધ. આંગળીના વેઢે કશીક ગણતરી કરીને કહે : ‘બચ્ચાંને નજર લાગી ગઈ છે. તેથી તેમની જીભ સિવાઈ ગઈ છે. હું દોરા કરી આપું તે ત્રણેને બાંધી રાખજો. ને પછી જુઓ એનો ચમત્કાર!’
પછી મગરભૂવાએ ત્રણ કાળા દોરા બચ્ચાંના ગળામાં બાંધ્યા. દેડકો ને દેડકી રાજી થયાં.
આ વાતને સાત દિવસ થઈ ગયા. પણ બચ્ચાં તો હતાં એવાં ને એવાં. ફરી માબાપને ચિંતા થઈ. હવે શું કરવું?
એટલામાં એક દિવસ તેમને ઘેર માછલી મીના આવી. દેડકીએ મીના માછલીને બચ્ચાંની વાત કરી. તે સાંભળી માછલી કહે ‘દેડકીબહેન, તમે કશ્યપ વૈદ્ય પાસે બચ્ચાંને લઈ જાઓ. તે ચપટી દવા આપશે ને પટ દઈ ફેર પડી જશે.’
દેડકા-દેડકીને માછલીની સલાહ ગમી ગઈ. તેઓ ફરી બચ્ચાંને લઈને ઊપડ્યાં. કશ્યપ વૈદ્યને ત્યાં. કશ્યપ એટલે કાચબો. આ કાચબો તળાવમાં રહેતાં સૌ પ્રાણીઓને દવાની પડીકીઓ આપતો. તેથી બધાં તેને કશ્યપ વૈદ્ય કહેતાં.
દેડકાઓને જોઈ કાચબો ગાદતી પરથી ઊભો થયો. તેમની સામે ગયો. તે બોલ્યો : ‘આવો આવો દેડકાભાઈ, ઘણા દિવસે દેખાયા.’
એટલે દેડકો કહે : ‘કાચબાભાઈ, અમે તો દુઃખી દુઃખી થઈ ગયાં.’
કાચબો કહે :
ઝટ તમે દુઃખ કહો,
ને પટ હું દૂર કરું.
નાડ તમારી પારખી લઉં,
ને તરત હું ફાકી ધરું.
એટલે દેડકીબહેન આગળ આવી બોલ્યાં :
બાળક ત્રણ મજાનાં હસે, રમે ને ખાય,
તળાવ કેરા મીઠા જળમાં નિત ઊઠીને નાહ્ય,
ધીંગામસ્તી ખૂબ કરે, કૂદકા મારે ક્યાંય,
પણ ના બોલે શબ્દ એક, લાખ કરો ઉપાય.
આ સાંભળી કાચબો કહે : ‘નાડ તમારી પકડી નથી કે રોગ તમારો ગયો નથી. બચ્ચાંને આ તરફ લાવો.’
બચ્ચાંને કાચબાભાઈની નજીક બેસાડ્યાં. તેમના ગળામાં દોરા જોઈ કાચબાભાઈ નવાઈ પામ્યા. તે બોલ્યા : ‘દેડકાભાઈ, આ દોરા શાના?’
દેડકાભાઈએ મગરભૂવાની વાત કરી. તે સાંભળી કાચબો કહે : ‘જંતરમંતરની આ વાત ખોટી. નજર કેવી ને વાત કેવી? આ દોરા તોડીને ફેંકી દો.’
પણ દેડકા-દેડકીની હિંમત ન ચાલી. બંને એકમેકની સામે જોવા લાગ્યાં. એટલે કાચબાભાઈ બોલ્યા : ‘જુઓ દેડકાભાઈ, જુઓ દેડકીબહેન! કંઈક રોગ હોય તો જ બચ્ચાં ન બોલે. ને રોગની દવા થાય એટલે રોગ જાય. એમાં આવા દોરા શું કરે?’
આમ કહી કાચબાભાઈએ જાતે જ ત્રણેના દોરા તોડીને ફેંકી દીધા. પછી વારાફરતી ત્રણે બચ્ચાંની નાડ તપાસી. જીભ તપાસી ને આંખો તપાસી. પણ રોગ પકડાયો નહિ. શરીરમાં કોઈ રોગ હોય તો પકડાય ને!
કાચબો કહે : ‘ખબર મને પડતી નથી, રોગની નાડ જડતી નથી.’
કાચબાભાઈ મૂંઝાયા. દેડકો ને દેડકી મૂંઝાયાં. હવે શું કરવું? તેઓ બચ્ચાંને લઈને ઘરે જતાં હતાં, ત્યાં રસ્તામાં બબલી બતક મળી.
બબલી બતક કહે : ‘દેડકાભાઈ, લાવલશ્કર સાથે ક્યાં ફરી આવ્યા.?’
દેડકી કહે : ‘અમે તારી જેમ ફરવા ગયાં ન હતાં. એક કામે નીકળ્યાં હતાં.’
પછી દેડકીએ બચ્ચાંઓની વાત કરી. આ સાંભળી બતક કહે : ‘તળાવકિનારે જાંબુનું ઝાડ છે. ત્યાં બખોલમાં શિવલો શિયાળ રહે છે. તે શહેરમાં જઈને ડૉક્ટરીનું ભણીને આવ્યો છે. તે ખૂબ જ હોશિયાર ડૉક્ટર છે હોં! તમે એની પાસે જાઓ. જે હશે તે કહી દેશે ને દવા કરશે.’
આ સાંભળી દેડકો-દેડકી આનંદમાં આવી ગયાં. તેઓ ઘેર ન ગયાં. ત્યાંથી જ સીધાં પહોંચ્યાં શિવલા શિયાળના દવાખાને.
જાંબુના ઝાડ નીચે સરસ મજાની બખોલ. ત્યાં શિવલા શિયાળે સરસ દવાખાનું બાંધેલું. ઘણા લોકો દવા લેતા ત્યાં આવ્યા હતા. કાગડો, કબૂતર, બગલો, માછલી ને બીજાં ઘણાં હતાં.
શિવલાના દવાખાનાની વાત જ જુદી હોં. રડતા-રડતા જાય એ હસતા પાછા ઘેર જાય. માંદા આવે તે સાજા થઈને પાછા ફરે.
દેડકા-દેડકીને લાઇનમાં બેસવું પડ્યું. નામ લખાવી કેસ કઢાવવો પડ્યો. દવાખાનું એટલે દવાખાનું! બિલકુલ ગરબડ નહિ.
કેસ કઢાવી બચ્ચાં સાથે લાઇનમાં બેઠાં. થોડી વારે દેડકાનો વારો આવ્યો. બચ્ચાંઓને ડૉક્ટર શિવલા આગળ ઊભાં કર્યાં. શિયાળના ગળામાં સ્ટેથોસ્કોપ લટકે, ગળામાં ટાઈ પહેરેલી ને ગોળગોળ ફરતી ખુરશી પર આરામથી તે બેઠેલો. વાહ ભાઈ વાહ! શો એનો વટ!
શિવલો શિયાળ કહે : ‘દેડકાભાઈ, બોલો બચ્ચાંને શી તકલીફ છે?’
એટલે દેડકો કહે :
બાળક ત્રણ મજાનાં હસે, રમે ને ખાય,
તળાવ કેરા મીઠા જળમાં નિત ઊઠીને ન્હાય,
ધીંગામસ્તી ખૂબ કરે, કૂદકા મારે ક્યાંય,
પણ ના બોલે શબ્દ એક, લાખ કરો ઉપાય.
શિયાળે બચ્ચાંને ટેબલ પર સુવાડયાં તેમની છાતી પર સ્ટેથોસ્કોપ મૂકી ધબકારા માપ્યા. આંખોનાં પોપચાં ઊંચાં કરી હાથબત્તીની લાઇટ ફેંકીને જોયું. મોં પહોળું કરાવી, ચમચો ઘાલી ગળાની તપાસ કરી. પેટ પર હાથ ફેરવી ટકોરા મારી જોયા. ડૉક્ટરની જેમ પૂરી તપાસ કરી. દેડકા ને દેડકી તો શિવલા ડૉક્ટરની હોશિયારી જોઈ જ રહ્યાં.
પછી ફરતી ખુરશી પર બેસી ડૉક્ટર બોલ્યા : ‘દેડકાભાઈ, તમારા બચ્ચાં તદ્દન સારાં છે. કોઈ જ રોગ નથી. એમ ને એમ જ સારું થઈ જશે. ચિંતા ન કરતાં.’
દેડકો ને દેડકી લાવલશ્કર સાથે ફરી પાછાં આવ્યાં ઘેર. તેમને ચિંતા થવા લાગી : અરેરે! આવાં રૂપાળાં બચ્ચાં જો ગાશે નહિ, બોલશે નહિ તો શું થાશે એમનું?
થોડા દિવસો પછી ચોમાસાની ઋતુ શરૂ થઈ. વરસાદ પડ્યો. તળાવની આજુબાજુ ખાડાઓમાં પાણી ભરાયાં. તળાવકિનારે લીલું-લીલું ઘાસ ઊગ્યું. ધરતીની માટી મહેકી ઊઠી. ઠંડીઠંડી હવા વહેવા લાગી.
આ જોઈ ત્રણે બચ્ચાં ગેલમાં આવી ગયાં. તેઓ કૂદકા લગાવી ખાબોચિયામાં જઈ પડ્યાં. ખાબોચિયામાં એક લાકડાનો ટુકડો તરે. કૂદકા મારી ત્રણે ચડી ગયાં તે ટુકડા પર. ટુકડો તો હીંચકાની જેમ આમ જાય ને તેમ જાય. ને પછી તો ત્રણે જણાં ગળાં ફુલાવી ફુલાવીને અવાજ કાઢવા લાગ્યાં : ડ્રાંઉં... ડ્રાઉં.... ડ્રાઉં...!
ડ્રાંઉં ડ્રાંઉંનો અવાજ સાંભળી દેડકો ને દેડકી ઘરની બહાર નીકળ્યાં. અવાજની દિશામાં ગયાં. જોયું તો બચ્ચાં ગેલમાં આવને ગાતાં હતાં : ડ્રાંઉં... ડ્રાંઉં... ડ્રાઉં...!
દેડકો ને દેડકી આ જોઈ રાજીના રેડ થઈ ગયાં.
દેડકી કહે : ‘સાંભળો, બચ્ચાં કેવું સરસ ગાય છે!’
દેડકો કહે : ‘આપણેય ગાઈશું?’ ને બે જણ મંડી પડ્યાં : ‘ડ્રાંઉં ડ્રાંઉં ડ્રાંઉં!’
ને પછી તો થોડી વારમાં ચારે તરફથી ડ્રાંઉં ડ્રાંઉંના અવાજો આવવા લાગ્યા. તળાવકિનારે બાળકો રમતાં હતા. આ સાંભળી તેઓ પણ મોટેથી ગાવા લાગ્યાં :
આવ રે વરસાદ, દેડકાનો સાદ,
મીઠો મીઠો ડ્રાંઉં ડ્રાંઉં ને એકબીજાનો વાદ.
બાલદોસ્તો, તમે પણ ગાઓ! ડ્રાંઉં... ડ્રાંઉં... ડ્રાંઉં!
-(ભાવિ બાળવાર્તાશ્રેણી’માંથી)
સ્રોત
- પુસ્તક : નટવર પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 57)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023