Havelini Chavi - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હવેલીની ચાવી

Havelini Chavi

શ્રદ્ધા ત્રિવેદી શ્રદ્ધા ત્રિવેદી
હવેલીની ચાવી
શ્રદ્ધા ત્રિવેદી

    એક મોટી હવેલી. એના વૈભવની વાત કહેતાં તો કાંઈ પાર ના આવે. એની આગળ મોટો દરવાજો. દરવાજો ખોલો એટલે આવે મોટો ચોક. દરવાજાથી હવેલીના મુખ્ય ખંડ સુધી જતો એક રસ્તો. તે આખો સરસ જાજમથી પથરાયેલો. જમણી બાજુએ ચંપાનું ઝાડ. હવેલીની પાસે તો તુલસી જ તુલસી! હવેલીની ભીંત પર જૂઈની વેલ. આવી સરસ હવેલીમાં રહે એકમાત્ર જમના શેઠાણી. તે ય એક દહાડો ગયાં ભગવાનના ઘરે. ગામ આખું હવેલી પાસે ઊમટ્યું. હવેલીને સાત ખંડો. બધાય બંધ. એક ખંડના તાળા પાસે ચિઠ્ઠી બાંધેલી. ગામના મુખી અને પંચના માણસો ભેગા થયા. ચિઠ્ઠી વાંચી : ‘આ તાળાની ચાવી આ બારણાના જમણા ટોડલા પર છે. જેનાથી એ ખૂલે તેને બધી મિલકત મળે.’

    ત્યાં આવેલાં બધાંને થયું કે, ‘આ તે કેવી વાત! ચાવી ક્યાં છે તે તો લખેલું જ છે. પછી તાળું કેમ ન ખૂલે? ચોક્કસ કંઈક ભેદ હોવો જોઈએ.’ મુખીએ ચાવી ઉતારી. ચાવી તો સાવ સીધી-સાદી હતી. બધાંએ કહ્યું એટલે મુખીએ તાળા પર ચાવી લગાડી જોઈ. તાળું ખોલવા પ્રયત્ન કર્યો. પણ આ શું? તાળું ઊઘડ્યું જ નહિ. પછી તો વારાફરતી બધાંએ પ્રયત્ન કર્યો પણ કોઈનાથી તાળું ઊઘડ્યું નહિ.

    બધાંએ નક્કી કર્યું કે, ‘ગામમાં ખબર આપીએ; જેના નસીબમાં હશે તેનાથી ખૂલશે.’ ગામમાંથી કેટલાક માણસો આવ્યા. તાળું ખોલી જોયું પણ તે ખૂલ્યું જ નહિ. દિવસે-દિવસે લોકોનું આશ્ચર્ય વધતું ગયું. રોજ અનેક માણસો આવે ને પ્રયત્ન કરે પણ તાળું ખૂલે નહિ. ગામની સ્ત્રીઓય આવી ગઈ. કોઈનાથી તાળું ખૂલ્યું નહિ હવે? કેટલાક લોકોએ વિચાર કર્યો કે બારણું જ તોડી નાખીએ તો? કોશ ને કુહાડી લઈને મંડી પડ્યા બે-ચાર જણા; પણ તોય બારણું તો જરાય હાલ્યું જ નહિ ને! લોકો તો ખૂબ આશ્ચર્યમાં પડી ગયા.

    એ અરસામાં એક ભયંકર વાવાઝોડું ફૂંકાયું. ગામની ભાગોળે નાની-નાની ઝૂંપડીઓ હતી તે તો પડી જ ગઈ; કેટલાક લોકોના ઘરના છાપરાંય ઊડી ગયાં. પેલાં ઝૂંપડાંવાસીઓની બાજુમાં કુંભારવાડો હતો. ત્યાં એક મકનજી કુંભાર રહે. તેને એક દીકરી. એનું નામ જીવી. બંને જણ એક જ ઓરડીમાં આનંદથી રહે. વાવાઝોડામાં ઝુંપડીઓવાળાનો તો ખરેખરો મરો થયો. જીવીએ જોયું તો નાનાં નાનાં છોકરાં તો બિચારાં રડારોળ કરે. પણ એ બધાં જાય ક્યાં? જીવીને થયું, ‘સાલું, મારું ઘર બહુ નાનું છે. મોટું ઘર હોત તો આ બધાંયને ઘરમાં રાખત.’ બીજી બાજુ પવન સતત વાતો જ રહ્યો. છેવટે એનાથી રહેવાયું નહિ. એ તો એકદમ દોડીને પેલાં બધાં નાનાં-નાનાં છોકરાંઓને પોતાને ત્યાં લઈ આવી. આવીને મકનજીને કહે : ‘બાપુ, આ લોકોને આજની રાત ઘરમાં રાખીશું?’

    મકનજી કહે : ‘હા, હા. બહુ સારું કર્યું બેટા!’

    જીવી કહે : ‘છાપરા તળે બેસશે તોય એમને સારું લાગશે.’ એમ કરતાં કરતાં રાત પડી જીવીની પાસે તો પોતાના બાપ અને પોતાને એમ બે જણને માંડ ચાર દહાડા ચાલે એટલો લોટ હતો. એને થયું, ‘અત્યારે બધાંય સારુ ઢેબરાં બનાવી દઉં, પણ પછી અમારું શું થશે?’ પાછું તેને થયું : ‘આ છોકરાંઓને એમ ને એમ તે કંઈ સૂવા દેવાય? ના, ના.’ ને તેણે નાનાં-નાનાં ઢેબરાં બનાવ્યાં ને બધાંને સાથે બેસાડીને ખવડાવ્યું છોકરાંઓ તો એવાં ભૂખ્યાં થયેલાં કે ખાવા બેઠાં ત્યાં બધું સફાચટ! મકનજી કે તેને માટે કશુંય ખાવાનું ના રહ્યું. જીવીને તો એમને ખાતાં જોઈને જ ખૂબ આનંદ થયો. પછી બધાં શાંતિથી ઊંઘી ગયાં. મકનજી ઓરડીની બહાર સૂતા.

    સવાર પડી. મુખી ગામની દેખભાળ કરવા નીકળ્યા. ફરતાં-ફરતાં એ ભાગોળે આવ્યા. ઝૂંપડીઓનું તો જાણે ક્યાંય નામનિશાન નહોતું. હવે આ બધાં લોકોનું કરવું શું? મુખીને થયું : ‘ચાલો હમણાં તે આ બધાંને જમના શેઠાણીની હવેનીના ચોકમાં જ રાખીએ; પછી એ લોકો એમનાં ઝૂંપડાં તૈયાર થયે ભલે પાછા ફરે.’ બધાંને લઈને મુખી હવેલી પર આવ્યા.

    પેલાં નાનાં છોકરાંઓ જોડે જીવીય ત્યાં ગઈ. જીવી તો હવેલી જોઈ બોલી : ‘બાપ રે! આવડું મોટું ઘર હોય!’ બધાં છોકરાં તો ખૂબ ખુશ-ખુશ થઈ ગયાં. તાળીઓ પાડે, નાચે ને દોડે.

    જીવી ફરતી-ફરતી હવેલીના મુખ્ય બંધ બારણા પાસે આવી. બારણા પર પિત્તળનાં કડાં હતાં. આખા બારણા પર એવી સરસ કોતરણી કે જીવીને તેના પર હાથ ફેરવવાનું મન થયું. તે જ વખતે બે ચકલીઓ લડતી-લડતી બારણાના ટોડલા પર બેઠી. બેઠી ના બેઠી ને એ તો ઊડી ફરરરર.... ને ટોડલા પર જે ચાવી હતી તે નીચે પડી ખનનન.... જીવી ચમકી. છોકરાં ભેગાં થઈ ગયાં. જીવીએ ચાવી હાથમાં લીધી. ચાવી તો સરસ ચમકતી હતી. ઉછાળી જોઈ. ખખડાવી જોઈ, ખનનન.... અવાજ. પછી તો બધાંને એ રમત થઈ પડી. ઉછાળીને થોડી વાર સૌ રમ્યાં. એટલામાં જીવીને નજર તાળા પર પડી ને તેણે ચાવી તેમાં નાંખી.

    ત્યાં જ જાણે જાદુ થયું. તાળું ખૂલી ગયું એટલે બધાં છોકરાં શોરબકોર કરવા માંડ્યાં. પહેલાં તો જીવી ગભરાઈ ગઈ. પણ પછી તેણે ધીમે રહીને તાળું નકૂચામાંથી કાઢ્યું. સાંકળ ખોલી. બધાંએ ભેગાં મળી હવેલીના એ વજનદાર બારણાને માર્યો ધક્કો. બારણું ખૂલ્યું કે પેઠાં બધાં અંદર.

    બહાર ચોકમાં બેઠેલા કેટલાક લોકોને થયું : ‘આ છોકરાંઓ આટલોબધો શોરબકોર કેમ કરે છે?’ તેમણે જઈને જોયું તો બારણું ખુલ્લું ને હવેલીના ખંડમાં કેટલાંક છોકરાં કૂદાકૂદ કરે. એક માણસ દોડતો ગયો મુખી પાસે. તાળું ખૂલ્યું છે એ જાણી મુખી આવ્યા ઝટપટ. ચમક્યા એ તો. બધાંને પૂછી જોયું તો ખબર પડી કે જીવીથી તાળું ખૂલ્યું છે. તેમણે જીવીને ઊંચકી લીધી ને બોલ્યા : ‘બેટા, તું બહુ જ નસીબદાર છે!’

    કેટલાકે ખૂબ તાળીઓ પાડી પોતાનો આનંદ બતાવ્યો. ત્યારે બે-ચાર જણા દોડતાં-દોડતાં કુંભારવાડામાં જઈ મકનજીને કહેવા લાગ્યા. ‘અરે મકનજી, ઝટ દોડ. તારી જીવલીએ તો હવેલીનું તાળું ખોલ્યું. હવે તો આખી હવેલી તારી! એય ને કરજે મજા! મૂક હવે વેગળા આ માટી ને ચાકડો.’ મકનજીએ પહેલાં તો વાત સાચી ન માની. પણ પછી બધાની સાથે તેય પહોંચ્યો હવેલી પર. હવેલી પાસે તો ખાસ્સું મોટું ટોળું થયેલું. મુખીએ જીવીને ઊંચકેલી. મકનજી આવ્યો એટલે જીવી ઝટ લઈને મુખી પાસેથી ઊતરીને મકનજીને વળગી પડી. મુખીએ કહ્યું, ‘મકનજી, તારું નસીબ ઊઘડી ગયું. જીવી બહુ પુણ્યશાળી છે. જમના શેઠાણીએ આ ચિઠ્ઠીમાં લખેલું કે જેનાથી આ તાળું ખૂલે તેને હવેલી મળે. જીવીએ  ખોલ્યું છે, માટે આજથી આ હવેલી તારી.’

    મકનજી તો જીવી સામે જોઈ જ રહ્યો. પછી બોલ્યો, ‘બેટા, જેવી ભગવાનની ઇચ્છા. મુખીપટેલ, તમે અંદર જઈને જુઓ. મને તો કશી ગમ નથી પડતી.’ મુખી કહે, ‘ચાલ, આપણે બેઉ જઈએ.’

    મુખી આગળ ને પાછળ મકનજી. બેય ગયા. અંદર મોટો ઓરડો. ઓરડાની વચ્ચે એક હિંડોળો. હિંડોળા પર એક ચિઠ્ઠી ને પાસે ચાવીઓનો ઝૂડો. મુખીએ ચિઠ્ઠી ઉપાડી. ઉઘાડી. વાંચી : ‘જેણે કોઈ પણ લાભના બદલા વગર સારું કામ – પરોપકારનું કામ કર્યું હશે તેનાથી જ આ ઓરડાનું તાળું ખૂલશે. બાજુમાં જ ચાવીઓનો ઝૂડો છે તેમાં તિજોરીની અને બીજા ઓરડાઓની ચાવીઓ છે. જેનાથી આ ઓરડો ખૂલ્યો હોય તેને આ બધું જ આશીર્વાદ સાથે આપું છું.

    લિ. જમના શેઠાણી.’

    આંખોમાં આંસુ સાથે મકનજી ઘડીમાં ચાવીઓને, ઘડીમાં મુખીને અને ઘડીમાં સામે ઊભેલાં બાળકો તથા જીવીને જોતો જ રહ્યો. પછી મુખીને પગે લાગતાં કહે, મુખીપટેલ, આ બધું અમને ના છાજે. તમતમારે અહીં રહો. મારે તો ભલી મારી એ ઓરડી!’

    મુખી કહે, ‘મકનજી, આમાં મારે કાંઈ આપવાનું નથી. હવે તો આ તારું જ છે ને તારે જ વાપરવાનું છે. જા, તારો સામાન ઓરડી પરથી અહીં લઈ આવ.’

    એટલામાં જીવી કહે, ‘બાપા, આ બધાંય અહીં છો ને રહેતાં. આટલા મોટા ઘરને કરવાનું છે શું?’

    મુખી તો જીવી સામે જોઈ જ રહ્યા. પછી મકનજી કહે, ‘હા, બેટા, ખરી વાત છે. એ જ સારું છે. આવડી મોટી હવેલીમાં આપણને તો ગમશેય નહિ, છો આ બધાંય અહીં રહેતાં.’

    આ સાંભળી બધે આનંદ-આનંદ થઈ ગયો. ત્યાં બધાંય સાથે રહેવા લાગ્યાં ને આનંદ-મજા માણવા લાગ્યાં.

સ્રોત

  • પુસ્તક : શ્રદ્ધા ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2022