રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમનનભાઈ નવું ટી-શર્ટ પહેરીને સ્કૂલે ગયા.
સ્કૂલ-બસમાં બેઠેલાં સૌ છોકરાઓની નજર મનનભાઈના ટી-શર્ટ પર જ વારેવારે મંડાતી હતી.
રીના કહે : ‘મનન, બટન બહુ સરસ છે હોં!’
વ્યોમા કહે : ‘મનન, તારા ટી-શર્ટ પર એક જ બટન કેમ છે?’
મનનભાઈ હસી પડ્યા. એ કહે : ‘આ ટી-શર્ટ તો એક જ બટનવાળું છે!’
હર્ષ અને શિવાંગે એકબીજા સામે જોયું. બંને હસ્યા. એમણે કીધું : ‘ટી-શર્ટ કરતાં તો બટન બહુ મજાનું ચમક-ચમક થતું લાગે છે હોં!’ મનનભાઈ તો બટનનાં વખાણ સાંભળીને ખુશ થઈ ગયા. એમણે બટને પંપાળ્યું. બટન પણ મલકાયું. કોઈ સાંભળી ન જાય એ રીતે એણે તો ગાવા માંડ્યું :
ફ્રેન્ડ મારો... મનનનનનનન,
હેય, હેય હું... બટનનનનનન્!
ઢોલ વાગે... ધનનનનનનન્!.
ફૂટે જાણે... ગનનનનનન્!
સ્કૂલ આવી ગઈ. છોકરાં બસમાંથી નીચે ઊતરી ગયાં.
મનનભાઈ સીધા પોતાના ક્લાસમાં પહોંચી ગયા.
બટન તો પહેલી જ વાર સ્કૂલે આવ્યું હતું. એને બધું એકદમ નવુંનવું લાગી રહ્યું હતું. થોડી વારમાં ઘંટ વાગ્યો. બટન ગાવા માંડ્યું :
ભૈ, પૈડું થઈને દોડું.
ના, કદી ન થાયે મોડું;
ઘંટ છોને વાગે ટનનનનનનન્!
હેય! હેય હું બટનનનનનન્!
ક્લાસ શરૂ થયો. ટીચર આવ્યા. ટીચરે મનનભાઈનું હોમવર્ક જોવા માગ્યું. મનનભાઈ તો ઢીલાઢફ થઈ ગયા; ના બોલે કે ચાલે, એકદમ ચૂપ. એમનો એક હાથ તો બટન પર ફરી રહ્યો હતો.
બટને ધીમેથી કીધું : ‘મનન, ગભરાવાનું નહિ હો!’
ટીચર ગુસ્સે થઈ ગયા. એ કહે : ‘કેમ બોલતો નથી?’
મનનભાઈનો હાથ બટન પર જ હતો. ટીચરે મોટેથી કીધું : ‘કેવી ખરાબ ટેવ છે! હાથ લઈ લે બટન પરથી, ને બોલ કેમ હોમવર્ક કર્યું નથી!?...’
મનનભાઈનો હાથ તરત ખસી ગયો. એ ગભરાઈ ગયા. બટન ધીમેથી બોલ્યું : ‘મનન, સાચેસાચું કારણ કહી દે, કોઈ તને વઢશે નહિ હોં!...’
મનનભાઈ તરત બોલ્યા : ‘સર, દાદાને ખૂબ તાવ આવ્યો હતો... એમને માથે મીઠાના પાણીનાં પોતાં મૂક્યાં. ડૉક્ટર અંકલને ફોન કરી બોલાવ્યા. એમણે લખેલી દવા લઈ આવ્યો...’
ટીચર ઠંડા પડી ગયા. એ કહે : ‘છોકરા, ખોટું તો નથી બોલતો ને!?...’
મનનભાઈ કહે : ‘સર, હું કદીય જુઠું બોલતો નથી.’
ટીચરે કીધું : ‘મમ્મી-પપ્પા ઘેર નહોતાં?’
મનનભાઈ કહે : ‘ના, સર! એ લોકો મામાને ઘેર ગયાં હતાં. તેમને તો દાદાને તાવ આવ્યો છે એની ખબર જ નહોતી. ડૉક્ટર અંકલના ગયા પછી મેં એમને ફોન પર જણાવ્યું હતું...મામાનું સ્કૂટર કાર સાથે અથડાયું હતું. એમને પગે, માથે બહુ વાગેલું...એટલે મમ્મી-પપ્પા તો...’
મનનભાઈ બોલતાં બોલતાં રોવા જેવા થઈ ગયા. ટીચરે કીધું : ‘સારું, હવે નિયમિત હોમવર્ક કરવાનું. સમજ્યો ને!’
મનનભાઈએ માથું હલાવી : ‘હા!’ કીધું, ને બેસી ગયા. એમણે તો ટીચર જોઈ ન જાય એ રીતે બટનને અડકીય લીધું ને કીધું : ‘થૅન્ક યુ બટન!’
બટન તો કશું જ બોલ્યું નહિ.
રિસેસ-ટાઇમમાં મનનભાઈના મિત્રો કહેવા લાગ્યા :
‘મનન, યાર, તારું બટન તો ચકાચક છે!... વાહ! કહેવું પડે ભૈ!...’
મનનભાઈએ ‘થૅન્ક યુ!’ ક્હી સૌનો આભાર માન્યો.
બટન અકળાઈ ઊઠ્યું. વારે વારે મનનભાઈનો હાથ એના પર ફર્યા કરતો હતો. ઘેર આવ્યા પછી મમ્મી-પપ્પાએ પણ એને આમ કરતો જોઈને ટોક્યો : ‘મનન, આ શું? જ્યારે જુઓ ત્યારે હાથ તારો બટન પર જ હોય!... આ સારી ટેવ ના કહેવાય હોં!...’
બટન ખુશ થઈ ગયું. એ મનમાં બોલ્યું : ‘હા, બરાબર છે. પરસેવાવાળો ગંદો હાથ અડે એ તો મને પણ જરાય પસંદ નથી!’
મનનભાઈએ કીધું : ‘સૉરી, હવે નહીં અડકું...!’
રાતે જમતી વેળા મમ્મીએ કીધું : ‘મનન, આ નવું ટી-શર્ટ હવે મૂકી દેજે!...’
મનનભાઈ કહે : ‘કેમ, મમ્મી?’
મમ્મી કહે : ‘આ ટી-શર્ટ તને બહુ સરસ લાગે છે, કોઈ સારા પ્રસંગે પહેરવામાં કામ લાગે ને!!...’
મનનભાઈએ કીધું : ‘ના, મમ્મી, હું તો ટી-શર્ટ પહેરવાનો, મને એનું બટન બહુ ગમે છે! બટન તો મારું ફ્રેન્ડ બની ગયું છે, બોલ!...’ મમ્મી તો આ સાંભળીને હસવા લાગી. એ કહે : ‘ગાંડા ભૈ, બટન તો વળી કોઈનું ભાઈબંધ હોતું હશે કદી?...’
મનનભાઈ કહે : ‘છે ને, મારું ખાસ ફ્રેન્ડ છે – બટનનનનન્ કેમ ખરું બટન!?...’
બટને તો ‘હા’ કહીને મનનભાઈના સવાલનો તરત જવાબ આપી દીધો.
મનનભાઈની મમ્મી તો બટન સામે નવાઈભરી નજરે જોઈ જ રહી. એ બોલી : ‘અરે! આ તો કેવું કહેવાય! મારું બેટ્ટું, આ બટનિયું તો બોલવા માંડ્યું!!...’
પછી તો પોળમાં ને સ્કૂલમાં બટનનાં વખાણ થવા લાગ્યાં.
ઘરમાં ને ગામમાં જ્યાં જુઓ ત્યાં બટનનાં જ વખાણ થાય.
મનનભાઈ તો પોતાના બટનનાં વખાણ સાંભળે ને રાજી થાય. વારેવારે બટનને અડક્યા કરે, પંપાળ્યા કરે. અરે! રાતે સૂઈ જાય તોય ઊંઘમાં પણ એમનો એક હાથ તો બટન પર જ હોય!
બટન ખૂબ કંટાળી ગયું. એણે મનનભૈને કેટલીય વાર આમ ગંદા હાથે અડકાવાનું નહિ એમ કીધેલું, પણ મનનભૈ માને તો ને!? એણે છેલ્લી ચેતવણી આપી : ‘મનન, તું તો યાર, મને વારેવારે અડક્યા કરે છે! તને કેટલીવાર કીધું છે કે : મને કોઈ ગંદા હાથે અડે તે ગમતું નથી. ને તોય માનતો નથી!’
મનનબાઈ કહે : ‘સૉરી, બટનભૈ, હવે આવી ભૂલ નહિ કરું બસ!...’
બટને કહી દીધું : ‘આમ, સૉરી-બૉરી નહિ ચાલે; આવું તો તેં ઘણીય વાર કીધું. જો હવે ગંદા હાથ અડક્યો તો?!...’
મનનભૈએ પાછી ભૂલ કરી જ, રમતાં-રમતાં, જમતાં-જમતાં, ભણતાં-ભણતાં, ટી.વી. જોતાંજોતાં હાથ તો તરત સીધો બટન પર મુકાઈ જતો. ને બટન ગુસ્સે થઈ જતું. હવે શું થાય? બટનભૈ તો બીજે જ દિવસે સવારે ટી-શર્ટમાંથી નીકળીને બહાર આવ્યા. મનનભૈ તો ઊંઘતા હતા. બટનભૈ તો
સોફા નીચે ઘૂસી ગયા. સોફાના પાયા અને દીવાલ વચ્ચેની જગામાં જઈને સંતાઈ ગયા.
મનનભાઈ જાગ્યા., જોયું તો બટન ન મળે! એમણે બૂમ મારી : ‘મમ્મીઈઈઈઈ!’
મમ્મી દોડી આવી; કીધું : ‘શું થયું મનન?’
મનનભાઈ તો રોવા જેવા થઈ ગયા. કહે : ‘મમ્મી, મારું બટન ક્યાં ગયું?...’
મમ્મી કહે : ‘ઊભો રહે, હું શોધું છું.’
મનનભાઈ પણ મમ્મીની સાથે ઘર આખામાં શોધાશોધ કરવા લાગ્યા. પણ એમ કંઈ બટનભૈ થોડા હાથમાં આવે એવા હતા? એ તો એવા લપાઈને પાયાની પાછળ બેઠા હતા કે નજર પડે જ નહિ ને!?...
મમ્મી કહે : ‘બટન, તો ભૈ, જડશે નહિ; ચાલ, બીજું એવું જ બટન લગાવી આપું!...’
મનનભાઈએ પણ બટન સાંભળે એ રીતે જાણી-જોઈને કીધું : ‘ભલે મમ્મી, તું બીજું બટન ટાંકી આપ!...’
બટનભૈ મનનભૈના શબ્દો સાંભળી ગયા. એ રોવા જેવા થઈ ગયા ને તરત પાયા પાછળથી બહાર નીકળી ગયા. એ કહે : ‘મનનભૈ, હું તો આ રહ્યું!...’
મનનભૈ બટનને જોઈ રાજી થઈ ગયા. એ કહે : ‘બટનબૈ, હું હવે કદીય તમને ગંદા હાથે અડકીશ નહિ, પ્રોમિસ છે મારું!...’
બટન તો તરજ ડાહ્યુંડમરૂં થઈને ટી-શર્ટ પર જતું રહ્યું. ને ગાવા લાગ્યું :
ઢોલ વાગે ધનનનનનનન્!
ફ્રેન્ડ મારો મનનનનનનન્!
હેય! હેય! હું બટનનનનન્!
ફૂટે જાણે ગનનનનનન્!
સ્રોત
- પુસ્તક : રમેશ ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 110)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014