Switu-Bittuni Barbie Doll - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સ્વીટુ-બિટ્ટુની બાર્બી ડૉલ

Switu-Bittuni Barbie Doll

સાંકળચંદ પટેલ સાંકળચંદ પટેલ
સ્વીટુ-બિટ્ટુની બાર્બી ડૉલ
સાંકળચંદ પટેલ

     “સ્વીટુ! લે તારી ડૉલ!” પાપાએ ટૂરમાંથી આવતાંની સાથે જ બૂમ પાડી.

     સ્વીટુ દોડતી આવી. પાપાના હાથમાંથી બાર્બી ડૉલ લેતાં જ તે ખુશખુશ થઈ ગઈ. કેવી સુંદર હતી બાર્બી! તેની આંખો ચકરવકર થતી હતી.

     સ્વીટુ દોડી : “બિટ્ટુ! જો મારી બાર્બી! કેવી જીવંત છે!”

     બિટ્ટુ અને સ્વીટુ બાર્બી સાથે રમવા લાગ્યાં. બાર્બી ડૉલની ચક્રની જેમ ઘૂમતી આંખો જોવાની તેમને મજા આવી રહી હતી. એકાએક સ્વીટુના મનમાં પ્રશ્ન ઊગ્યો : “બિટ્ટુ બાર્બી ડૉલ કોણ બનાવતું હશે?”

     “એને બનાવનાર કારીગર હોય.” બિટ્ટુએ કહ્યું.

     પછી બિટ્ટુના મનમાં પણ એક પ્રશ્ન ઊગી આવ્યો : “સ્વીટુ, નાનાં છોકરાંને કોણ બનાવતું હશે?”

     સ્વીટુ વિચારવામાં પડી ગઈ : “મને તો એની ખબર નથી. તું જ કહે!”

     “મનેય એની તો ખબર નથી!” બિટ્ટુ પાંચમાંમાં ભણતો હતો. ઘણી વાર એના મનમાં આ કુતૂહલ જાગ્યું હતું. પણ કોઈ પાસેથી તેને સંતોષકારક જવાબ મળ્યો નહોતો. સ્વીટુ તેનાથી બે વર્ષ નાની હતી. તેણે કહ્યું : “ચાલ, પાપાને પૂછીએ!”

     “હા, ચાલ!”

     બેઉ પપ્પાની પાસે આવીને પૂછવા લાગ્યાં : “પાપા, આ નાનાં છોકરાં કોણ બનાવતું હશે?”

     પાપા હસવા લાગ્યા. તેઓ સમજદાર હતા. બાળકોમાં જબ્બર કુતૂહલ હોય છે તેની પણ એમને ખબર હતી, દુનિયાની દરેક વસ્તુ તેમને વિસ્મયકારક લાગે છે. આ વિસ્મયનું સમાધાન ન થાય ત્યાં સુધી એમના મનમાં એનું કુતૂહલ રહ્યા કરે છે.

     માતા-પિતા પોતાની અજ્ઞાનતાને લીધે અથવા બાળકોને આ વાત ન કહેવાય, એવું માનીને તેઓ એનો ઉડાઉ જવાબ આપે છે. એનાથી બાળકોને સંતોષ થતો નથી, તોપણ તેઓ ખરું-ખોટું સમાધાન સ્વીકારી લે છે. પરંતુ સ્વીટુ-બિટ્ટુના પાપા એવા અગડંબગડં જવાબ આપવામાં માનતા નહોતા. બાળકોના વિસ્મયનું પૂરેપૂરું સમાધાન થવું જોઈએ.

     તેમણે કહ્યું : “તમારા પ્રશ્નનો જવાબ લાંબો છે. એટલે તે વિગતવાર સમજવો પડશે. અત્યારે તમારી પરીક્ષા નજીકમાં છે. તમે ભણવામાં ધ્યાન આપો. પછી આપણે તેની વાત કરીશું.”

     બાળકો ખેલતાં-કૂદતાં જતાં રહ્યાં. રમતોમાં અને અભ્યાસમાં તેઓ પોતાના પ્રશ્નની વાત પણ ભૂલી ગયાં.

     પરીક્ષા પૂરી થઈ ગઈ. વૅકેશન પડી ગયું.

     એક દિવસ પાપાએ કહ્યું : “સ્વીટુ-બિટ્ટુ! ચાલો બગીચામાં ફરવા જઈએ!”

     બગીચો સુંદર હતો. વૃક્ષો હતાં. પંખીઓ હતાં. જાતજાતના છોડવાઓ હતા. છોડવાઓ પર રંગબેરંગી ફૂલો હતાં. ફૂલો પર ભમરાઓ અને પતંગિયાં ઊડાઊડ કરતાં હતાં.

     થોડીક વાર બધાં બાગમાં ફર્યાં. સ્વીટુ-બિટ્ટુને બધું જોવાની મજા પડી રહી હતી. કુવારો, ઊડતાં પક્ષીઓ, એક ઉપરથી બીજા ફૂલ પર બેસતાં પતંગિયાં, દિમાગને તરબતર કરતી પુષ્પોની મહેક. કેવું આહ્લાદક હતું આ બધું! નાચતાં-કૂદતાં સ્વીટુ-બિટ્ટુ કહે : “મજા આવે છે, પાપા!”

     “ચાલો, તમારે રસ પીવો છે ને? પાપાએ પૂછ્યું.

     બહાર કોલું હતું. બધાંએ એક-એક ગ્લાસ શેરડીનો રસ પીધો. પછી પાછાં બગીચામાં આવી ગયાં. પાપા ચાલતા-ચાલતા એક છોડવા પાસે ઊભા રહી ગયા બોલ્યા : “બિટ્ટુ, સ્વીટુ, આ શાનો છોડ છે?”

     “જાસૂદનો!” તરત જ તેમણે ઓળખીને કહ્યું.

     “એના પર તમને ફૂલ દેખાય છે?”

     “હા, આ રહ્યાં, લાલ રંગનાં, એક... બે… ત્રણ... ચાર...” બંને ગણવા લાગ્યાં.

     “હવે તોડ્યા વગર તમે એકએક ફૂલ પકડીને એનું નિરીક્ષણ કરો.” પાપાએ કહ્યું.

     સ્વીટુ અને બિટ્ટુ ફૂલ પકડીને ધ્યાનથી જોવાં લાગ્યાં., ત્યાં એકાએક બિટ્ટુએ કહ્યું : “મારા ફૂલમાં અંદરથી રેસા જેવી કેટલીક દાંડીઓ ઊગેલી છે. અને તેમના માથા પર ટપકા જેવા આકાર છે.”

     સ્વીટુએ કહ્યું : “મારા ફૂલમાં પણ દાંડીઓ છે. વચ્ચેની દાંડીઓ થોડી જાડી છે. એના માથા પર પાંખિયા જેવું ટપકું છે. અને નીચે ચંબુ જેવો આકાર છે.”

     પાપાએ ખુશ થઈને કહ્યું : “તમે બંનેએ ફૂલનું નિરીક્ષણ સરસ રીતે કર્યું છે. એ માટે તમને ધન્યવાદ આપું છું”

     પછી બિટ્ટુ તરફ ઇશારો કરીને પાપાએ પૂછ્યું : “કહે તો, તું છોકરો કે છોકરી છે?

     “હું છોકરો છું!” શરમાતાં શરમાતાં બિટ્ટુએ કહ્યું.

     એ જ રીતે પાપાએ સ્વીટુને પૂછ્યું : “કહે, તું છોકરો છે કે છોકરી છે?”

     સ્વીટુએ આંખો ઢાળીને કહ્યું : “હું છોકરી છું!”

     પાપાએ કહ્યું : “ફૂલમાં પણ છોકરા-છોકરી જેવા બે ભાગ છે. દાંડીના ઉપર ટપકા જેવો ગોળાકાર ભાગ છે, તે છોકરો છે. તે પુંકેસર તરીકે ઓળખાય છે. અને દાંડી ઉપર પાંખિયા જેવો લંબગોળ ભાગ છે તે છોકરી છે. તે સ્ત્રીકેસર તરીકે ઓળખાય છે.”

     બાળકો ઉત્સુક્તાથી સાભળી રહ્યાં હતાં. વદન પર અચરજ તો અપરંપાર હતું. સ્વીટુએ પૂછ્યું : “પાપા, સ્ત્રીકેસરની નીચીના ભાગે ચંબુ જેનો આકાર છે, તેને શું કહેવાય?”

     પાપાએ કહ્યું : “એ ચંબુ જેવા આકારને બીજાશય કહેવાય છે. તેના પોલાણમાં ઈંડા જેવી ઝીણીઝીણી રચનાઓ હોય છે. તેને બીજાંડ કહેવાય છે. આ બીજાંડમાંથી બીજ બને છે. અને બીજાશયમાંથી ફળ બને છે. એક ફળમાં અનેક બીજ હોય છે. બીજમાંથી નવો છોડ ઊગે છે. આ રીતે એનું ચક્ર ચાલ્યા કરે છે.”

     બિટ્ટુના મનમાં પણ અનેક સવાલ ઊઠતા હતા. એક સવાલ એણે પૂછી જ લીધો : “પાપા, પુંકેસર અને સ્ત્રીકેસર તો ફૂલની શોભા માટે જ હશે ને?”

     બાળકો બુદ્ધિમ્ય અને તર્કસંગત પ્રશ્નો પૂછતાં હતાં, તેથી પાપાને આનંદ થતો હતો. તેમણે કહ્યું : “બિટ્ટુ, એક રીતે તારી વાત સાચી છે, પરંતુ બીજી વાત પણ સમજવા જેવી છે. પ્રકૃતિનાં સર્જનોમાં કોઈ નકામું નથી હોતું. દરેક અંગનો વિશેષ ઉપયોગ હોય છે. તમે બંને જણ પુંકેસરના ટોપકા પર હળવેથી આંગળી ફેરવો, પછી તમને શો અનુભવ થાય છે તે મને કહો.”

     આંગળી ફેરવીને બંનેએ કહ્યું : “પાપા, પુંકેસર પર તો ઝીણીઝીણી રજ છે!”

     “વાહ! માય ચિલ્ડ્રન! તમારી વાત સાચી છે. એ રજને પરાગરજ કહેવાય છે. આ પરાગરજ બીજાશયમાં જઈને બીજાંડ સાથે ભળી જાય છે. પછી એનાં બીજ બને છે. અને બીજાશયનું ફળ બને છે...” પાપા કહી રહ્યાં હતા.

     વચ્ચે બિટ્ટુએ પૂછ્યું : “પાપા, પરાગરજ વગર બીજ ના બને?”

     “ના, ન બને.”

     સ્વીટુએ પોતાના મનમાં જાગેલો પ્રશ્ન પૂછ્યો : “પાપા, પુંકેસર અને બીજાશય તો દૂરદૂર છે, તો પછી પરાગરજ એમાં શી રીતે ભળી શકે?”

     “શાબાશ, સ્વીટુ! તારો પ્રશ્ન સરસ છે.” પાપાએ કહ્યું.

     બિટ્ટુ પણ આતુરતાથી સાંભળી રહ્યો હતો.

     પાપાએ વાત આગળ વધારી : “રંગબેરંગી ફૂલોથી આકર્ષાઈને પતંગિયાં, ભમરા, ભમરી વગેરે તેમની પાસે આવે છે. અને તેમાંથી રસ ચૂસે છે. આ રીતે તેઓ અનેક ફૂલો પર બેસે છે. એ સમયે તેમના પગોમાં પરાગરજ ચોંટી જાય છે. તેઓ સ્ત્રીકેસર પર બેસે છે ત્યારે થોડીક પરાગરજ સ્ત્રીકેસર પર ચોંટી જાય છે. એ પરાગરજ સ્રીકેસરની પોલી નળી દ્વારા બીજાશયમાં જાય છે. અને બીજાંડ સાથે ભળે છે. આ ક્રિયાને ‘પરાગનયન’ કહેવાય છે. પરાગરજ અને બીજાંડ એકબીજામાં ભળી જતાં તેનું ફલીનીકરણ થાય છે. પછી તેમાંથી બીજ તથા ફળ બને છે.......! જાસૂદમાંથી જાસૂદનું ફળ!”

     “પાપા, કેવી અદ્ભુત છે, કુદરતની રચના!” ઊંડો શ્વાસ ભરીને બેઉએ સાથે કહ્યું.

     “હા, અદ્ભુત તો કહેવાય જ! પણ એક વાત તમને કહી દઉં. તમે જો આ ફૂલ, પુંકેસર, સ્ત્રીકેસર, પરાગરજ, પરાગનયન, બીજાંડ, બીજાશય, બીજ અને ફળની વાત બરાબર સમજી લેશો, તો પછી તમારી અદ્ભુતતાનો અને તમારા વિસ્મયનો અંત આવી જશે.....”

     “એક વાત કહું, પાપા?” બિટ્ટુને કાંઈક યાદ આવતાં પૂછ્યું.

     “હા, કહે.”

     “રજાઓમાં હું મામાને ગામ ગયો હતો. મામા મને ખેતરમાં લઈ ગયા. ખેતરમાં હાઈબ્રીડ કપાસના બીજનો પ્લોટ બનાવ્યો હતો. તેમાં મજૂરો એક ફૂલ લઈને બીજા ફૂલ સાથે તેનું મિલન કરાવતા હતા. અને પછી છોડના ફૂલ પર કોથળી બાંધી દેતા હતા.” બિટ્ટુએ પોતાની જોયેલી ઘટની કહી સંભળાવી.

     પાપાએ સમજાવ્યું : “કુદરતમાં પતંગિયાં પરાગનયનની જે ક્રિયા કરે છે, તે મનુષ્ય દ્વારા પણ કરી શકાય, અને ઉત્તમ બીજ મેળવી શકાય.”

     ઘણો સમય થઈ ગયો હતો. સ્વીટુએ કહ્યું : “ચાલો, જઈએ!”

     “હા, ચાલો.” ચાલતાં-ચાલતાં પપ્પાએ કહ્યું : “સ્વીટુ-બિટ્ટુ, તમે ફૂલના પ્રજનની વાત બરાબર સમજી લીધી હશે તો પછી તમને પશુ, પંખી, મનુષ્ય, કીટ-પતંગ વગેરેના નવસર્જનની પ્રક્રિયા આસાનીથી સમજાઈ જશે.”

     ઘર આવી ગયું હતું. બાર્બી ડૉલની આંખો ચકળવકળ થઈ રહી હતી. સ્વીટુએ બાર્બીને નાના બાળકની જેમ તેડી લીધી હતી. બિટ્ટુ એ બેઉને નિહાળી રહ્યો હતો. અને નાના બાળકના રહસ્યને ઉકેલી રહ્યો હતો.

સ્રોત

  • પુસ્તક : સાંકળચંદ પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014