દાદાનો ડંગોરો લીધો
daadaano dangoro liidho
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
Tribhuvan Gaurishankar Vyas

દાદાનો ડંગોરો લીધો,
એનો તો મેં ઘોડો કીધો.
ઘોડો કૂદે ઝમ ઝમ !
ઘૂઘરી વાગે ઘમ ઘમ
ધરતી ધ્રૂજે ધમ ધમ!
ધમ ધમ ધરતી થાતી જાય
મારો ઘોડો કૂદતો જાય,
કૂદતાં કૂદતાં આવે કોટ,
કોટ કૂદીને મૂકે દોટ.
સહુના મનને મોહી ગયો,
એક ઝવેરી જોઈ રહ્યો,
ઝવેરીએ તો હીરો દીધો,
હીરો મેં રાજાને દીધો.
રાજાએ ઉતાર્યો તાજ,
આપ્યું મને આખું રાજ,
રાજ મેં રૈયતને દીધું.
મોજ કરીને ખાધું પીધું.



સ્રોત
- પુસ્તક : અમી સ્પંદન (પૃષ્ઠ ક્રમાંક 138)
- સંપાદક : પ્રવીણચંદ્ર દવે
- પ્રકાશક : લલિતા દવે
- વર્ષ : 2007
- આવૃત્તિ : દસમું પુનઃમુદ્રણ