ek iDarno waniyo - Children Poem | RekhtaGujarati

એક ઈડરનો વાણીયો

ek iDarno waniyo

રમણલાલ સોની રમણલાલ સોની
એક ઈડરનો વાણીયો
રમણલાલ સોની

એક ઈડરનો વાણીયો, ધૂળો એનું નામ,

સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ!

રસ્તે અંધારું થયું, ચડિયો બીજી વાટ,

જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ.

પણ હિંમત એણે ધરી, મનમાં કર્યો વિચાર,

‘નથી કદી હું એકલો સાથી મારે બાર!’

એવે ઝાડી સળવળી, ચમક્યા ચોરો ચાર,

ખબરદાર! જે હોય તે આપી દે વાર’

કહે ધૂળો ચોરનેઃ ‘અલ્યા નથી હું એક,

બાર જણા લઈ નીકળ્યો, કરજો કાંક વિવેક!

‘કાલે કરજે ટાયલી! આજે દઈ દે માલ’

એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ!

ધૂળો કુદ્યો કોથળો વીંઝે સબોસબ!

હતાં કોથળે કાટલાં વાગે ધબોધબ,

ચોરો ખીઝ્યા, એમના ધૂળો ખાળે ઘાવ,

ક્યાંથી રે! વાણીયો શીખ્યો આવા દાવ?

આઘું પાછું નાં જુએ, ધૂળો ખેલે જંગ,

બોલે: ‘હું નહિ એકલો, હવે બતાવું રંગ!’

ચોરો ચોક્યા, એકમાં હોય આટલું જોર,

બાર જણા જો છૂટશે, થશે આપણી ઘોર!

એમ વિચારી બી ગયા, નાઠા એકી સાથ,

ધૂળો હરખ્યો: વાહ! મેં ઠીક બતાવ્યો હાથ!

વાટ જડી, ધૂળો ગયો, જાવું'તું જે ગામ,

વળતો ઘેરે ગયો પૂરું કરીને કામ!

ધૂળાની વાર્તા, પૂછે બાળ તમામ:

‘કોણ બાર તમે હતા? હવે ગણાવો નામ,

ધૂળો કહે: ‘આ હાથ બે, બે આંખો, બે પાય,

ચાર-કાટલાં કોથળે, મળી એમ દશ થાય!

છેલ્લા સાથી બે ખરા હિંમત અને વિશ્વાસ

બે વિના બીજાં બધાં થાય નકામાં ખાસ!’

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021