રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકાશીપુરા નામે એક ગામ હતું.
એ ગામમાં એક દિવસ લાકડાના પગવાળો એક સિપાહી ગયો. એ બીચારા સિપાહીનો એક પગ લડાઈમાં કપાઈ ગયો હતો.
ગામમાં પેસતાં બરાબર જ એ માંદો થઈ ગયો. એ ખૂબ ગરીબ હતો. ખાવા માટે પણ પાસે પૈસા ન હતા.
આથી ગામના સીમાડે આવેલા એક મુસાફરખાનામાં એ ગયો. એને ખૂબ તાવ ચડેલો હતો. આખું શરીર લોઢાની માફક ધખતુ હતું.
મુસાફરખાનાની નજીકથી નાનકડી તિલા રમતી રમતી જતી હતી. લાકડાના પગવાળા સિપાહીની આવી ખરાબ દશા જોઈ, એને ખૂબ દયા આવી.
તિલા એક ગરીબ માણસની દીકરી હતી. એનો બાપ વાંસડાની ચીપોની ટોપલીઓ બનાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
ગરીબ હોવા છતાં તિલાનું મન ગરીબ ન હતું. રોજ તિલા એ ગરીબ સિપાહીની ખબર કાઢવા મુસાફરકાનામાં આવવા લાગી.
દરરોજ એ એક આનો પોતાની સાથે લાવતી અને પેલા સિપાહીને આપતી. સિપાહીએ બે-ચાર દિવસ સુધી તો તિલાએ આપેલો આનો લીધો.
પણ એક દિવસે, મુસાફરખાનાના રખેવાળે તિલાનાં માતા-પિતા ખૂબ ગરીબ છે, એવું જણાવી દીધું. આથી બીજે દિવસે તિલા જેવી પેલા સિપાહીના હાથમાં આનો મૂકવા ગઈ કે તરત જ, પેલા સાચાબોલા સિપાહીએ આનો લેવાની ના પાડી.
એ કહે : ‘દીકરી! મારા માટે તને આટવલી બધી દયા આવે છે, એ જોઈને મને ખૂબ આનંદ થાય છે. ભગવાન તારું ભલું કરશે. પણ બહેન! તમે લોકો આટલાં બધા ગરીબ છો અને હું તમારા થોડા પૈસામાંથી પણ એક આનો રોજ લઉં, એ તો સારું ન કહેવાય! હું ભગવાનના ઘરનો ગુનેગાર ગણાઉં. મારા પેટ માટે તમારા પેટ ઉપર પગ ન મુકાય. એવું કરવા કરતાં તો મારે ભૂખે મરી જવું વધુ સારું!’
તિલા હસતાં હસતાં કહેવા લાગી : ‘સિપાહીકાકા! એની તમે જરા પણ ચિંતા ન કરશો. હું જે આનો તમને રોજ આપું છું, તે મારે ઘેરથી નથી લાવતી. હું આ ગામથી થોડે દૂર આવેલી નિશાળમાં ભણું છું. એ ગામમાં જવા માટે એક ગીચ ઝાડીમાંથી પસાર થવું પડે છે. એ ઝાડીમાં જાંબુડાંનાં ઝાડ છે. આ મોસમ જાંબુડાંની છે. ઝાડ નીચે ખૂબ બધાં જાંબુડાં ખરેલાં હોય છે.
‘એ બધાં જાંબુડાં હું ભેગાં કરું છું. મારી નિશાળ જે ગામમાં આવેલી છે, તે ગામની બજારમાં જઈને એ વેચી નાખું છું. એમાંથી મને રોજ એક-બે આના મળે છે. આમ મારી જાતમહેનતથી તમારે માટે પૈસા લાઉં છું. માટે તમે જરા પણ મનમાં લાવશો નહીં.’
સિપાહી કહે : ‘એ ખરું! પણ તારે એ પૈસા તારા મા-બાપને આપવા જોઈએ.’
તિલા અધવચ્ચે જ બોલી ઊઠી : ‘સિપાહીકાકા! મેં મારા માતા-પિતાને હું રોજ આ રીતે કમાઉં છું, એમ કહેલું છે જ. એમના કહેવાથી જ હું તમને રોજ આ રીતે એક આનો આપું છું. અમે ગરીબ છીએ પણ બીજાનું દુઃખ અમે સમજી શકીએ છીએ. તમે માંદા હતા. તમારામાં તાકાત ન હતી. તમે કશું ખાધું ન હતું એટલે મેં તમને આ રીતે મદદ કરી હતી. તમારે આથી જરા પણ ખોટું લગાડવું ન જોઈએ. ઊલટું, તમે મારો આનો નહીં લો તો મને ખૂબ માઠું લાગશે.’
સિપાહી ગળગળો થઈ ગયો. એની આંખમાં ઝળઝળિયાં ઊભરાયાં. એની રૂપેરી દાઢી ઉપર થઈ આંસુ સરકતાં હતાં.
તિલાની પોતાને માટે મમતા અને લાગણી જોઈ એ ગળગળો બની ગયો.
તિલાના માથે હાથ ફેરવતાં ફેરવતાં એણે ભગવાનને વિનંતી કરી કે, ‘હે ભગવાન! આ નાનકડી બાલિકાનું તું હરહંમેશ ભલું કરજે એને એની ભલાઈનો તું જરૂર બદલો આપજે.’
થોડા દિવસ બાદ, એક દમામદાર મોટર એ ગામમાં આવી પહોંચી. પેલા મુસાફરખાના પાસે પાણી લેવાને માટે એ થોભી હતી. મોટરનો માલિક બહાર લટાર મારતો હતો. એ ખૂબ ઘરડો, પણ તાકાતવાન જણાતો હતો. એના કપડાં સિપાહીઓના કોઈ મોટા અમલદાર જેવાં દેખાતાં હતાં.
મુસાફરખાનાના રખેવાળે આ અમલદારને પેલા માંદા ગરીબ સૈનિકની વાત જણાવી. અમલદાર એ સિપાહીને જોવા મુસાફરખાનામાં ગયો.
પેલા સિપાહીએ બધી વાત જણાવી. તિલાએ કેવી રીતે મહેનત કરી, જાંબુ વેચી, પોતાને મદદ કરી છે, એ બધી વાત તેણે જણાવી.
પેલો અમલદાર નાનકડી તિલાની આ ભલમનસાઈ, દયા અને મમતા જોઈ ખુશ થઈ ગયો. એણે પેલા સિપાહીને ઓળખી કાઢ્યો.
જે લડાઈમાં એ સેનાનો ઉપરી હતો, એ સેનામાં જ પેલો લાકડાના પગવાળો સિપાહી નોકરી કરતો હતો. લડાઈમાં એણે ભારે નામના મેળવી હતી. લડતાં લડતાં એનો પગ કપાઈ ગયો હતો, એ વાત પણ એને સાંભરી આવી.
એણે ખૂબ બધા રૂપિયા પેલા સિપાહીને આપી, પોતાની મોટરને તિલાના ઘર તરફ લેવડાવી.
તિલાને ઘેર દઈને એણે પાંચસો રૂપિયા ભરેલી એવી થેલી તિલાના હાથમાં આપી.
તિલાએ અને એનાં માતા-પિતાએ એ લેવાની ખૂબ ના પાડી અમલદાર એકનો બે ન થયો. એણે તિલાને ખૂબ શાબાશી આપી. અને જે નિશાળમાં તિલા ભણતી હતી, એ નિશાળમાં એના ભણવાની કોઈ ફી જ ન લે, એવી ગોઠવણ પણ એણે કરી.
તિલાની ભલાઈનો બદલો એને આમ પૂરેપૂરો મળી ગયો. માટે જ કહેવત છે કે, ‘કર ભલા સબકા ભલા, તેરા ભલા હો જાયેગા!’
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 329)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020