રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક વાર અકબર બાદશાહ બીમાર પડ્યા. દરબારમાં હકીમ હતા તેમણે બાદશાહની માંદગી દૂર કરવાના ઇલાજ કરવા માંડ્યા. હકીમ રોજેરોજ નવા નવા ક્વાથ – ઉકાળા તૈયાર કરાવે. બાદશાહ માટે નારંગી, મોસંબી જેવા ફળોના ઢગલા કરાવે. બાદશાહ ફળનો રસ પીએ. ઔષધો લે, પણ તાવ એવો પેંધો પડેલો કે જવાનું નામ લે નહિ.
બાદશાહે બીજા હકીમને તેડાવ્યા એણે વળી અંગુર, દાડમ વગેરેના રસ પીવાની ભલામણ કરી; નવી જાતના ઉકાળા તૈયાર કરાવ્યા પણ તાવ હઠીલો હતો. અકબરના શરીરમાં એવો જામી પડ્યો હતો કે ખસવાનું નામ લેતો નહોતો.
બાદશાહે દિલ્હીના સારા સારા વૈદરાજોને ભેગા કર્યા; પણ કોઈ વૈદરાજ એકાંતરિયો તાવ કહે, કોઈ ઝીણો જ્વર કહે, કોઈ કહે કે પિત્ત છે, બીજો કહે કે વાયુ છે. કોઈકે ખીચડી ખાવાની સલાહ આપી, કોઈકે ભાત અને મગનું પાણી લેવાની સલાહ આપી.
આમ પંદર દિવસ થયા, પણ તાવ ઘડીમાં વધે, ઘડીમાં શરીર ઠંડુગાર થઈ જાય.
બાદશાહ તો તાવથી કંટાળી ગયો. એણે બેઘડી ગમ્મત પડે એ માટે બીરબલને બોલાવ્યો અને કહે : ‘બીરબલ, આ તાવ તો જો કેટલા બધા હકીમ-વૈદ મચી પડ્યા છે તો ય ખસતો જ નથી! તું બેઘડી મજા આવે એવી વાર્તા કહે.’
બીરબલ કહે : ‘નામવર, આપને હું બે તાવની વાર્તા કહું? એક વાર બે તાવ ભેગા મળ્યા. એક તાવ બાદશાહના શરીરમાં પેઠો બીજો તાવ ખેડૂતના કાળજે પેઠો.
બાદશાહના શરીરમાં તાવ પેઠો, તેને તો રોજ ફળના જુદાજુદા રસ મળવા માંડ્યા, પોચીપોચી સુંવાળી પથારીમાં સૂવાનું મળ્યું. એટલે એ તાવ તો લપ્પી મહેમાનની જેમ જામી પડ્યો.
બીજો તાવ ખેડૂતના કાળજામાં પેઠો હતો. પણ ખેડૂતે તો સવારના પહોરમાં બળદ જોતર્યો અને હળ લઈને ખેતરે ગયો. બળદને ડચકારતો જાય તે ખેતી કરતો જાય.
ખેડૂતના શરીરમાં પેઠેલા તાવને તો ગભરામણ થઈ ગઈ. એ વિચારવા લાગ્યો કે આવો આ જડસો ખેડૂત તો હળ ચલાવે છે ને ખેતી કરે છે. મારો દમ કાઢી નાખે છે. અહીં રહેવામાં મજા નથી. અહીંથી હવે ભાગવા દે. એટલે પરસેવા વાટે ખેડૂતના શરીરમાંથી ભાગ્યો.
સાંજે ખેડૂત ઘેર આવ્યો. રોટલા ને ખીચડી ખાધાં ને તાજોમાજો થઈ ગયો. ખેડૂતના શરીરમાંથી નીકળેલો તાવ, પેલા બાદશાહના શરીરમાં પેઠેલા તાવને મળ્યો.
બાદશાહના શરીરમાં પેઠેલો તાવ કહે : ‘અલ્યા મૂરખ, તું ખેડૂતના શરીરમાં શું કામ પેઠો? એ તો રોંચો કહેવાય. આપણી મહેમાનગતિ ન કરે. એના કરતાં તું મારી જેમ કોઈ રાજા કે અમીર-ઉમરાવના શરીરમાં પેઠો હોત તો રોજ નારંગી, મોસંબીના રસ પીવા મળત.’
પેલો તાવ કહે : ‘દોસ્ત, તારા ભેગો આવી જાઉં?’
બાદશાહમાં પેઠેલો તાવ કહે : ‘આવી જા, એક કરતા બે ભલા.’
એટલે ખેડૂતના શરીરમાંથી નીકળેલો તાવ પણ બાદશાહના શરીરમાં પેઠો. બે તાવ ભેગા મળ્યા અને બાદશાહને બેવડ વાળી નાખ્યો.
અકબર આ વાત સાંભળીને બીરબલની ટકોર સમજી ગયો. એણે વૈદ હકીમોને વિદાય કર્યા. સાદો ખોરાક અને પાણી, માટીના ઇલાજ કર્યા. કામકાજ શરૂ કર્યું અને ત્રણ દિવસમાં તો બાદશાહનો તાવ છૂમંતર થઈ ગયો.
સ્રોત
- પુસ્તક : મધુસૂદન પારેખની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 78)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022