sakarno shokhin - Children Poem | RekhtaGujarati

સાકરનો શોખીન

sakarno shokhin

વેણીભાઈ પુરોહિત વેણીભાઈ પુરોહિત
સાકરનો શોખીન
વેણીભાઈ પુરોહિત

(પાણીનાં ટીપાં કંઈ નાનાં...એ રાગ)

નાનો બાબુ કજિયાળો ને

સાકરનો શોખીન,

ચાકરને સાકર ખરીદવા

કહેતો આખો દિન.

એક દિવસ એવું બન્યું કે

સાકર આવી શેર,

બાબુભાઈએ મનમાં ધાર્યું:

ખાવાની થઈ લહેર!

માતાજીથી છાની છાની

મુઠ્ઠી ભરી એક.

ધીમેથી ગજવામાં ઘાલી

ભાગ્યો મારી ઠેક!

જમી-રમીને બપોરના જ્યાં

સૂતા બાબુભાઈ,

સાકરની સુગંધે દોડી

આવ્યાં કીડીબાઈ!

કીડીકાકી આવ્યાં એને

સાકરની સગાઈ,

નાતીલાને ઘેર જઈને

આપી લાખ વધાઈ!

કીડીબાએ નાત જમાડી

આપી આમ ઉજાણી,

બાબુભાઈ પડખું ફર્યા, ને

બેત્રણ ત્યાં છૂંદાણી!

ચીડ ચડી ને ચટકા ભરવા

લાગી આખી નાત,

બાબુ ઠેકાઠેક કરે ને

પૂછો મા કંઈ વાત!

સાકરનો શોખીન હવેથી

ભૂલ્યો સાકર ખાવી,

વગર દાખડે માતાજીને

જડી ગઈ ચાવી!

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945