ugi sawar - Children Poem | RekhtaGujarati

ઊગી સવારને ઊગ્યા સૂરજભાઈ;

સંતાણા તારલા ને સંતાણી રાતબાઈ.

ઊઠ્યાં બાલુડાં ને ઊઠ્યાં ગલૂડાં,

તડકામાં દોડદોડ ચાલી રહી.

ગાયો દોવાઈ ગઈ, ઘંટી ઉધરાઈ ગઈ;

ગોવાળો સીમમાં ચાલ્યા ગયા.

શેરી વળાઈ ગઈ, પામી છંટાઈ ગયાં;

નિશાળે છોકરાં ગાઈ રહ્યાં.

નાનેરાં બાળકો! સૂતાં હજી શું?

ઘોડિયામાં ઘોરતાં આંખો મીંચી શું?

ચાલો સૌ બાગમાં, દેવોના મંદિરે,

પાદર ને સીમમાં, ગામોના ગોંદરે.

ઊગી સવાર ને ઊગ્યા સૂરજભાઈ,

સંતાણા તારલા ને સંતાણી રાતબાઈ.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945