રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબદામપુર નામનું એક ગામ હતું. આ ગામમાં બાંકુ નામનો એક માણસ રહેતો હતો. તે બાજુના જંગલમાં જઈને બોરડી પરથી બોર તોડી લાવતો હતો અને ગામમાં વેચતો હતો. બધા તેને બાંકુ બોરડીવાળા તરીકે ઓળખતા હતા.
એક દિવસ બાંકુ વહેલી સવારમાં જંગલમાં ગયો અને એક બોરડીના ઝાડની નીચે બોર લેવા માટે ઊભો હતો, એવામાં આકાશમાં શોરબકોર સંભળાયો. તેણે ઊંચે જોયું તો તે ચમકી ગયો. ચમકવાનું કારણ એ હતું કે, બે મોટા રાક્ષસો હવામાં એકબીજાની સામે લડતા હતા. બંને રંગે કાળા હતા એટલે તે લડતા ત્યારે સામસામાં બે મોટાં કાળાં વાદળો ભટકાતાં હોય તેવું લાગતું હતું તેમજ તેમના લડવાથી વાદળો અથડાઈને ગાજતાં હોય તેવો અવાજ સંભળાતો હતો તેમજ વીજળીના જેવા આગના ઝબકારા દેખાતા હતા.
રાક્ષસોની ભયંકર લડાઈ જોઈને બાંકુ પહેલાં તો ડરી ગયો. આવા મોટા અને ભયંકર રાક્ષસો તેમે કદી જોયા ન હતા. વળી, તે બંને રાક્ષસો લડતી વખતે મોટેમોટેથી બૂમો પાડતા હતા, તે ગમે તેવાને ડરાવી દે તેવી હતી.
બાંકુ તો તાકી-તાકીને બંનેને લડતા જોઈ રહ્યો હતો, એવામાં તે રાક્ષસોની નજર એકાએક બાંકુ ઉપર પડી. આથી તેમણે તરત જ લડવાનું બંધ કર્યું અને બંને આકાશમાંથી નીચે ઊતરીને બાંકુ પાસે આવ્યા.
તેમને નજીક આવેલા જોઈને બાંકુ તો બીકથી ધ્રૂજવા માંડ્યો. ત્યાં તે બેમાંથી એક રાક્ષસ, જેના માથા ઉપર ત્રણ શિંગડાં હતાં, તેણે કહ્યું, ‘તમે અમારાથી ડરશો નહીં, અમે તો અમારી તકરાર મટાડવા તમારી પાસે આવ્યા છીએ.’
આ સાંભળીને બાંકુને શાંતિ થઈ. તેણે હિંમતથી પૂછ્યું, ‘બોલો તમારા બેઉની વચ્ચે શાની તકરાર છે?’
‘અમારા ગુરુજીએ અમને બેઉને બે વસ્તુ ભેટ આપી છે. એક જાદુઈ ચશ્માં છે. આ ચશ્માં પહેરવાથી ઇચ્છા કરીએ તે જગ્યાનું દૃશ્ય જોઈ શકાય છે.’ પીલ્લુ નામના રાક્ષસે કહ્યું.
‘બીજી વસ્તુ જાદુઈ જોડા છે. આ જોડા પગમાં પહેરવાથી જ્યાં ઇચ્છા થાય ત્યાં પહોંચી શકાય છે.’ શિલ્લુ નામના રાક્ષસે કહ્યું.
‘એમાં ત્યારે તકરાર શાની છે?’ બાંકુએ પૂછ્યું.
‘ચશ્મા કોણ રાખે તેની તકરાર છે. હું કહું છું કે ચશ્માં હું રાખું અને શિલ્લુ કહે છે કે તે ચશ્માં રાખે.’ પીલ્લુએ કહ્યું.
બાંકુએ થોડી વાર વિચાર કરીને કહ્યું, ‘તમારી તકરાર આમ તો મજાની છે. હું તમને એવો ઉપાય તો બતાવું, જેથી એકને ચશ્માં અને બીજાને જોડા મળી જાય, પરંતુ તેમ થાય તો તમને કોઈને ખાસ ફાયદો નહીં થાય.’
‘કેમ?’ શિલ્લુએ પૂછ્યું.
‘જેને ચશ્માં મળશે તે બધું જોઈ તો શકશે, પરંતુ જોયા પછી જે સ્થળે પહોંચવું હશે, ત્યાં કેવી રીતે જઈ શકશે?’ બાંકુએ પૂછ્યું.
‘એ વાત તો ખરી છે.’ પીલ્લુએ કહ્યું.
‘વળી જેની પાસે જોડા હશે તે જોડા પહેરીને કંઈ પણ કામ વગર ક્યાં ફર્યા કરશે? તે જોડાનો ઉપયોગ પણ શું કરી શકશે?’ બાંકુએ પૂછ્યું.
‘તો પછી અમારે શું કરવું, એ તમે કહો.’ બંને રાક્ષસોએ એકીસાથે કહ્યું.
‘એક માસ સુધી ચશ્માં અને જોડા બંને વસ્તુઓ શિલ્લુ પોતાની પાસે રાખે અને પીલ્લુને કે શિલ્લુને જે કંઈ કામ હોય તે બંને સંપીને કરે. બીજે મહિને ચશ્માં અને જોડા પીલ્લુ રાખે અને બેમાંથી જેને તેનું કામ પડે તે સંપીને કરજો.’ બાંકુએ કહ્યું.
બંનેએ બાંકુની વાત માની અને તેનો આભાર માનીને ચાલ્યા ગયા.
***
આઠ દિવસ પછી બાંકુ જંગલમાં બોર વીણતો હતો, ત્યાં ખરાબપોરે આકાશમાં ગડગડાટી થઈ. બાંકુ નવાઈ પામીને ઊંચે જુએ છે. ત્યાં તો સડસડાટ કરતો પીલ્લુ રાક્ષસ આકાશમાંથી નીચે ઊતર્યો. આ વખતે બાંકુ જરા પણ ડર્યો નહીં.
પીલ્લુએ આજુબાજુ નજર કરી અને બાંકુને જોતાં જ તેની પાસે આવીને કહ્યું, ‘શિલ્લુ સવારનો બહાર ગયો છે, પણ હજુ સુધી પાછો આવ્યો નથી. તેનું શું થયું હશે?’
પીલ્લુ ગભરાઈ ગયો હતો.
બાંકુએ પૂછ્યું, તમારી પાસે ચશ્માં છે?’
‘હા’, પીલ્લુએ કહ્યું.
‘લાવો, મને આપો.’ બાંકુએ કહ્યું.
પીલ્લુએ તેને ચશ્માં આપ્યાં. બાંકુએ તે આંખો પર ચડાવીને જોયું ને બોલ્યો, ‘શિલ્લુ ક્યાં છે તે બતાવો.’
તરત જ ચશ્માંમાં એક દૃશ્ય દેખાયું. તેમાં શિલ્લુને પહાડની ઉપર એક વડના ઝાડ સાથે બાંધ્યો હતો તથા ત્રણ-ચાર જંગલી માણસો તેની સામે શસ્ત્રો ઉગામીને ઊભા હતા.
બાંકુએ તરત જ પીલ્લુને કહ્યું, ‘શિલ્લુને કોઈ જંગલી માણસોએ કેદ પકડ્યો છે. તે બધા પહાડ ઉપર આવેલા એક વડના ઝાડની નીચે ઊભા છે.’
‘તમે મને ત્યાં લઈ જાવ.’ પીલ્લુએ કહ્યું.
‘તમારા પેલા જોડા લાવો.’ બાંકુએ કહ્યું.
પીલ્લુએ જોડા આપ્યા. બાંકુએ તે પોતાના પગમાં પહેર્યા, પછી કહ્યું, ‘તમારે તે જંગલી માણસોનો સામનો કરવા માટે જે શસ્ત્રો લેવાં હોય તે લઈને મારા ખભા પર બેસી જાવ.’
‘મારી એક ફૂંક જ તેમના માટે બસ છે. ચાલો, મને જલદી ત્યાં લઈ જાવ.’ પીલ્લુએ કહ્યું.
પીલ્લુ ખભા પર બેઠો એટલે બાંકુ બોલ્યો, ‘અમને શિલ્લુ છે ત્યાં લઈ જાવ.’
તે આટલું બોલી રહ્યો ત્યાં તો જોડાની જાદુઈ શક્તિ વડે તે પીલ્લુની સાથે આકાશમાં ઊડ્યો અને થોડી જ વારમાં તો તેઓ જ્યાં શિલ્લુને કેદ કર્યો હતો ત્યાં આવી પહોંચ્યા. તેઓ વડના ઝાડ ઉપર ઊતર્યા અને ત્યાંથી નીચે જોયું તો આઠ જંગલી માણસો ટોળું વળીને શિલ્લુના ફરતા ઊભા હતા.
પીલ્લુએ કહ્યું એટલે બાંકુએ જોડાની મદદથી તે જંગલીઓના ફરતે હવામાં ગોળ-ગોળ ઊડવાનું શરૂ કર્યું. જેવા તેઓ જંગલીઓની ઉપર આવ્યા કે તરત જ પીલ્લુ પોતાના મુખ વડે જોરજોરથી ફૂંકો મારવા લાગ્યા. તેની ફૂંકમાંથી વાયુ નીકળવા માંડ્યો. આ વાયુ પેલા જંગલીઓના શ્વાસમાં જતાં જ તેઓ એક પછી એક બેભાન થઈને ઢળી પડ્યા.
પીલ્લુ તરત જ કૂદકો મારીને નીચે ઊતર્યો અને શિલ્લુને બંધનમાંથી છૂટો કર્યો. પછી શિલ્લુ અને પીલ્લુ બાંકુના ખબા પર બેસી ગયા. બંનેનું વજન તો ઘણું હતું. પરંતુ બાંકુને તો જાદુઈ જોડાની મદદથી ઊડવાનું હતું, એટલે તેમને બીજી કોઈ મુશ્કેલી પડી નહિ. તેઓ ઊડતા-ઊડતા શિલ્લુ-પીલ્લુના રહેઠાણે આવ્યા.
બંનેએ બાંકુનો ખૂબ-ખૂબ આભાર માન્યો અને જાદુઈ ચશ્માં તથા જોડા તેને આપ્યાં, પરંતુ બંકુએ તે લીધાં નહીં અને કહ્યું, ‘મારે તેની કશી જરૂર નથી. તમારે તેની વારંવાર જરૂર પડશે. તમે તેનો સારો ઉપયોગ કરજો અને સંપીને રહેજો.’
પીલ્લુએ કહ્યું, ‘તમારી સલાહ સાચી હતી. જો ચશ્માં અને જોડા અમારાં બંને પાસે જુદાં-જુદાં હોત તો હું કદાચ ચશ્માંની મદદથી શિલ્લુ ક્યાં છે તે જાણી શકત, પરંતુ જોડાની મદદ વગર તેની પાસે પહોંચી શકત નહીં. વળી, જો મારી પાસે માત્ર જોડા જ હોત તો ચશ્માં વગર હું શિલ્લુ ક્યાં હતો તે જાણી શકત નહીં અને તેની મદદ કરી શકત નહીં.’
તે બંનેએ બાંકુને ઘણી ઘણી ભેટો આપવા માંડી, પરંતુ બાંકુએ તે લીઘી નહીં અને કહ્યું, ‘મારે કશું જોઈતું નથી. હું મહેનત કરીને કમાઉં છું, તેમાં મને આનંદ આવે છે. તમને હું મદદમાં આવી શક્યો તે મારા માટે આનંદની વાત છે.’
બાંકુની વાતથી પીલ્લુ અને શિલ્લુ ખૂબ જ ખુશ થયા. તેમણે કહ્યું, ‘તમે અમારી પાસેથી કશું લેતા નથી, તેનું અમને દુઃખ છે, પરંતુ તમારી મરજી નથી, એટલે આગ્રહ નહીં કરીએ. તમારે અમારી જ્યારે પણ જરૂર પડે ત્યારે જંગલમાં આવીને ‘પીલ્લુ-શિલ્લુ’ એમ પોકાર કરશો એટલે અમારા બેમાંથી ગમે તે તરજ જ હાજર થઈ જશે.’
તેમની વિદાય લઈને બાંકુ આનંદ સાથે પોતાના ઘેર પાછો આવ્યો.
સ્રોત
- પુસ્તક : પ્રભુલાલ દોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 11)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2013