ટીનનો સૈનિક
ટીનનો સૈનિક
૧૪ નવેમ્બર એટલે બાળદિન. ડેન્માર્કના લેખક હાન્સ ક્રિસ્ચન એન્ડરસનની બાળવાર્તાઓના અનુવાદ સવાસો ભાષાઓમાં થયા છે. પ્રૌઢોનેય વાંચવી ગમે એવી તેમની વાર્તા છે, ‘સ્ટેડફાસ્ટ ટીન સોલ્જર.’
ટીનના પચીસ સૈનિક હતા. બધા ભાઈ-ભાઈ, ટીનની એક જ જૂની ચમચીમાંથી પેદા થયેલા. રાતો-ભૂરો ગણવેશ પહેરીને, ખભે બંદૂક ટેકવીને, સૌ જુએ સીધુંસટ. તેમણે સૌથી પહેલાં આ શબ્દો સાંભળ્યા, ‘ટીનના સૈનિક!’ ડબ્બાનું ઢાંકણું ખૂલ્યું અને એક નાના છોકરાએ તાળી પાડીને તેમને મેજ પર ગોઠવ્યા. બધા સૈનિક સરખેસરખા દેખાતા હતા, સિવાય કે એક, જેને છેલ્લે ઘડવામાં આવેલો. ટીનની ધાતુ ખૂટી પડતાં, તેને એક જ પગ હતો. છતાં તે ઊભો હતો અડગ, બીજા સૈનિકોની જેમ. તમે જોતાં રહેજો, સાહસવીર તો એ જ નીકળવાનો!
મેજ પર ભાતભાતનાં રમકડાં હતાં. પૂઠાંનો અદ્ભુત મહેલ હતો. અરીસાથી બનાવેલા તળાવ ફરતે ઝીણકુડાં ઝાડ ઊગ્યાં હતાં. મીણથી બનાવાયેલા હંસોનાં પ્રતિબિંબ તળાવમાં તરતાં હતાં. મહેલના દ્વારે સોહામણી કિશોરી ઊભી હતી. તે હતી તો કાગળની પૂતળી, પણ તેણે પારદર્શક, જાળીદાર વસ્ત્ર પહેર્યું હતું. ભૂરી રિબિનથી બનાવેલો સ્કાર્ફ ખભે ઝૂલતો હતો. તેની વચ્ચે ચમકતું હતું ફુમતું, મુખ જેટલું મોટું. કિશોરીએ બે હાથ ફેલાવ્યા હતા, નર્તકીની જેમ, અને એક પગ પાછળ ઊંચક્યો હતો. ટીનના સૈનિકને લાગ્યું : અરે, આને પણ એક જ પગ છે, મારી જેમ!
‘આ મારી પત્ની બને તો કેવું?’ તેણે વિચાર્યું, ‘પણ ઉચ્ચ વર્ગની લાગે છે, મહેલમાં રહે છે; અને હું રહું ડબ્બામાં, બીજા ચોવીસની સાથે… ઓળખાણ તો કરવા દે.’ સૈનિક છાનોમાનો નર્તકીને નિહાળવા લાગ્યો.
રાતે ટીનના સૈનિકોને ડબ્બામાં પાછા મૂકી દેવાયા. ઘરના સૌ માણસો સૂઈ ગયા. રમકડાં અંદરોઅંદર રમવા લાગ્યાં - કદી યુદ્ધ કરે, કદી નાચે. સ્થિર ઊભાં રહ્યાં કેવળ બે - ટીનનો સૈનિક અને નર્તકી. પેલીએ એકી પગે ઊભા રહીને હાથ ફેલાવેલા રાખ્યા અને સૈનિક જોતો રહ્યો, ટગર ટગર.
સવારે ટીનના સૈનિકને છાજલી પર ગોઠવવામાં આવ્યો. એકાએક પવન ફુંકાયો, બારી ધડ દઈને ખૂલી અને સૈનિક ત્રીજે માળેથી ઊંધમૂંધ ફંગોળાયો. છોકરો અને કામવાળી બાઈ શોધવા દોડ્યાં. સૈનિક સાદ પાડતે તો જડી જતે, પણ ગણવેશ પહેરેલા સૈનિકથી કંઈ ચીસ પડાય? થોડી વારમાં વરસાદ તૂટી પડ્યો. બે રખડુ છોકરાઓએ કાગળની હોડી બનાવીને સૈનિકને ગટરમાં વહેતો મૂક્યો. મસમોટા ઉંદરે હોડી અટકાવી, ‘પાસપોર્ટ ક્યાં?’ ઉંદર દાંત કટકટાવતો પાછળ પડ્યો. હોડી વમળમાં સપડાઈને ડૂબી ગઈ. એક જાડી-પહોળી માછલી મોં ફાડીને સૈનિકને ગળી ગઈ. અંધારું ધબ્બ. સૈનિકે બંદૂક ખભાસરસી પકડી રાખી.
માછલીએ ધમપછાડા કરવા માંડ્યા. આખરે તે શાંત થઈ. અચાનક પ્રકાશ રેલાયો અને કોઈ બોલ્યું, ‘આ તો ટીનનો સૈનિક!’ માછલી પકડાઈને બજારમાં મુકાઈ હતી, તેને ખરીદીને નાના છોકરાના ઘરમાં ફરી લાવવામાં આવી હતી. રસોયણે મોટા છરાથી માછલીનું પેટ ચીર્યું અને ટીનનો સૈનિક નીકળ્યો બહાર. તેને મેજ પર મુકાયો. એનાં એ છોકરાં! એનાં એ રમકડાં! અને હા, એ જ નર્તકી, એકીપગે ઊભેલી. સૈનિકની જેમ તે પણ અડગ રહી હતી. સૈનિકને થયું કે હું ટીનનાં આંસુએ રડું, પણ સૈનિકો કદી ન રડે. બન્નેએ એકમેક સામે જોયા કર્યું. એકાએક કોઈ છોકરાએ ટીનના સૈનિકને પકડીને ફગાવ્યો સગડીમાં. કોઈ પણ કારણ વિના.
ટીનના સૈનિકે જ્વાળા પહેરી લીધી. તે દાઝ્યો, જ્વાળાથી અથવા પ્રેમથી. તેનો રંગ ઊડી ગયો, કઠોર પ્રવાસથી અથવા વિષાદથી. નર્તકી સાથે તેનું તારામૈત્રક રચાયું અને તે પીગળવા લાગ્યો. ઓચિંતી વાયરાની લહેરખી આવી અને, પરીની જેમ ઊડતી, નર્તકી પડી આગમાં, સૈનિકની સાથે. પળવારમાં તે રાખ થઈ ગઈ. ટીનનો સૈનિક પણ પીગળીને ગઠ્ઠો થઈ ગયો.
વળતી સવારે નોકરાણીએ સાવરણી ફેરવતાં જોયું કે બે જ વસ્તુ બચી છે : ટીનનું હૈયું અને કાળુંમેશ થયેલું ફુમતું.
વાચકને લાગે, આ તો મારી જ વાત. સૈનિક ‘રંગે રૂડો, રૂપે પૂરો’ નહોતો. લંગડો હતો. દરેક વાચક રિતિક રોશન ન હોય. એને આશા બંધાય કે એક પગવાળા ટીનના સૈનિકને નર્તકીનું સખ્ય મળ્યું તો મને પણ ચાન્સ છે.
સૈનિકને શિરે કેવી કેવી વિપત્તિઓ આવી પડી! ડબ્બામાંથી મેજ પર, છાજલી પર, પછી ઊંધમૂંધ ત્રણ માળ નીચે, પછી ગટરમાં વહેતી હોડીમાં, ઉંદર વડે અટકાવાયો, વમળમાં સપડાયો, પછી માછલીના પેટમાં, ફરી છોકરાની મેજ પર, છેલ્લે ફેંકાયો આગમાં. વાચકને આશ્વાસન મળે કે મુશ્કેલીઓ મને એકલાને નથી પડતી. લંગડો હોવા છતાં સૈનિક ઊંહકારો નથી ભરતો, દરેક આફતમાં અડગ રહે છે.
સૈનિકને નર્તકી સાથે પહેલી નજરે પ્રેમ થઈ ગયો. દરેક પરિસ્થિતિમાં તેનો પ્રેમ અવિચળ અને બિનશરતી રહે છે.
આગમાં ટીનનો સૈનિક ઓગળી ગયો, કાગળની નર્તકી સળગી ગઈ. બચ્યું શું? હૈયું અને ફુમતું.
જીવન નાશવંત છે પણ પ્રેમ અમર છે.
-ઉદયન ઠક્કર
