રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોભોલુને વૅકેશન પડ્યું તો દોડતો આવ્યો મમ્મી પાસે. કહેવા લાગ્યો, “મમ્મી, આ વખતે આપણે નાનીને ઘેર જઈએ.”
મમ્મી બોલ્યાં, “આ આ વર્ષે આપણે ક્યાંય નથી જવાનાં. ઘેર જ રહીશું.”
પણ ભોલુએ જીદ કરી, “મારે નાનીને ઘેર જવું છે.”
મમ્મી કહે, “તારે એકલાએ જવું હોય તો જજે. બે-ચાર દિવસમાં અનુમામા આપણે ત્યાં આવવાના છે. એક-બે દિવસ રહીને તો પાછા જશે. ત્યારે તને એમની સાથે નાનીને ઘેર મોકલીશ. બસ ને?”
ભોલુ ખુશ. નાની એને બહુ વહાલ કરે છે. સારીસારી વાર્તાઓ કહે છે. સારુંસારું જમાડે છે. આપણો ત્યાં વટ પડશે, એમ વિચારીને ભોલુ ખુશ થવા લાગ્યો.
પણ ત્યાં તો મમ્મીએ કડક સૂચના આપી, જો સાંભળ, “જો સાંભળ, નાનીને હેરાન ન કરતો. નાની જે રાંધે તે ખાઈ લેજે. ખોટી જીદ નહિ કરતો, હાં કે!”
ભોલુએ હા તો પાડી પણ એને ખાતરી હતી કે નાની એનું કહેવું ક્યાં ટાળવાનાં છે!
અનુમામા આવ્યા તો ભોલુ પણ એમની સાથે નાનીને ઘેર ગયો. નાનીને ઘેર નાની ઉપરાંત અનુમામા, વર્ષામામી અને મામાનો દીકરો મદન હતો. બધાં ભોલુને જોઈને ખુશ થયાં.
બપોરના જમવાની તૈયારીઓ ચાલતી હતી.
નાનીએ કહ્યું, “ભોલુ બેટા, આજે જમવામાં શું બવાનું? તને ક્યું શાક ભાવે છે?”
“શાક? શાક તો મને બધાં ભાવે છે.” ભોલુએ વટથી કહ્યું.
“એમ? તો તો સારું. બેટા, આપણે બધાં શાક ખાવાં જોઈએ. બરાબર છે ને?”
“હા નાની.”
ભોલુ મદન સાથે રમવા ગયો. છોડી વારમાં જમવાનું તૈયાર થઈ ગયું.
નાનીએ બધાંને સાદ કરીને બોલાવ્યાં.
ભોલુને તો કકડીને ભૂખ લાગી હતી. બધાં જમવા બેસે એ પહેલાં જ એ ડાઇનિંગ-ટેબલ પર ગોઠવાઈ ગયો. જમવાનું પણ ટેબલ પર ગોઠવાઈ ગયું હતું.
ભોલુ હોંશથી ખાવા જાય એ પહેલાં જોયું – દાળ, ભાત, રોટલી અને શાક! “આ શું? આવું તે ઘરે રોજ જમું છું. નાનીને ઘેર પણ આ જ ખાવાનું?”
ભોલુને થયું, નાનીને તો સારું રાંધતાં આવડે છે. આ શાક પણ એમણે સારું બનાવ્યું હશે. ખાઈ તો જોઉં!
અરે બાપ રે! આ તો દૂધીનું શાક!
બધાંએ જમવાનું શરૂ કરી દીધું હતું પણ ભોલુની ખૂભ મરી ગઈ. એ એમ જ બેઠો રહ્યો.
ભોલુને એમ ને એમ બેઠેલો જોઈને નાની બોલ્યાં, “અરે ભોલુ! બેટા, જમતો કેમ નથી?”
“હેં!... જમું છું ને, જમું છું ને!” કહીને ભોલુએ રોટલી લીધી. રોટલીના ટુકડાને દાળમાં બોળીને તે ખાવા લાગ્યો.
ફરી પાછું નાનીનું ધ્યાન ગયું. “ભોલુ, આ શું કરે છે? રોટલી સાથે દાળ? શાક કેમ લેતો નથી?”
ત્યાં જ અનુમામા બોલ્યા, “આને દૂધીનું શાક ભાવતું નથી લાગતું.”
નાની બોલ્યાં, “એવું છે? મેં તેને પૂછ્યું તો હતું કે તને કયું શાક ભાવે છે? પણ તેં તો કહ્યું હતું કે મને બધાં શાક ભાવે છે.”
હવે ભોલુએ સ્પષ્ટતા કરી, “નાની! ઘરે હું દૂધીનું શાક ખાતો નથી. દૂધી સિવાય મને બધાં શાક ભાવે છે.”
“તો હવે દૂધીનું શાક નહીં બનાવું.” નાનીએ કહ્યું.
પણ સાંજે ફરી બીજું શાક નડ્યું. ખીચડી અને કઢીની સાથે રીંગણાંનું શાક આવીને ઊભું રહ્યું.
ભોલુએ મોં મચકોડ્યું. જમવાની ઇચ્છા જ ન થઈ. ત્યાં જ નાનીનું ફરી વાર ધ્યાન ગયું.
“કેમ? રીંગણાંના શાકનો પણ તને વાંધો છો?”
ભોલું કંઈ બોલ્યો નહિ.
નાની કહેવા લાગ્યાં, “રીંગણાંનું શાક પણ તને નથી ભાવતું!”
તોય ભોલુ કંઈ બોલ્યો નહિ.
“તું પણ ખરો છે... જ્યારે પૂછું છું ત્યારે કહે છે કે મને બધાં શાક ભાવે છે પરંતુ જમવાના ટેબલ પર કોઈ શાક આવે ત્યારે તો તું ઢીલોઢસ થઈ જાય છે!”
હવે હિંમત કરીને ભોલુ બોલ્યો, “નાની... રીંગણાં પણ મને નથી ભાવતાં...”
“દૂધીનું શાક નહિ... રીંગણાંનું શાક પણ નહિ... તો તું ખાય છે શું?”
“આ બે શાક સિવાય બાકી બધાં શાક હું ખાઉં છું.” ભોલુએ કહ્યું.
“સારું... હવે ખીચડી અને કઢી ખાઈ લે. કાલથી આ બેમાંથી કોઈ શાક નહિ બનાવીએ. બરાબર?”
ભોલુએ પરાણે ખીચડી અને કઢી ખાધાં.
બીજા દિવસે નાનીએ ગવાર મંગાવ્યો. બપોરના ભોજનમાં તૈયાર થઈ ગયું ગવારનું શાક! ભોલુ મૂંગોમૂંગો બનીને શાકને જોતો રહ્યો. અને લાગ્યું, નાનીને ઘેર આવીને એણે મોટી ભૂલ કરી છે. આના કરતાં તો ઘેર સારુંસારું ખાવાનું બને છે. મમ્મીને તો કહી પણ શકાય પણ નાનીને કેવી રીતે કહેવાય? પહેલાં તો નાની સારીસારી વાનગીઓ બનાવતાં હતાં. એમની એ વાનગીઓ ખાવાની લાલચે તો એ અહીં આવ્યો હતો. પરંતુ નાની એમાંનું કશું તો બનાવતાં નથી. ઊલટાનું એવાં શાક બનાવે છે જે એને જરાય ભાવતાં નથી. નાનીએ આ થયું છે શું? પણ નાનીને કહેવાની એને હિંમત ન થઈ. એ બીતાંબીતાં ફક્ત આટલું કહી શક્યો, “નાની, મને ગવારનું શાક પણ ભાવતું નથી.”
નાની તેને ટગરટગર જોતાં રહ્યાં.
દિવસ પસાર થયો. સાંજ થઈ. સાંજના ભોજનમાં આવ્યાં કારેલાં! કાજુ સાથે કારેલાં!
ભોલુને થયું, પરિસ્થિતિમાં કાંઈ સુધારો થયો નથી. પણ આ પરિસ્થિતિમાંથી એણે રસ્તો કાઢ્યો. શાકમાંથી શોધીશોધીને એ કાજુ ખાતો ગયો અને કારેલાંના કટકાને થાળીની બાજુમાં મૂકતો ગયો.
નાનીની નજર હતી ભોલુ પર. ભોલુની દરેક હિલચાલ ઉપર તેઓ ચાંપતી નજર રાખતાં હતાં. થોડી વાર ભોલુની હિલચાલ જોયા પછી તેઓ બોલ્યા, “ભોલુ, હું ગઈકાલથી જોતી આવું છું કે તને કોઈ શાક ભાવતું નથી. તેમ છતાં તું બડાશ મારે છે કે તને બધાં શાક ભાવે છે. હવે અહીંયાં તને બધાં શાક ખાવાની ટેવ પાડવી પડશે, સમજ્યો? નહિ તો ભૂખ્યો રહીશ.”
ભોલુ માથું નીચું કરીને ચુપચાપ જમી રહ્યો હતો.
રાત્રે ભોલુએ મદન જોડે વાત કરી, “હું તો અહીં કંટાળી ગયો છું. બે દિવસથી જાણે કશું ખાધું નથી. પેટમાં ઉંદરડાઓ દોડતા રહે છે. શું કરવું?”
મદન કહે, “યાર, તું બી ખરો છે. એકેય શાક તને ભાવતું નથી. અમે તો બધાં શાક ખાઈએ છીએ.”
ભોલુને થયું, હવે આ પણ મને શિખામણ આપવા લાગ્યો! એ કશું બોલ્યો નહિ.
થોડી વાર પછી એ કહેવા લાગ્યો, “મદન! અહીં બહાર કંઈ ખાવાનું મળતું નથી?”
“બહાર એટલે?” મદનને સમજાયું નહિ.
“બહાર એટલે હોટલમાં.”
“હોટલમાં તો બધું મળે.”
“ચાલ, આપણે કાલે ખાવા જઈએ.”
“પણ બહાર તો બધું મોઘું હોય છે. તારી પાસે પૈસા છે?”
“પૈસા તો છે. પણ...”
“પણ શું?”
“નાનીને આ વાત નહિ કરવાની.”
“નહિ કરું. બસ?” મદને ખાતરી આપી.
બીજા દિવસે ભોલુ અને મદન હોટલમાં ગયા. ત્યાં જઈને બંનેએ પ્રિત્ઝા ખાધા. પાછા આવ્યા ત્યારે બધાં બપોરના ભોજન માટે ડાઇનિંગ-ટેબલ પર ગોઠવાઈ ગયાં હતાં.
નાનીએ કહ્યું, “આજે ભોલુ માટે ખાસ વાનગી બનાવી છે.”
ભોલુ ચમક્યો. ખાસ વાનગી? પછી એને થયું, નાની તો કારેલાં અને રીંગણાંના શાકને પણ ખાસ વાનગી ગણતાં હોય છે. નથી ખાવી નાનીની આ ખાસ વાનગી. એણે હિંમત કરીને નાનીને કહ્યું, “નાની, આજે મને ભૂખ નથી.”
મદન પણ બોલ્યો, “મને પણ ભૂખ નથી.”
“બહારથી કાંઈ ખાઈ આવ્યા છો?”
ભોલુએ મદન તરફ જોયું અને મદને ભોલુ તરફ.
નાની બોલ્યાં, “બંને એકબીજા તરફ શું જુઓ છો? કહેતા કેમ નથી?”
બંને હજી ચૂપ હતા.
નાની બોલ્યાં, “આજે દૂધી નથી, રીંગણાં નથી, ગવાર નથી, કારેલાં પણ નથી. કોઈ શાક નથી. એક સારી વાનગી છે. હવે બોલો, ખાશો કે નહિ?”ભોલુ પરાણે પરાણે બોલ્યો, “નાની, આજે નહિ! આજે ભૂખ નથી.”
ત્યારે નાનીએ વર્ષામામીને કહ્યું, “તો લઈ આવો આપણા માટે પિત્ઝા!”
હેં! તો નાનીએ આજે પિત્ઝા બનાવ્યા છે?
ભોલુએ-મદને પહેલાં એજબીજા તરફ જોયું અને પછી બંને નાની તરફ જોવા માંડ્યા. બધાં ખડખડાટ હસી પડ્યાં. બંને બહાર પિત્ઝા ખાઈને આવ્યા હતા તેની ગમે તે રીતે નાનીને ખબર પડી ગઈ હતી એ બંને સમજી ગયા.
સ્રોત
- પુસ્તક : હુંદરાજ બલવાણીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 72)
- સર્જક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014