Maani Shikhaman - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

માની શિખામણ

Maani Shikhaman

અરુણિકા દરૂ અરુણિકા દરૂ
માની શિખામણ
અરુણિકા દરૂ

    કિસન પટેલના વાડામાં ઘણી મરઘીઓ હતી. તેમાં માઘી નામે એક મરઘી બહુ સમજદાર અને ચાલાક હતી. તે કોઈથી છેતરાતી નહીં. ગમે તેવા બળવાન પ્રાણીની સામેથી તે પોતાનાં બુદ્ધિબળ અને ચતુરાઈથી છટકી આવતી. તે દેખાવે ખૂબ સુંદર હતી. ખાઈપીને હૃષ્ટપુષ્ટ થઈ હતી. શીઘ્રબુદ્ધિ હતી એટલે ગમે તેવા વિકટ સંજોગોમાંથી પણ તે વિચારીને માર્ગ કાઢી શકતી હતી. તેને ચાર બચ્ચાં હતાં. તે સહુને પણ તે સમય આવ્યે શીખવ્યા કરતી હતી. આ બચ્ચાંઓ પર તેને ખૂબ પ્રેમ હતો. તેમને તે ઘડીભર પોતાની આંખથી અળગાં કરતી નહીં. તે કિસન પટેલના વાડામાં રહેતી હતી. બચ્ચાં વાડાની બહાર નીકળે ત્યારે, તે હંમેશાં બચ્ચાંઓની સાથે જ રહેતી. ક્યારેક બચ્ચાં વાડામાં એકલાં રમતાં હોય ત્યારે તે વાડાની બહાર જરા લટાર મારી આવતી.

    એક દિવસ સાંજને સમયે તે માઘી મરઘીને બહાર લટાર મારવાનું મન થયું. બચ્ચાંઓને સંપીને રમવાની અને વાડાની બહાર નહીં નીકળવાની સૂચના આપી, તે વાડાની બહાર લટાર મારવા નીકળી. ચારે બચ્ચાં વાડામાં સંતાકૂકડી રમતાં હતાં. સંતાકૂકડી રમતાં-રમતાં એક બચ્ચું સંતાવાની જગ્યા શોધતું વાડાની બહાર નીકળી ગયું. ચારેય બચ્ચાંમાં તે વધારે ચાલાક હતું. તેને વાડમાં પુરાઈ રહેવું જરાય ગમતું નહીં. વાડાની બહાર ધૂળમાં રમવાનું, ટેકરા પર ચઢીને કૂકરે કૂક કરવાનું, આકાશમાં સૂરજદાદાને જોવાનું, વૃક્ષોની આસપાસ ફરવાનું, કૂણાકૂણા ઘાસમાં દોડાદોડી કરવાનું – એવું બધું તેને ખૂબ ગમતું. ક્યારેક-ક્યારેક બપોરે માની નજર ચુકાવી તે ભાગી જવા મથતું. પણ હજુ સુધી એવી રીતે એકલા વાડાની બહાર નીકળવામાં તેને સફળતા મળી ન હતી. તેની માતાના બહાર ગયા પછી, આજે પહેલી વાર તેને એકલા બહાર નીકળવા મળ્યું હતું એટલે તે ખૂબ ખુશ હતું. વાડાની બહાર એક નાની ટેકરી જેવું હતું તેની પર બેસીને તે આસપાસ જોવા લાગ્યું.

    સાંજનો સમય હતો. સૂર્ય હજુ અસ્ત થયો ન હતો. ઠંડો મીઠો પવન ફૂંકાતો હતો. પક્ષીઓ માળામાં પાછાં ફરી રહ્યાં હતાં. કિસન પટેલની ગાયો ચારો ચરીને પાછી ફરતી હતી. તેમનાં ગળાની ઘંટડીનો મીઠો રણકાર સંભળાતો હતો. દૂર-દૂર મંદિરમાં ઝાલર વાગતી હતી. ચારેય તરફ વાતાવરણ ખુશનુમા હતું. બચ્ચું આ બધું માણતું ખુશ થઈ ગયું. તેને લાગ્યું કે હવે તે મોટું થઈ ગયું છે. તેણે રોજ આ રીતે હવે એકલા બહાર નીકળવું જોઈએ અને પોતાની મરજી મુજબ હરવુંફરવું જોઈએ. મા નકામી બિવડાવે છે. એકલા બહાર નીકળવામાં કંઈ જોખમ નથી. એમ વિચારી તે ખુશ થઈ ધૂળમાં અવાજ કરતું ગોળ-ગોળ ફરવા લાગ્યું. થોડી વાર ઘૂમીને થાક્યું એટલે તે શાંતિથી આંખ બંધ કરીને બેઠું.

    એટલામાં એના કાને કોઈ પ્રાણીનો શ્વાસોચ્છ્વાસ સંભળાયો. ગભરાઈને તેણે આંખો ખોલી. જોયું તો સામે બે આંખો તગતગે. બચ્ચું ખૂબ ગભરાઈ ગયું અને ધ્રૂજવા લાગ્યું. હવે તેને લાગ્યું કે માની આજ્ઞા ન માનવામાં તેણે ઘણી મોટી ભૂલી કરી છે. હવે તેના પ્રાણ બચવા મુશ્કેલ છે. અલબત્ત પેલું પ્રાણી ટેકરી નીચે ઊભું છે અને પોતે ટેકરી પર છે. એટલે હજુ બચવાનો થોડો અવકાશ છે. પણ હજુ તેને ઊંચે ઊડતાં બરાબર આવડતું ન હતું. એટલે તો તેની માતા તેને પોતાની ગેરહાજરીમાં એકલા બહાર નીકળવાની ના પાડતી હતી. હવે શું કરવું? મનોમન તે માતાને યાદ કરવા લાગ્યું. તેની માતા હાજર હોત તો તેણે જરૂર ભાગી જવા માટેની કોઈ યુક્તિ વિચારી હોત તો પણ પોતે કોઈ દિવસ એવી પરિસ્થિતિમાં મુકાયું ન હતું એટલે શું કરવું તેની તેને એકદમ સમજ ન પડી. ભયથી તે ધ્રૂજવા લાગ્યું. હવે તેને સમજાયું કે સામે તગતગતી આંખો શિયાળની છે. તેની માતા વાતવાતમાં કહેતી કે શિયાળ બહુ લુચ્ચું હોય છે. તેની સામેથી છટકવું બહુ મુશ્કેલ હોય છે. તો હવે શું કરવું? કેવી રીતે ભાગી જવું? એટલામાં શિયાળ બોલ્યું : “અલ્યા! તું તો પેલી માઘીનું બચ્ચું?” બચ્ચાએ ધ્રૂજતાં ધ્રૂજતાં ડોકી હલાવીને હા પાડી.

    “હું આજે હવે જોઉં છું તું મારી સામેથી કેમ છટકે છે તે. માઘીને તેની ચતુરાઈનું બહુ અભિમાન છે તેને આજે બરાબર પાઠ ભણાવું છું. ચાલ, હવે ત્યાંથી નીચે ઊતર.” શિયાળે કહ્યું. પણ બચ્ચામાં નીચે ઊતરવાની હિંમત જ ન હતી. તે હજુ પણ માને યાદ કરતું હતું અને ભયથી ધ્રૂજતું હતું. તેને ધ્રૂજતું જોઈને તેણે કહ્યું : “તને બચાવવા કોઈ આવનાર નથી. તારી મા તો ઘણે દૂર લટાર મારવા ગઈ છે, સમજ્યું?”

    શિયાળના શબ્દો સાંભળતાં જ બચ્ચાને માએ તેને વારંવાર કહેલી વાત યાદ આવી. “જો બેટા! જ્યારે કોઈ ભયાનક પ્રાણી આપણી સામે આવીને ઊભું રહે અને બચવાનો કોઈ ઉપાય ન લાગે ત્યારે સહુ પ્રથમ મન મક્કમ કરીને ભયને ભૂલી જઈને બચવાનો ઉપાય શોધીએ તો કોઈ ને કોઈ રસ્તો જરૂર નીકળી આવે.” બચ્ચાએ તરત જ બચવા માટેની કોઈ યુક્તિ વિચારવા માંડી. એટલામાં અધીરા થયેલા શિયાળે ટેકરી પર ચઢવા માંડ્યું. એટલે શિયાળ સામે જોતું-જોતું બચ્ચું પાછે પગે થોડું પાછું હટ્યું. બચ્ચાનો ગભરાટ જોઈ શિયળ મલકાયું. પણ એટલામાં બચ્ચાને વિચાર આવ્યો કે જો શિયાળને વાતચીતમાં રોકી રખાય તો થોડો સમય મળે અને કોઈ યુક્તિ કદાચ સૂઝી આવે એટલે તેણે પૂછ્યું : “તમે મને મારી નાખવા માગો છો?”

    “હાસ્તો.”

    “પણ શું કરવા? મેં કંઈ તમારું બગાડ્યું છે?”

    “ના, તેં નહીં, પણ તારી માએ મને અનેક વાર છેતર્યો છે.”

    “પણ તેમાં હું શું કરું?” બચ્ચાએ પૂછ્યું.

    “તારે કંઈ જ નથી કરવાનું હું જ બધું કરીશ.” શિયાળે જરા ખૂશ થઈને કહ્યું.

    “પણ મને બહુ બીક લાગે છે. તમે... તમે આમ મારી સામે ન આવો.”

    “તો કેવી રીતે આવું ટેકરી પર? નહીં તો તું નીચે આવ. પણ યાદ રાખ, જો કંઈ ચાલબાજી કરી તો મારા જેવો ભૂંડો કોઈ નહીં હોય સમજ્યો?”

    “હું નીચે નહીં આવું, મને તમારી બીક લાગે છે. તમારે ઉપર આવવું હોય તો ભલે.” બચ્ચાએ જોયું કે શિયાળને ઉપર ચઢતાં વાર લાગે છે એટલે તેણે કહ્યું.

    “સારું, તું ત્યાં જ રહે, હું જ ઉપર આવું છું.” એમ કહી શિયાળે ફરીથી ટેકરી પર ચઢવા માંડ્યું. એટલામાં બચ્ચાને ખરેખર એક યુક્તિ સૂઝી. તેણે ચીસ પાડીને શિયાળને કહ્યું : “આમ નહીં, આમ નહીં, પાછળથી આવો, મારી પાછળથી. આમ તો મને બહુ ડર લાગે છે.”

    “બસ, હવે તારી પાછળથી આવું છું.” એમ કહી તે થોડું ઉપર ચઢ્યું કે બચ્ચું પાછું મોં ફેરવીને બોલ્યું : “આમ નહીં, આમ નહીં, મેં કહ્યું ને કે પાછળથી આવો” બચ્ચાએ ગભરાવાનો ડોળ ચાલુ રાખી કહ્યું.

    “તું આમ વારંવાર ફરી જઈને મને છેતરવા માગે છે, પણ હું તારાથી છેતરાવાનો નથી. સમજ્યો” શિયાળે કહ્યું.

    “હું તમને છેતરવા માટે નથી કહેતો, એ તો મારે સૂરજદાદાના દર્શન કરવા હતા એટલે હું ફરી ગયું હવે નહીં ફરું.”

    “કેમ, આજે સૂરજદાદાના દર્શનમાં કંઈ છે?”

    “ના, પણ મારી માએ કહ્યું છે કે અમે લોકો સૂરજના છડીદાર છીએ. પ્રભાતનો પોકાર કરનારા અમે સહુ સૂરજદાદાના ભક્તો. સૂરજ સામે જોઈને મૃત્યુ આવે તો અમારું મરણ પણ સુધરી જાય.”

    “વાહ! બહુ સરસ. તું સૂરજ સામે જોયા કર, હું પાછળથી આવું છું.” કહી શિયાળ થોડું વધારે ઉપર ચઢ્યું એટલે બચ્ચાએ પોતાના બંને પગથી વારાફરતી થોડી માટી ખોતરીને પાછળથી આવતા શિયાળ તરફ ઉડાડી. અચાનક આમ માટી ઊડવાથી શિયાળ અકળાયું. તેની આંખમાં પણ થોડી માટી ગઈ. તેણે ચીસ પાડી : “અરે મૂરખા! આ શું કરે છે? જોતો નથી માટી મારી આંખમાં ઊડે છે તે?” બચ્ચું શિયાળની વાત સાંભળી ખુશ થયું. એણે ધીમેથી ડોક પાછળ ફેરવીને શિયાળની સ્થિતિ જોઈ લીધી અને ફરી પાછું પગના પાછલા ભાગથી માટી ઊડાડવા લાગ્યું. હવે શિયાળને બચ્ચાની લુચ્ચાઈ સમજાઈ. અત્યાર સુધી જે બચ્ચું ભોળું અને બીકણ જણાતું હતું તે હવે ચાલાક ને સમજદાર જણાયું. બચ્ચાની પીઠ  પાછળથી આવવાની પોતાની મૂર્ખતા પર શિયાળને હવે ચીઢ ચઢી. તેણે અત્યંત ગુસ્સે થઈ ટેકરીની ટોચ પર દોટ જ મૂકી. પણ ચાલાક બચ્ચું તરત જ ચેતી ગયું. ‘કોક કોક’ કરતું તે ઝડપથી બીજી બાજુથી ટેકરીની નીચે તરફ ભાગ્યું. હવે જો શિયાળ તેને પકડી પાડે, તો તે કોઈ રીતે જીવતું બચી ન શકે. એટલે માના નામની બૂમો મારતું તે વાડાની દિશામાં જીવ પર આવીને દોડ્યું. તેની ચીસો સાંભળી તેની માતા બહાર દોડી આવી. તે હજુ હમણાં જ બહારથી આવી હતી. તેનું એક બચ્ચું બહાર છે તેની તેને ખબર પણ ન હતી. બચ્ચાની ચીસ સાંભળીને તે ઊડીને બહાર આવી. અહીં તેણે જે દૃશ્ય જોયું તેથી તે ચોંકી ઊઠી. બચ્ચું ચીસો પાડતું આગળ દોડતું હતું અને તેની પાછળ શિયાળ ઠેબા ખાતું દોડતું હતું. પરિસ્થિતિ જોતાં ચતુર મરઘીએ તરત જ નિર્ણય લીધો. બચ્ચાને બચાવવા તેણે મરણિયો પ્રયત્ન કર્યો. તે ઊડીને શિયાળની પીઠ પર બેઠી અને શિયાળના માથા પર તેણે બળપૂર્વક ચાંચ મારી. શિયાળ આ આકસ્મિક પ્રહારથી અકળાયું. તેનાથી બોલી પડાયું : “અરે તારીની! મરઘી તું! એક તો તારું બચ્ચું મારી આંખમાં ધૂળ ઉડાડી ગયું અને ઉપરથી હવે તું મને પજવે છે! પણ ઊભાં રહો, હું તમને બંનેને સીધાં કરું છું.”

    શિયાળના શબ્દોએ માઘીને સમજાઈ ગયું કે તેનું બચ્ચું શિયાળની આંખમાં ધૂળ ઉડાડીને ભાગ્યું છે. એને કારણે જ શિયાળ ગબડતું હોય તેમ ઠેબા ખાતું ચાલે છે. એટલે તો તેને વધારે શૂરાતન છૂટ્યું. તેણે હવે શિયાળની પીઠ અને આંખ તથા કાન પર પણ ચાંચના જોરદાર પ્રહાર કરવા માંડ્યા. આ બધી ધમાલ દરમિયાન પેલું બચ્ચું તો સિફતથી વાડામાં ઘૂસી ગયું હતું. બિચારું શિયાળ! એક તો અંધારું થવા આવેલું તેમાં આંખમાં ધૂળ ગયેલી એટલે પૂરું દેખાય નહીં. બચ્ચાના અવાજને આધારે જ તે અવાજની દિશામાં દોડતું હતું. તેમાં માઘીએ પીઠ પર ચાંચના પ્રહાર કરી. તેને અકળાવી મૂક્યું હતું.

    અકળાટમાં ને અકળાટમાં તે માઘીનો પીછો છોડાવીને, જેમતેમ કરીને, જંગલની દિશામાં ભાગ્યું. તેને ભાગતું જોઈને માઘી હસી પડી. તેનો ખુશીનો અવાજ સાંભળીને તેનાં બધાં બચ્ચાં હવે એકસાથે વાડાની બહાર દોડી આવ્યાં. શિયાળને જંગલની દિશામાં ઝડપથી ભાગતું જોઈ, તે બધા પણ તેમની માની જેમ હસી પડ્યાં.

    માઘીએ બચ્ચાને તેની ચાલાકી બદલ શાબાશી આપી. તેની હિંમતને બિરદાવી. તેણે ખુશી પ્રગટ કરી ત્યારે તે બચ્ચાએ કબૂલ કરતાં કહ્યું : “હે મા! તારી વાત સાચી પડી. અમારે તારા કહ્યા મુજબ જ રહેવું જોઈએ. હવે હું તારી સૂચનાનું બરાબર પાલન કરીશ. મા! આજે જો તું અહીં સમયસર આવી ન ચઢત તો કોણ જાણે મારું શું થાત! પણ મને એકલા-એકલા ફરવાની ઘણી હોંશ હતી એટલે...” “જો બેટા! સરખું ઊડતાં આવડે અને થોડા મોટા થાવ. પછી તમારે સ્વતંત્ર જ હરવાફરવાનું છે ત્યારે તમારો બચાવ તમારે જાતે જ કરવાનો રહેશે. આ તો હજુ તમે થોડાં નાદાન છો, અશક્ત છો એટલે હું તમને બહાર એકલા ફરવા પર પ્રતિબંધ મૂકું છું. બાકી તમે તમારી જવાબદારી પર ફરી શકો તો મારે એટલી ચિંતા ઓછી.” માઘીએ કહ્યું.

    “મા! તારી વાત સોળ આના સાચી છે. હવેથી હું હંમેશાં તારી ઇચ્છા પ્રમાણે વર્તીશ.” બચ્ચાએ કહ્યું. માઘી વાત સાંભળી ખુશ થઈ. તે બચ્ચાને ભેટી પડી. બચ્ચાને માની શિખામણ પાછળ રહેલું સત્ય સ્વાનુભવે સમજાઈ ગયું.

સ્રોત

  • પુસ્તક : અરુણિકા દરૂની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013