રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક મોટા શહેરની આ વાત છે. એ શહેર રેલવેનું મોટું જંક્શન સ્ટેશન હતું. તેથી એ લાઈન પર ઘણી ગાડીઓની આવ-જા થતી હતી.
મોટરગાડી, ખટારા તથા બીજાં વાહનોની અવર-જવર માટે રેલવેલાઈનની નીચે એક ગરનાળું બનાવ્યું હતું. એ ગરનાળામાંથી વાહનો સહેલાઈથી પસાર થઈ શકતાં હતાં.
એક વખતની વાત છે. રૂ ભરેલો એક ખટારો બરાબર ગરનાળાની વચ્ચે આવીને ફસાઈ ગયો. ખટારામાં રૂ વધારે ભર્યું હતું. એટલે એની ઊંચાઈ માપ કરતાં વધી ગઈ હતી. ડ્રાઇવરને એની ખબર ન રહી ને ખટારો ઉપરની છત સાથે અડકી ગયો. પછી ડ્રાઇવર ખટારો બહાર કાઢવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ ખટારો બહાર નીકળી ન શક્યો. ખટારો ઉપર-નીચે ફસાઈ ગયો હતો.
બીજાં વાહનોની અવર-જવર અટકી ગઈ. ધીરેધીરે વાહનોની ઠઠ જામવા લાગી. હવે કાંઈક ઉપાય તો કરવો જ પડે. તરત જ ઇજનેરોને બોલાવવામાં આવ્યા. ખટારાના માલિકે કહ્યું : “ખટારાને જલદીમાં જલદી બહાર કાઢવાનો સહેલો ઉપાય બતાવો.”
એક ઇજનેરે કહ્યું : “મજૂરોને બોલાવીને ખટારાનાં પૈડાં આગળની સડક ખોદાવી નાખો. બે કલાકમાં કામ પતી જશે. મજૂરોનું અને સડક સમી કરવાનું કુલ ખર્ય એક હજાર રૂપિયા થશે.”
બીજા ઇજનેરે કહ્યું : “સડક ખોદાવવાની જરૂર નથી. બીજો સહેલો ઉપાય હું બતાવું છું. ખટારાના બંધ કાપી નખાવીને એક પડખાનો ભાગ ખોલાવી નાખો. પછી ખટારામાંથી રૂ ખાલી કરી નખાવો. એક કલાકમાં કામ પતી જશે. રૂ ખાલી કરાવવાનું અને ફરીથી ખટારામાં ભરાવવાનું ખર્ચ રૂપિયા પાંચસો થશે.”
ખટારાનો માલિક મજૂરોને બોલાવીને ખટારો ખાલી કરાવવાનો વિચાર કરતો હતો. ત્યાં એક ગામડિયો છોકરો ઊભોઊભો આ બધું જોઈ-સાંભળી રહ્યો હતો. તેણે કહ્યું : “મને સો રૂપિયા આપો તો હું તમારો ખટારો દસ મિનિટમાં બહાર કઢાવી આપું!”
બધાંની નજર એ છોકરા પર પડી. પહેલાં તો કોઈને એ ગામડિયા છોકરા પર વિશ્વાસ ન આવ્યો. બધા એની વાત સાંભળીએ હસવા લાગ્યા.
છોકરાએ ફરીથી કહ્યું : “બોલો, સો રૂપિયામાં ખટારો બહાર કાઢવો છે?”
ખટારાના માલિકે કુતૂહલથી પૂછ્યું : “ખટારો બહાર કાઢતાં કેટલી વાર લાગશે?”
છોકરાએ કહ્યું : “પહેલાં હું દસ મિનિટ કહેતો હતો, પરંતુ હવે પાંચ જ મિનિટ લાગશે!”
ખટારાના માલિકે કહ્યું : “છોકરા, તારો ઉપાય બતાવ, હું તને સો રૂપિયા આપીશ.”
છોકરાએ કહ્યું : “ખટારાનાં બધાં પૈડાંમાથી અડધી અડધી હવા કાઢી નંખાવો!”
ડ્રાઇવરે દરેક પૈડાંમાંથી થોડી થોડી હવા કાઢી નાખી, એટલે પૈડાં દબાયાં. ખટારાની ઊંચાઈ ઓછી થઈ. ઉપર થોડી જગ્યા થઈ.
પછી છોકરાએ કહ્યું : “હવે ખટારો ધીરેથી ચલાવો!”
ડ્રાઇવરે ખટારો ચાલુ કરીને આગળ લીધો. સહેલાઈથી ખટારો બહાર નીકળી ગયો!
ખટારાના માલિકે ખુશ થઈને છોકરાને બસો રૂપિયા આપ્યા.
છોકરાની બુદ્ધિ પર આફરીન થઈન પેલા બે ઇજનેરોએ પણ છોકરાને સો-સો રૂપિયા ઇનામમાં આપ્યા.
સ્રોત
- પુસ્તક : સાંકળચંદ પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 102)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014