રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદાહોદમાં મામલતદારની કચેરીનો દરવાજો જોવા જેવો છે. તે જૂનો બાદશાહી વખતનો છે. તેના દરવાજાની ટોચે ચકલાંના માળા જોશો. તેમાં ઘણાં ચકલાં રહે છે. દિલ્હીના બાદશાહની સવારી એક વખત ફરતી ફરતી ત્યાં આવી, ત્યારે બાદશાહનો તંબૂ તે દરવાજાની પાસે ચોગાનમાં નાખવામાં આવ્યો. બાદશાહનો મુકામ ત્યાં આગળ હતો, એટલે ઘણાં માણસો ત્યાં આવે ને જાય. બાદશાહના સિપાઈઓ ત્યાં નાગી ચળકતી તલવાર ખભે રાખીને પહેરો ભરે. ઘોડેસવારો માથે ચકચકતા લોઢાના ટોપ પહેરીને ઘોડે બેઠા હોય અને તેમના હાથમાં લાંબા ને ચકચકતા અણીવાળા ભાલા હોય. માળવા અને હિંદુસ્તાન તરફના વેપારીઓ ત્યાં જાતજાતનો માલ લઈને આવે. તેમની કસબી શાલો, કસબી પાઘડીઓ વગેરેથી તેમનો દેખાવ ઘણો સુંદર લાગતો. આજુબાજુના લોકો પોતાનાં દુઃખની ફરિયાદ કરવા ત્યાં આવતા.
આ બધું દરવાજાની ઉપરનાં ચકલાં જોતાં. તેઓ ‘ચક’ ‘ચક’ ‘ચક’ ‘ચીં’ ‘ચીં’ ‘ચીં’ કરે અને પોતાની ભાષામાં આ બધાંની વાત કરે. ચકલા-ચકલીઓ એકઠાં મળે ત્યારે સાધારણ રીતે ખૂબ અવાજ તો કરે; પણ આ તો ઘણાં માણસો ત્યાં આવે અને જાય એટલે તેમને જોવાનું ઘણું મળે, તેથી વાત કરવાનુંયે ઘણું મળે અને અવાજ પણ ઘણો કરે.
આમાં વળી એક ચકલી ઘણી વાતોડિયણ હતી. તે બોલ બોલ કર્યા જ કરે. તેની વાતથી બીજાં બધાં ચકલાં કંટાળે, પણ શું કરે? કોઈ પોતાની કંઈ વાત કાઢે કે પેલી ચકલી વચ્ચેથી વાત ઊંચકી લે અને પોતાની વાત શરૂ કરે. તેનું ટક ટક સાંભળીને બધાંયે ચકલાં કંટાળેલાં.
એક દિવસે તે ચકલી બહાર ગઈ. બાદશાહના તંબૂની બહાર થોડે દૂર તેણે કંઈક ચળકતું દીઠું. તે હતો તો કાચની બંગડીનો કકડો, પણ તેના ઉપર તડકો પડતો હતો તેથી તે ચળક ચળક થતો હતો. પેલી ચકલીએ માની લીધું કે તે કંઈક ઑર ચીજ છે. તે ખુશ થઈ. તેણે તે કકડો પોતાની ચાંચમાં ઊંચકી લીધો અને તે પોતાના માળામાં ગઈ. તેણે તો કાચનો કકડો માળાની વચ્ચોવચ મૂક્યો. પછી તે આમ કૂદીને બેસે ને તેમ કૂદીને બેસે. તે ચીં ચીં ચીં કર્યા જ કરે. તે ચકલાની ભાષામાં કહે : ‘મને ચળક ચળક જડ્યું. તે સરસ છે, સરસ છે. તેની કિંમત જુઓ, તેની કિંમત જુઓ.’ તેની બહેનપણીઓ અને તેમના ઘરમાંથી બધાં ત્યાં આવી પહોંચ્યાં. તેઓ બધાં આ કાચ જોવાને માટે પડાપડી કરે અને ચીં-ચીં-ચીં, ચક-ચક-ચક, ચીં-ચીં- ચીં, ચક-ચક-ચક કરે. તેમાંયે સૌથી મોટે અવાજે આ બહુબોલી ચકલી બોલે. આ બધાથી કાન ફાટે એવો અવાજ થઈ રહ્યો.
આ વખતે બાદશાહ જમીપરવીરીને સૂવા આવ્યા. ઉનાળાનો દહાડો અને બપોર ચઢેલા, એટલે સખત તાપ હોવાથી બાદશાહ આરામ લેવા પલંગ પર પડ્યા. તેમના શરીર ઉપર પવન ઢોળતો હતો, તેમની આંખમાં ઊંઘ આવતી હતી, પણ ચકલાંના અવાજે તેમની ઊંઘમાં ખલેલ પાડી. પેલાં ચકલા-ચકલીઓ ચીં-ચીં-ચીં, ચક-ચક-ચક કરે અને તેમાં વળી પેલી બહુબોલી ચકલી વધારે મોટેથી ચીં-ચીં-ચીં કરે. બાદશાહના મનમાં કે થોડી વારમાં તે ચકલાં શાંત થશે, પણ ચકલાંની પણ જબરી ચાલી. અનેક ચકલીઓ અને ચકલાઓ પૂછે, એટલે પેલી વાતોડિયણ ચકલી જવાબ આપ્યા જ કરે અને પોતાના કાચનાં વખાણ કર્યાં જ કરે. નવાં નવાં ચકલાં આવતાં જાય અને તેમનો અવાજ મોટો ને મોટો થતો જાય. આખરે બાદશાહ થાક્યો. તે ઘણો ગુસ્સે થયો. તેણે પોતાના ખાસ માણસને વજીર સાહેબની પાસે મોકલ્યો અને કહાવી મોકલ્યું, કે આ બધું ધાંધલ અને ઘોંઘાટ શેનો છે તેની તપાસ કરો.
વજીર સાહેબ તે આવાં કામ જાતે કરે? તેમણે નાયબ વજીરને કહાવી મોકલ્યું કે એની એકદમ તપાસ કરો અને અવાજ ઓછો કરવાનો બંદોબસ્ત કરો. નાયબ વજીરે કામદારને કહાવી મોકલ્યું કે ચકલાંનો અવાજ ઓછો કરો. કામદાર સાહેબ કંઈ જાતે ઓછા જવાના હતા? તેમણે રસોડાના ઉપરી બક્ષીને હુકમ મોકલ્યો કે ચકલાંની ચકચકથી બાદશાહ જનાબની ઊંઘમાં ખલેલ બહુ પડે છે, તેથી તે અવાજ ઓછો કરવાનો બંદોબસ્ત તેમણે કરવો. બક્ષીએ ચટ લઈને બબરચીને કહાવ્યું અને બબરચીએ પોતાના હાથ તળેના વાસણ સાફ કરનાર છોકરાને કહ્યું. તે છોકરો બહાર ગયો ને તપાસ કરવા લાગ્યો. તેણે ચકલાંને દરવાજાની ઉપરના ભાગમાં જોયાં. ત્યાં તેમની ઊડાઊડ, ગડમથલ અને ગરબડ જોઈ. તે ધીમે રહીને દરવાજા પર ચઢ્યો. પેલી ચકલી પણ તેના ઉપરના જ માળામાં રહે. છોકરાને આવતો દેખીને બીજાં ચકલાં ત્યાંથી ઊડી ગયાં. પેલી બડબડતી ચકલી જરાક દૂર રહીને બડબડ કરે. પેલે છોકરે તેનો માળો તપાસ્યો તો બંગડીનો કકડો જડ્યો. તે લઈને તેણે મોંમાં મૂક્યો. પછી બંને હાથ અને પગ ટેકવીને સાચવીને નીચે ઊતર્યો. તેમે પેલો કાચનો કકડો બબરચીને આપ્યો, બબરચીએ તે કકડો રસોડાના ઉપરી બક્ષીને આપ્યો, બક્ષીએ તો કકડો કામદાર સાહેબને મોકલ્યો, કામદાર સાહેબે તે કકડો નાયબ વજીર સાહેબને મોકલ્યો, નાયબ વજીર સાહેબે તે કકડો વજીર સાહેબને મોકલ્યો અને વજીર સાહેબ સોનાની થાળીમાં એક સુંદર જરિયાનનો કકડો પાથરી તેના ઉપર પેલા કાચની બંગડીના કકડાને મૂકી ખુદ બાદશાહની હજૂરમાં લઈ ગયા.
ચકલાં ઊડી ગયાં એટલે જરાક અવાજ ઓછો થયો અને બાદશાહની આંખ ઘેરાવા આવી. એટલામાં વજીર સાહેબ તે કાચની બંગડીના કકડા સાથે બાદશાહ પાસે આવી પહોંચ્યા. બાદશાહે હુકમ કર્યો કે તેને ફેંકી દો. એમ કહી તેમણે પાસું ફેરવ્યું અને માન્યું કે હવે જરાક શાંતિ વળશે ને ઊંઘાશે.
પણ એમ કંઈ ઊંઘાય? પણે તો પાછો અવાજ વધ્યો. પેલી બડબડતી ચકલીએ બોલવા માંડ્યું : ‘મારો ખજાનો બાદશાહે લીધો, બાદશાહે લીધો : પાછો આપશે – પાછો આપશે.’ બીજાં ચકલાં પણ તેની સાથે બોલવા લાગ્યાં. કેટલાંક ચકલાં હસતાં હસતાં કહે : ‘પાછો આપશે? લેજે તો ખરી, ડૈયાં!’ કેટલીક ગુસ્સે થઈને કહે : ‘કેમ ન આપે?’ પેલી બડબતી ચકલી મોટેથી કહે : ‘આપશે-આપશે, આપશે-આપશે.’ બધાં ચકલાં એકીવખતે બોલે. તેમનો અવાજ પણ એટલો બધો થયો કે બાદશાહની ઊંઘ ઊડી ગઈ. તેણે ગુસ્સે થઈને વજીરને કહાવ્યું કે જાઓ, એ હરામખોર ચકલીને પકડી લાવો. વજીરે નાયબ વજીરને કહાવ્યું કે એ હરામખોર ચકલીએ બાદશાહ જનાબની ઊંઘ બગાડી છે માટે તેને પકડી લાવો. નાયબ વજીરે કામદારને કહાવ્યું, કામદારે બક્ષીને કહાવ્યું, બક્ષીએ બબરચીને કહાવ્યું અને બબરચીએ છોકરાને કહ્યું : ‘જા, તે હરામખોર ચકલીને પકડી લાવ.’
પેલો છોકરો તો પાછો ચઢ્યો દરવાજા ઉપર. તે પહોંચ્યો પેલી બડબડતી ચકલીના માળા પાસે. તે તો બોલ્યા જ કરી હતી : ‘બાદશાહે લીધો, બાદશાહે લીધો, પાછો આપશે, પાછો આપશે.’ બીજી ચકલીઓ કહેતી : ‘લે તો ખરી, ડૈયાં!’ વળી બીજી કહે : ‘કેમ ન આપે, કેમ ન આપે?’ આ બધી ચકલીઓ ઊડી ગઈ, પણ પેલી બડબડતી ચકલી તો પોતાના માળામાં બોલતી બેસી રહી. છોકરાએ તેની પાસે જઈ મોટેથી કહ્યું : ‘ચાલ ચકલી, ચાલ! બાદશાહ જનાબ તને બોલાવે છે.’ તેમ કરીને તેને તેણે એક હાથમાં જોરથી પકડી લીધી.
તે ચકલી બાદશાહનું નામ સાંભળીને અડધી બેભાન થઈ ગઈ. તેના મનમાં થયું કે મને બાદશાહે તેડી છે, તો જરૂર તે પોતાનો ખજાનો તેને પાછો આપશે. તે તો ગર્વથી બોલી : ‘જોયું બહેનો, બાદશાહે મને બોલાવી, બાદશાહે મને બોલાવી, મારો ખજાનો મને પાછો મળશે, મારો ખજાનો મને પાછો મળશે.’ બીજી ચકલીઓ કહે : ‘આવજો-આવજો-આવજો.’ પેલા છોકરાએ બબરચીને તે ચકલી આપી. બબરચી તે ચકલી બક્ષીને આપી આવ્યો. બક્ષીએ તેને કામદારને આપી. કામદારે તેને નાયબ વજીરને આપી. નાયબ વજીરે તેને વજીરને આપી. આટલા હાથ ફરવાથી તે ચકલી તો થાકીને અધમૂઈ થઈ ગઈ. વજીર તેને સોનાની થાળીમાં મૂકીને બાદશાહ પાસે લઈ જતો હતો, ત્યારે તો છેક બેભાન થઈ ગઈ હતી. બાદશાહ પાસે થાળી મૂકી તેણે કહ્યું : ‘જનાબે આલી, આ ચકલી તો મરી ગઈ લાગે છે.’ બાદશાહે કહ્યું : ‘ઠીક થયું. બલા ગઈ. હવે કદાચ મને ઊંઘ આવશે. તેને હવે દાટી દો.’
વજીરે નાયબ દીવાનને કહાવ્યું કે ચકલીને દટાવી દો. નાયબ દીવાને કામદારને કહાવ્યું કે ચકલીને દટાવી દો. કામદારે બક્ષીને કહાવ્યું કે ચકલીને દટાવી દો. બક્ષીએ બબરચીને કહાવ્યું કે ચકલીને દાટી દે. છેવટે બબરચીનએ તે ચકલી છોકરાને આપી કહ્યું કે જા, આ ચકલીને દાટી દે. પેલો છોકરો તેને દરવાજા બહાર ખુલ્લી જગામાં લઈ ગયો. ત્યાં એક નાનો ખાડો હતો. તેમાં તેણે ચકલીને મૂકી અને ઉપર થોડી ધૂળ વાળી દીધી. હવે બાદશાહને ઊંઘ આવી ગઈ.
પેલા છોકરાની પાછળ પાછળ એક ડાઘિયો કૂતરો ગયેલો. તેણે ચકલીને દટાતી જોઈ. તેના મનમાં થયું કે ચાલો કંઈક ખાવાનું મળશે. તેણે પગ વડે ધૂળ દૂર કરી અને ચકલીને બહાર કાઢી. તે ચકલીને હવે કળ વળી હતી. તેણે પોતાની આંખ પણ ઉઘાડી. તેણે જોયું કે તે જમીન પર પડી હતી અને તેની પાસે મોટો ડાઘિયો બેઠો હતો. તે સમજી ગઈ કે હવે તેનું મોત છે. તે બીધી તો ખરી, પણ તેણે હિંમત રાખી. તેણે કળથી કામ કાઢવાનો વિચાર કર્યો. તેણે કૂતરાને કહ્યું : ‘કૂતરાભાઈ, કૂતરાભાઈ, તમે મને ખાઈ જશો?’ ડાઘિયો કહે : ‘બેશક, હું તને ખાઈ જઈશ જ.’ ચકલી કહે : ‘એ વાત તો ખરી, પણ આ મારાં પીંછાંમાં ધૂળ ભરાઈ છે અને તમે મને આમ ને આમ ખાશો તો તમારા મોંમાં ધૂળ નહિ આવે? તમે મને પહેલાં નવડાવીને ચોખ્ખી ના કરો?’ ડાઘિયો કહે : ‘એ પણ ઠીક છે.’
ચકલીની પાંખોને મોંથી પકડી તે તેને પાણીની કૂંડી પાસે લઈ ગયો. તેણે તેમાં ચકલીને આમતેમ ઝબોળી અને બહાર કાઢી. ચકલીના શરીર પરથી ધૂળ તો ગઈ. હવે ચકલી કહે : ‘ડાઘિયાભાઈ, ડાઘિયાભાઈ, મને આમ ને આમ ભીની ખાશો? તેમાં તમને શો સ્વાદ આવશે? મને કોરી પાડીને ખાઓ તો?’
ડાઘિયાને એ વાત ગમી. તેણે ચકલીને કોરી જમીન પર મૂકી અને પોતાના પગની નીચે તેની પાંખ સહેજ દાબીને બેઠો. ચકલીનું શરીર થોડી વારમાં સુકાઈ ગયું. તે કહે : ‘ડાઘિયાભાઈ, હું સુકાઈ હોઉં એમ લાગે છે તો ખરું, પણ જરાક પાંખો પહોળી કરી ફફડાવીને હું જોઈ જાઉં કે બરાબર સુકાઈ છું કે નહિ. મારે વળી તમારો સ્વાદ શા સારુ બગાડવો પડે?’ ડાઘિયો કહે : ‘એ વાત પણ બરાબર છે.’ એમ કહી તેણે પોતાનો પંજો ખસેડ્યો એટલે ચકલીએ પોતાની પાંખો ફફડાવવા માંડી. તેમે બેસીને ફફડાવી, આમતેમ ફરીથી ફફડાવી અને ફડાક કરતી ઊડી ગઈ. તે દરવાજા પરના પોતાના માળામાં પેસી ગઈ. ડાઘિયો તો બાઘા જેવો જોઈ જ રહ્યો.
તે ચકલી બડબડ કરવાની ટેવ જ ભૂલી ગઈ. એ કંઈ બહુ બોલવા જાય તો તેની બહેનપણીઓ કહે : ‘આ ક્યાંથી શીખી આવ્યાં? રાજાજીએ આ વાત કહેલી કે ડાઘિયાએ આ વાત કાનમાં કહેલી?’ આમ તે બધી પૂછે કે તે ચૂપચાપ થઈ જાય.
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020