Biravani Bordi - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બીરવાની બોરડી

Biravani Bordi

નટવર પટેલ નટવર પટેલ
બીરવાની બોરડી
નટવર પટેલ

    એક દિવસ બીરવાના માસી આવ્યાં. માસી બોર લાવ્યાં. બીરવાને બોર બહુ ભાવે. બીરવાએ ધરાઈને બોર ખાધાં. ઠળિયા ઘરની પાછળ આવેલા વાડામાં નાખ્યા.

    બીજે દિવસે સવારે બીરવા ઘરપછવાડે ગઈ તો નવાઈ પામી. વાડામાં એક બોરડી ઊગી હતી. એક જ રાતમાં તે એક હાથનો છોડ થઈ ગઈ. તે જોઈ બીરવા રાજી-રાજી થઈ ગઈ.

    બોરડી તો રાતે ન વધે એટલી દિવસે વધે ને દિવસે ન વધે તેટલી રાતે વધે. ચાર-પાંચ દિવસમાં બોરડી ઝાડ જેવડી થઈ ગઈ. તેના ઉપર પાકાં-પાકાં સરસ મજાનાં બોર પણ આવ્યાં. તે જોઈ બીરવાના મોંમાં પાણી આવ્યું.

    તે દોડતી-દોડતી બોરડી પાસે ગઈ. બોરડી સામે જોઈ કહે, ‘બોરડીબહેન, ઓ બોરડીબહેન, બોરાં લઉં બે-ચાર?’

    બોરડી ઝૂમીને કહે, ‘બીરવાબહેન, લોને દસ-બાર!’

    બીરવા તો હરખાઈ. બોર લેવા હાથ લંબાવ્યા. બોર તોડવા જતાં બોરડીનો કાંટો વાગ્યો. બીરવા તો ચીસ પાડી ઊઠી : ઓય મા! બોરડીને કાંટા હોય એ વાત તો આજે જાણી. બીરવાએ આ પહેલાં કદી બોરડી જોઈ ન હતી. બોર વેચાતાં લઈને જ ખાધાં હતાં.

    ચીસ સાંભળી બોરડી કહે, ‘શું થયું, બહેની?’ બીરવા રડતાં-રડતાં કહે, ‘શું થયું ને... જુઓને તમારો કાંટો વાગ્યો. મને લોહી નીકળ્યું. જાવ, તમારું બોર નથી ખાવું!’

    ને બીરવા રિસાઈને ચાલી ગઈ. આ જોઈ બોરડીને બહુ દુઃખ થયું કે ભગવાને મને કાંટા કેમ આપ્યા હશે? મને કાંટા ન હોય તો કેવું? બીરવા જેવડાં નાનાં છોકરાં જાતે બોર ખાઈ તો શકે ને!

    રાત પડી, પૂનમનો ચંદ્રમા ઊંચે ચડ્યો હતો. રાતરાણી રૂમઝૂમ કરતી કરવા નીકળી. તે સહુને માથે હાથ ફેરવતી જાય ને ખુશખબર પૂછતી જાય. વાડામાં ઊગલા લીમડા પર હાથ ફેરવીને કહે,

‘મારા વહાલા લીમડાભાઈ!
હોય દુઃખ તો કહો રે ભાઈ!’

    લીમડો કહે, ‘રાતરાણીદેવી, મારે ઝટ મોટા થવું છે. મને મોટો કરી દો ને?’

    રાતરાણીએ લીમડા પર હાથ ફેરવ્યો. લીમડો બે હાથ મોટો થઈ ગયો. લીમડાભૈ તો થયા રાજી.

    રાતરાણી આગળ ગયાં. એક કૂતરું ગમાણ પાસે ટૂંટિયું વાળીને પડ્યું હતું. રાતરાણીએ પૂછ્યું :

‘મારા વહાલા કૂતરાભાઈ!
હોય દુઃખ તો કહો રે ભાઈ?’

    કૂતરાએ મોં ઊંચું કર્યું ને કહે, ‘મા, આજ મને બટકુંય ખાવા નથી મળ્યું. ભૂખ લાગી છે. રોટલો ખાવો છે.’

    રાતરાણીએ હવામાં હાથ વીંઝ્યો ને થયો જાદુ! એમના હાથમાં હતો આખો રોટલો. કૂતરાને આપ્યો ને કૂતરો થયો રાજી. ને રાતરાણી આગળ વધ્યાં. આવ્યાં બોરડી પાસે. બોરડીને કહે,

‘બોરડીબહેન, ઓ બોરડીબહેન!
તને તો હવે છે ને ચેન?’

    બોરડી કહે, ‘રાતરાણીમા, મારું એક દુઃખ દૂર ના કરો?’

    રાતરાણી કહે, બોલને બહેન! આમ વગાડું ચપટી ને દુઃખ છૂમંતર કરી દઉં.’

    એટલે બોરડી બોલી, ‘મા, મારા પર જે કાંટા છે એ બધા દૂર કરી દો.’

    રાતરાણી હસીને બોલ્યાં, ‘બેટા, ભગવાને તને કાંટા તારા રક્ષણ માટે આપ્યા છે. એ કંઈ કદરૂપા કે બિનઉપયોગી ન કહેવાય.’

    બોરડી ઠમકો કરતાં બોલી, ‘પણ મને નથી ગમતા.’

    ‘ભલે.’ આમ કહી રાતરાણીએ હાથ લંબાવ્યો ને બોરડી પર આમતેમ ઘુમાવતાં બોલી : ‘છૂમંતર છૂઉંઉં... કાંટા થઈ જાય છૂઉંઉં... ને થયો જાદુ. બોરડકી પરના બધા કાંટા છૂ થઈ ગયા. બોરડીબહેન થયાં રાજી-રાજી ને રાતરાણી થઈ ગયાં અલોપ.

    સવાર પડી. બીરવા વાડામાં આવી. તેને જોઈ ખુશ થતાં બોરડી કહે, ‘બીરવાબહેન, આમ આવો જુઓ, હવે મને એક બી કાંટા નથી!’

    બીરવા નવાઈ પામતી બોરડી નજીક ગઈ. તેમે ધ્યાનથી જોયું. સાચ્ચે જ કાંટા ન હતા. તે કહે, ‘હેં! બોરડીબહેન, આવું કેવી રીતે થયું?’

    બોરડી ઝૂમીને કહે, ‘બસ, છૂમંતર છૂ! ને કાંટા થઈ ગયા છૂ!’

    બીરવા કહે, ‘બોરડીબહેન, હવે તમારાં બોર ખાવાની મજા પડશે.’

    ને બીરવાએ એક બોર ચૂંટ્યું. કાંટો ન વાગ્યો. બીજું ચૂંટ્યું. કશું જ ના થયું. ત્રીજું... ને ચોથું... બીરવા તો રાજી-રાજી થઈ ગઈ. તે જોઈ બોરડીય થઈ રાજી! બીરવા બોર ચૂંટતી જાય, ખાતી જાય ને વખાણતી જાય :

વાહ ભૈ વાહ! મજા પડી!
બોર ખાવાની મજા પડી!
બોરડીબહેનની વાહ ભૈ વાહ!
મીઠાં બોરની વાહ ભૈ વાહ!

    બપોરે તો બીરવા ઘણાં છોકરાંને બોલાવી લાવી. કાનન ને મનન આવ્યાં. પરાગ ને માનસી આવ્યાં. રોશની ને રોનક આવ્યાં.

    બીરવા કહે, ‘જેને જેટલાં બોર ખાવાં હોય તેટવાં ખાવ.’

    એક તો કાંટા વગરની બોરડી ને પાછાં બોર રસભરેલાં ને ખાટાં-મીઠાં! પછી તો વાત જ શી પૂછવી! બધાં ટાબરિયાં તૂટી જ પડ્યાં.

    શરૂશરૂમાં તો બોરડીબહેનને હરખ થયો. પણ પછી બાળકોએ બોરડીને ચૂંટી જ ખાધી. બોર ભેગાં પાંદડાંય ઉસેટવા મંડ્યાં. બિચ્ચારી બોરડી! બોડી થઈ ગઈ. એની શોભા જ બગડી ગઈ. બોરડીબહેન બૂમો પાડીપાડીને કહે – ‘મારાં પાંદડાં ન તોડશો’ પણ સાંભળે કોણ બીરવાનેય આ ન ગમ્યું. શાંતિથી બોર ક્યાં નથી ખવાતાં! એય સૌને વારવા લાગી. પણ એનું માને કોણ?

    ને છેવટ સૌ ગયાં. બિચ્ચારાં બોરડીબહેન! હીબકે-હીબકે રડી પડ્યાં. બીરવાનેય આ જોઈ બહુ દુઃખ થયું.

    રાત પડી. ફરી રાતરાણી ફરવા નીકળ્યાં. બોરડી પાસે આવ્યાં. બોરડીને સૂનમૂન જોઈ માથે હાથ ફેરવી પ્રેમથી બોલ્યાં,

‘મારી વહાલી બેનડી!
શીદને દુઃખી આટલી?’

    બોરડી તો ધ્રુસકે-ધ્રુસકે રડતી જાય ને પોતાની કથા કહેતી જાય. છેવટે વિનવણી કરતાં બોલી : ‘મા, મને કાંટા પાછા આપો.’

    ‘ભલે.’ આમ કહી રાતરાણીએ બોરડી પર હાથ ફેરવ્યો ને બોલ્યાં :

‘આવી જા, ભૈ, આવી જા.
બોરડીના કાંટા આવી જા.’

    ને થયો જાદુ! બોરડી પર ડાળેડાળે કાંટા આવી ગયા. બોરડીને થયું કે એકલા કાંટા? છી... છી... એકલા કાંટાવાળી બોરડી કેવી લાગે? એટલે તે બોલી : ‘મા, મારાં પાંદડાં?’

    ફરી હાથ લંબાવી રરાતરાણી બોલ્યાં :

‘આવી જા, ભૈ આવી જા.
બોરડીનાં પાંદડાં આવ જા.’

    ને પાછો થયો જાદુ! પાંદડાંય આવી ગયાં. પણ એથી કંઈ બોરડીને સંતોષ થાય કે? એક પણ બોર એના પર ન હતું. બોરડી હસીને બોલી :

    ‘મા, બોર વગરની હું કેવી બોરડી!’

    રાતરાણી મીઠું મલકીને બોલ્યાં, ‘જબરી છે ને તું!’ આમ કહી ફરી રાતરાણીએ હાથ લંબાવ્યો.

‘આવી જા, ભૈ આવી જા
બોરડીનાં બોર આવી જા.’

    ને બોર પણ આવી ગયાં. પાછી બોરડી હતી એવી સુંદર થઈ ગઈ. બોરડીબહેન થયાં ખુશ. એ જોઈ રાતરાણીય થયાં ખુશ! આજુબાજુનાં ઝાડવાંય થયાં ખુશ! વેલા ને વાડ થયાં ખુશ!

    રાતરાણી ગયાં ને બોરડીબહેન તો ઊંઘવાને બદલે ઝૂમવા ને ગાવા લાગ્યાં :

છૂ...મંતર છૂઉંઉંઉં...
મારું દુઃખ છૂઉંઉંઉં...
છૂ...મંતર છૂઉંઉંઉં...
મારાં આંસુ છૂઉંઉંઉં...

    (‘ખુશી અને પરી’માંથી)

સ્રોત

  • પુસ્તક : નટવર પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023