chando chamke chhe - Children Poem | RekhtaGujarati

ચાંદો ચમકે છે

chando chamke chhe

મૂળજીભાઈ ભક્ત મૂળજીભાઈ ભક્ત
ચાંદો ચમકે છે
મૂળજીભાઈ ભક્ત

અજવાળી રાતે રે, ચાંદો ચમકે છે,

રૂપેરી રાતે રે, તારા ટમકે છે.

પેલી આંબાડાળે, રે કોયલ ટહુકે છે,

પેલી મોગરાની વેલે રે, મોગરો મહેકે છે.

પેલા ઝાડોના ઝુંડમાં રે, આગિયા ચમકે છે,

પેલા કાનજીને માથે રે, છોગાં લટકે છે.

લીલાં તે લહેરિયાં, રે કાનજીને પટકે છે,

એના પગના ઠેકે રે, ઘૂઘરા ઘમકે છે.

એના હાથના લહેકે રે, મન મારું હરખે છે,

મારી નાનેરી બેનનું રે, મુખડું મલકે છે.

એની આંખની પાંપણ રે, પલપલ પલકે છે,

એના માથે ગાગર રે, છલછલ છલકે છે.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ