Bahurupi - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

    એક દિવસ સુંદરવનનો પ્રેસિડેન્ટ લવલી લાયન દરબાર ભરીને બેઠો હતો. બધાં પ્રાણીઓ તેની વાહ વાહ કરતાં હતાં અને ધમાલ-મસ્તી ચાલતી હતી.

    એવામાં અચાનક એક રીંછ આવી ચડયું. રીંછે તો લવલી લાયન તથા બધા દરબારીઓને નમસ્કાર કર્યા અને એક પગે ઊભું રહીને નાચવા લાગ્યું. બધાને બહુ ગમ્મત પડી.

    રીંછ બોલ્યું, “મહારાજ, હું બહુરૂપી છું, અહીંથી દૂર વિક્રમનગરમાંથી આવું છું. તમે મને અહીં સુંદરવનમાં રહેવાની રજા આપો. હું તમામ લોકોનું મનોરંજન કરીશ અને શાંતિથી રહીશ.

    લવલી લાયનને તો કશો વાંધો ન હતો, પણ તેના દરબારી પ્રાણીઓને સુંદરવનમાં કોઈ નવું પ્રાણી આવે તે ગમતું ન હતું. લવલી લાયન રીંછને કંઈ જવાબ આપે તે પહેલાં જ વિક્ટર વાઘ બોલ્યો,

    “ચલ જાજા! તારા રસ્તે પડ, આવા બહુરૂપી તો રોજ આવે છે. અમારું સુંદરવન કંઈ રેઢું નથી પડ્યું.

    લવલી લાયને વિક્ટરને અટકાવવાનો પ્રયાસ કર્યો પણ તે ફરી બોલ્યો,

    મહારાજા, તમને ખબર ન પડે. સુંદરવનની સુરક્ષાની જવાબદારી મારી છે. એટલે આમ ગમે તેના પર ભરોસો ન કરાય. વળી, આ રીંછ બહુરૂપી બની શકે છે તેની શું ખાતરી?”

    લવલીને કાંઈ બોલવા દીધા વિના બધાં જ પ્રાણીઓએ રીંછની ખૂબ જ મજાક ઉડાવી અને અપમાનિત કરીને કાઢી મૂક્યું. આ વાતને ઘણા દિવસો થઈ ગયા.

    એક દિવસ વિક્ટર વાઘ બકરીનું બચ્ચું ઉઠાવીને લઈ ગયો હોવાની ફરિયાદ લવલી લાયનને બાજુના ગામમાંથી મળી. વિક્ટરે કોઈ પણ બકરીના બચ્ચાને ઉઠાવી ગયા હોવાનો ઈન્કાર કર્યો.

    બીજે દિવસે ફરી એ જ ગામનો ગોવાળ જંગલમાં આવ્યો અને વિક્ટર વાઘ વાછરડું ઉઠાવી ગયો હોવાની ફરિયાદ કરી. વિક્ટર વાઘે ફરી આરોપોનો ઇન્કાર કર્યો. જોકે, ગામલોકો પોતાની વાત પર મક્કમ હતા. તેઓ જંગલના દરેક પ્રાણીઓને બારીકાઈથી ઓળખતા હતા. ઘણાં લોકોએ વિક્ટર વાઘ જ આવીને બધાં પ્રાણીઓને ઉઠાવી જાય છે તેની સાક્ષી પૂરી.

    વિક્ટર વાઘ તો પરેશાન થઈ ગયો. ગામલોકોનો રોષ તથા વિપુલ ફરિયાદો જોતાં લવલી લાયન પાસે વિક્ટર વાઘને સજા કરવા સિવાય કોઈ ઉપાય નહોતો. તેણે વિક્ટર વાઘને પાંજરામાં પૂરી દેવાનો આદેશ કર્યો. તેની સજા નક્કી કરવા માટે બધાં પ્રાણીઓ તથા ગામલોકોની સભા બોલાવી. એકમેકને કદી કનડગત નહીં કરવાની સુંદરવન તથા ગામ વચ્ચેની સંધિનો વિક્ટર વાઘે ભંગ કર્યો હોવાથી તેને કડક સજા કરવાની ગામના લોકોએ માગ કરી. બધાં પ્રાણીઓએ પણ ગામલોકોની વાતમાં સૂર પુરાવ્યો.

    લવલી લાયન સજાની જાહેરાત કરવા ઊભો થયો. એટલામાં તો જોરથી અવાજ આવ્યો. “ઊભા રહો” બધાં પ્રાણીઓ તો જોતાં જ રહી ગયાં. અરે! આ શું? એક વિક્ટર વાઘ પાંજરામાં છે તો આ બીજો વિક્ટર વાઘ કયાંથી આવ્યો? વિક્ટર વાઘ પણ પોતાના હમશકલને જોઈને ગભરાઈ ગયો. એટલામાં તો ગામલોકોને તમામ પાલતુ પ્રાણીઓનો અવાજ સંભળાયો. બકરીનાં બચ્ચાં બેં બેં કરતાં દોડતાં આવ્યાં. વાછરડું પણ આવ્યું.

    “તમે મને અપમાનિત કર્યો અને મારી કલાની મજાક ઉડાવી કાઢી મૂક્યો હતો, પણ હવે કદાચ તમને મારી કલાનો અંદાજ આવી ગયો હશે.” એમ બોલતાં હમશકલ એવા વિકટર વાઘે પોતાનો અસલ વેશ પ્રગટ કર્યો.

    લવલી લાયન અને પાંજરે પૂરેલો અસલી વિક્ટર વાઘ તથા બધાં પ્રાણીઓ તો જોતાં જ રહી ગયાં. લવલી લાયન બોલ્યો, “અરે આ શું? આ તો પેલું રીંછ છે!

    “હા હું જ છું મહારાજ! તમે મારી કલાની મજાક ઉડાવી, એટલે તમને સત્ય સમજાવવાનો બીજો કોઈ જ રસ્તો ન હતો.”

    લવલી લાયન તેની કલા પર આફરીન થઈ તરત તેને ભેટી પડયો. બહુરૂપી રીંછને બધાંની હાજરીમાં વેશસમ્રાટની ઉપાધિ આપવામાં આવી અને તેને સુંદરવનમાં રહેવાની સગવડ કરી આપી. વિક્ટર વાઘે પણ પોતાના વર્તન બદલ ખૂબ પસ્તાવો કર્યો અને રીંછની માફી માગી.

સ્રોત

  • પુસ્તક : સુંદરવનની વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : મેહુલ મંગુબહેન
  • પ્રકાશક : રીડજેટ પબ્લિકેશન
  • વર્ષ : 2015