Akkalna Kamad - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અક્કલનાં કમાડ

Akkalna Kamad

જયભિખ્ખુ જયભિખ્ખુ
અક્કલનાં કમાડ
જયભિખ્ખુ

    એક મોટું શહેર.

    શહેરમાં એક મોટું મંદિર.

    રૂપાનું મંદિર, સોનાના કમાડ. ચંદનના રવેશ. હીરા-મોતીનાં તોરણ.

    મંદિરના મોટા પૂજારી. એ ધર્મગુરુ કહેવાય. એમની નીચે પાંચસો પૂજારીઓ કામ કરે.

    એક-એક પૂજારીની નીચે સો-સો નોકરચાકર.

    નોકરો આખો દિવસ કામ કરે, તન તોડીને કામ કરે; લેશ પણ આરામ ન મળે, માગે તોપણ ન મળે.

    શહેરની હજાર ઝૂંપડીઓમાં અંધારું હોય, પણ મંદિરમાં તેલ-અત્તરના દીવા બળે. હાંડી-ઝુમ્મર ઝાકઝમાળ થાય!

    કેટલાય નોકરો સવારથી સાંજ સુધી રાંધે. જાતજાતનું રાંધે ભાતભાતનું રાંધે. ધર્મગુરુ અને પૂજારીઓ જમે, પેટ ભરી ભરીને જમે. ન જમાય તો દવા લઈને પણ જમે. એમના જમવામાં જાણે જગતનું કલ્યાણ રહેલું ન હોય!

    જમે એનાથી વધુ એઠ પડે! શહેરમાં અડધાં લોક ભૂખ્યાં સૂવે. અહીં એટલું એઠવાડમાં જાય, પણ કોઈથી કંઈ બોલાય ના!

    કારણ કે કોઈ કંઈ બોલે તો દેવ કોપે.

    દેવ કોપે તો દુનિયાનું નખ્ખોદ કાઢે.

    દેવને સારાં સારાં કપડાં ખપે, હીર-ચીર ખપે! કીમતીમાં કીમતી ગલીચા અહીં પથરાય.

    દેશમાં લોક નાગા-ભૂખ્યા હોય, પણ દેવની વસ્તુઓ માણસને આપી ન શકાય. આપો તો કહે છે કે દેવ કોપે. હાય બાપ! દેવ કોપે તો દુનિયાનો દાટ વાળે!

    અતિ હંમેશાં ખરાબ છે. કેટલાક લોકોને આ વાત ન ગમતી. તેઓ મંદિરની, ગુરુની અને પૂજારીઓની ટીકા કરતા. તેઓ કહેતા,

    ‘દેવ તો દુનિયાનો પિતા કહેવાય. પુત્ર ભૂખ્યા રહે ને પિતા જમે, એ ન બને. પિતા હીર-ચીર પહેરે ને દીકરા નાગા ફરે, કદી સારું ન લાગે.’

    ધર્મગુરુ કહે, ‘આવી વાતો ન કરો. દેવ કોપ કરશે. ધર્મમાં શંકા કરે એ નાસ્તિક. એવા લોકોના પગથી રજથી મંદિર અપવિત્ર થાય. આવા નાસ્તિક લોકોના કારણે ન જાણે દુનિયા પર કેવાં કેવાં દુઃખ આવી પડશે! શુંના શું ઉત્પાત મચશે! કદાચ પ્રલય પણ આવે! આ તો મહાદેવનો કોપ!’

    અને ખરેખર ધર્મગુરુની વાત સોળ આના સાચી પડી.

    એક દિવસ સવારમાં સૂરજ ઊગ્યો. સહુએ સૂરજદેવને રોજની જેમ વધાવ્યા ને કહ્યું : ‘ભલે ઊગ્યા ભાણ! તમે તો અમજીવનના પ્રાણ!’

    સોનાની થાળી જેવો સૂરજ આભમાં શોભે, પણ થોડી વારમાં એની કોર કાળી થવા લાગી.

    લોકો ડર્યા. હાહાકાર કરી રહ્યા! અરે, શું આકાશી દીવો ઓલવાઈ જશે? શું આજ દેવ કોપાયમાન થયા? શું પૃથ્વી પર પ્રલય ઊતરશે? આપણો નાશ થશે?

    આસ્થાવાળા લોકો ધર્મગુરુ પાસે પહોંચ્યા. જઈને પૂછ્યું : ‘રે ગુરુદેવ! સૂરજ શ્યામળો કેમ થાય? શું ધરતી પર અંધારું ફેલાઈ જશે?’

    ધર્મગુરુ કહે, ‘દુનિયામાં અધર્મનો ભાર વધ્યો છે. આપણાં પાપ ઠેઠ આકાશે પહોંચ્યાં છે. જે થાય તે ખરું!’

    લોકો કહે, ‘સૂરજ જશે ને અંધારુંઘોર થશે?’

    ગુરુ કહે : ‘થાય પણ ખરું! પૃથ્વી પર પાપ અમાપ વધ્યાં છે.’

    લોકો કહે : ‘શું પૃથ્વી ઠંડીગાર બની જશે?’

    ગુરુ કહે : ‘બની પણ જાય.’

    લોકો કહે : ‘શું આપણાંમાંથી ગરમી ચાલી જશે?’

    ગુરુ કહે : ‘જાય પણ ખરી! દેવ કોપે ત્યાં શું ન થાય? આકાશ-પાતાળ એક થાય, પૃથ્વી વચ્ચે આવીને ભીંસાઈ જાય.’

    લોકો ધ્રૂજતાં કહે, ‘શું અમે મરી જઈશું? અમારાં બાળબચ્ચાં મરી જશે?’

    ગુરુ મલકાઈને કહે, ‘દેવના દ્રોહીઓ પર દેવ જરૂર કોપ કરે, એમનું ધનોતપનોત કાઢી નાખે.’

    લોકો ગુરુના પગે પડ્યા. ગુરુના પગ ચૂમ્યા. પગની રજ માથે ચઢાવીને, ને કરગરી કહ્યા :

    ‘હે ગુરુદેવ! અમને બચાવો. અમારું રક્ષણ કરો. અમારા ગુના માફ કરો.’

    ધર્મગુરુ કહે, ‘દેવને આજીજી કરો, પ્રિય વસ્તુનું દાન કરો. ગુનાની માફી માગો. આગળ આવું પાપ નહિ કરીએ એની ખાતરી આપો!’

    સૂરજ તો વધુ ને વધુ ઘેરાતો જતો હતો. લોકો આકાશ સામે જોઈને ડરતાં હતાં. : રે, પૃથ્વીનો પ્રલય આવ્યો!

    લોકો ઘેટાં-બકરાં લાવ્યાં. દેવ આગળ હલાલ કર્યાં. ડરપોક લોકો દીકરા-દીકરી લાવ્યાં, દેવને ચઢાવ્યાં! બીકણ પૈસાદાર લોકો મોંમાં ખાસડું લઈને આવ્યા. તેઓએ દેવ આગળ ધનના ઢગલા કર્યા.

    ધર્મગુરુએ લોકોને જિવાડવા મંત્રો ભણવા માંડ્યા. પૃથ્વીનો પ્રલય ન થાય, માટે દેવને રીઝવવા લાગ્યા. ચારે દિશામાં મંત્ર ભણીને ચાર બાણ ફેંક્યાં!

    મંત્રીને ચાર દિશામાં દાણાં નાખ્યા. મોટેથી મંત્ર બોલ્યા, ૐ ફુટ ફુટ સ્વાહા!

    થોડી વારે ધર્મગુરુએ કહ્યું : ‘દેવ તમારી ભક્તિથી પ્રસન્ન થયા છે. પૃથ્વીને ભરખવા આવેલા રાક્ષસોને, ભૈરવોને અને પિશાચોને એમણે હણી નાખ્યા છે. ભવિષ્યમાં દેવનું અપમાન કરશો નહિ, ગમે તેમ બોલશો નહિ. દેવ તો અંદરનું પણ જાણે છે. શાંતિથી ઘેર જાઓ સ્નાન કરો. પવિત્ર થઈ ભજન કરો.’

    અને વાત પણ સાચી હતી : કાળો થયેલો સૂરજ ફરી ચળકતો થતો હતો. થોડી વારમાં તો ઝગમગાટ કરવા લાગ્યો.

    લોકોએ દેવની જય પોકારી, ધર્મગુરુના ચરણ ચૂમ્યા અને રાજી થતા ઘેર ગયા.

    હવે કોઈ મંદિરની, દેવની, ગુરુની ટીકા કરતું નથી. એના ભોગ-વૈભવ ખૂબ વધ્યા છે.

    પણ દુનિયા કોને કહે છે? શેર હોય ત્યાં સવા શેર જરૂર પાકે. એક દહાડો એક જુવાનિયો આવ્યો. એનું નામ થેલ્સ.

    મંદિરના ચોગાનમાં ઊભા રહીને એણે કહ્યું :

    ‘ધર્મને નામે હમ્બગ ન હાંકો. વિજ્ઞાનનાં અજવાળાં જુઓ. અક્કલનાં વાસેલાં કમાડ ખોલો. સૂરજ તમે કાળો થતો જોયો, એ તો ગ્રહણ હતું. પૃથ્વીના કોઈ પાપનું  પરિણામ નથી ગણિતની એક ને એક બે જેવી એ વાત છે!’

    કેવો મૂરખ જુવાન! અરે, માત્ર મૂરખ નહિ,મૂરખનો સરદાર પણ લાગ્યો. એણે આગળ વધીને કહ્યું :

    ‘ગ્રહણ ક્યારે થશે એનાં તિથિ-તારીખ લખી રાખો. મેં ખગોળવિદ્યાનો અભ્યાસ કર્યો છે. ભારતના મોટા ગણિત-શાસ્ત્રીઓને મળી આવ્યો છું. મે મહિનાની 28મી તારીખે ફરી આવું ગ્રહણ થશે. થોડી વારે  ગ્રહણ છૂટશે અને પૃથ્વી હતી તેવી ને તેવી રહેશે.’

    લોકોએ કહ્યું કે થેલ્સ નાસ્તિક છે. એની વાત સાંભળશો નહિ. કહેશે એ તો મરશે, પણ સાંભળશે એ પણ મરશે!

    પણ થેલ્સ બે માથાનો માનવી નીકળ્યો. પોતાની વાતમાં એ પાછો ન પડ્યો. એને ધમકીઓ મળી, પણ એ ન ડર્યો. એણે કહ્યું :

    ‘ફક્ત આ વર્ષનું ગ્રહણ નહિ, આવતાં બે-ચાર વર્ષનું ગ્રહણ પણ હું ભાખી શકીશ. મારે લોકોની અક્કલનાં બંધ કમાડ ઉઘાડવાં છે! હું કહું છું કે તમે ઘેટાં-બકરાં હલાલ ન કરશો. ડરીને દેવને કંઈ ચઢાવશો નહિ. તમને કંઈ જ નહિ થાય!’

    દુનિયામાં જેમ ઘણા ડરપોક લોકો હોય છે, એમ થોડા બહાદુર લોકો પણ હોય છે. કેટલાક થેલ્સના કહેવા પ્રમાણે ચાલ્યા. ગ્રહણ આવ્યું પણ ન દેવને ભોગ ચઢાવ્યા, ન ગુરુને રીઝવ્યા. આનંદથી ફરતા રહ્યા.

    થેલ્સે કહ્યું હતું તેમ જ થયું. 28મી મેને દિવસે ગ્રહણ થયું. સૂરજ કાળો થયો. થોડી વારે એમ ને એમ ગ્રહણ ટળ્યું. સૂરજ ફરી પાછો ચકચકિત થયો.

    કોઈને કંઈ ન થયું! સહુને ખગોળવિદ્યામાં રસ પડ્યો. તેઓ કહે, ‘આ જ્ઞાન અમને સમજાવો!’

    થેલ્સે એ દિવસે વિજ્ઞાનનો પહેલો પાઠ જગતને આપ્યો, ને દુનિયાંનાં અક્કલનાં કમાડ ખોલી દીધાં.

    એ યાદગાર દિવસ તે ઈસ્વીસન પૂર્વે 585ની મે મહિનાની 28મી તારીખનો.

સ્રોત

  • પુસ્તક : જયભિખ્ખુની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014