Bhul Ane Sajaa - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભૂલ અને સજા

Bhul Ane Sajaa

રક્ષા દવે રક્ષા દવે
ભૂલ અને સજા
રક્ષા દવે

    એક વાર સ્તુતિબહેનને તેમનાં મોટાં ફઈબા અકાફી વાર્તા કહેતાં’તા કે –

એક હતો અભો,
એક હતો કભો,
એક હતો ખભો,
એક હતો ગભો,
એક હતો ઘભો,
એક હતો ચભો.

    ‘છ.’

    હં, તો આ છ દોસ્તારો હતા હોં કે! કોણ કોણ હતા?

‘એક હતો અભો,
એક હતો કભો,
એક હતો ખભો,
એક હતો ગભો,
એક હતો ઘભો,
એક હતો ચભો.’

    તો આ અભો, કભો, ખભો, ગભો, ઘભો, ચભો – છયે જણા એક વાર હાથના આંકડા ભીડી બજારમાં ફરવા નીકળ્યા. રસ્તામાં પોલીસદાદા વઢ્યા. કહે કે ‘આમ ભીંત થઈને શું ચાલો છો? પીપ્-પીપ્ ગાડી થઈને ચાલો.’ એટલે છયે જણાએ આંકડા છોડી નાખ્યા અને એકબીજાની પાછળ રહીને લાઇનમાં ચાલવા લાગ્યા. રસ્તામાં એક આંધળો જોયો.

    બિચારો ફાંફાં મારતો-મારતો ચાલતો’તો. તે અભા સાથે અફળાયો...ભડિંગ, અને અભો ખિજાયો, ‘અલ્યા આંધળા! બેસી રહે ને એક જગ્યાએ. ચાલતા માણસને આડો શું કામ આવે છે?’

    અરે! એનું બોલવાનું પૂરું થયું કે તરત જાદુ થયું : આંધળાને આંખો આવી ગઈ અને અભો આંધળો થઈ ગયો.

    પછી થોડું ચાલતાં એક મૂંગો મળ્યો. કભાને ચાલતો રોકીને તેને કાંઈક ઇશારાથી તે સમજાવવા માંડ્યો અને સાથે આં-આં કરીને રાડો પાડવા લાગ્યો. કોઈનું સરનામું-બરનામું પૂછતો હશે બિચારો. કભો તો ખડખડાટ હસવા માંડ્યો. અને મશકરીમાં આં-આં-એમ ચાળા પાડતો બોલ્યો કે ‘માળા મૂંગડાય આડા આવે છે. ચાલ્યો જા ને બાપ, તારે રસ્તો.’

    અરે! એ વખતેય જાદુ થયું. મૂંગો બોલતો થઈ ગયો અને કભો મૂંગો થઈ ગયો.

    અભો કભો તો આંધળા-મૂંગા થઈ ગયા અને ત્યાં જ ભીખ માંગતાં રોકાઈ ગયા. હવે કોણ બાકી રહ્યું?

    ‘ખભો-ગભો-ઘભો અને ચભો.’

    એ ચારેય આગળ ચાલ્યા. એક માણસ રસ્તા વચ્ચે લારી ઊભી રાખીને ઊભો હતો. આ ચારેય જણાંએ બહુ રાડ પાડી, પણ માળો ખસ્યો નહીં. કોઈ કહે કે ‘એ બિચારો સાંભળતો નથી.’ તેથી ખભો ચિડાયો. એણે પેલાને બાવડું પકડીને રસ્તામાંથી આઘો કર્યો અને બોલ્યો, ‘આવા ને આવા બહેરખાં સાંભળે નહીં ને આડા આવે!’

    અરે! એ વખતેય જાદુ થયું. આકાશમાંથી અવાજ આવ્યો. ‘તેં એને બહેરખાં કહ્યો? જા, તું જ બહેરો થઈ જા.’ ખભો બહેરો થઈ ગયો. અને બહેરો? – હં, બહેરો થઈ ગયો સાંભળતો.

    હવે કોણ બાકી રહ્યું?

    ‘ગભો-ઘભો અને ચભો.’

    પછી આગળ ચાલતાં એક ઠૂંઠો જોવામાં આવ્યો. એ જોઈને ગભો હસી પડ્યો, ‘જોવો હોય તો પેલો ઠૂંઠિયો’ – એમ એણે સાથીદારોને કહ્યું, ત્યાં તો જાદુ થયું. શું થયું હશે? હં, ભગવાને ઠૂંઠાને હાથ ઉગાડી દીધો અને ગભાને ઠૂંઠો કરી દીધો.

    આગળ ચાલતાં ઘભો એક લૂલા ઉપર ચિડાઈ ગયો.

    લૂલો બે કાખઘોડી બે બગલમાં ટેકવીને ચાલતો’તો. ત્યાં એક ઘોડી હાથમાંથી પડી ગઈ અને ઘભાના પગમાં તે અટવાઈ પડી. ઠેબું ખાઈને ઘબો કહે, ‘માળા લૂલો બીજાને લૂલા કરી દેશે.’ ત્યાં તો આકાશમાંથી અવાજ સંભળાયો, ‘ઘભલા, તું થઈ જા લૂલો.’ અને ઘભલો થઈ ગયો લૂલો અને લૂલો થઈ ગયો પગવાળો.

    બાકી રહ્યો ચભો. ચાલ્યો જતો’તો ત્યાં એક આખે શરીરે કોઢવાળી સ્ત્રી નીકળી. પણ એણે કપડાં બહુ સરસ પહેર્યાં હતાં. અને વાળ પણ છટાથી ઓળ્યા હતા. આંખમાં આંજણ આંજ્યું’તું – બાકી હતું તે વળી ફૂલવાળાની દુકાનેથી તેણે વેણી ખરીદીને માથામાં નાખી, તેથી ચભાને હસવું આવ્યું કે ‘રંગના અને રૂપના તો કાંઈ ઢંગધડા નથી અને શોખડાના પાર નથી.’ આમ તો બિચારો આવું મનમાં જ બોલ્યો અને મનમાં જ હસ્યો. પણ ભગવાન સાંભળી ગયા. અને બોલ્યા : ‘ચભા! કોઈનાં રંગરૂપ પર હસે છે ને? તો થઈ જો તુંય કોઢિયો.’ અને ફરીથી જાદુ થયું. કોઢવાળી સ્ત્રી કોઢ વગરના શરીરવાળી થઈ ગઈ અને ચભો કોઢવાળો થઈ ગયો.

    છયે દોસ્તારો પોતાની બગડી ગયેલી દશા પર દુઃખી થતાં-થતાં એક મંદિર પાસે આવી પહોંચ્યા. ભગવાન પાસે જઈને રડતાં-રડતાં છયે દોસ્તોએ કહ્યુ, ‘હે ભગવાન! અમને સાજાસમા કરી દો. હવે અમે કદીયે કોઈની ખોડખાંપણ ઉપર હસશું નહીં.’

    ભગવાનનો અવાજ આવ્યો, ‘જો તમે હવે એવું નહીં કરો, તો હું પણ હવે તમને સજા નહીં કરું.’

    ‘પણ ભગવાન! આ કરેલી સજા પાછી લઈ લો. અમે માફી માગીએ છીએ.’

    ભગવાને કડક અવાજે કહ્યું, ‘જે ભૂલ કરી તેની સજા ભોગવવી જ પડે. હવે ભૂલ નહીં કરો, તો હવે સજા પણ નહીં થાય.’

    લક્ષ્મીજી કહે, ‘ભગવાન! બિચારા રડીને માફી માગે છે એટલે માફ કરી દો.’

    ભગવાન કહે, ‘નહીં, એક સપ્તાહ સુધી તો આ સજા ભોગવે જ. પછી કોઈક સારું કામ કરશો, ત્યારે તમે ફરીથી સાજાસમા થઈ જશો.’ ફઈબા કહે, ‘વાર્તા પૂરી.’

    સ્તુતિબહેને પૂછ્યું : ‘પણ અકાફી! પછી તે સાજા થયા કે નહીં?’

    અકાફી કહે : ‘મારું સપનું અહીં પૂરું થયું હતું, તેથી પછી શું થયું તે મને ખબર નથી; પણ તેમણે કોઈ સારું કામ કર્યું હશે તો સપ્તાહ પછી તેઓ જરૂર સારા થયા હશે. ભગવાન કદી ખોટું ન બોલે.’

સ્રોત

  • પુસ્તક : રક્ષાબહેન દવેની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023